ફોક્સઃ દેશમાં આરોગ્યસંભાળ માટે નરમ-ગરમ રહ્યું આ વર્ષ

સીમા શ્રીવાસ્તવ
2025ના વર્ષે આરોગ્ય ક્ષેત્રે કદ, રોકાણ અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ વર્ષ સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રયાસો માટે અને તબીબી ક્ષેત્રે નવીનતા તથા ટેક્નોલોજીના નવીન પ્રયોગો માટે દાખલારૂપ સાબિત થશે. જ્યારે કેટલાક નવા સંશોધનો અને મેડિકલ એપ્લિકેશનોએ આશાઓ જગાવી તો કેટલાક મહત્ત્વપૂર્ણ મોરચે નબળાઇઓ પણ સામે આવી, જેનો તાત્કાલિક ઉપાય ખૂબ જ જરૂરી છે. આ વર્ષે સરકારી કક્ષાએ સ્વાસ્થ્યને ‘કલ્યાણકારી ખર્ચ’માંથી ‘રાષ્ટ્રીય રોકાણ’ તરીકે જોવાનો વિચાર મજબૂત બન્યો એ મોટી વાત સાબિત થઇ છે.
આરોગ્ય સેવાઓનો વ્યાપ કાગળમાંથી નીકળીને ટેક્નોલોજી અને પ્લેટફોર્મ-આધારિત ઉકેલ તરફ વધ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ હેલ્થ અને પ્રાથમિક આરોગ્ય સેવાઓના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. ટેલી-મેડિસિન સેવાઓનું વિસ્તરણ, ઇ-સંજીવની જેવા પ્લેટફોર્મનો વધતો ઉપયોગ અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત હેલ્થ આઇડીનો વ્યાપક પ્રસાર નોંધપાત્ર છે. સરકારની સૌથી મોટી સફળતાઓમાં પ્રાથમિક આરોગ્યસંભાળ અને ડિજિટલ આરોગ્ય માળખાગત સુવિધાનો વિસ્તાર, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સંખ્યા અને કાર્યક્ષમતામાં સુધારાનો સમાવેશ થાય છે.
ભારતે આ વર્ષે તબીબી ઉપકરણોના ઉત્પાદન, જેનેરિક દવાઓ અને રસી સંશોધનમાં વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીબી, માતૃત્વ અને બાળ આરોગ્ય, રસીકરણ અને ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કેન્સર જેવા બિન-ચેપી રોગો પર ચાલી રહેલા અભિયાનોએ મિશ્ર પરિણામો મેળવ્યા છે. ભારતમાં ટીબીના કેસોમાં 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે વૈશ્વિક ઘટાડા દર કરતાં બમણો છે. સારવાર કવરેજ પણ વધીને 92 ટકા પહોંચ્યો છે.
‘સ્વસ્થ નારી, સશક્ત નારી’ અભિયાન તથા આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસના સૂત્ર ‘સ્વસ્થ શરૂઆત, આશાપૂર્ણ ભવિષ્ય’નો ઉદ્દેશ્ય અટકાવી શકાય તેવા માતા અને નવજાત શિશુ મૃત્યુદરને ઘટાડવાના પ્રયાસોને વેગ આપવાનો હતો. ભારતમાં શિશુ મૃત્યુદર ગત વર્ષ કરતાં ત્રણ ટકા ઘટીને લગભગ 25 ટકા થયો છે.
આ વર્ષે 2024ની સરખામણીએ મોબાઇલ મેડિકલ યુનિટ, ડ્રોન અને ટેલિ-ક્ધસલ્ટેશનના માધ્યમથી દૂરવર્તી વિસ્તારોમાં આરોગ્ય સંભાળની સેવાઓની પહોંચ થોડી વધી છે. 2025 એ વર્ષ હતું જ્યારે એઆઇ-આધારિત ડાયગ્નોસ્ટિક્સ, રોબોટિક સર્જરી અને આઇઓટી ઉપકરણોનો ઉપયોગ માત્ર પ્રતીકાત્મક રીતે જ નહીં પરંતુ વ્યવહારિક રીતે પણ વિસ્તર્યો હતો. આથી જટિલ સર્જરીનો સફળતા દર વધવાની સાથે સામાન્ય લોકો માટે બીજા અભિપ્રાયો સુલભ બન્યા છે.
