તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ : આ છે તમારી ત્વચાનો ઓલરાઉન્ડર રખેવાળ… વનસ્પતિ એક… ફાયદા અનેક!

-રાજેશ યાજ્ઞિક

ચહેરો સાફ કરવા માટે બજારમાં જાતજાતના ફેસવોશ ઉપલબ્ધ છે. એક સમય એવો પણ હતો જ્યારે નાહવા, વાળ ધોવા અને મોઢું ધોવા એક જ સાબુ વપરાતો હતો. તેનાથી પણ પહેલાં લોકો કુદરતી તત્ત્વોનો ભરપૂર ઉપયોગ કરતાં હતાં. આજે પણ આ કુદરતી ઉપાયો આપણી આસપાસ ઉપલબ્ધ છે. મલ્ટિનેશનલ કંપનીઓ તેમના મોંઘાદાટ ઉત્પાદનોમાં આ જ તત્ત્વોના અર્ક હોવાનો દાવો કરીને આપણા ખિસ્સા ખંખેરે છે.

આવી જ એક વનસ્પતિ, જેને આયુર્વેદ પણ એના ઔષધીય તત્ત્વોને માન્યતા આપે છે અને એ છે કડવો લીમડો…

આ કડવા લીમડાના ઔષધીય ગુણોના કારણે તેના બહુવિધ ઉપયોગ આપણે ત્યાં પેઢીઓથી થતા આવ્યા છે. આવો જ એક ઉપાય છે તેને ફેસવોશ તરીકે વાપરવાનો.

આવો, જાણીએ કે કેવી રીતે કડવા લીમડાને અન્ય કુદરતી પદાર્થો સાથે સંયોજિત કરીને ચહેરાને સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકીએ.

લીમડો ખીલ, ફોલ્લા અને ડાઘ દૂર કરવામાં અસરકારક છે. તે ત્વચા સંબંધિત ઘણી અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. એ વધારાનું તેલ શોષી લે છે અને તૈલી ત્વચાથી છુટકારો અપાવે છે. લીમડો ત્વચાને ચમકદાર બનાવે છે. જોકે ઘણા લોકો ચહેરા પર લીમડાનો ફેસ પેક લગાવે છે, પરંતુ તમે ઇચ્છો તો લીમડાના પાણીથી પણ તમારો ચહેરો ધોઈ શકો છો.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : જુવાની જાળવી રાખવા દવાઓ લેવી કેટલી હિતકારક?

લીમડાના પાનનું પાણી

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તમારો ચહેરો ધોઈ શકો છો. આ માટે, 2-3 કપ પાણી લો. તેમાં 10-15 લીમડાના પાન ઉમેરો. હવે પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણીને થોડું સામાન્ય થવા દો. પછી તમે આ પાણીથી તમારો ચહેરો ધોઈ શકો છો. લીમડાના પાનથી ચહેરો ધોવાથી ખીલ અને ત્વચા પરના ડાઘ દૂર થાય છે. આંખોમાં એલર્જી હોય ત્યારે પણ લીમડાના પાણીથી સાફ કરવાથી ફાયદો થાય છે.

લીમડા ને તુલસીના પાન

તમે લીમડા અને એની સાથે તુલસીના પાનનેય પાણીમાં ઉકાળીને પણ તમારો ચહેરો ધોઈ શકો છો. આ માટે, પાણી લો અને તેમાં લીમડા અને તુલસીના પાન ઉમેરો. પછી એને ઉકાળો. પાણી સામાન્ય થાય પછી એ પાણીથી તમારા ચહેરાને ધોઈ શકો છો. તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચાને બેક્ટેરિયા વગેરેથી બચાવે છે.

ખીલની સમસ્યામાં પણ તેનાથી રાહત મળે છે.

લીમડો ને એલોવેરા

લીમડાના પાણીમાં એલોવેરા (કુંવારપાઠું) જેલ મિક્સ કરીને પણ ચહેરો ધોઈ શકો છો. આ માટે લીમડાના પાણીમાં એલોવેરા જેલ ઉમેરો અને પછી પેસ્ટને ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. એલોવેરા ત્વચાને મોઇશ્ર્ચરાઇઝ કરે છે. તે ખીલની સમસ્યામાં રાહત આપે છે. ઉપરાંત, તે ચહેરાના સોજાને ઘટાડે છે.

આમ લીમડો માત્ર ચહેરો સાફ કરવા નહીં, નાહવા માટે પણ ઉત્તમ છે. લીમડાનું સંસ્કૃત નામ ‘નિમ્બા’ છે, જેનો અર્થ ‘સારું સ્વાસ્થ્ય’ થાય છે.

આયુર્વેદ અનુસાર, જ્યારે પણ હવામાનમાં થોડો ફેરફાર થાય છે, ત્યારે તમારે ચોક્કસપણે લીમડાના પાણીમાં સ્નાન કરવું જોઈએ, જેથી તમે રોગોથી બચી શકો. ઋતુ પરિવર્તનના સમયે ઘણી બીમારીઓ ફેલાય છે અને આપણી રોગપ્રતિકારકશક્તિ પણ સામાન્ય રીતે નબળી પડી જાય છે તેથી જો તમે પાણીમાં લીમડાના પાન ઉમેરીને સ્નાન કરો તો તમે બીમારીથી સુરક્ષિત રહી શકો છો.

નાહવા માટે પણ રીત બહુ સહેલી છે. લીમડાના પાનને ગરમ પાણીમાં થોડો સમય રહેવા દો, જેથી તે પાણીમાં થોડા ઘોળાઈ જાય. ત્યાર બાદ પાંદડા હટાવીને તે પાણીથી સ્નાન કરી શકો છો. શરીરમાંથી આવતી વાસને દૂર કરવાનો પણ આ પ્રાકૃતિક ઉપાય છે.

શિયાળાની ઋતુમાં, ટોપી વગેરે પહેરવાને કારણે ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે ઉનાળાની ઋતુથી શિયાળાની ઋતુમાં બદલાવ દરમિયાન લીમડાના પાણીથી માથું ધોશો તો તમે ખોડાથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : મનને શાંત રાખવા છે? આવાં યોગાસન બહુ ઉપયોગી છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button