આજની ટૂંકી વાર્તા : આઇ એમ સ્યોર…તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા | મુંબઈ સમાચાર

આજની ટૂંકી વાર્તા : આઇ એમ સ્યોર…તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા

-નીલમ દોશી

ખડકની ધાર પાસે આવીને એક ક્ષણ તે અટકી…પણ..ના…હવે આગળ પાછળનો કોઇ વિચાર નહીં.. મન મક્કમ કરી તે ઝંપલાવવા જતી જ હતી ત્યાં પાછળથી કોઇએ તેનો હાથ પકડયો… ચમકીને યુવતીએ પાછળ જોયું..લગભગ તેની જ ઉમરનો દેખાતો એક યુવક…‘કોણ છો તમે? છોડો. મારો હાથ કેમ પકડયો છે? મને બચાવવાની કોશિશ કરવાની કોઇ જરૂર નથી…મારી જિંદગીનું મારે જે કરવું હોય તે કરી શકું છું..અને હા..પ્લીઝ..કોઇ લેક્ચર નહીં…’
એકી શ્વાસે ગુસ્સાથી ધમધમતા અવાજે યુવતી બોલી ઊઠી…

યુવક મોટેથી ખડખડાટ હસી પડયો. એ હાસ્યના પડઘા નીચે ખીણમાં ફરી વળ્યા.
‘કેમ હસ્યા? હસવા જેવી કોઇ વાત મેં નથી કરી. કે નથી કોઇ જોક કર્યો…’
‘એક મિનિટ.એક મિનિટ. મારી વાત તો સાંભળો…’ ‘મારે કોઇની વાત સાંભળવાની જરૂર નથી…અને હસ્યા શા માટે?’
‘તમારે વાત સાંભળવી જ નથી..તો કેવી રીતે કહું કે હું શા માટે હસ્યો?’
‘એટલે..એટલે કે હું એમ કહેતી હતી કે… કે….’ યુવતી થોડી ગૂંચવાઇ.. જોકે બે પાંચ ક્ષણના મૌન પછી યુવકની સામે જોતા તેણે ઉમેર્યું.

‘એટલે કે મને આત્મહત્યા ન કરવાની કોઇ શીખામણ..સલાહ આપવાના હો તો મારે કોઇ લેકચર નથી સાંભળવું…એમ હું કહેતી હતી..પણ મને નથી લાગતું મેં આમાં કોઇ હસવા જેવી વાત કરી હોય…બાય ધ વે…મારો હાથ પકડવાનો તમને કોઇ હક્ક નથી..’
‘ઓહ..સોરી… રીયલી સોરી…’ યુવકે હાથ છોડયો..
‘ઇટસ ઓકે… હવે કહો હસ્યા શા માટે?’
‘જયારે મરવા જ જઇ રહ્યા છો ત્યારે છેલ્લી ઘડીએ કશું જાણીને શો ફાયદો?’
‘એક નાનું સરખું કુતૂહલ માત્ર..નથીંગ એલ્સ…’

‘ઓકે..આમ પણ મરનારની અંતિમ ઇચ્છા પૂરી થવી જોઇએ..નહીંતર કયાંક ભૂત થઇને વળગે..અને મને ભૂત સાથે જરા પણ લગાવ નથી.’
‘હવે વાતમાં મોણ નાખ્યા સિવાય સીધી રીતે કહી દો..મારે મોડું થાય છે.’
‘ શું કારણ છે આજે?’
‘આજે તો મને હસવું આવ્યું. તમારા ભ્રમ ઉપર.જોકે કેટલાક ભ્રમ પણ કેવા મજાના હોય છે..અકબંધ જાળવી રાખવા જેવા.’
‘ભ્રમ.મારો? કયો ભ્રમ? કેવો ભ્રમ? શાનો ભ્રમ?
‘બાપ રે.એકી સાથે આટલા બધા પ્રશ્નો?’
‘તમે એમ કહીને વાત ઉડાવો છો…..
‘ઉડાવું છું? તમારી વાત? ના રે..સુંદર યુવતીઓની વાત ઉડાડવા જેટલો હું બેવકૂફ નથી.’
‘બસ.બસ.મસ્કા મારવાની કોઇ જરૂર નથી. છોકરીઓને ભોળવવાનો એ સૌથી સરળ ઉપાય.પણ અહીં તમારી દાળ ગળે તેમ નથી જ. તમારે સીધી રીતે વાત કરવી છે કે નહીં?’

