આહારથી આરોગ્ય સુધીઃ બહાર ખાવાથી બચો..

ડૉ. હર્ષા છાડવા
આધુનિક સમયમાં કેમિકલનો વપરાશ અતિભારે પ્રમાણમાં વધ્યો છે. સહજ જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે કારણ લગભગ બધાજ બાહ્ય ખાદ્ય-પદાર્થમાં ટોકસીક કેમિકલ (ઝેરી રસાયણ)નો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. જેના કારણે બીમારીઓ વધી રહી છે. આજના સમયમાં લગભગ નવી પેઢીએ કામકાજી પેઢી છે જે બાહ્ય ખાદ્ય-પદાર્થ પર વધારે નિર્ભર છે.
પેકેટ ફૂડનો વધુ ઉપયોગ થાય છે. બાહ્ય ખાદ્ય-પદાર્થને ટકાવવા એટલે કે સેલ્ફ લાઈફ વધારવા માટે તેનો દેખાવ વધારવા કે ટેસ્ટને ટકાવવા માટે કેમિકલનો વધુ ઉપયોગ થાય છે. જેથી કરીને લોકોના શારીરિક, માનસિક અને આર્થિક રીતે અસરો દેખાવા લાગી છે. જેની ઊંડી અસર પડી છે એટલે કે પહેલા શરીરને નુકસાન થાય, પછી માનસ પર અસર પડે અને આર્થિક નુકસાન વેઠવો પડે છે.
ખાદ્ય-પદાર્થમાં રસાયણોના ઉપયોગના કારણે પાચન તંત્ર પર સૌથી પહેલી અસર દેખાય છે. તેમાં કબજિયાત, અગ્નિમાંધ, અપચો, ગેસ, ઝાડા, ઉલ્ટીથી શરૂઆત થાય છે. ત્યારબાદ, વજન વધવું કે ઘટવુંની સમસ્યા ત્યારબાદ અન્ય ઘાતક રોગોની શરૂઆત થાય છે. મિનરલ્સની ઓછપ, વિટામિનનું બગડવું, ડાયાબિટીસ, હૃદયની બીમારી, કિડનીની વ્યાધિઓ વગેરે.
પ્રોસેસ કરેલા ખાદ્ય-પદાર્થ જે વધુને વધુ ગરમ થાય ત્યારે તેમાં કાર્બોસીમેથીલીન અને કાર્બોસીએથીલીન જેવાં ઝેરી તત્ત્વ વધી જાય જેના કારણે શરીરમાં ગ્લેકસોલ જેવા પદાર્થ પેદા થાય જેના કારણે એન્ડવાસ ગ્લાયેકન એન્ડ પ્રોડક્સન A. G. E. વધી જાય (એટલે શરીરમાં ખરાબ પ્રકારનું ગ્લુકોઝ વધી જાય. ઈન્સ્યુલિનની સમસ્યા પેદા થાય અને ડાયાબિટીસની વ્યાધિ શરૂ થઈ જાય.
દૂધને જ્યારે ઉકાળીને ખૂબ જ ઘાટું કરવામાં આવે ત્યારે તેમાં સાકર નાખવામાં આવે ત્યારે હજુ વધુ ઘાટું થતાં કાર્બોસી જેવાં પદાર્થ અંદર પ્રમાણમાં ભેગા થાય અને શરીરમાં ચરબી (સફેદ ફેટ) ખરાબ થાય અને અવયવને નુકસાન થાય વજન વધવા માંડે છે. સાકર વધુ ગરમ થતાં તે કાર્બન છોડે છે. દૂધને કે માવાને ટકાવી રાખવા માટે ફોર્માલ્ડીહાઈડનો ઉપયોગ થાય છે.
ચહાને ટકાવવા કે સ્વાદ વધારવા માટે ફરફયુરાલ, ટેનિન એસિડ, ટેનીક એસિડ, કોકવા, કેફેન જેવા પદાર્થ નાખીને બનાવાય છે જે શરીર માટે ઝેરી છે અને નશાકારક છે જેના કારણે બ્લડપ્રેશર વધી જાય છે. ક્રીએટીનાઈન વધી જતાં ડાયાલિસિસ કરાવું પડે છે.
જામ, સોસ, ચીલીસોસ, સોયાસોસ, કેચપ, અથાણાં, ચટણીઓ બનાવવા માટે એસેટીક એસિડ, સોડિયમ બેન્ઝાઈટ, કેમિકલવાળા નમક, સ્ટેબીલાઈઝર (જે એક પ્રકારનું ઘાટું કરવાનું સોડિયમ છે) કલર માટે પણ એમરથ, વુલગ્રીન, સનસેટ યલો જેવા રસાયણ યુક્ત કલર નાખવામાં આવે છે જેના કારણે થાઈરોઈડ જેવી બીમારી તો નક્કી જ છે. યુરિક એસિડ વધી જાય, ચયાપચનની નાડી પર સોજો આવતા કેલ્શિયમ ખોરવાઈ જાય અને થાઈરોઈડ ગ્રંથિ પર સોજો આવે. સાથે સાથે વાળ વધુ ખરવા લાગે છે.
