તરોતાઝા

તન-મનને તાજગીથી ભરી દેતી મૂલ્યવાન ‘કેસર’

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

તારીખ 23મી જાન્યુઆરી, 2026ને શુક્રવારના દિવસે વસંત પંચમીની ઊજવણી આપણે સર્વેએ ઉત્સાહપૂર્વક કરી. વિવિધતામાં એેકતા ધરાવતો આપણો દેશ છે. ભારત તહેવારોના દેશ તરીકે વિશ્ર્વમાં લોકપ્રિય બનતો જાય છે. પ્રત્યેક ભારતીય ઉત્સવ પ્રિય જોવા મળે છે. વસંત પંચમીનો તહેવાર પ્રકૃતિને તાજગી બક્ષતો ગણાય છે. જીવનમાં નવીન ઉત્સાહ-ઉમંગ ભરી દે છે. ભારતના પ્રત્યેક મંદિરોમાં આ દિવસે ખાસ પીળા (કેસરિયા) વસ્ત્રો ધરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે પીળો રંગ મા સરસ્વતીને અત્યંત પ્રિય છે. તેથી જ પીળા રંગનું આ દિવસે ખાસ મહત્ત્વ છે. પીળાં ગલગોટાના પુષ્પ-પીળી વાનગીનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. જેમાં કેસરનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. કેસરિયા પેંડા, બુંદીના લાડુ, ખીર, કેસરિયો ભાત, કેસરિયો શીરો કે લાપસી વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાનની દેવી મા સરસ્વતીની વર્ષગાંઠ હોવાથી તેમની ખાસ આરાધના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે બ્રહ્માએ પંચમીના દિવસે વિશ્ર્વનું સર્જન ર્ક્યું હતું. તેથી જ વસંત પંચમીના દિવસે શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. કોઈ ચોઘડિયા કે મુહૂર્ત જોવાની આવશ્યક્તા રહેતી નથી.
તો ચાલો આપણે પણ આજે પ્રભુની સેવામાં વારંવાર ઉપયોગમાં લેવાતી તેવી મૂલ્યવાન કેસરના સ્વાસ્થ્યવર્ધક ગુણો જાણી લઈએ.

આયુર્વેદમાં કેસરનું અત્યંત મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. કેસરનું સેવન નાના-મોટા બધાના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. કેસર તન-મનને તાજગીપૂર્ણ બનાવવાની સાથે અનેક રોગથી રાહત આપવામાં મદદરૂપ બને છે. કેસર યાદશક્તિ વધારવામાં ગુણકારી ગણાય છે. સામાન્ય રીતે કેસરનું નામ સાંભળતાની કે વાંચતાની સાથે મોંઘી વસ્તુમાં તેની ગણતરી કરવામાં આવે છે. જેથી અનેક લોકો તેનો લાભ લેવાનું ટાળે છે. તેઓ રેસ્ટોરાંમાં કે રસ્તા ઉપરના ફાસ્ટફૂડ પાછળ ખર્ચો કરીને સ્વાસ્થ્યને જોખમમાં નાખવામાં કચવાતાં નથી, પરંતુ આરોગ્ય માટે ખર્ચો કરવાનું ટાળતાં હોય છે. નવા વર્ષમાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને આરોગ્યવર્ધક આહારને પ્રાધાન્ય આપવાનું લક્ષ્ય રાખવાની શરૂઆત કરીએ.

કેસરનો છોડ અનેક વર્ષો સુધી તાજગીભર્યો રહે છે. તેનાં મૂળ કંદમૂળ જેવી ગાંઠ ધરાવે છે. પર્ણ ઘાસ જેવાં લાંબા તેમજ પાતળાં હોય છે. કેસરનાં ફૂલો લાલ-નારંગી-જાંબુડી-ભૂખરા રંગના જોવા મળે છે. ફૂલના આગળના ભાગમાં રહેતાં સૂકા ભાગને કેસર કહેવામાં આવે છે. પ્રત્યેક ફૂલમાં ત્રણ કેસરના તાંતણા કેસર જોવા મળે છે.

સામાન્ય રીતે ત્રણ પ્રકારની જોવા મળે છે. પ્રત્યેક કેસરના ગુણો અલગ-અલગ જોવા મળે છે.

