સ્વાસ્થ્ય સુધા: સૌના લાડકાં ગણેશજીને પ્રિય તેવાં `ઉકડીચે મોદક'માં છે પૌષ્ટિક્તાનો ખજાનો… | મુંબઈ સમાચાર
તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: સૌના લાડકાં ગણેશજીને પ્રિય તેવાં `ઉકડીચે મોદક’માં છે પૌષ્ટિક્તાનો ખજાનો…

  • શ્રીલેખા યાજ્ઞિક

શ્રાવણ માસ શરૂ થાય તેની સાથે મેઘરાજાની પધરામણી થાય. મોસમમાં બદલાવની સાથે વિવિધ તહેવારોની મોસમ શરૂ થઈ જતી હોય છે. તહેવારો માનવીય જીવનને ઉત્સાહ -ઉમગંથી ભરી દે છે. સતત કામ-ભણતરના બોજાની સાથે જીવનને નવી ઊર્જા મળી જાય છે. તેમાં પણ ભાદ્રપદની શરૂઆતમાં ગણેશજીના વધામણાના દિવસોનો આનંદ અનેરો હોય છે.

મહારાષ્ટ્રના ગણેશ ઉત્સવની વાત ઘણી નિરાળી ગણાય છે. માન્યું કે હવે તો ગણેશ ઉત્સવ દેશનાં બધાં જ રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમ છતાં મહારાષ્ટ્રના ગણેશ ઉત્સવની વાત આગવી ગણાય છે…કેમ? તો તેનો ઉત્તર છે ગણેશજીના પિય વિવિધ પ્રકારના મોદક-લાડુની મોજ આપને મહારાષ્ટ્રમાં જ માણવા મળે છે. સંસ્કૃત શબ્દ નૈવેદ્ય બે શબ્દ નિવિ (પ્રણામ કરવા કે ભેટ ધરવી) તથા એદ્ય (ભોજન) બંને મળીને બન્યો છે. ભગવાન ગણેશજીને ભક્તિભાવ પૂર્વક ભક્તો વિવિધ વ્યંજનો બનાવીને નૈવેદ્ય તરીકે અર્પણ કરે છે. જેમાં `ઉકડીચે મોદક’નો નૈવેદ્ય ધરાવવાની આગવી પરંપરા છે.

મોદક-લાડુ શબ્દ વાંચીને મોંમાં અચૂક પાણી આવી જતું હોય છે. જેવા કે માવા મોદક, ચૉકલેટ મોદક, ગુલાબ મોદક, કેસર મોદક, ડ્રાયફ્રૂટ મોદક, મેંગો મોદકની વિવિધતા બજારમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં મીઠાઈની વિવિધતા વિશાળ છે. લાડુની વાત કરીએ તો પ્રત્યેક રાજ્યમાં લાડુ બનાવવાની રીત તેમ જ સ્વાદમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે ગોળના લાડુ, ખાંડના લાડુ, બુંદીના લાડુ, લક્કડીયા લાડુ, વરસાદી લાડુ, રવાના લાડુ વગેરે. મહારાષ્ટ્રમાં ઘરે-ઘરે બનતાં અત્યંત સ્વાદિષ્ટ લાડુ એટલે જ `ઉકડીચે મોદક’. ભગવાન ગણેશજીને નૈવેદ્ય કે ભોગ તરીકે ધરાવવામાં આવતાં ઉકડીચે મોદકની વાત કંઈક હટકે જોવા મળે છે. કેમ કે લાડુ બનાવવાની વિધિમાં તળવા માટે ઉપયોગમાં લેવાતાં તેલ-ઘીનો વપરાશ ઘણો ઓછો કરવામાં આવે છે. તેથી જ ઉકડીચે મોદક નાના-મોટા બધાને પ્રિય હોય છે.

