મૂત્ર સંબંધી રોગ…

ગયા અઠવાડિયે આપણે આ વિષય પર ચર્ચા શરૂ કરી હતી. એમાં આપણે મૂત્ર માર્ગમાં અવરોધક એવી પથરીની સમસ્યાની વાત કરી હતી. હવે આ વિષયને લઈને આગળ તબીબી માર્ગદર્શન મેળવીએ…
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
આપણાં શરીરના મહત્ત્વનાં અવયવોમાં કિડની એક ખૂબ જ મહત્ત્વનો અંગ છે. તે માનવશરીરની ફિલ્ટર સિસ્ટમ છે. તેના દ્વારા લોહીમાં રહેલી અશુદ્ધિઓ અને ઝેરી તત્ત્વો પેશાબ દ્વારા બહાર નીકળે છે.
સ્વસ્થ કિડનીના આધારે આપણું સ્વાસ્થ્ય નિરોગી રહે છે. આપણા શરીરમાં સરેરાશ 4થી 6 લીટર લોહી હોય છે. તેમાંથી એકસાથે 3 લીટર જેટલાં લોહીને કિડની દિવસમાં 60 વાર શુદ્ધ કરે છે. તેથી રોજ સરેરાશ 180 લીટર લોહીનું શુદ્ધિકરણ કિડની દ્વારા થાય છે. તેમાંથી ચોવીસ કલાક દરમિયાન બે લીટર જેટલો શરીરનો કચરો મૂત્ર દ્વારા બહાર કાઢે છે. તેમ જ કિડની શરીરનું બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે.
કિડનીથી લઈને મૂત્રનળી અને મૂત્રાશય (બ્લેડર) સુધીના માર્ગને યુરિનરી સિસ્ટમ કહેવાય છે. આ માર્ગમાં કોઈપણ કારણોસર નાનો એવો ચેપ લાગે તો તેને કાઢવો મુશ્કેલ છે અને તે વારંવાર પણ થઈ શકે છે. મૂત્ર સંબંધી રોગ મોટા ભાગે આપણી અસાવધાનીના કારણે જ થતા હોય છે.
અને એક સંશોધન મુજબ અત્યારે સરેરાશ 12 થી 14 લાખ લોકો કિડનીના રોગના કારણે દર વર્ષે મૃત્યુ પામે છે. તો શું આપણે સાવધાન થઈ આહાર અને જીવનશૈલીમાં બદલાવ લાવી કિડનીના રોગથી બચી ન શકીએ…?
સાવધાની
- મૂત્રના રોગને ક્યારેય પણ રોકી ન રાખવો. તેનાથી શરીરમાં અનેક મૂત્ર સંબંધી રોગ ઉત્પન્ન થાય છે.
- સ્ત્રી અને પુરુષ બન્નેએ ગુપ્તાંગ અને તેની આજુબાજુના અંગોની સફાઈ વ્યવસ્થિત રાખવી.
- સ્ત્રીઓએ મળત્યાગ બાદ ગુદા સફાઈ કરતી વખતે હાથને યોનિથી ગુદાની તરફ લઈ જવો જોઈએ. તેનાથી વિરુદ્ધ દિશામાં હાથ ફેરવી સફાઈ કરવાથી યોનિ સંબંધી ચેપી રોગ થવાની સંભાવના વધે છે.
- રોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું.
- એકસાથે વધારે પ્રવાહી ન પીવું, પરંતુ વારંવાર થોડું થોડું પ્રવાહી પીવું.
- નશીલા પદાર્થોનું સેવન ન કરવું.
- દારૂના વ્યસનથી મૂત્ર સંબંધી રોગ ખૂબ જ વધે છે, માટે તેનો ત્યાગ રાખવો.
- વધુ પડતા ફીટ અને નાઇલોનના કપડાં પહેરવા નહીં.
- મૂત્ર સંબંધી રોગવાળાએ રોજ કમસે કમ 30 મિનિટ શ્રમ કરવો. કેમ કે શ્રમથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે. અને તે મૂત્ર સંબંધી રોગ માટે ખૂબ ફાયદાકારક છે.