યુવતીના અવાજમાં લાલ લાલ ગુલમહોરી ગુસ્સો.ચહેરા પર રતાશના ટશિયા ફૂટયા.
‘અરે, બાબા..સાવ સીધી વાત છે..તમે કહ્યું કે મને બચાવવાની કોઇ જરૂર નથી..તો તમારા એ ભ્રમ પર મારાથી હસાઇ ગયું.મને હસવાની થોડી કુટેવ ખરી.’
‘એમાં ભ્રમ શાનો? અને તો પછી મારો હાથ કેમ પકડયો?’
‘બચાવવા માટે નહીં.. કશુંક બતાવવા માટે…’
‘શું બતાવવા માટે?’
‘એટલું જ કે ખરેખર મરવાનો ઇરાદો હોય તો આ જગ્યા યોગ્ય નથી..હા..હાથ પગ તોડવા માટે આ લોકેશન પરફેકટ ખરું.’
‘એટલે?’
‘એટલે એમ જ. સાવ સીધી સાદી વાત. જરા નીચે જુઓ. ધ્યાનથી જુઓ. નીચે ઊંડી ખીણ ખરી, પણ કૂદયા પછી મરવાની કોઇ ગેરંટી નહીં.’
આટલે ઉંચેથી કૂદ્યા પછી માણસ મરે નહીં તો બીજું શું થાય?’

આ પણ વાંચો….આજની ટૂંકી વાર્તા : ડૂલરું

આઇ એમ સોરી ટુ સે.પણ તમારો ઓબ્ઝર્વેશન પાવર.અર્થાત.નિરીક્ષણ શક્તિ બહુ જ્ઞજ્ઞિ. બળી જણાય છે.
‘કેમ?’
‘અરે, જોતા નથી ? ખીણમાં નીચે કેટલા બધા ઝાડવાઓ છે ? આખું જંગલ જ ઉગી નીકળ્યું છે. હવે તમે કૂદયા અને સીધા ખીણમાં જવાને બદલે એકાદ ઝાડવામાં અટવાઇ ગયા.એકાદ ઝાડવાને તમારી ઉપર પ્રેમ ઉભરાઇ આવ્યો ને તમને ઝાલી લીધા તો.? ન મરી શકો. ન જીવી શકો. ન નીચે જઇ શકો..ન ઉપર આવી શકો..બરાબર ત્રિશંકુની જેમ લટકી રહો. બસ. એ દ્રશ્યની કલ્પનાથી જ હું હસી પડયો..તમે આમ ઝાડ ઉપર લટકતા હો એ દ્રશ્ય કેવું લાગે ? બચાવોની ચીસ પાડો તો પણ કોઇ સાંભળી ન શકે.’
યુવતીએ નીચે જોયું..યુવકની વાત તો સાચી હતી. નીચે અસંખ્ય વૃક્ષો હતાં. એમાં ફસાઇ જવાની શકયતા નકારી શકાય તેમ નહોતી જ. પણ હજુ પેલી રતાશ અકબંધ.
‘મીસ્ટર. તમે ખાંડ ખાવ છો.ઝાડમાં અટવાઇ ગઇ તો પણ છોડતા કંઇ વાર નથી લાગવાની.ઝાડ કંઇ મને પકડી નથી રાખી શકવાનું.’