સામાન્ય રીતે લાડુની વાત આવે એટલે આપણે મોટા કે નાના આકારના ગોળ લાડુની કલ્પના કરીએ. મહારાષ્ટ્રમાં બનતાં `ઉકડીચે મોદક’ કદમાં સામાન્ય લાડુની સરખામણીમાં દેખાવમાં નાના તથા સફેદ હોય છે. તેમજ તેને બનાવતી વખતે તેને કમળના ફૂલનો આકાર આપવામાં આવે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં લાડુ ઘઉંના કકરા લોટના કે ચણાનો લોટ ભેળવીને બનાવવામાં આવે છે. જે દેખાવમાં બેઠા આકારના ગોળાકાર હોય છે. મહારાષ્ટ્રમાં મોદક બનાવવામાં ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના ઉપરી પડની અંદર નાળિયેરનું છીણ, ગોળ તથા સૂકામેવાનો ઉપયોગ કરવામાં આવે છે. વળી આ લાડુને તૈયાર કર્યા બાદ તેને વરાળમાં બાફવામાં આવે છે.

ગરમાગરમ મોદકની ઉપર 1 નાની ચમચી શુદ્ધ ઘી લગાવીને ભોગ ધરાવવામાં આવે છે. ગરમાગરમ મોદક તૈયાર થતાં હોય ત્યારે તેની અંદર ભરેલા માવા-તેજાનાને કારણે તેની સોડમ સમગ્ર વાતાવરણને મધઝરતું બનાવી દે છે. મહારાષ્ટ્રની પારંપારિક મીઠાઈમાં વિવિધ પ્રકારના સુંદર કમળ આકારના નાના-નાના માવાના મોદકની સાથે ઉકડીચે મોદક બનાવવાની ખાસ પરંપરા છે. મોદક બાફીને બનતા હોવાને કારણે તે વધુ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. ચોમાસામાં પેટને હલકું-ફૂલકું રાખે છે. ચોખાના લોટનો ઉપયોગ થતો હોવાને કારણે તેમાં વિટામિન બી-1, પ્રોટીન તથા કાર્બોહાઈડે્રટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. મોદકની અંદર ભરવામાં આવતાં મિશ્રણમાં નાળિયેર-ગોળ-સૂકોમેવો- એલચી-જાયફળના પાઉડરને ભેળવીને શુદ્ધ ઘીમાં શેકવામાં આવે છે. જેને કારણે તે પાચન માટે ઉત્તમ બની જાય છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : હૃદય આકારના અળવીના પાનમાં છે સ્વાદની સાથે સેહતનો ખજાનો…

ઉકડીચે મોદક
સામગ્રી : 1 કપ ખાસ ઉકડીચે મોદક માટેનો ચોખાનો તાજો લોટ, સવા કપ પાણી, પૂરણ બનાવવા માટે : દોઢ કપ તાજું છીણેલું નાળિયેર, 1 નાની વાટકી ગોળ, 1 નાની ચમચી એલચી પાઉડર, 1 નાની ચમચી જાયફળ પાઉડર, 1 મોટી ચમચી ઝીણો સમારેલો સૂકો મેવો ( કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા) 5-6 તાંતણા કેસર, ચપટી મીઠું, 2 ચમચી ઘી, મોદક બનાવવાનો સંચો.

બનાવવાની રીત : સૌ પ્રથમ એક પિત્તળની કે સ્ટીલની જાડી કડાઈમાં સવા કપ પાણી ગરમ કરવા મૂકવું. તેમાં ચપટી મીઠું ભેળવવું. પાણી ઉકળવા લાગે એટલે આંચ ધીમી કરીને તેમાં ધીમે ધીમે ચોખાનો લોટ ભેળવવો. લોટ પાણીમાં બરાબર ભળી જાય ગાંઠા ના પડે તેમ હલાવી લેવું. મિશ્રણને ઢાંકીને 2-3 મિનિટ માટે રાખવું. હવે બીજી કડાઈમાં ગોળને ઓગાળવા મૂકવો. તેમાં નાળિયેરનું તાજું છીણ ભેળવીને બરાબર એકરસ કરી લેવું. સૂકો મેવો તથા કેસર, એલચી પાઉડર, જાયફળ પાઉડર ભેળવીને મિશ્રણ તૈયાર કરીને ઠંડું કરવું. ચોખાના લોટને બરાબર મસળી લેવો. ત્યારબાદ તેના નાના ગોળા બનાવી લેવાં. મોદક બનાવવાના સંચામાં લોટ લગાવીને અંદર તૈયાર કરેલું મિશ્રણ ભરીને દબાવીને મોદક તૈયાર કરવાં. મોદક બરાબર નીકળે તે માટે સંચામાં થોડું ઘી લગાવી લેવું. બધા જ મોદક તૈયાર થાય ત્યારબાદ તેને ચારણીમાં ગોઠવીને વરાળથી 10 મિનિટ માટે બાફી લેવાં. ગરમાગરમ મોદકને એક નવી ડીશમાં કાઢીને ઉપરથી થોડું કેસરવાળું પાણી તથા શુદ્ધ ઘી લગાવી દેવું. સ્વાદિષ્ટ મોદકનું નૈવેદ્ય ગણેશજીને અર્પણ કરીને પસાદી ગ્રહણ કરવી.