સરકારે લગભગ બે લાખ આયુષ્યમાન આરોગ્ય મંદિરોના માધ્યમથી સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણને રોગ કેન્દ્રિત વિચારથી આરોગ્ય કેન્દ્રિત અભિગમ તરફ વાળ્યો છે. વળી, ઇ-સંજીવનીએ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના એકીકરણ દ્વારા દેશભરમાં ડિજિટલ આરોગ્યસંભાળ સેવાઓ સુધીની પહોંચ વધારતા 43 કરોડથી વધુ ટેલિ-ક્ધસલ્ટેશનની સુવિધા પૂરી પાડી હતી.
આ વર્ષે સસ્તી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવા માટે જિલ્લાઓમાં જનઔષધિ કેન્દ્રોનો મોટી સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. તબીબોની સંખ્યા અને વસ્તી વચ્ચેના ઐતિહાસિક અસંતુલનને દૂર કરવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા. તેમજ પેરામેડિકલ સ્ટાફ પૂરો પાડવા માટે 157 નવા નર્સિંગ અને પેરામેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા સ્તરે ક્રિટિકલ કેર બ્લોક તથા 730 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ સ્થાપિત કરવા માટે રૂા. 64,180 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. જેથી કરીને લોકોને લાંબી મુસાફરી કરીને મહાનગરો સુધી જવું ન પડે.
ભારતે ટેક્નિકલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ધોરણ મુજબ 811 લોકોએ એક ડોક્ટરથી વસ્તી ગુણોત્તર પ્રાપ્ત કરી લીધો છે. જો કે આ સુધારો ગ્રામીણ અને શહેરી વિસ્તારો, ખાનગી અને સરકારી હૉસ્પિટલો વચ્ચે અસમાન હોવા છતાં માથાદીઠ તબીબોની ઉપલબ્ધતા અને હૉસ્પિટલોમાં પલંગની સંખ્યામાં થોડો સુધારો નોંધાયો છે. જીવનશૈલીના રોગો વિશે જાગૃતિ પણ પ્રમાણમાં વધી છે.
આરોગ્યસંભાળ બજાર અને મેડિકલ ટૂરિઝમમાં ભારતની પ્રગતિ પણ સારી રહી છે. ભારતીય આરોગ્યસંભાળ બજાર 600 બિલિયન ડૉલરને વટાવી ગયું છે. આપણી ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ની છબી અકબંધ રહી છે. જો કે આ પ્રોત્સાહક તથ્યો છતાં પરિસ્થિતિ સુધરી રહી હોવા અંગે વિશ્વાસ કરવો કપરો સાબિત થઇ રહ્યો છે. આરોગ્ય એવું ક્ષેત્ર છે જ્યાં વ્યાપકતા ખૂબ મહત્ત્વ ધરાવે છે. સૌથી પહેલા વાત આરોગ્ય માટે બજેટ નક્કી કરવાથી શરૂ થાય છે. આ વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને 11 ટકાના વધારા સાથે 99,860 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
આ લાંબા સમય સુધી ભંડોળના અભાવને કારણે આરોગ્ય માટે પ્રાથમિક બંધારણીય જવાબદારી ધરાવતા રાજ્યો ટકાઉ, સ્વાયત્ત રાજ્ય આરોગ્ય ક્ષમતાઓનું નિર્માણ કરવાને બદલે મિશન-મોડ કેન્દ્રીય અનુદાન પર નિર્ભર છે. આ જ કારણસર શહેરી ભારત અને દૂરવર્તી ગ્રામીણ ભારત વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઇ આવે છે. તબીબો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની અછત પણ અપેક્ષા મુજબ ઓછી થઇ નથી. એઆઇ, રોબોટિક સર્જરી અને નવી ટેક્નોલોજી મોટાભાગે મોટી ખાનગી હૉસ્પિટલો સુધી મર્યાદિત રહી છે. આ વર્ષે સરકારી સેવાઓએ થોડી રાહત જરૂર આપી પરંતુ આરોગ્ય સેવાઓ અપેક્ષા મુજબ પરવડે તેવી રહી નથી.