‘ઓહ. યસ. યુ આર રાઇટ.એ તો મને વિચાર જ ન આવ્યો.યુ આર જીનિયસ.’
‘ફરી ખુશામત? એવી કોઇ જરૂર નથી.’
યેસ.. એટલી તો મને પણ ખબર છે કે તમારી ખુશામત કરવાની મારે કોઇ જરૂર નથી જ. આ તો આવી સીધી સાદી વાત હું ન વિચારી શકયો..ને તમે એ બધું આગોતરું વિચારી લીધું એથી મેં કહ્યું. પરફેક્ટ પ્લાનિંગ. હવે તમે ઝંપલાવી શકો છો. ગો એહેડ…’
યુવતી તેની સામે જોઇ રહી. પોતાની મશ્કરી કરે છે કે શું?’ પણ યુવક ગંભીર દેખાયો. તે ખીણમાં નીચે બારીકાઇથી જોઇ રહ્યો હતો. નહોતું બોલવું તો પણ યુવતીથી બોલાઇ જવાયું.
‘નીચે ઝાડવા ગણો છો?’
‘ના..ના..’ ખીણમાં જોતા જોતા જ યુવકે જવાબ આપ્યો.
લાગે છે તો એવું જ કે જાણે ખીણના ઝાડવા ગણી રહ્યા છો.?
‘ના રે..મને એવી કોઇ ગણતરીમાં રસ નથી.’
‘તો પછી આમ બાઘાની જેમ નીચે.’ વચ્ચે જ યુવકે તેને અટકાવી.
‘થેંક્સ ફોર કોમ્પ્લીમેન્ટસ.પણ એક મિનિટ જરા નીચે જુઓ.’
શું જોવાનું છે હજુ?’ કહેતા યુવતી થોડીક યુવકની નજીક ખસી અને તેની સાથે નીચે નજર કરી.
‘શું છે અહીં?’
‘નીચે. સાવ નીચે સુધી ઝાડવાઓ છે. દેખાય છે?’ ‘હા..તો તેનું શું છે?’
‘એ જોઇને તમને કોઇ વિચાર નથી આવતો.?’

આ પણ વાંચો….આજની ટૂંકી વાર્તા :ચરણ રુકે ત્યાં કાશી

‘એમાં વિચાર શો આવવાનો ?’
‘કોઇ મહાન વિચાર નહીં.સાવ સીધો સાદો. સીમ્પલ.ક્ષુદ્ર વિચાર.
યુવતીના નાકના બંને ફોયણા ફૂંગરાયા. બરાબર લાલઘૂમ કેસૂડા જેવા.મરવાની ક્ષણે કોઇ તેની આ રીતે મશ્કરી કરી જાય? છોકરાઓ બધા સરખા. યશવંતીયા જેવા જ. એમનો વિશ્વાસ કરાય જ નહીં..
કશુંક બોલવા.બરાબર સંભળાવી દેવા જતી હતી ત્યાં જ.
‘એમાં આમ મેઘધનુષી ન થાવ પ્લીઝ. જુઓ હું તમને સમજાવું. તમારી વાત બિલકુલ સાચી છે..સો ટકા સાચી છે.. કોઇ વૃક્ષ કંઇ તમને પક્ડી રાખી શકે નહીં.ધારો તો તમે ચોક્ક્સ છોડી શકો..પરંતુ તો યે મારી વાત સાવ નાખી દીધા જેવી નથી જ. ધારો કે કૂદયા પછી તમે કોઇ સાવ નીચા વૃક્ષની ડાળીમાં અટવાયા તો..? અહીં તો છેક નીચે સુધી ઝાડવાઓ છે. અને એકવાર જંપલાવ્યા પછી તમે કયાં અટવાવ એની તો ખાત્રી ન જ હોય ને?