કાશ્મીરી કેસર, બ્લાહીકજ કેસર, પારસીકજ કે પારસ કેસર. સૌથી શ્રેષ્ઠ કેસર કાશ્મીરી કેસર ગણાય છે. જેનો રંગ લાલ હોય છે. અત્યંત પાતળાં રેસા ધરાવતી હોવાની સાથે તેની સુગંધ કમળના પુષ્પ જેવી મીઠી હોય છે. બાલ્હીકજ કેસર આ બલખ-બુખારા દેશની કેસર ગણાય છે. તેની સોડમ મધ જેવી હોય છે. કાશ્મીરી કેસરની તુલનામાં થોડી ઊતરતાં ક્રમાંકે આવે છે. પરસીકજ-પારસ કેસર આ ઈરાની કેસર તરીકે ઓળખાય છે. તેનો રંગ આછો પીળો જોવા મળે છે. તેની સુગંધ મધ જેવી જ આવે છે. કાશ્મીરી કેસરની તુલનામાં પારસ-કેસર પણ નીચલો નંબર ધરાવે છે. કેસરનું વાનસ્પતિક નામ ક્રોક્સ સૈટાઈવસ છે. સંસ્કૃતમાં કેસરને કુંકુમ, કેશર, કાશ્મીરજ ઘુસૃણ, હિન્દીમાં જાફરાન, કેસર, બંગાળીમાં જાપૈંરાન, કશ્મીરમાં કોંગ, તમિળમાં કુંગમપુ, તેલુગુમાં કુન્કુમાપુવુ, પંજાબીમાં કેશલ તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયાના સૌથી મોંઘા મસાલા તરીકે કેસર ઓળખાય છે. વળી કેસરનો છોડ દુનિયાનો સૌથી મોંઘા છોડ તરીકે ઓળખાય છે. બજારમાં 1 કિલો કેસરની કિંમત અઢી લાખ થી ત્રણ લાખની આસપાસ જોવા મળે છે. સુવર્ણની જેટલી કિંમત ધરાવતી હોવાથી કેસરની બીજી ઓળખ ‘રેડ ગૉલ્ડ’ બની ગઈ છે. એવું કહેવાય છે કે લગભગ 2300 વર્ષ પહેલાં ગ્રીસમાં સિકંદરની સેનાએ તેની ખેતી કરી હતી. એવું પણ કહેવાય છે કે મિસ્રની રહસ્યમય રાણી તરીકે લોકપ્રિય ક્લિયોપેટ્રાની સુંદરતાનું રહસ્ય કેસરમાં છુપાયેલું છે. કેમ કે રાણી સુંદરતા વધારવા માટે કેસરનો ઉપયોગ કરતાં હતાં. કેસરની ખેતી ભારત સહિત ફ્રાંસ, સ્પેન, ઈરાન, ઈટલી, ગ્રીસ, જર્મની, જાપાન, રશિયા. તુર્કિસ્તાન, પાકિસ્તાન, ચીન, ઑસ્ટ્રિયા તથા સ્વિટર્ઝલૅન્ડમાં થાય છે. ભારતમાં 5707 હૅક્ટર જમીન ઉપર કેસરની ખેતી કરવામાં આવે છે. 5707માંથી 4496 હૅક્ટર જમીન ઉપર કેસરની ખેતી એકલી જમ્મૂ-કાશ્મીરમાં થાય છે. કેસરનો પાક વાવેતર બાદ ત્રણ માસમાં તૈયાર થતો હોય છે. વાર્ષિક ઉત્પાદન 16000 કિલોગ્રામની આસપાસ જોવા મળે છે. જમ્મુના કિશ્તવાડ તથા પંપોરના કેટલાંક ક્ષેત્રોમાં મુખ્યત્ત્વે કરવામાં આવે છે. હવે તો પૉલીહાઉસ તથા ઈન્ડોર ટેકનીક દ્વારા ગરમ રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાના, કર્ણાટક વગેરે રાજ્યોમાં સફળ ઉત્પાદન થવા લાગ્યું છે. ઓહો…હો..હો… કેસરનો ભાવ આટલો બધો કેમ છે. તો ચાલો તેનું મુખ્ય કારણ જાણી લઈએ, કેસરના બે લાખ પુષ્પમાંથી લગભગ 1 કિલો સૂકી કેસર પ્રાપ્ત થાય છે. આપને જાણીને નવાઈ લાગશે કે કેસરના એક ફૂલમાંથી ફક્ત 3 કેસરના તાંતણા જ મળતાં હોય છે.

