તરોતાઝા

મોજની ખોજ: સાચી વાત પુરવાર કરવા પણ ખોટાં કામ કરવા પડે…

-સુભાષ ઠાકર

‘અરે સાંભળ્યુ? વૈકુંઠવાસી ટ્રાવેલના મેનેજર ચંબુલાલનો ફોન હતો. આપણી સિંગાપુરની ટિકિટ ફાટી.. સોરી, આવી ગઈ છે. હું લઈ આવું.’ એટલું બોલી હું નીકળી ગયો…

‘ઠાકર, ભાભીને સાથે ન લાવ્યા?’ ચંબુલાલે પૂછ્યું.

‘અરે મારા પ્રભુ, જવાદોને એ રથને રથયાત્રાના દિવસે પણ બહાર કાઢવા જેવો નથી એની ખોપરીમાં ઈશ્વરે મગજને બદલે કેરીનો ગોટલો મૂક્યો છે… ગયા અઠવાડિયે મહાબળેશ્વર ગયેલા તો બપોરે એ મને કહે ‘સુભાષ આપણે સાંજે મુંબઈ જવા નીકળી જવાના છીએ તો ચાલને અત્યારે જ સનસેટ પોઈન્ટ(સૂર્યાસ્ત) જોઈ આવીએ…!’ એ જ વખતે મને મારા જીવનનો સૂર્યાસ્ત થતો લાગ્યો.

મેં કીધું: ‘ડાર્લિંગ, આ નરીમન પોઈન્ટ નથી જોવાનો સનસેટ પોઈન્ટ છે અને મારે સૂરજ સાથે એવા કોઈ સંબંધ નથી કે ત્રણ વાગે અસ્ત થવાનું કહી શકું.. ચંબુકાકા, હજી જ્યારે-જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે-ત્યારે મારી છાતીમાં દુખાવો ઊપડે છે ને એટેકની નાની-નાની હુમલી આવતી હોય એવું ફિલ થાય છે..’

‘બા….પ…રે’ ચંબુલાલ તો ચમક્યા.

‘અરે ખરું બાપરે તો હવે આવે છે. એની કેટલીક વાતો તો તમે હજમાહજમની 500 ગોળીઓ એક સાથે ખાઈ જાઓ કે 500 ગ્રામ ત્રિફલાના ફાકડા મારી જાઓ તોયે પચે નઇ એવી હોય છે. ઈશ્વરે આપેલું એનું બહારનું શરીર ચાલે છે પણ અંદરનું મગજ નથી ચાલતું. મને કહે તમે ચંબુલાલની ઓફિસે પૂછતાં આવજો કે સિંગાપોર કે મલેસિયા ચાલતા જઈએ તો કેટલો સમય લાગે ને રિક્ષામાં કેટલા પૈસા થાય? ને રિક્ષાનું પેકેજડીલ કરે છે?’

ચંબુલાલને અવાક જોઈને મેં બીજો સવાલ કર્યો :

‘ચંબુલાલ એક પર્સનલ સવાલ કરું?’

‘હાં, બોલો.’

પછી આજુબાજુ જોઈ મેં ધીરેથી પૂછ્યું :

‘તમારા આ સિંગાપોરના ક્રૂઝમાં ડાન્સ-બાર ખરા કે?

ચંબુલાલ મૂછ વગર મૂછમાં મલક્યા:

‘ઠાકર, તમે યાર રંગીલા તો છો જ. અરે, આ ક્રૂઝ 1960થી ચાલુ થઈ ત્યારથી છોકરીઓ ડાન્સ કરે છે..’

‘વા.. ઉ…ઉ…ઉ..ફેન્ટાસ્ટિક.. હવે જખ મારે છે દુનિયા ને જખ મારે છે વાઈફ. ક્રૂઝનો ફેરો વસૂલ.’

આ પણ વાંચો….મોજની ખોજ : અરે, મૌનને પણ ક્યારેક બોલવા દો…

‘પણ..’

‘તમે યાર ‘પણ’ બોલી સસ્પેન્સ ઊભું ન કરો.’

‘પૂરું સાંભળો તો ખરા…ડાન્સ તો હજી ચાલુ છે, પણ છોકરીઓ હજી એની એ જ છે. સી… ઓલ્ડ ઈઝ ગોલ્ડ’

‘વોટ? યુ મીન 1960વાળી? ઓ માય ગોડ, એટલે ડોશીડાન્સ?!’ મારા ચહેરા પર અષાઢી વાદળની શ્યામલતા છવાઈ ગઈ :

‘ છટ..તમે યાર ક્રૂઝમાં જવાની ને મારી મજા બગાડી નાખી. સાલું, નારિયેળના છોતરાં જેવા ચહેરાવાળો ડોશીડાન્સ તો કેવા લાગે?’

‘કેવા લાગે? વરસાદથી પડેલા ખાડાવાળા રસ્તા પર ધીમી ગતિએ નાચતો-નાચતો ટ્રાફિક જતો હોય એવું લાગે. અરે , એ લોકો હવે ડોસા ડાન્સ પણ શરૂ કરવાના છે. હું તો કહું છું તમે પોતે ડાન્સર તરીકે જોડાઈ જાઓ.. ડોશી-ડાન્સ વિરુદ્ધ ડોસા-ડાન્સ… પ્રોગ્રામ વધુ કમાશો..

‘છીઇઇઇ.’

