મોજની ખોજ: કંઈ મા મહાન? નવમાસ પેટમાં રાખે એ કે નવરાત્રિ મંડપમાં આવે એ?’

– સુભાષ ઠાકર
અરે, બધા ભાઈઓ અને બહેનો….માની આરતીનો સમય થઈ ગયો છે… જલ્દી આવો!
કોઈ નાના બાળકને પણ પૂછો કે ‘અંબે મા’ સોસાયટી ક્યાં આવી? તો કૃષ્ણ અર્જુનને આંગળી ચીંધે એમ ચીંધી બોલશે
‘પે…લી સામે ડુંગર ઉપર ચાર માળની ચાલી દેખાય એ’.
યસ…આ ડુંગર પર ગુંડા, બદમાશ, ડાકુ ને મવાલીઓ રહે છે અને હું પણ. પૂછો કેમ? કેમ કે આપણને એવી મોટાઈ નઈ કે મવાલીઓ સાથે ન રહેવાય એ લોકો કઈ રાજકારણીઓ નથી. આવા ગુંડાઓનો ભંગાર વસતો હોવા છતાં આખા મુંબઈમાં અમારી ચાલીની સોસાયટીની ગણતરી હાઈ સોસાયટીમાં થાય છે.
પૂછો કેમ? કેમ કે નેશનલ પાર્કની ગાંધી ટેકરીની જેમ આ ‘અંબે મા’ સોસાયટી થોડી હાઈટ (ડુંગર) પર આવેલી એટલે હાઈ સોસાયટી…બીજી સોસાયટીઓ કરતા નવરાત્રિમાં માતાજી સાથે વધુ નજીકનો સંબંધ અમારે. પૂછો કેમ?
કેમ કે કહેવાતી બધી જ ધાર્મિક માઓ નવદુર્ગા, ચામુંડા, આશાપુરા, બહુચર, અંબાજી, ડુંગર પર જ વસે છે ને બાપુજી બધા બિચારા ભોયરામાં પાતાળેશ્વર, ભૂતેશ્વર, ગુપ્તેશ્વર, ચમકેશ્વર..કોઈ મા ભોયરામાં નથી કે કોઈ ભગવાન લગભગ ડુંગર પર નથી. પૂછો કેમ? કેમ કે
એ પ્રશ્ન માતાજી અને ભગવાન વચ્ચેનો છે આપણે વચ્ચે ન પડાય. કદાચ ત્યાં પણ આપણા જેવું હશે બા ઉપર ને બાપુજી ભોયરામાં…
અરે, ગઈકાલે બન્યું એવું કે…
‘બોલ શ્રી અંબે માતકી…’ ચાલીના પ્રમુખ ચંબુલાલ મંડપના માઈકમાં એટલુ બોલી અટકી ગયા પછી આજુબાજુ કોઈ દેખાયું નઈ એટલે પોતે જ બોરીવલીથી ચર્ચગેટ સુધીનું લાં…બું ‘જે..એ..એ..એ’ એટલું જોરથી બરાડ્યા કે આજુબાજુ છૂટીછવાઈ ઊભેલી બે-ત્રણ ઘરડી ડોશીઓ (અરે ખબર છે ડોશીઓ ઘરડી જ હોય) ધરતીકંપનો આંચકો લાગ્યો હોય એમ ધ્રૂજી, મંડપ પણ ધ્રૂજ્યો ને માતાજીએ પણ કાનમાં પૂમડા ભરાવી દીધા હશે. આ ચંબુલાલના અવાજની બુલંદી એવી કે એકલો ‘જય’ બોલે તો પણ આખી સોસાયટી કોરસમાં બોલતી હોય એવું લાગે ને પછી બોલ્યા :
‘અરે આરતી ટાણે જ બધા ક્યાં ગાયબ થઈ ગયા? શર્મ આતી હૈ મગર આજ યે કહેના હોગા કે 87ના કંકુબાએ બેસેલા અવાજે આજે ઊભા ઊભા ગાયું ‘મા પાવા તે ગઢથી ઉતર્યા’ પણ આખી સોસાયટીમાંથી કોઈ આરતી માટે નીચે ન ઉતર્યા. પ્લીઝ, બધા માઈભક્તો રૂમમાંથી નીચે ઉતરો ને આરતી ઉતારો. આરતીનો સમય તો ક્યારનો થઇ ગયો ને આટલી વારમાં તો નવ વાર આરતી ઉતારી પાછી ઉપર ચડાવી દીધી હોત એટલો સમય તો મારો બોલવામાં ને બોલાવામાં જ ગયો. અરે, એ તો માતાજીની ખાનદાની છે કે આટલું મોડું થયું હોવા છતાં આપણી ચાલીમાંથી ચાલી નથી ગયા અને આ કઈ મારા ગગાના લગન નથી કે રૂમે રૂમે આમંત્રણ આપવા નીકળું. કબૂલ કે હું ચાલીનો એકનો એક પ્રમુખ છું, પણ માતાજી મારા એકલાના નથી બધાના છે, ચાલી બધાની છે.આરતી બધાની છે બધાએ સાથે ઉતારવાની છે. આ હું નવમી ને છેલ્લી વાર મારું ગળું ફાડીફાડીને, રાડો પાડીપાડીને, બરાડા પાડીપાડીને બધાને વિનંતી કરું છું કે જલદી પધારો, નઈ તો માતાજી એકવાર ચાલીના મંદિરમાંથી ચાલી જશે તો ચાલીની ઈજ્જત પણ ચાલી જશે ને સાથે મારી પણ 500 ગ્રામ બચેલી ઈજ્જત ચાલી જશે તો પ્લીઝ..’