એનો સીધો સાદો અર્થ એટલો જ થાય કે ઝાડની ડાળીઓ છોડયા પછી..મરવાની આટલી મહેનત..અને હિમત પછી પણ મરવાની કોઇ ખાતરી નહીં.કેમ કે પછી તો નીચે બહું અંતર રહે જ નહીં ને? નકામા હાથ પગ જ ભાંગે.કંઇ શકરવાર ન વળે.
એના કરતાં જુઓ, હું તમને બેસ્ટ જગ્યા બતાવું.મરવાની પૂરી ખાતરીવાળી.એક છલાંગ અને ખેલ ખતમ.પૂરી ગેરંટી.’
‘કેમ તમે મરવાની જગ્યા શોધવાના એક્સપર્ટ છો?’
‘ના રે. પણ આપણે બંને એક જ હોડીના સવાર છીએ.’
‘એટલે?’

એટલે એમ જ કે હું પણ તમારી જેમ જ મરવાના ભવ્ય ઇરાદા સાથે જ અહીં આવ્યો છું.. તેથી બેસ્ટ..ખાતરીબંધ લોકેશનની તલાશ કરતો હતો…પૂરી રિસર્ચ કર્યા પછી જ મેં આ તારણ કાઢયું છે. આપણને અધકચરું કશું ફાવે નહીં.. કામ કરવું તો પાક્કું કરવું..
‘એટલે…તમે…તમે પણ આત્મહત્યા માટે અહીં આવ્યા છો?’
‘શંકાને કોઇ સ્થાન નથી..આવી સૂમસામ જગ્યાએ શું ફરવા આવ્યો છું? એ પણ સાવ એકલા એકલા? હા..સાથે તમારા જેવી સુંદર યુવતીનો સથવારો હોય તો આ સૂમસામ જગ્યાએ આવવાનો ફાયદો ખરો…’
‘શટ અપ…’
‘સોરી..સોરી.. જસ્ટ જોકીંગ…પણ હા..છેલ્લી ઘડીએ થયેલી આ મજાની મુલાકાત બદલ આપનો આભાર માનું કે ઇશ્વરનો?’
‘તમે ઇશ્વરમાં માનો છો?’
‘ કેમ તમે નથી માનતા?’
‘માનું છું..પણ…..’
‘તો પછી વચ્ચે પણ કેમ આવ્યો?’
‘કયારેક એના અસ્તિત્વ અંગે શંકા જાગે ખરી.’
‘કયારે? આપણું ધાર્યું બધું ન થાય ત્યારે?’
યુવતી મૌન રહી. થોડી પળ યુવક સામે જોઇ રહી.
‘જવા દો..એ અંતહીન ચર્ચા.. પણ. તમે તો પુરુષ છો..તમારે વળી મરવાની જરૂર કેમ પડે?’
‘કેમ? દુ:ખી હોવાનો ઇજારો સ્ત્રીઓએ જ રાખ્યો છે..અમને કોઇ દુ:ખ હોય જ નહીં..એવું માનો છો?’
‘આપણા પુરુષપ્રધાન સમાજમાં સહન કરવાનું મોટે ભાગે સ્ત્રીઓને જ આવતું હોય છે.. તેથી..’

‘હશ. એ તમારી અંગત માન્યતા છે. અંતિમ સમયે કોઇ વાદ વિવાદમાં ઉતરવાની મને પણ ઇચ્છા નથી.ચાલો, હું તમને મરવાની પરફેકટ જગ્યા બતાવું. તમે ઇચ્છો તો મારી સાથે..જ ઝંપલાવી શકો છો.એકથી બે ભલા.જીવનમાં સારી કંપની ન મળી તો વાંધો નહીં.મરતી વખતે સારી કંપની મળે એ પણ નસીબની વાત છે ને ? આમ પણ જીવનના હમસફર તો બધાને મળે..મોતના હમસફર કોને મળે? એકલા એકલા મરવાની મજા ન આવત. હવે તો તમારા જેવો સંગાથ મળી જવાથી મૃત્યુની યે મજા જ મજા…’