કેસરનો ઉપયોગ આયુર્વેદમાં વિવિધ ઉપચારમાં થતો આવે છે. કેસરને શુભતાનું પ્રતીક ગણવામાં આવે છે. વિવિધ વ્યંજનોમાં કેસરનો ઉપયોગ કરવાથી પ્રત્યેક વ્યંજનનો સ્વાદ લાજબાવ બનાવી દે છે. મંદિર-દેરાસરમાં ખાસ કેસરના પાણીથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. કેસરનું તિલક પ્રભુને અત્યંત પ્યારથી કરવામાં આવે છે. કેસરનું તિલક ભક્તો પણ કરવાનું પસંદ કરે છે. કેસરનો ઉપયોગ હવે તો પાન-મસાલા તેમજ ગુટખામાં થતો જોવા મળે છે. તેથી જ કેસર માટે એવું કહેવાય છે કે તે એક મસાલો નહીં, પરંતુ ભારતીય પરંપરાનું પ્રતીક છે. કેસરનું મહત્ત્વ ધાર્મિક, સાંસ્કૃતિક, ઔષધીય તથા આર્થિક સ્તર ઉપર વિશેષ છે.

કેસરમાં વિવિધ પોષક તત્ત્વો સમાયેલાં જોવા મળે છે. જેમ કે કૅલ્શ્યિમ, ઝિંક, પોટેશ્યિમ, આયર્ન, સોડિયમ, પ્રોટીન, ડાયેટરી ફાઈબર, મેગ્નેશ્યિમ, વિટામિન એ, વિટામિન સી વિટામિન બી-6, ફોસ્ફરસની સાથે ક્રોસેટીન, સૈફરૈનલ, પાઈક્રોકોસિન નામક પિગમેન્ટ હોય છે.

કેસર લૉ બ્લડ પ્રેશરને સુધારનાર, કફ નાશક ગણાય છે. સુંદરતા વધારવા માટે ઉપયોગી તેવા સૌંદર્ય-પ્રસાધન બનાવવા માટે કેસરનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. કેસરને ફક્ત હાથથી ચૂંટવામાં આવે છે. કેસરની ખેતી તથા તેને ચૂંટવાની પ્રક્રિયા અત્યંત અઘરી હોય છે. કેસરની તાસીર ગરમ હોય છે. તેથી ઠંડા પ્રદેશોમાં તથા શિયાળામાં તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. કેસરનો ઉપયોગ પ્રખ્યાત કાશ્મીરી કાઢો, કેસરિયા મસાલા દૂધમાં કરવાથી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે બળવર્ધક છે.

કેસર અત્યંત મૂલ્યવાન હોવાથી બજારમાં બનાવટી કેસર મળવા લાગી છે. કેસર અસલી છે તે તપાસવા માટે ગરમ પાણી કે દૂધમાં તેના 2-3 તાંતણા ઉમેરવા. જો અસલી હશે તો ધીમે ધીમે રંગ છોડશે. નકલી હશે તો તરત જ રંગ છોડવા લાગશે.

કેસરના ફાયદા

માનસિક તાણ ઘટાડવામાં લાભકારી : કેસરનું સેવન કરવાથી માનસિક તાણ, હતાશા, વારંવાર મૂડમાં બદલાવ આવવા જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે. કેસરનો ઉપયોગ કરવાથી મન શાંત બને છે. સકારાત્મક્તા આવે છે. એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન)ની વેબસાઈટ ઉપર પ્રકાશિત શોધ અનુસાર એક દિવસમાં 30 મિલીગ્રામ કેસરનું સેવન કરવાથી અલ્ઝાઈમરના રોગની સ્થિતિમાં સુધારો આવી શકે છે. કેમ કે કેસરમાં રહેલાં ક્રોકેટીન તથા ઍથનોલથી મળતી ગરમીમાં ઍન્ટિ-ડિપ્રેશન ગુણ જોવા મળ્યા હતા.

ગાઢ ઊંઘ લાવવામાં ગુણકારી : મોસમમાં બદલાવને કારણે અનેક વખત ગાઢ ઊંઘ ન આવવાની તકલીફ વધી જતી હોય છે. આવા સંજોગોમાં રાત્રે સૂતા પહેલાં કેસરવાળું કઢિયેલ દૂધ ગરમાગરમ પીવાથી ગાઢ ઊંઘ આવશે. તેનું મુખ્ય કારણ વૈજ્ઞાનિક શોધ અનુસાર કેસરમાં ક્રૉકેટીન નામક સત્ત્વ સમાયેલું છે. જે ગાઢ નિંદર લાવવામાં મદદ કરી શકે છે.

