આજની ટૂંકી વાર્તા: રાતરાણીની સુગંધ

-રાજેશ અંતાણી
રિયા કૌશલના ભાવુક ચહેરાને જોઇ રહી- એ જાણતી હતી કે કૌશલ કેરિયર ઑરિયેન્ટેડ હતો. એની આંખોમાં સતત સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં તર્યા કરતાં રિયાએ કહ્યું – તો? તું શું કહેવા માગે છે? આપણાં લગ્ન પછી પણ એ શક્ય નથી?
અચાનક બારી ખૂલી ગઇ….
રિયા ચમકી.
બારીમાંથી આવતો ધીમો ધીમો પવન-ગમે એવો. આખાય શરીરને સ્પર્શીને પવન આગળ નીકળી ગયો.
રિયાના શરીરમાંથી ઝણઝણાટી પસાર થઇ ગઇ. આ પવન કંઇક જુદો હતો. ધીરે ધીરે અસ્ત થતા શિયાળા પછીનો માદક પવન… આ પવનમાં કશુંક જુદુ હતું. જે આખાય શરીરને હચમચાવી ગયો. અંદર ઊંડે સુધી પહોંચી ગયેલી ઇચ્છાઓ પ્રદિપ્ત થવા લાગી.
રિયાએ ઊંડો શ્વાસ લીધો.
આસપાસ જોયું. આખાય ફલેટમાં પથરાયેલો અંધકાર. એ પલંગને અઢેલીને અંધકારને તાકી રહી હતી. બાજુના રૂમમાં વૃંદા અને શોભા ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં. અત્યારે હવા સ્થિર થઇ ચૂકી હોય એવું લાગ્યું. પણ ખુલી બારીમાંથી મંદમંદ પવન તો આવી રહ્યો હતો. એ પવન શરીર સાથે ઘસાઇને કંઇ કેટલું યાદ કરાવી રહ્યો હતો.
રિયાએ કૌશલને ફોન જોડયો.
કૌશલનો ફોન સ્વિચ્ડ ઑફ-
રિયાએ વૉટ્સએપ મૅસેજ પણ જોયા. કયાંય કૌશલનો મૅસેજ ન દેખાયો. નૉન્ સૅન્સ- શું સમજે છે એના મનમાં? મારે એની સાથે ખાસ અગત્યની વાત કરવાની છે અને એ મને સતત ટાળતો રહ્યો છે.
રિયા ઉશ્કેરાઇને મનોમન બબડી. ફોન એક તરફ ફેંકીને લૅપટોપ નજીક ખેંચ્યું-ઑન કરીને જોવા લાગી. સ્ક્રીન પર આજે પૂરા કરેલાં ટાસ્ક-પ્રોગ્રામ્સ સરકવા લાગ્યા. કૌશલ અત્યારે કદાચ ઑનલાઇન હતો. રિયાએ એની પસર્નલ આઇ.ડી.માં મેઇલ કર્યો. થોડીવારે મેઇલ ડિલિટ થઇને એની આંખે સામે સ્થિર થયો.
રિયા ખુલી ગયેલી બારી બહાર જોવા લાગી.
આકાશનો અંધકાર ભરેલો ટુકડો… ક્યાંક દૂર સુધી વિસ્તરેલા તારાઓનું ઝુમખું… કેવી સ્વચ્છ અને માદક રાત છે…
રિયાની આંખો સામે કૌશલનો ચહેરો સ્થિર થયો. કૌશલની મોહક બદામી સ્થિર આંખો ચશ્માના સફેદ કાચ પાછળ, સતત ખોવાયેલી રહેતી આંખો… કૌશલને પહેલીજ વાર જોઇને મોહિત થઇ જવાયું. રિયા કૌશલને અચાનક જ મળી હતી. એ પણ એની ઑફિસમાં -પછી-
રિયાનું મન અવશ બની ગયું.
એ કૌશલને સતત યાદ કરી રહી છે.
હમણાં તો કેટલાય સમયથી મળાયું પણ નથી. વર્ક ફ્રોમ હોમને કારણે વાતો પણ એ ઑફિસના કામની. સાંજે રિયા પરવારીને કૌશલ સાથે વાતો કરવાનો પણ પ્રયત્ન કરતી. પણ એ એનો પ્રયાસ નિષ્ફળ જતો. રાતે પણ એ કામમાં ડૂબેલો હોય.
અંધકારના ટુકડાને જોતાં રિયા વિચારી રહી એ જે રીતે કૌશલને યાદ કરી રહી છે એમ એને કૌશલ યાદ કરતો હશે?