‘પણ..તમારે વળી એવું કયું દુ:ખ આવી ગયું કે મરવા સુધી પહોંચી ગયા..? ‘
યુવતીનું આશ્ર્વર્ય હજુ શમ્યું નહોતું. કોઇ પુરુષને દુ:ખ હોય ને તે આમ મરવા નીકળે એ કદાચ માન્યામાં નહોતું આવતું.
‘જવા દો..મેં કહ્યું ને મને પણ કોઇ ચર્ચામાં રસ નથી. દુ:ખના નગારા શા માટે વગાડવા? જોકે મારા મરવાથી મમ્મી ચોક્કસ રડશે…કે પપ્પાને પણ દુ:ખ તો બહું થશે. પણ શું થાય? અને આમ પણ મારે એ થોડું જોવું પડશે? મર્યા પછી કંઇ દેખવું યે નહીં ને દાઝવું યે નહીં…જેને જે થવું હોય તે થાય.. લો..આ ચ્યુઇંગમ ખાશો ? આપણી આ અંતિમ મુલાકાતની એક સહપ્રવાસી તરીકેની અંતિમ ભેટ..’
‘એક નંબરના સ્વાર્થી… તમારે જોવાનું નથી…એટલે મમ્મી રડે કે પપ્પા…ચાલે એમ જ ને?’
‘આ તમે કહો છો? તમે?’
યુવતી મૌન રહી… કોઇ વિચારમાં કે… યુવકે ખીસ્સામાંથી ચ્યુંગમ ગમ કાઢીને યુવતી તરફ લંબાવી..
‘જવા દો. એ બધા ફાલતુ વિચારો. એમ બધાના વિચાર કરવા બેઠા તો મરી રહ્યા…લો..આ ચ્યુઇંગમ ખાવ…
‘મરતી વખતે વળી ચ્યુઇંગમ? ખરા છો તમે પણ….’

‘ચ્યુઇંગ ગમ મને અતિ પ્રિય છે..તમે એને એક જાતનું વ્યસન કહી શકો લો…આત્મહત્યા કરનારે તો પોતાની આખરી ઇચ્છા પણ જાતે જ પૂરી કરવી રહી ને…’
‘આજની આ અંતિમ ચ્યુઇંગ ગમ..લો..તમે પણ…’
લેવી કે ન લેવી? યુવતી એકાદ ક્ષણ કોઇ અવઢવમાં લાગી.
‘અરે, ચ્યુઇંગ ગમ જ છે કોઇ ઝેર નથી..જોકે ઝેર હોય તો પણ હવે તમને કે મને શો ફરક પડે છે? ઊલટું આપણે કૂદવાની જરૂર નહીં પડે.’
યુવતીએ ચ્યુઇંગ ગમ લીધી.મોંમાં મૂકી.
‘સાલ્લું કૂદવા માટે આમ તો ખાસ્સી હિંમતની જરૂર પડે નહીં ? મને તો થોડી બીક લાગે..તમને બીક નથી લાગતી ?’
‘મરવું જ હોય એને વળી બીક શાની?’
‘મને તો. તો યે ડર લાગે છે. કેટલું વાગશે.કયાં વાગશે? પડતાની સાથે જ કંઇ જીવ નીકળી જ જશે એની કોઇ ગેરંટી થોડી છે? પડયા પછી થોડી વાર પણ જીવી ગયા તો.? બાપ રે..કેવું દુ:ખવાનું? મરતા પહેલા યે સાલ્લી પીડા સહન કરવાની… મરવાની બીજી કોઇ આસાન રીત નહીં હોય? આત્મહત્યા કરવાના એક હજાર અને એક સરળ ઉપાય. એવી કોઇ ચોપડી વિશે સાંભળ્યું હતું. તમે એ ચોપડી વિશે સાંભળ્યું છે?’
યુવતીએ માથું ધૂણાવ્યું.
‘મેં પણ ખાલી સાંભળ્યું જ છે. વાંચી નથી. નહીંતર વધારે સારો, સરળ અને ખાતરીબંધ ઉપાય સૂઝયો હોત.પણ એ અહીં નથી મળતી.આવું બધું લખવાનું વિદેશી લેખકોને જ સૂઝે..જોકે જવા દો..હવે એ બધા માટે આમ પણ બહુ મોડું થઇ ગયું છે. હવે તો ચાલો…યાહોમ કરીને પડો.’
યુવતીએ કશો જવાબ ન આપ્યો. ચૂપચાપ યુવક સામે જોઇ રહી. યુવકની નજર સામે દેખાતા સૂર્ય તરફ મંડાઇ હતી.
યુવતી તરફ જોતા તેણે ધીમેથી પૂછયું.
‘પાંચેક મિનિટ બેસવું છે? રાહ જોવી છે?’