ખાનગી સ્વાસ્થ્ય સેવાઓનો ખર્ચ વધ્યો, જેના કારણે ખિસ્સામાંથી થતાં ખર્ચમાં ઘટાડાની ગતિ ધીમી રહી છે. આરોગ્ય પર સરકારી ખર્ચ વધ્યો પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ આ વર્ષે પણ વજનદાર જ રહ્યો હતો. નીતિગત યોજનાઓ ઘડવામાં તો આવી પરંતુ તેની ગતિ વસ્તી વૃદ્ધિ અને રોગના બોજના પ્રમાણમાં ઓછી રહી. એ હકીકત છે કે કૌભાંડોના અહેવાલો છતાં સરકારી આરોગ્ય વીમા યોજનાઓમાં લાભાર્થીઓની સંખ્યા વધી છે. આ સૂચવે છે કે યોજનાની જરૂરિયાત વાસ્તવિક છે, પરંતુ દેખરેખ અને પારદર્શિતા નબળી કડી સાબિત થઇ રહી છે.
આરોગ્ય વીમા પર જીએસટીમાં ઘટાડાથી પ્રીમિયમ પર થોડી અસર જરૂર પડી છે, પરંતુ આ રાહત મર્યાદિત વર્ગ સુધી અસરકારક રહી હતી. આ વર્ષે નકલી અને બિનજરૂરી સર્જરીનો મુદ્દો ગંભીર રીતે સામે આવ્યો હતો. જે ખાનગી આરોગ્ય પ્રણાલીમાં વ્યાપારી દબાણ અને નબળા નિયમન તરફ અંગુલી નિર્દેશ કરે છે. નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ અને ઝેરીલી કફ સીરપ જેવી ઘટનાઓએ ભારતની ફાર્મા શાખને નુકસાન પહોંચાડ્યું હતું અને નિયામક તંત્રને કઠેડામાં લાવી ખડું કરી દીધું હતું.
આ બધા ઉપરાંત ભારતીય ડોક્ટરોને આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો મળ્યા છે. એમ્સ, આઇસીએમઆર અને અન્ય સંશોધન સંસ્થાઓએ કેન્સર, ન્યુરોલોજી, રસીઓ અને સુખાકારીના ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન રજૂ કર્યાં હતા. જે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાઓને ઉજાગર કરે છે. એમ્સએ બ્રેન સ્ટ્રોક એટલે કે લકવાની સસ્તી સારવાર માટે પોતાના અદ્યતન બ્રેન સ્ટેન્ટનો સફળ પ્રયોગ કર્યો હતો. તેમ જ અનિયંત્રિત ડાયાબિટીસના દર્દીઓ માટે બે કલાકમાં પૂર્ણ થનારી તેમની નવી મેટાબોલિક સર્જરી આશાનું કિરણ બનીને આવી છે.
આરોગ્ય ક્ષેત્રમાં આ વર્ષે ભારતે પહોંચ, ગુણવત્તા અને ટેક્નોલોજીના માધ્યમથી એક વ્યાપક અને સમાવિષ્ટ આરોગ્યસંભાળ સેવા પ્રણાલી બનાવવા તરફ પ્રયાણ કર્યું છે. જેમાં ડિજિટલ સાધનો અને સામુદાયિક જોડાણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ વર્ષ ખરેખર એક સંક્રમણકાળ તરીકે ચિહ્નિત થયું, જ્યાં નીતિગત ઇચ્છાશક્તિ, તક્નીકી નવીનતા અને જમીની વાસ્તવિકતા-ત્રણેય એકબીજા સાથે અથડાતા પણ જોવા મળ્યા અને ક્યાંક એકબીજાના પૂરક પણ બન્યા હતા.
આ વર્ષ ભારતના આરોગ્ય અને દવા ક્ષેત્ર માટે ખરેખર ‘સંભાવનાઓનું વર્ષ’ રહ્યું છે. જે દર્શાવે છે કે જો નીતિ, ટેક્નોલોજી અને સંસાધનો સમાન ગતિએ ચાલે તો ભારત માત્ર તેના નાગરિકોને સારું આરોગ્ય પ્રદાન કરી શકે છે પરંતુ વૈશ્વિક આરોગ્ય નેતૃત્વ તરફ આગળ વધી શકે છે.