આકાશના અંધકારમાં આ પ્રશ્નનો ઉકેલ શોધવાનો હતો. રિયા વિચારતી હતી કે મારે મારા જીવન વિશે એક નિર્ણય લેવાની ક્ષણ આવી ગઇ છે. ત્યાં આ કૌશલ…
રિયા બારી બહાર ફેલાયેલા આકાશના અંધકારને તાકી રહી. રિયા બી.ઇ. કૉમ્પ્યુટર પૂરું કરીને કૅમ્પસમાં આવેલી એક-બે કંપનીમાં જોડાઇ હતી પણ ક્યાંય ફાવતું ન હતું. એ જોબ છોડીને એને ઘેર જ ભુજ પાછી ફરી હતી. પપ્પાની સલાહથી કેટલીક કંપનીઓમાં એપ્લાય કરેલું. અચાનક અમદાવાદની એક આઇ.ટી. કંપનીમાં ઑનલાઇન ઇન્ટરવ્યૂ થયો. એ સિલેક્ટ થતાં ભુજથી અમદાવાદ આવી. ગાંધીનગરમાં એના ચંદ્રા માસી રહેતાં હતાં. પ્રકાશ માસા- પ્રકાશ માસા સચિવાલયમાં સારી જગ્યાએ હતા. એમને કોઇ સંતાન ન હતું. પણ એ લોકોને રિયા પ્રત્યે ખૂબ પ્રેમ હતો.
રિયા ભુજથી આવીને એ લોકો સાથે રહેવા આવી હતી. પહેલે દિવસે કંપનીમાં હાજર થવા પહોંચી અને એમના બૉસે રિયાનું કામ જોયું પછી એમણે કહ્યું કે ‘તમારે અમારા સિનિયર વૅબ ડેવલપરને કૌશલ જોશી પાસે થોડો સમય કામ કરવાનું રહેેશે. પછી રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્વતંત્ર કામગીરી આપવામાં આવશે.’ રિયાને એમના બૉસ કૌશલ પાસે મૂકી ગયા-એમણે કૌશલ સાથે પરિચય કરાવ્યો. કૌશલને કેટલીક કામની સૂચનાઓ આપીને ચાલ્યા ગયા.
બૉસ ગયા પછી રિયા કૌશલની નજીક આવી. પી.સી. પર સ્થિર થયેલો ચહેરો ઊંચો થયો. કૌશલે રિયા તરફ જોયું. એની મોહક બદામી આંખો રિયાના ચહેરા પર સ્થિર થઇ ગઇ. રિયાનો સુંદર ચહેરો જોતાં કૌશલના ચહેરા પરના ભાવ ફરી ગયા. રિયાએ અંદર કશુંક અનુભવ્યું. જે એના સમગ્ર અસ્તિત્ત્વને કૌશલ તરફ ખેંચી રહ્યું હતું. ધીમે ધીમે સભાનતા કેળવીને કામની વાત થઇ.
આ પણ વાંચો…આજની ટૂંકી વાર્તા : આઇ એમ સ્યોર…તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા
કૌશલે રિયાને એક પ્રોજેક્ટ સોલ્વ કરવા આપ્યો.
કૌશલની બાજુની ચેમ્બરમાં રિયા ગોઠવાઇ ગઇ. પી.સી. ઑન થતાં રિયા થડકી ગઇ. સ્ક્રીન ઑના થતાં રિયાને સ્ક્રીન પર કૌશલની મોહક બદામી આંખો સ્થિર થયેલી દેખાઇ… એ ક્ષણ પછી તો કૌશલ સાથેનો સંબંધ આગળ વધતો ગયો. કૌશલ અમદાવાદનો જ હતો. આ કંપનીમાં ઘણા સમયથી હતો. એકાદ વાર તો એ યુ.એસ. પણ જઇ આવ્યો હતો. સંંબંધ આગળ વધતો જતો હતો. એકવાર રિયા કૌશલને રેસ્ટોરન્ટમાં લઇ ગઇ. કૌશલ કંઇક કામની ચિંતામાં હતો અને એ રિયા સાથે મન વગર આવ્યો હતો. ખૂણાની ટેબલ પર ગોઠવાતાં રિયાએ કૌશલને કહ્યું ‘કૌશલ, આજે મારે તારી સાથે એક અગત્યની ખાસ વાત કરવાની છે.’
