મોજની ખોજઃ સમય ને જિંદગીને પૉઝનું બટન નથી… | મુંબઈ સમાચાર

મોજની ખોજઃ સમય ને જિંદગીને પૉઝનું બટન નથી…

સુભાષ ઠાકર

હું તમને કહું કે ‘કૃષ્ણ રાધાને અદ્ભુત પ્રેમ કરતો હતો’ તો આઈ એમ શ્યોર, તમે ચોક્કસ પેલા હાઇ કોર્ટના વકીલની જેમ ઉછળી ઉછળીને ઉકળી ઉકળીને ને ચહેરા પર ખારેક જેવી કરચલી લાવીને ભડકીને દલીલ કરવાના: ‘અલ્યા ઢેફા, તે વળી ક્યારે એ બેને જોયા? કૃષ્ણ-રાધાનો પ્રેમ અદ્ભુત હતો તો અમારો પ્રેમ શું ભૂત છે? કૃષ્ણ રાધાને પ્રેમ કરતો તો અમે જે કરીએ છીએ એ લાલુ-સોનિયાની બંધબારણે ચાલતી મીટિંગ છે? એ લાલો હતો તો અમે શું લલ્લુ છીએ?’

આટલું બોલતા તો ફૂલકા રોટલી શેકી શકાય એટલું તમારું મગજ ગરમ થશે, પણ વ્હાલા ગુસ્સો કર્યા વગર શ્રીશ્રી રવિશંકરના ચેલાની જેમ ધ્યાનમાં ડૂબી સૌપ્રથમ શાંત થઇ જાવ… સમાજને મારો જવાબ માગવાનો જન્મસિદ્ધ અધિકાર છે ને જવાબ આપવો એ મારી નૈતિક ફરજ છે તો સાંભળો (વાંચો)… મારા બકાઓ આપણા અને રાધા-કૃષ્ણના પ્રેમમાં બહુ મોટો ફરક છે. અરે ભાઈ, આ રુક્મિણી જેવી પ્રેમાળ પત્ની હોવા છતાં કૃષ્ણ રાધા સાથે વાટકી….સોરી, તપેલી વ્યવહાર રાખે એ કઈ રુક્મિણી સહન કરે? ભગવાન બન્યા એટલે બધી છૂટ?’

બાકી કૃષ્ણ, તારી હિંમતને સલામ. અલ્યા ભાઈ, આપણે તો જરાક ક્યાંય ટ્રાય કરી તો આપણાવાળી રુક્મિણીમાંથી સીધું દ્રૌપદીનું રૂપ ધારણ કરી આપણા જેવા બીજા ચારને શોધી પાંચનું ટોટલ પૂરું કરે. પછી આપણે આપણી જ ગગીને પૂછવું પડે: ‘હમારે સિવા તુમ્હારે ઓર કિતને દીવાને હૈ?’ આવું પૂછવાનું શોભે નઈ, પણ સમાજમાં રહેવું હોય તો શોભાવવું પડે…
અરે! કૃષ્ણની આવી હિંમતને કારણે 1254 પેઢીઓથી કથાકારોએ વ્યાસપીઠ પરથી કે ઠાકરપીઠ પરથી રાધા-કૃષ્ણના પ્રેમના દાખલા આપ્યા છે ને બોસ, કે આપણા પ્રેમની નોંધ તો આપણા ઘરવાળાએ પણ નથી લીધી. આ અમારા ચંબુ-ચંપાનો પ્રેમ રાધા-કૃષ્ણ જેવો હતો. યસ,ચંબુ ચંપાના પ્રેમમાં ગળાડૂબ નઈ પણ માથાડૂબ પ્રેમમાં હતો. ચંપાને જોઈ ત્યારથી પોતાની આંખને જ કહેતો :

‘જરા નજરોસે કહે દો જી નિશાના ચૂક ના જાયે’…
બાણાવળી અર્જુનને જેમ પંખીની આંખ જ દેખાયેલી એમ ચંબુને માત્ર ને માત્ર ચંપા જ દેખાતી, પણ ભોળા ચંબુને એ ભાન કે જ્ઞાન જ ન આવ્યું કે તે વન-વે ટ્રાફિક હતો.
મેં તો કીધુ પણ ખરા કે ‘બકા, તારો પ્રેમ સંપત્તિની જેમ જ એકતરફી છે’

‘એટલે?’
‘એટલે માનો કે તારું મકાન સંપત્તિ સાથે બળતું હોય તો તારો જીવ બળે, પણ તું આખો ચિતા ઉપર ભડભડ બળતો હોઈશ તો પણ મકાનનો જીવ બળે છે? ના…! ચંબુ, તું ભલે ચંપાને પ્રેમ કરે પણ સોરી ટુ સે, ચંપાએ બીજી બેંકમાં ખાતું ખોલાવી રાખ્યું છે.’