‘એમ છીઇઇઇ કરવાથી પરિસ્થિતિ ન બદલાય. જેમ પરિવર્તન સંસારનો નિયમ છે એમ રૂપ પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે ગમે તેટલા ધમપછાડા કરો ઉંમરને વધતી અટકાવી ન શકો… આ લો પ્લેનની તમારી ટિકિટ.. બેસ્ટ લક ફોર જર્ની…’

બીજા દિવસે સમાન સાથે ઊપડયા એરપોર્ટ પર કાઉન્ટર પર બેઠેલી ક્ધયાને સરોજનો પાસપોર્ટ આપ્યો પણ ચૂનો ધોળાયેલી દીવાલ પરથી પોપડા ઊખડીને આખી દીવાલ મોડર્ન આર્ટ જેવી બની ગઈ હોય એવી વિધવા ભીત જેવો સરોજનો ફોટો જોઈ બોર્ડિંગ પાસ આપવાનો ઇન્કાર કર્યો :

‘મિસ્ટર ઠાકર, આમાં માણસ છે કે મધપુડો એ ખબર ન પડતી હોય તો મેડમનો બોર્ડિંગ પાસ કેવી રીતે આપું?’

જરાપણ મગજ ગુમાવ્યા વગર સરોજ બોલી : ‘એને મારો ફોટો બરાબર નથી દેખાતો એ સમસ્યા છે ને? અરે, એને લોજિન્ગ-બોર્ડિંગ બંને પાસ આપવા પડશે. જો, સુભુ કેટલીક સાચી વાત પુરવાર કરવા ખોટા કામ કરવા પડતાં હોય છે અને એટલે હું બીજો પાસપોર્ટ પણ સાથે લાવી છું.’

આ પણ વાંચો….મોજની ખોજ : બોલો, શું બનવું છે… યોગી કે ઉપયોગી?

પ્રધાન સિવાય કોઈ આવું કૃત્ય ન કરે એવું ભેદી રહસ્ય સરોજે ખોલ્યું.

હું પોતે ચોંકી ગયો. સરોજ આગળ બોલી ‘આ તો આપણને એમ કે જૂના પાસપોર્ટથી કામ પતી જતું હોય તો ઠીક છે બાકી આ રહસ્ય મેં મદારી છાબડીમાં નાગ રાખે એમ મારા મગજની ડબ્બીમાં રાખેલું. લે, આપી દે હવે આ પાસપોર્ટ.’

‘અરે પણ સરોજ..’મારો ચહેરો ચૂસાયેલી આફૂસ કેરી જેવો થઈ ગયો
‘અરે તારું પણ ને બણ.. આવો ત્રીજો પાસપોર્ટ ઘરમાં પણ પડ્યો છે એટલે આ ન ચાલે તો…’

‘બાપ રે! તારી પાસે ત્રણ પાસપોર્ટ? સરકાર તને..’ ધીરે ધીરે મારા આંખના ડોળા બહાર આવવા લાગ્યા.

‘સરકાર થોડા આપે? પાગલ છે તું? આ તો મારા ભાઈના પ્રેસમાં છાપ્યા.’

કાઉન્ટર પરની બહેન ગુજરાતી હોવાથી બોર્ડિંગ પાસ મળી ગયો પછી સિક્યોરિટીના કાઉન્ટર પર ઊભી ખો ની રમત ચાલતી હોય એમ એક પછી એક પેસેન્જરની તપાસ કરીને આગળ મોકલવામાં આવતા. લાઇનમાં મારી પાછળ સરોજ દીવાલને ગરોળી ચોંટી હોય એમ ચીટકેલી. પણ સરોજનો વારો આવ્યો એટલે સિક્યુરિટીવાળાએ કહ્યું ‘પ્લીઝ વેઇટ.’

‘મારું વેઇટ 62 કિલો’ સરોજે બાફયું પણ સિક્યોરીટીવાળો સમજી ગયો કે લોચો છે એટલે હિન્દીમાં બોલ્યો:

‘અરે, આપ કતારમેં આયે.’

સરોજ તો ભડકી : ‘બિલકુલ નહીં કતારમેં કયું? હમ સિંગાપોર જાતે હૈ હમારા ટિકિટ સિંગાપોરકા હૈ હમારા કોઈ સગા-વ્હાલા કતારમેં નહી.’

મે એના કાનખાનમાં ધીરેથી કીધું: ‘તું યાર, જાહેરમાં બુદ્ધિના ભગા ન કર… આપણે કઇ માતાજીનો પ્રસાદ લેવા નથી આવ્યા.. હમણાં ભડકશે તો આપણું જવાનું કેન્સલ કરશે એના હાથમાં સત્તા છે.’

પછી એ સમજી ગઈ ને લગ્નના દિવસે વર-વહુ દીવાલ પર થપ્પો મારે એમ બોર્ડિંગ પાસ પર થપ્પો માર્યો…

છેવટે પાતાળેશ્વર મહાદેવના મંદિરની ગુફામાં પ્રવેશ કરતાં હોઈએ એમ પ્લેનની અંદર પ્રવેશ કર્યો.. પછીના ભગા આવતા મંગળવારે..

શું કહો છો?

આ પણ વાંચો….મોજની ખોજ: સ્મશાનમાં મરેલાને બળતા જોયા, પણ અહીં તો બળીને મરતા જોયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button