‘હાં- કહે – બોલ-’ કૌશલ બેધ્યાન હતો બહાર સડક પર જોઇ રહ્યો હતો.
આપણે ઘણા સમયથી પરિચયમાં છીએ એકબીજાને લાઇક પણ કરીએ છીએ-તો કૌશલ, આપણે લગ્ન કરી લઇએ તો ‘વ્હોટ?વ્હોટ ડુ યુ મીન?’
કેમ? તું મને ચાહતો નથી?
‘ના. એવું નથી. રિયા, હું તો તને ચાહું છું – બટ – યુનો- આઇ વોન્ટ ટુ બી ઓન ધ ટોપ ઇન અવર ફિલ્ડ.’
રિયા કૌશલના ભાવુક ચહેરાને જોઇ રહી- એ જાણતી હતી કે કૌશલ કેરિયર ઑરિયેન્ટેડ હતો. એની આંખોમાં સતત સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં તર્યા કરતાં રિયાએ કહ્યું – તો? તું શું કહેવા માગે છે? આપણાં લગ્ન પછી પણ એ શક્ય નથી?
કૌશલના ચહેરા પરના ભાવ ફરી ગયા- એનો અવાજ પણ થોડો ભીનો અને ભાવુક થયો. અચાનક બોલ્યો ‘ઑ. કે રિયા, મને થોડો સમય આપ.’
રિયાની આંખોની કિનાર ભીની થઇ ગઇ- ભીની આંખો લૂછતાં બોલી: ‘વ્હોટ ડુ યુ મીન- કૌશલ – શું સમજે છે તું એક સ્ત્રીને કોઇ સ્ત્રી – કોઇ પુરુષ માટે કેટલો વખત વેઇટ કરી શકે? કૌશલ, તું ભૂલી ગયો છે- આપણા કાર્યક્ષેત્રની બહાર ઘણું બધું છે. કુુટુંબ- સમાજ- આપણા- મમ્મી- પપ્પા બધા સાથે લાગણીના સંબંધો પ્રેમ…’ રિયાનો અવાજ ભીનો થઇ ગયો.
કૌશલે રિયાના હાથ પર હાથ મૂક્યો. રિયાના ચહેરા પર મોહક આંખો સ્થિર કરીને કહ્યું- ‘ઓહ! સૉરી રિયા, મેં તને હર્ટ કરી- નૉ વે- તારી વાત સાચી છે- હું વિચારીને મારો નિર્ણય જરૂર કહીશ.’
રિયા કૌશલનું વિચિત્ર આશ્વાસન પામી ગઇ.
એ ઊભી થઇ.
રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઇ.
સમય સરકતો રહ્યો અને રિયા કૌશલના નિર્ણયની રાહ જોતી રહી.
પણ – એ પછી રિયાના જીવનમાં એક ઘટના બની હતી…
કૌશલનો કોઇ જવાબ આવ્યો ન હતો. બસ-ઑફિસના કામના કલાકોમાં, કામની વાતો થતી હતી. કોરોનાને કારણે હવે વર્ક ફ્રોમ હોમ શરૂ થયું હતું… હવે રિયા ચંદ્રામાસી-પ્રકાશ માસા સાથે રહેતી ન હતી. એણે લૉકડાઉન પહેલાં જ વૃંદા- અને શોભા સાથે વસ્ત્રાપુરમાં ફલેટ ભાડે લઇ લીધો હતો. વૃંદા અને શોભા સાથે મુલાકાત પણ અચાનક એ પણ રિક્ષામાં થયેલી. વાતો કરતાં રિયા સાથે એ લોકો પણ રહેવા આવી ગયાં હતાં. વૃંદા અને શોભા બન્ને બૅંન્કમાં નોકરી કરતી હતી. એ લોકોને બૅંન્કમાં જવું પડતું હતું. આમ પણ બૅંન્ક ત્યાંથી નજીક જ હતી. મોડેથી ઘેર આવતી અને પછી સૅનેટાઇઝ થઇને બૅંન્કની વાતોમાં મચી પડતી. સાથે મળીને રસોઇ બનાવતાં-શોભા કચ્છ માંડવીથી આવતી હતી. એ વળી ક્યારેક રિયા સાથે કચ્છીમાં વાતો કરી લેતી. વૃંદા અમરેલીથી આવતી હતી – એ વાતનો અર્થ પૂછતી પછી એ લોકો હસતાં રિયાના મમ્મી-પપ્પાના ફોન સતત આવતા રહેતા… ફકત.