થાઈરોઈડ દવા જે કેમિકલથી જ બને છે તે લાંબો સમય લેવાને કારણે વોટરરીટેશન થાય (શરીરમાં પાણી ભરાય) શરીરમાં વિટામિન ડીની ઓછપ થાય, શરીર ફૂલવા લાગે છે. યાદશક્તિ બગડી જાય છે. ઘણીવાર ગોઈટર જેવી બીમારી થાય જેના કારણે આંખના ડોળા બહાર તરફ ધકેલાય છે.
બ્રેડ, બિસ્કીટ, કેક, બ્રાઉની, ખારી, ટોસ બનાવવામાં હાઈડ્રોજનેટ ઘી (નકલી ઘી) માર્ગરીન વપરાય છે. ઈમ્લસીફાયર વપરાય છે જે સો નંબરથી પાંચસો નંબરના છે જે પેકેટ પર લખેલા હોય છે તે બધા જ કેમિકલ છે. આ બધાને કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય તેમજ સાકરનું પ્રમાણ પણ વધી જાય છે. આ.બી.એસ. આંતરડા પર સોજા, આંખમાં મોતિયો, હાડકામાં દુખાવો, ગેસ વધુ થવો જેવી સમસ્યા થાય છે.
મીઠાઈઓમાં કલર વધુ નાખવામાં આવે છે. આઈસક્રીમમાં તો કેમિકલના જમાવડો જ છે. તે દૂધથી નહિ નકલી ઘીથી જ બને છે. આઈસક્રીમમાં નાખવામાં આવતાં રસાયણો મોટું લિસ્ટ છે. મીઠાઈ પણ નકલી ઘી અને રિફાઈન્ડ તેલથી બને છે. રિફાઈન્ડ તેલમાં કોઈ રંગ કે વાસ હોતી નથી તેથી તેનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં થઈ રહ્યો છે.
તેલને રિફાઈન્ડ કરતી વખતે લગભગ દસથી પંદર પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે. જેના કારણે સંધિવાત, કે હાડકાં વળવા, ઓસ્ટીયોપોરોસીસ, વિટામિન ડીની ઊણપ થવી તેમજ હાડકાંમાં કેલ્શિયમ ઘટી જવું, કમરમાં દુખાવો, ગોઠણમાં દુખાવો થવો. શ્વાસ લેવામાં મુશ્કેલી, ફેટી લીવર જેવી વ્યાધિઓ થાય છે. નકલી ઘીના કારણે ટીબી જેવી બીમારી પણ થઈ શકે.
કોલ્ડડ્રીંક અને ચાઈનીઝ પદાર્થમાં રંગનો વધુ ઉપયોગ થાય છે. તેમજ સોડિયમ અને પ્રિઝર્વેટીવના કારણે હાડકાં પોચા પડી જાય છે. શરીર એનિમીક થતું જાય છે. ચામડી પર લાલ ધાબા થઈ જાય છે.
કુરકુરે, ચીપ્સ, ફ્રાયમ જેવી ખાદ્ય-પદાર્થની વસ્તુઓમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે, જેથી વારંવાર ખાવાનું મન થાય છે. આના કારણે સોરાસીસ જેવી તકલીફ થાય છે. જે ઘણીયે દવા કરવાથી મટતો નથી.
હોટલો, લારી કે ધાબા પર રિફાઈન્ડતેલ ખાવાનું ટકાવી રાખવા માટે મોટા પ્રમાણ કેમિકલ નંખાય છે. ફ્રીઝરમાં તે કડક ન થાય તે માટે પણ કેમિકલ વાપરે છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થાય છે. પ્રેશર વધી જાય, એસિડીટી થાય છે.
કેમિકલ, પ્રિઝર્વેટીવ કે લાંબી પ્રોસેસના કારણે ફૂડની સેલ્ફલાઈફ તો વધે છે પણ તે શરીરમાં જતાં કાર્બન વધુ છોડે છે. શરીરનાં અવયવોને હાનિ પહોંચાડે છે. શરીરને બીમારીથી ગ્રસ્ત બનાવે છે તેની માટે દવાનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. દવાની સાઈડ ઈફેક્ટના કારણે બીજી વધુ બીમારીઓ થાય છે. એલોપથી દવા ડીઝલ, પેટ્રોલ, નાફતા ફીનોલ હેમજીન જેવી પેટ્રોલિયમ પદાર્થથી જ બને છે. કેમિકલના લિસ્ટની ખૂબ જ લાંબી યાદી છે. સ્વસ્થ રહેવા માટે કામકાજી જીવનને સુગમ બનાવવા માટે ભોજનનું આયોજન કરો કે બાહ્ય પદાર્થથી બચી શકાય.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ સફેદ ચરબી (ફેટ) પર નિયંત્રણ જરૂરી…