ઉકડીચે મોદકના આરોગ્યવર્ધક ગુણો

આયર્નના સ્તરને વધારે છે
ઉકડીચે મોદકનું ખાસ પૂરણ (નાળિયેર-ગોળ-સૂકોમેવો-એલચી-જાયફળ) તૈયાર કરવામાં આવે છે. જેમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેથી તેનું સેવન કરવાથી લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધવા લાગે છે. શરીરમાં વારંવાર નબળાઈ આવી જવી કે એનિમિયાની તકલીફમાં ઉકડીચે મોદકનું સેવન ગુણકારી ગણાય છે.

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી
ઉકડીચે મોદક તૈયાર કરતી વખતે તેમાં નાળિયેરનું છીણ ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. નાળિયેરમાં સ્ટેરોલ્સ હોય છે. જે એલડીએલ કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. એચડીએલ જે સ્વાસ્થ્ય માટે સારા ગણાતા કૉલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં મદદ કરી શકે છે. વળી નાળિયેરમાં આવશ્યક્તા પમાણમાં ટ્રાયગ્લિસરાઈડ હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.

પાચનતંત્રને મજબૂત બનાવવા માટે ગુણકારી
ઉકડીચે મોદકમાં સપ્રમાણ માત્રામાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. પાચનતંત્રને મજબૂત બનાવવામાં ઉપયોગી બને છે. આંતરડામાં ચોંટી ગયેલાં ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જેથી પાચનતંત્રમાં સુધારો થાય છે. લાંબા સમયથી કબજિયાતની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે ઉપયોગી બને છે.

વજનને ઘટાડવામાં લાભકારી
તહેવારોમાં મન આનંદિત હોવાને કારણે તથા વિવિધ મીઠાઈનો સ્વાદ માણવાને કારણે વ્યક્તિનું વજન વધી જતું હોય છે. મોટાપો જે ઘણી વખત વ્યક્તિ માટે સમસ્યા બની જાય છે. ઉકડીચે મોદકનો આહારમાં ઉપયોગ વજનને નિયંત્રણમાં રાખવા માટે લાભકારી ગણાય છે.

હાડકાંની મજબૂતાઈ માટે ગુણકારી
પ્રોટીન, વિટામિનથી ભરપૂર તેવા ઉકડીચે મોદકમાં ઉપયોગમાં લેવાતા નાળિયેરમાં મેંગેનિઝની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જે હાડકાંની તંદુરસ્તી માટે ગુણકારી ગણાય છે. મોદક તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી શુદ્ધ ગરમ ઘી મૂકવામાં આવે છે. તો ઘીમાં બ્યૂટિરિક એસિડની માત્રા વધુ હોય છે. જે હાડકાં તથા સાંધાની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. તેમજ શરીરમાં સોજા વારંવાર આવી જતાં હોય તેને દૂર કરવામાં ઉપયોગી ગણાય છે. જેને કારણે ઉકડીચે મોદક સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ઉકડીચે મોદક તૈયાર કરતી વખતે ભરવાનું જે પૂરણ તૈયાર કરવામાં આવે છે તેમાં નાળિયેરની સાથે ગોળ વાપરવામાં આવે છે. કેમ કે ગોળમાં ફોલેટ તથા આયર્ન જેવા પોષક ગુણો સમાયેલાં હોય છે. જે લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદ કરે છે. આમ આ મોદકનો આહારમાં ઉપયોગ સ્વાદની સાથે પ્રાકૃતિક રીતે જ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધાઃ સદાબહાર યુવાન બનાવતું સ્વાદિષ્ટ-પૌષ્ટિક ફળ લૈંગસૈટ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button