‘રાહ શેની ?’
‘આ સૂરજ મહારાજ અંતર્ધ્યાન થાય તેની. જુઓ સામે અસ્ત થવાની તૈયારી ચાલી રહી છે. કાલે ઊગતો સૂરજ ભલે ન જોઇ શકીએ. આથમતો સૂરજ હી સહી. જોકે આથમતો. એ પણ આપણો એક ભ્રમ માત્ર જ ને? કયાંક આ જ સૂર્ય આ ક્ષણે ઊગતો હશે. આમ પણ જુઓ ને. સૂરજ તો રોજ એક જ. પણ સવાર તો રોજ અલગ જ ને? કયારે કઇ સવાર. કેવો રંગ લાવે એ કોણ કહી શકે? આથમતો સૂરજ કદાચ માનવીને ફિલસૂફ બનાવી દેતો હશે નહીં? જુઓ…જુઓ.. વાહ.જતા જતા યે કેવો રંગવૈભવ વેરી રહ્યો છે નહીં?
યુવકે સામે આંગળી ચીંધી. યુવતીએ તે તરફ નજર કરી. આકાશમાં સંધ્યાની લાલિમા પ્રસરતી જતી હતી.પર્વતની પેલે પાર અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું.

‘ચાલો, આપણે આપણા ઇરાદાને આખરી અંજામ આપીશું ? રેડી ? વન..ટુ..થ્રી…કરીશું ? સાથે કે વારાફરથી?
યુવતીએ કશો જવાબ ન આપ્યો. ફરી થોડી ક્ષણો મૌનનું આવરણ ઓઢીને બંને ચ્યુઇંગ ગમ ચગળતા રહ્યા..
ક્ષિતિજ પરથી ધીમે ધીમે સૂર્ય આંખોથી ઓઝલ થતો રહ્યો. માળામાં પાછા ફરતા પંખીઓએ ઝાડવે ઝાડવે કલરવના દીવા પ્રગટાવ્યા. અઢળક ટહુકાઓ ખીણમાં પડઘાઇ રહ્યા. અચાનક યુવતી ધીમેથી બોલી ઊઠી..

‘થેંકસ.મને બચાવવા માટે..ક્ષણિક આવેશમાંથી ઉગારવા માટે..’
‘અરે, હું કંઇ તમને બચાવવા માટે થોડો જ. હું તો પોતે…’
વાકય પૂરું થાય એ પહેલા જ…
‘આઇ એમ સ્યોર..તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા.’
ઝાંખાપાંખા અજવાસમાં યુવકના ચહેરા પર સ્મિતની આછેરી લહેરખી ઉડાઉડ.યુવતીની આંખોમાં દીપ ઝળાહળા… ઝાડવાઓ કલબલાટથી ખીણ ગજવી રહ્યા.
(સમાપ્ત)

આ પણ વાંચો….આજની ટૂંકી વાર્તા : નવા સંબંધનો સૂરજ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button