આજે સવારે રિયા કામ શરૂ કરતી હતી ત્યાં મમ્મીનો ફોન આવ્યો હતો. ટૂંકો જવાબ આપીને બપોરે લન્ચ બ્રેકમાં મમ્મી સાથે વાત કરી. મમ્મી કહેતી હતી ‘રિયા, ચંદ્રાએ તારા માટે છોકરો જોઇ રાખ્યો છે. ચંદ્રાની નજીક જ રહે છે. કુટુંબ સારું છે અને છોકરો.’
‘હા મમ્મી, મને ચંદ્રામાસીએ વિગતે વાત કરી છે અને પ્રકાશ માસા છોકરાનો બાયો ડેટા મેઇલ કર્યો છે. હમણાં કોરોના અને લૉકડાઉનને કારણે જઇ શકાશે નહીં. છતાં હું પ્રયત્ન કરી જોઇશ. છતાં હું પ્રયત્ન કરીશ-પપ્પાને પણ કહીં દે જે રિયા સડસડાટ બોલી ગઇ.’
મમ્મીનો ફોન કટ થયો.
મમ્મી સાથે વાત કરી લીધા પછી રિયા શૂન્ય બેસી રહી. એણે છોકરો જોવાની હા કેમ પાડી? એ તો કૌશલ- પણ કૌશલ ક્યાં જવાબ આપે જ છે?
એ રાતે રિયાએ પ્રકાશ માસાએ ઇ-મેઇલમાં મોકલેલો છોકરાનો બાયોડેટા ફરીથી જોયો. છોકરાનું નામ અંક્તિ હતું. એ પણ બેંગ્લૂરની કોઇ આઇ.ટી. કંપનીમાં સારી જગ્યાએ હતો. ફોટામાં એ દેખાવડો લાગતો હતો. કોણ જાણે કેમ રિયાને અંદરથી જ થયું. મારે આ અંક્તિને મળવું જોઇએ કદાચ મારી નિયતિ.
એ પછી અનુકૂળ દિવસ આવી ગયો. રિયાએ ચંદ્રામાસી સાથે અને પ્રકાશ માસા સાથે વાત કરી લીધી. રિયા રવિવારે ચંદ્રામાસીને ત્યાં ગાંધીનગર પહોંચી ગઇ. સાંજે એ લોકો બધાં આવ્યા-માસ્ક પહેરીને. ચંદ્રામાસી અને પ્રકાશ માસા સાથે એ લોકોનો સંબંધ આત્મીય જણાયો. ઔપચારિક વાતો પછી રિયા અને અંક્તિ એકાંતમાં બેઠાં.
અંક્તિની આંખો રિયાના ચહેરા પર સ્થિર હતી.
અચાનક હસીને અંકિતે રિયાને કહ્યું, ‘આપણે માસ્ક ઉતારી લઇએ આપણા ચહેરા કેવા છે એ આપણને એકબીજાને કેમ ખબર પડશે?’
બન્ને હસ્યાં.
ઘણી વાતો થઇ.
પ્રાસંગિક પછી વ્યવસાયની વગેરે-
થોડીવારના મૌન પછી અંકિતે કહ્યું ‘તમારો બાયોડેટા મને પ્રકાશ કાકાએ મોકલ્યો હતો. તમે માનશો? મેં બાયોડેટા જોઇને મનથી જ અને આજે રૂબરૂ મળીને એની વે-મારી તમારી સાથે લગ્ન સંબંધમાં જોડાવાની ઇચ્છા એટલે કે હા છે- પણ ડોન્ટ માઇન્ડ તમારી ઇચ્છા જાણ્યા પછી જ.’
‘હા. મારે તમને એ જ વાત કરવી હતી. હું મારો નિર્ણય તમને જો કંઇ વાંધો ન હોય તો થોડા સમય પછી – મને થોડો સમય આપોએવી વિનંતી-ઇફયુ.’
‘અફકોર્સ -વ્હાય નોટ. હું તમારા નિર્ણય પછી જ મારો નિર્ણય જાહેર કરીશ. ડોન્ટ વરી પણ એક વાત તમને પૂછી શકું?’
‘કહોને.’
‘તમે ક્યાંય બીજે કોઇ સાથે જોડાયેલાં હોતો-રિયા સહમી ગઇ પછી કહ્યું, ના-એવું કશું નથી પણ મારાં કેટલાક અંગત કારણો.’