- મૂત્રમાં ચેપ કે મૂત્રાશયમાં સોજા જેવું જણાય તો યુરિન ટેસ્ટ કરાવી યોગ્ય ચિકિત્સકની સલાહ મુજબ સારવાર કરવી.
મૂત્ર સંબંધી રોગમાં ફાયદાકારક અમુક કસરત:
અહીં દર્શાવેલી કસરતો પેશાબ કર્યા બાદ જ દિવસમાં બેથી ત્રણ વાર કરવી.
મૂત્ર સંબંધી ચેપ-ઊનવા
- શરીરમાં થતા દરેક ઈન્ફેક્શનોમાં મૂત્ર સંબંધી ઈન્ફેક્શન બીજા નંબરનું સહુથી વધુ થતું ઈન્ફેક્શન છે.
- સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઊનવા વધુ પ્રમાણમાં થતો હોય છે.
મૂત્ર સંબંધી ચેપ-ઊનવાનાં લક્ષણ:
- પેશાબ કરતી વખતે ગુપ્તાંગમાં બળતરા સાથે દુ:ખાવો થવો.
- વારેવારે પેશાબ કરવા જવું પડે અને વધુ પડતો પીળો પેશાબ આવવો.
- પેશાબમાં લોહી આવવું.
- પેશાબમાં વધારે પડતી દુર્ગંધ આવવી.
- તાવ આવવો, કમર કે પીઠમાં દુ:ખાવો થવો.
કારણ:
- બેક્ટેરિયલ ઈન્ફેક્શન
- વધુ પડતું ગરમીમાં રહેવું તથા પેશાબના વેગને રોકી રાખવો.
- પથરી અને પ્રોસ્ટેટનો સોજો.
- મૈથુન દ્વારા થતી બીમારીઓ
સાવધાની
- ઉપરોકત લક્ષણો જો ત્રણ દિવસથી વધુ જણાય તો ચિકિત્સક પાસે યોગ્ય સારવાર લેવી.
- જો તાવ અને કમરમાં દુ:ખાવો શરૂ થાય તો તે કિડનીનું ઈન્ફેક્શન સૂચવે છે, તેવા સમયે ચિકિત્સકની યોગ્ય સારવાર લેવી.
-આ ચેપ-ઊનવાના ઉપચાર:
1) સવાર-બપોર-સાંજ 1 ચમચી ગોખરુનું ચૂર્ણ પાણી સાથે ફાકવાથી પેશાબના તમામ રોગ મટે છે.
2) સવાર-બપોર-સાંજ 1 ચમચી ગળોનું ચૂર્ણ પાણી સાથે લેવું. આ ઉપચારથી સરેરાશ 15 દિવસમાં પૂરો ફાયદો થઈ શકે છે.
3) ભીંડાનું શાક ખાવાથી પેશાબમાં બળતરા, જલન અને પેશાબ અટકી અટકીને આવતો હોય તેમાં રાહત થાય છે.
4) દિવસ દરમિયાન વારંવાર માટલાનું ઠંડું પાણી પીવું.
5) એક અઠવાડિયા માટે રોજ એક ગ્લાસ પાણીમાં બે ગ્રામ ખાવાનો સોડા મેળવીને પી જવું.
6) એકાદ ચમચી તકમરિયા 1 કપ પાણીમાં પલાળી તે પાણી પીવું.
7) બે ગ્રામ જીરું અને પાંચ ગ્રામ સાકર પાણી સાથે સવાર-સાંજ લેવું.
8) 10થી 20 જવ પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.
9) શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
10) પાતળી છાશમાં થોડો સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
11) વરિયાળીનું શરબત બનાવી તેમાં થોડો સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
12) એકાદ કપ કાકડીના જ્યૂસમાં 1 ચમચી મધ અને લીંબુનો રસ નાખીને પી જવો.
13) કોથમીરનો રસ સાકર નાખી પીવો.
આપણ વાંચો: અનેક બીમારીમાં ઉત્તમ ગણાય છે અમૃતફળ