પાચન ક્રિયાને સુધારવામાં ગુણકારી : એવું કહેવાય છે કે કેસરમાં યૂપેપ્ટિક જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે તેવો ગુણ સમાયેલો હોય છે. આમ પાચનક્રિયાને સુધારવાની સાથે ભૂખ વધારનાર, ગેસની તકલીફને દૂર કરવામાં ગુણકારી છે.

કૅન્સરના બચાવમાં લાભકારક : કેસરનો આહારમાં ઉપયોગ કૅન્સર જેવી બીમારીમાં લાભદાયક ગણાય છે. વૈજ્ઞાનિક શોધ અનુસાર કેસરમાં સમાયેલું ક્રૉકેટીન કોલોરેક્ટલ કૅન્સરની કોશિકાને વધતા રોકે છે. કેસરનો ઉપયોગ પ્રોસ્ટેટ કૅન્સર, ત્વચાના કૅન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં કૅન્સરના યોગ્ય ઉપચાર માટે નિષ્ણાત ડૉક્ટરની સલાહ વધુ ઝડપી ઉપાય છે.

કેસરમાંથી બનતી વાનગીની વાત કરીએ તો લગભગ બધી જ મીઠાઈમાં જેવી કે પેંડા, મોહનથાળ, ફીરની, સેવૈયા, રબડી-બાસુંદી વગેરેમાં ખાસ કરવામાં આવે છે. કેસરનો ઉપયોગ બિરીયાની, પુલાવની વિવિધ શાકની ગ્રેવીને ખાસ પ્રકારની સોડમ આપવા માટે કરવામાં આવે છે. ઠંડીમાં કાશ્મીરમાં બનતો ખાસ કેસરિયો પુલાવ સ્વાદમાં લાજવાબ હોય છે.

તો ચાલો આજે જોઈ લઈએ….

કેસર કાશ્મીરી પુલાવ

સામગ્રી: દોઢ કપ બાસમતી ચોખા, 2 ચમચી દૂધ, 2 તાંતણા કેસર, 1 મોટો નંગ તજ, 2 નંગ લવિંગ, 1 નાની ચમચી જીરું, 2 મોટી ચમચી ઘી, સ્વાદાનુસાર મીઠું.

બનાવવાની રીત : સૌ પ્રથમ બાસમતી ચોખાને વહેતાં પાણીથી ધોઈને 15-20 મિનિટ પલાળી રાખવા. ત્યારબાદ ચોખાને ધીમા તાપે પકાવવા. ભાત છુટ્ટો બને તેની કાળજી રાખવી. ભાતને છુટ્ટો બનાવવા માટે ચોખા ચડી જાય ત્યારબાદ ચારણીમાં કાઢી લેવાં. એક વાટકીમાં 2 ચમચી દૂધ લેવું. તેમાં કેસર પલાળી રાખવી. કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં જીરુંનો વઘાર કરવો. તજ-મરી-લવિંગને વાટીને તેનો ભૂકો ભભરાવવો. રાંધેલો છુટ્ટો ભાત ઉમેરવો. સ્વાદાનુસાર મીઠું ઉમેરવું. કેસરવાળું દૂધ ઉપરથી છાંટવું. ભાતને હળવે હાથે હલાવી લેવો. ભાતને ગરમા-ગરમ કરી સાથે પીરસવો.

કરી બનાવવા માટે : 2 નંગ ટામેટા, 1 વાટકી મિક્સ શાક(ફ્લાવર, વટાણા, ગાજર, બટાકા, ફણસી) વગેરે ઝીંણા સમારેલાં. 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, સજાવટ માટે કોથમીર.2 ચમચી ઘી. કિચનકિંગ મસાલો, સ્વાદાનુસાર મીઠું, ખાંડ, ધાણાજીરું.

બનાવવાની રીત : સૌ પ્રથમ ઉપરોક્ત શાકને વરાળમાં બાફી લેવાં. હવે ટામેટાંની પ્યુરી બનાવી લેવી. એક કડાઈમાં ઘીનો વઘાર કરી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરવી. ઘી છુટ્ટું પડે ત્યાં સુધી પકાવવું. બાફેલાં શાક ઉમેરવાં. આવશ્યક્તા મુજબ પાણી ઉમેરવું. સ્વાદાનુસાર મસાલા ઉમેરવા. કોથમીરથી સજાવીને ગરમાગરમ પુલાવ સાથે કરી પીરસવી.

આપણ વાંચો:  હરડેની હરણફાળ… ત્વચા માટે હરડે કેટલું ફાયદાકારક …

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button