‘અચ્છા કંઇ વાંધો નહીં. હું તમારા નિર્ણયની રાહ જોઇશ. તમને કદાચ ખ્યાલ હશે અમે ત્યાં સામે દેખાય છે તે મકાનમાં રહીએ છીએ-સામે પેલું ફરતી કંપાઉન્ડ વોલ અને કંપાઉન્ડ વૉલ પર ઝૂકેલી રાતરાણી-સફેદ ફૂલો રંજની ગંધાના સફેદ ફૂલોની ડાળીઓ ઝૂકેલી.’
રિયાની આંખોમાં ચમક આવી ગઇ.
રિયા ત્યાં બેસી રહી –
‘આપણે બહાર જઇશું?’ અંકિતે અચાનક કહ્યુું.
રિયા ચમકી – એ લોકો બહાર આવ્યાં.
એ લોકો ઘેર જવા નીકળ્યાં. ત્યારે બહાર મુકવા આવેલી રિયાએ દૂરથી અંકિતનું ઘર જોયું. કમ્પાઉન્ડ વૉલ પર ઝૂકેલી રાતરાણી.
એ દિવસે રિયા, ચંદ્રા માસીને ત્યાં રોકાઇ ગઇ હતીપણ. એ રાતે રિયાને ઊંઘ નહોતી આવી.
આજે રાતે પણ રિયાને ઊંઘ નહોતી આવતી.
હવે તરત જ નિર્ણય લેવાનો છે. આમ પણ, અંકિતને મળ્યે પણ ઘણા દિવસો પસાર થઇ ગયા છે અને આ કૌશલ-રિયાએ લેપટોપ બંધ કર્યું. બાજુ પર મૂકીને પલંગ પર પડી રહી આંખોને છત પર સ્થિર કરીને.
થોડીવાર પછી અચાનક રિયા પથારીમાં બેઠી થઇ ગઇ. લેપટોપ ઓન કર્યું. કૌશલની પર્સનલ આઇ.ડી.માં મેસેજ મૂકવા લાગી: તારા જવાબની – તારા નિર્ણયની ઘણો સમય રાહ જોઇ. તું તારા મનમાં જે કંઇ પણ વિચારતો હોય તે સમય ઘણો પસાર થઇ ગયો છે. આમ પણ, સમય કોની રાહ જોવા રોકાય છે? હું હવે મારા જીવનમાં બીજી વ્યક્તિ સાથે જોડાવા જઇ રહી છું. આ ક્ષણે આપણા સંબંધ પર પૂર્ણવિરામ હું મૂકી રહી છું- ફ્ૂલસ્ટોપ.
રિયાએ ફરીથી ભીની આંખોથી વાંચ્યો અને કૌશલને ફોરવર્ડ કરી દીધો.
રિયાએ ફોન તરફ જોયું-અંકિત અત્યારે કદાચ જાગતો હશે.
રિયાએ અંકિતને ફોન જોડયો. અંકિતે તરત જ ફોન ઉપાડ્યો.
‘યસ બોલો-રિયા…’
‘તમને અત્યારે ડિસ્ટર્બ તો નથી કર્યાંને?’
‘ના-ના બોલો.’
‘હું મારો નિર્ણય કહેવા અત્યારે ’
પણ હું તમારો નિર્ણય જાણી ગયો છું. તમારો નિર્ણય મારા નિર્ણય સાથે ભળ્યો છે- હા- કેમ? એક્ઝેટ?
‘ઓહ-અરે હા- એમ જ-આપણે હવે મારા મમ્મી-પપ્પા સાથે મળીએ છીએ જેમ બને એમ જલ્દી બરાબર?!’
‘હા- ચોક્કસ- હવે હું અત્યારથી જ તમારી ઘેર આવવાની રાહ જોઇશ.’
બન્ને હસી પડયાં.
ફોન મૂકીને રિયા હળવી થઇ ગઇ.
ખુલ્લી બારીની બહાર વિસ્તરેલા આકાશમાં રંગો હવે પુરાઇ રહ્યાં હતાં. અને – અને – રિયા એવું અનુભવતી હતી કે એ અને અંકિત – અંકિતના ઘરમાં નજીક અડોઅડ ઊભાં છે. આસપાસ વહેતી હવા બન્ને વચ્ચેથી પસાર થઇ રહી છે અને એ વહેતી હવામાં ભળેલી રાતરાણીની સુગંધ-એ લોકો વચ્ચેથી પસાર થઇ રહી છે.
(સમાપ્ત)
આ પણ વાંચો…આજની ટૂંકી વાર્તા : ડૂલરું