આ પણ વાંચો…મોજની ખોજ : અંદર બેઠો છે એ જીવ નથી પણ શિવ છે…

અને પછી શરીરમાંથી ચુપચાપ ‘આવજો’ કીધા વગર જેમ જીવ નીકળી જાય એમ ચંબુના લગ્નના દિવસે ચંપા ‘આવજે’ કીધા વગર જ પોતાના ઓરિજનલ પ્રેમી સાથે પલાયન થઇ ગઈ ત્યારે ચંબુનો ચહેરો હારેલા ઉમેદવાર જેવો થઇ ગયો. લગ્નનું વાતાવરણ ઉઠમણાં જેવું બની ગયું. દિવાળી હોળીમાં પલટાઈ ગઈ.

મેં દિલાસો આપ્યો: ‘ચંબુ, આવું તો ચાલ્યા કરે, તને એ જતી રહી એનું દુ:ખ છે અમારે જતી નથી એનું દુ:ખ છે. દુ:ખ કોને નથી.? પણ બધુ મન પર નઈ લેવાનું, નઈતર જે ચંપાને હૃદયમાં બેસાડવાનો હતો એ હૃદય જ બંધ પડી જાય પછી બંધ પડેલું હૃદય ને બંધ પડેલા સંબંધ પાછા ચાલુ થતા નથી.’

‘પણ ઠાકર, હું એના પ્રેમની જ્યોતમાં પતંગિયું બનીને સળગી જઈ કુરબાન થવા તૈયાર હતો, પણ નિયમ પ્રમાણે જગતનો કયો પતિ એની પત્નીનું વિધવાપણું જોઈ શક્યો છે કે હું જોઈ શકું? એટલે કુરબાનીનો આખો પ્રોગ્રામ કેન્સલ કર્યો. મારા જીવનમાં ભર વસંતે પાનખર આવી છે. મારા જીવનનો સૂરજ મધ્યાને જ અસ્ત…જેને હું મારો શ્વાસ સમજતો એને જ મારો વિશ્વાસઘાત…’
‘ધીરજ રાખ, ચંબુ… તે જ એક દિવસ પાછી આવશે’ મેં દિલાસો આપ્યો.
‘પણ ક્યારે? યુ નો? સમય અને જિંદગીને પૉઝનું બટન નથી.
અરે, ચોમાસામાં એની છત્રીનો સળીયો તૂટી જાય તો મારા હાથને એ સળિયો બનાવવા તૈયાર છું, એના હાથની બંગડી તૂટે તો બંગડી બનવા તૈયાર, માથાની બિંદી, હોઠની લાલી કે આંખોનું કાજલ બનવા તૈયાર છું….’
એ પછી વિરહમાં ચંબુમનમાં ‘ઓ નીલ ગગનના પંખેરું, તું કાં નવ પાછી આવે મને તારી યાદ સતાવે’ ગાવા લાગ્યો ‘હે પ્રભુ, એ બતાવ કે એ પંખીએ ક્યાં માળો કર્યો હશે? મને વિશ્વાસ છે ઠાકર, કે એ જરૂર પાછી આવશે.!’

અને યુ વોન્ટ બિલીવ એક વર્ષ બાદ ધુમાડામાંથી પાર્વતી પ્રગટ થાય એમ અચાનક ચંપા પ્રગટ થઇ…
‘ચંપુ.. ચંપુ.. ચંપુ.’ ચંબુ તો રાજી રાજી થઇ ગયો: ‘વાહ આભાર પ્રભુ તેરે દરબારમેં દેર હૈ મગર અંધેર નહીં… મને મારા પ્રેમમાં વિશ્વાસ હતો. ચંપુ. હવે આપણા પ્રેમ સામે રાધા-કૃષ્ણ કે લૈલા-મજનુનો પ્રેમ પણ પાની કમ ચાય…’
‘ચોક્કસ ચંબુ, લાવ તારો હાથ’ ચંબુએ હાથ ધર્યો તો કાંડામાં રાખડી બાંધી ચંપાએ બોમ્બ ફોડ્યો :
‘ભૈયા મોરે રાખીકે બંધનકો નિભાના ભગવાન મારા ચંબુભાઈની રક્ષા કરે એવી આજના રક્ષાબંધનના દિવસની આ બહેન ચંપાની શુભેચ્છા.’
આ સાંભળી ચંબુ કોમામાં જતો રહ્યો…આપણે પણ શું કરીએ…
શું ક્હો છો?

આ પણ વાંચો…મોજની ખોજ : અરે, તમે ભીષ્મપ્રતીજ્ઞા લેશો તો ભીષ્મ શું લેશે?!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button