‘અબે એય પ્લીઝની સગલી ચુઉઉઉપ, એકદમ ચુપ થઇ જા’
દરમાંથી ઉંદર મોઢું બહાર કાઢે એમ ત્રીજા માળથી ચંપકલાલે બારીમાંથી ડોકી બહાર કાઢીને ચંબુથી પણ ડબલ બરાડ્યા
‘શું ક્યારનો આરતી આરતી મંડી પડ્યો છે હવે એકવાર પણ આરતી બોલી મારા મગજની નસ ખેંચી તો તારી આખા શરીરની નસો એવી ખેંચી કાઢી લઈશ કે તું આખો ચોળાયેલી ઓઢણી જેવો થઇ જઈશ ને તારા જ ઘરના તને પૂછશે તું કોણ?’
‘અરે, પણ આરતીનો સમય વહી જતો હોય તો’
‘તો જવા દેવાનો, ને આરતી એટલી તો કેટલી વજનદાર છે ને ઊંચે ચડાવી છે કે ઉતારવા આખી સોસાયટીની જરૂર પડે, નથી ઉતરાતી તો એટલી ઉપર ચડાવો છો શું કામ? હવે કોઈ પહેલવાનને બોલાવો. ને તું થોડી શાંતિ રાખ. જે માતાને આપણે શ્રદ્ધાથી લાવ્યા તો માતાજી પણ રાહ જુવે. ને જે રાહ જુવે એ જ તો મા છે. હવે જો તારા ગળામાંથી નીકળતી પ્રચંડ રાડથી તારી સ્વરપેટી ભલે ફાટે પણ અમારા કાનના પડદા ફાટી જશે તો સાંધવા કોણ તારા બાપુજી આવશે?’
‘પ્લીઝ મારા બાપુજીને વચ્ચે ન લાવો એ યક્ષિં સ્પેશ્યાલીસ્ટ નથી તો એ કાનના પડદા કેવી…’
‘અરે, ફરી ચુઉઉઉપ’ ચંપકકાકો વીફર્યો ‘તું કાન ખોલીને સાંભળી લે તારી ઓરિજિનલ મા ઉપર માતાજી પાસે પહોંચી ગઈ, પણ મારી મા હજી નીચે ફૂટબોલ જેવી કડેધડે બેઠી છે. સમજ્યો? અને ધ્યાનથી સાંભળ કાલે જ માતાજી મારા સ્વપ્નમાં આવેલા ને મને કીધું ‘જે દિવસે તને પગે લાગી મારા આશીર્વાદ લેવાની ઈચ્છા થાય ત્યારે તારી જન્મદાતાને પગે લાગી લેજે, મને મળી જશે. તું તારી જન્મદાતા સાથે શ્રદ્ધાથી આગળ વધ હું તારી સાથે જ છું, હવે જે માએ થાળ ધરાવ્યા પછી કોળીયો પણ ભર્યો નથી એનું ધ્યાન રાખું કે જે માએ નાનપણથી જ પોતે ભૂખી રહી મને કોળિયા ભરાવ્યા હોય એનું? મંડપમાં બેઠેલી માની મૂર્તિ બજારમાં મળે પણ જન્મદાતાની બજારમાં ન મળે.’
‘સમજ્યો? હવે તું જ બોલ કઈ મા મહાન જેને નવ માસ પેટમાં રાખી મારી કાયાનું જતન કર્યું એ કે નવરાત્રિ માટે મંડપમાં આવી એ?’
‘મિત્રો, આપણે કોનું માનવું છે? ચંબુનું કે ચંપકલાલનું?’
શું કહો છો?
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: અતિ અલ્પ ખોરાક: યોગાભ્યાસી માટે બરાબર નથી