તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી- ત્રાટકથી શું થાય છે?

ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- સાવચેતી:
- આંખ પર અનાવશ્યક દબાણ કે તણાવ ન આવે તેની કાળજી રાખવી.
- મન ઉપર પણ દબાણ ન આવે તેની કાળજી રાખો. ત્રાટક એક આનંદદાયક અભ્યાસ બની રહેવો જોઈએ, ત્રાસદાયક નહીં.
- અભ્યાસ ધીમે ધીમે વધારવો જોઈએ. ઉતાવળ કરવામાં જોખમ છે.
- ત્રાટકનો અભ્યાસ દૃષ્ટિશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ માટે છે. એ સિવાય અન્ય મલિન હેતુ માટે ત્રાટકનો અભ્યાસ ન કરવો.
- જેમને આંખની તકલીફ હોય તેમણે ત્રાટકનો અભ્યાસ ન કરવો.
- સમય:
- રાત્રિની શાંતિમાં ત્રાટકનો અભ્યાસ વધુ ઉપકારક બને છે.
- દસ મિનિટથી માંડીને રોજ એક મિનિટ વધારતા જાઓ. આ રીતે ત્રાટકનો અભ્યાસ બે કલાક સુધી પહોંચાડી શકાય છે. બે કલાક સુધી પહોંચ્યા પછી એકાદ વર્ષમાં ત્રાટક સિદ્ધ થાય છે, એવી પરંપરાગત માન્યતા છે.
- ત્રાટકમાં વિઘ્નો:
- ઘણીવાર ત્રાટકમાં ઊંઘ બાધારૂપ બને છે.
- મનની ચંચળતા-વિચારોની સાંકળ ત્રાટકમાં બાધારૂપ બને છે.
- કંટાળો એ પણ ત્રાટકમાં એક વિઘ્ન છે.
- ત્રાટક એક યાંત્રિક ક્રિયા બની જાય તો પ્રગતિ અટકી જાય છે. એ એક જીવંત પ્રક્રિયા બની રહેવી જોઈએ.
- ઘણા સાધકો કોઈને કોઈ કારણોસર ત્રાટકનો નિયમિત અભ્યાસ કરતાં નથી. અનિયમિતતા બાધારૂપ છે.
આ પાંચે વિઘ્નોમાંથી મુક્ત રહી શ્રદ્ધા અને ધૈર્યપૂર્વક લાંબા સમય સુધી ત્રાટકનો અભ્યાસ કરવામાં આવે તો તે સિદ્ધ કરી શકાય છે.
- ત્રાટકથી શું થાય છે?
- એકાગ્રતાથી શક્તિ વધે છે.
- ધ્યાનમાં પ્રવેશ થાય છે.
- સંકલ્પ શક્તિ વધે છે.
- ચક્ષુનું શોધન થાય છે. આંસુ બહાર આવવાથી ચક્ષુના મળ નીકળી જાય છે અને દૃષ્ટિ પરિશુદ્ધ થાય છે.
- ચિત્તનું શોધન થાય છે. અજાગૃત મનનાં સંસ્કારો ઉપર આવે છે અને તેમનું વિરેચન થાય છે. પરિણામે ચિત્તશુદ્ધિ થાય છે.
- ત્રાટકના અભ્યાસથી કેટલીક વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ સાધકે તેના રવાડે ચડવું નહીં.
- શાસ્ત્રમાં ત્રાટક:
સ્થિર દૃષ્ટિથી, એકાગ્ર થઈને સૂક્ષ્મલક્ષ્યને ત્યાં સુધી જોવું જોઈએ જ્યાં સુધી આંખમાંથી આંસુ બહાર ન આવે. આચાર્યોએ આ ક્રિયાને ત્રાટક કહેલ છે. - જલનેતિ
- નામ:
આ ક્રિયામાં જલ દ્વારા નાકની અંદરના ભાગનું શોધન કરવામાં આવે છે તેને જલનેતિ કહે છે. - પદ્ધતિ:
- એક નાળચાવાળો પ્યાલો લો. નવસેકું પાણી લો. તેમાં થોડું મીઠું ઉમેરો. પ્યાલો આ પાણીથી ભરો.
- ઊભા રહીને કે ઊભડક પણે બેસીને આ ક્રિયા કરી શકાય છે.
- કોઈપણ એક નસકોરાની અંદર પ્યાલાનું નાળચું ગોઠવો. મસ્તક સહેજ આગળ વાળો. જે બાજુના નસકોરામાં નાળચું ગોઠવ્યું હોય તેની વિરુદ્ધ દિશામાં મસ્તક ધીમેધીમે ત્રાંસુ વાળો.
- પ્યાલો ધીમે ધીમે ઊંચો કરો. પાણી ધીમે ધીમે બીજા નસકોરામાંથી આવવા લાગશે. પ્યાલો ધીમેધીમે ઊંચો કરતા જાઓ અને મસ્તક ત્રાંસુ કરતાં જાઓ. પાણીની ધારા એકધારી રહે તે જુઓ.
- આ ક્રિયા દરમિયાન મુખ ખુલ્લું રાખો, જેથી શ્ર્વાસોચ્છ્વાસ મુખથી ચાલ્યા કરે.
- આજ રીતે જલનેતિ બીજી બાજું પણ કરો.
- બંને બાજુથી આ રીતે શોધન કર્યા પછી નાક બરાબર સાફ કરો. નાકમાંનું બધું પાણી બહાર નીકળી જાય તે આવશ્યક છે. માથું આગળ નમાવી, બંને બાજુ વારા ફરતી ત્રાંસુ કરી પાણી બહાર આવવા દો પછી નાક છીંકારીને સાફ કરો. આંખ પર ઠંડું પાણી છાંટો. મુખ સાફ કરો. થોડી કપાલભાતિ કરો.
- વિશેષ નોંધ:
- પ્રારંભમાં ઠંડા પાણીથી નેતિ કરવી નહીં. પાણી બહુ ગરમ પણ ન હોવું જોઈએ. ઠંડા પાણીથી જલનેતિ કરવાથી શરદી થવાનું જોખમ છે. જો વધુ ગરમ પાણી હોય તો નાકમાં બળતરા થાય છે. તેથી પાણી સહેજ નવસેકું જ હોય તે આવશ્યક છે. અનુકૂળ હોય તો લાંબા અભ્યાસ પછી ઠંડા પાણીથી જલનેતિ કરી શકાય છે.
- નેતિ માટેનો પ્યાલો સ્વચ્છ રાખવો જોઈએ. પ્રારંભમાં અને અંતે ગરમ પાણીથી સાફ કરવો અને ધૂળ વગેરે ન લાગે તેવી સ્વચ્છ જગ્યાએ મૂકવો.
- જલનેતિમાં સામાન્યત: બંને બાજુથી 100 સી.સી. પાણી પસાર થવું જોઈએ.
- જલનેતિથી શું થાય છે?
- આંખનું સ્વાસ્થ્ય જળવાય રહે છે.
- શીરદર્દમાં રાહત આપે છે.
- નાકના મસાને દૂર કરે છે.
- નાક બંધ થઈ જવાની ફરિયાદ દૂર કરે છે.
- દુગ્ધ નેતિ:
કોઈ જાણકારના માર્ગદર્શન હેઠળ, વિશેષ હેતુ માટે પાણીને બદલે દૂધ લઈને પણ નેતિ કરવામાં આવે છે. આ ક્રિયાને દુગ્ધનેતિ કહે છે. (ક્રમશ:)



