તરોતાઝા

કૅક ખાઓ છો, તો પહેલા આ વાંચી લેજો

આપણાં ઘર-પરિવારમાં કોઈપણ ફંકશન હોય તો હવે કૅક કટ કરવાની એક પરંપરા શરૂ થઈ ગઈ છે. બર્થ-ડે પાર્ટી હોય, સગાઈ હોય અથવા તો મૅરેજ હોય લોકોને કૅક વગર ફંક્શન અધૂરા લાગે છે. હવે એને લઈને એક ખતરનાક ખુલાસો થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે કૅકમાં એવા કેટલાંક હાનિકારક તત્ત્વો હોય છે, જેનાથી કૅન્સર જેવી બીમારી થઈ શકે છે. એથી એમ કહી શકાય કે કૅક છે મીઠું ઝેર.

બેકરીની કૅકમાં મુખ્યત્વે માર્જરીનનો ઉપયોગ કરવામાં આવે છે, જે સસ્તું હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે એ મોંઘુ પડી શકે છે. સાથે જ વિવિધ કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્સ અને કલરનો વપરાશ થાય છે. આશ્ર્ચર્યની વાત એ છે કે બેકરીવાળાઓને આ વાતની જાણ છે. આમછતાં તેઓ બેફામ એનો ઉપયોગ કરે છે. લોકો પણ ક્વૉલિટીને બદલે સસ્તી કૅક ખરીદવામાં માને છે.

કર્ણાટક ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે કરેલાં ટેસ્ટમાં બાર પ્રકારનાં કૅકને કૅન્સર માટે જવાબદાર ઠેરવ્યાં છે. ૨૩૫ સેમ્પલ્સમાંથી બાર કૅકમાં આર્ટિફિશિયલ કલર મળી આવ્યો છે, જેનાથી કૅન્સરનું જોખમ વધે છે. બ્લૅક ફોરેસ્ટ અને રેડ વેલ્વેટ કૅક એમાં સામેલ છે. એવામાં જાણીએ કે કઈ કૅક ખાવા યોગ્ય છે કે નહીં.

ફોટોવાળો કૅક
આજકાલ કૅક પર જે તે વ્યક્તિનો ફોટો પ્રિન્ટ કરાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એ કૅક બનાવવામાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ફૂડ કલરિંગ, પ્રિન્ટિંગ ઇન્ક અને પ્લાસ્ટિકાઇઝરનો ઉપયોગ થાય છે. આ ત્રણેય સ્વાસ્થ્ય માટે જોખમી છે. એની અસર લાંબા ગાળા સુધી શરીર પર રહે છે. આ કેમિકલ્સને કારણે એલર્જી, અસ્થમા, પચનની સમસ્યા અને સ્કિન પ્રોબ્લેમ્સ થઈ શકે છે.

તો પછી કઈ કૅક છે ખાવાલાયક?
ઓર્ગેનિક કૅક: ઓર્ગેનિક કૅક બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે, એમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ નથી કરવામાં આવતો. એથી એ સૌથી વધુ સેફ કૅક ગણવામાં આવે છે. એ કૅક ખાવાથી આરોગ્યને કોઈ નુકસાન નથી થતું.

ફ્રૂટ કૅક: ફ્રૂટ કૅક બનાવવામાં ફળોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. એનાથી કોઈ નુકસાન નથી થતું. આવી કૅક તો કોઈ પણ સેલિબ્રેશનમાં ખાઈ શકાય છે.

નટ કૅક: આજકાલ માર્કેટમાં નટ કૅકનો ટ્રેન્ડ વધી ગયો છે. એમાં નટ્સનો વધુ ઉપયોગ થાય છે. એ કુદરતી રીતે લાભકારી છે. એનાથી સ્વાસ્થ્યને પણ ઘણાં લાભ મળે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button