મોજની ખોજ : સંગીતના અસુરને આ સૂર કેમ સમજાય?

સુભાષ ઠાકર
વહેલી પરોઢે કોયલનો મધુર ટહુકાર હોય કે રાતના અંધારામાં કોઈ શ્વાનનું બોરિવલીથી વિરાર જેવડું `વાઉઉઉ…’ કરતું પોક મુકાતુ લાંબું દન હોય પણ મારા બાપાના બાપા, એના બાપાના બાપા, એના બાપાના બાપાના બાપા એવા દૂર સુધીના અગણિત બાપાઓથી મારા હાલના હયાત બાપુજીને મધુર સંગીત જ સંભળાતુ. એમ કરતાં અમારા ખાનદાનમાં સંગીત એવું વણાઈ ગયું કે તમે નહીં જ માનો,પણ પરિવારમાં કોઈનેય કોઈ અંગ પર ઉઝરડો પડે ને વાગે તો હાર્મોનિયમની કાળી-ધોળી પટ્ટીઓના દર્શન થતા. ઇવન કોઈ રકતદાન કરવા જાય તો નર્સને પણ અંદર નસના બદલે ગિટારનાં તાર દેખાતા..!
યેસ, આઈ એગ્રી કે મારા બાપામાં ખાનદાની કદાચ ઓછી હશે પણ સંગીત તો એમનાં અંગેઅંગમાં, અણુઅણુમાં, રોમેરોમમાં એવું ફેલાયેલું કે ધીરે ધીરે બા સામે ઊંચી ઊંચી ફેકવા લાગ્યા ને કૂતં ન્હોતું કરડ્યું તો પણ બાને ધનુરના 14 ઈંજેક્શન લેવાં પડેલાં. એ કેવી કેવી ફેંકતા એ પણ જાણી લો…
`યુ નો ? આ રાહુલને કોણે તૈયાર કર્યો?’ બાપુજીની ફેકું શરૂઆત.
`સોનિયાએ.’ બાનો જવાબ
`અરે ડોબી, એ પપુ રાહુલની વાત નથી કરતો. રાહુલદેવ બર્મન- સંગીતના શહેનશાહ, જેમનો આ 27 જૂને જન્મ દિવસ ઉજવાશે. મૃત્યુ પછી પણ બધાના જન્મદિન ઉજવાય એવા બધાના નસીબ નથી હોતા. કેવું નઇ? જન્મદિવસે જાતે મીણબત્તી પ્રગટાવે, ને મૃત્યુદિને બીજા ચિતા પ્રગટાવે..વોટ એ ટે્રજેડી…. મૂળ વાત યુ નો એ રાહુલદેવ બર્મનને સંગીત માટે ગિટાર કોણે ભેટ આપેલી? આ બંદાએ, અને પેલા.. તંબૂરા જેવું વગાડે છે એ…શું નામ… હા શ્રી શ્રી રવિશંકરને સિતારવાદન કોણે શિખવાડેલુ?
`તારા પતિએ.’
`અરે ડોબાશંકર, પ્લીઝ બફાટ ન કરો એ શ્રી શ્રી રવિશંકર નઇ પણ પંડિત રવિશંકરને… હે પ્રભુ, ગગાને આ ભેદ કોણ સમજાવશે?’
`પણ રવિશંકર તો છે ને? આ તારા વિરાટ કોહલીને ગઝલ ગાતો કોણે કર્યો? મેં! ‘ બાપુએ પાછું ફેક્યું.
`માર્યા ઠાર, આમાં ગઝલ તંબૂરામાંથી આવે? અરે વિરાટ તો મહાન ક્રિકેટર છે.’ બા અંદરથી સળગી ઊઠયાં.
`ખબર છે હવે એટલે તો ગઝલ શિખવાડવી પડે, ભલેને એ આપણને ક્રિકેટ ન શીખવાડે પણ મારું મન મોટું છે. આ જગુને પણ ગઝલ ગાતો મેં જ કરેલો..’
`જગુને?’ એ વળી કોણ?
`અરે જગુ એટલે જગજીતસિંહ ડોબી, આ તારા શંકર જયકીશનો, લક્ષ્મી- પ્યારેઓ, કલ્યાણજી-આણંદજીઓ, ને મદન- મોહન જેવી સંગીતકાર બેલડીઓને કયું ધન ક્યાં વાપરવું… સોરી કઇ ધૂન ક્યાં વાપરવી એ જ્ઞાન કોણે આપેલું? આ બંદાએ…’
`પણ મારા બાપ , મદનમોહન અલગ ન્હોતા. એ જોડીમાં કંકોડામાંથી આવે?’ બાની છટકી
`એકઝેટલી, હું પણ એ જ કહું છું કે સંગીત માટેની ધગશ હોય, કાબેલિયત હોય, દિવસરાત મહેનત કરવાની તૈયારી હોય તો ક્યાં પહોંચી શકાય એનો જીવતો જાગતો પુરાવો એટલે મદનમોહન માલવિયા.’ બાપા ફેંકવામાં પાછા પડતાં જ ન્હોતા.
`એ જમાનામાં એક સંગીતકાર પણ જોડીમાં સંગીત આપતો..’ ત્યાં તો બાએ પોતાના જ માથાં પર ચાર પાંચ ટપલી ઠોકી દીધી.
આ પણ વાંચો:મોજની ખોજ: ધોળિયો હોય કે કાળિયો… બધાના લોહીનો રંગ લાલ!
એકવાર અચાનક અડધી રાત્રે બાપુજી પલંગ પર ઉછળ્યાં ને મુખમાંથી શબ્દો સર્યા `આહાહાહા વાહ વાહ કયા બાત હૈ.. દુબારા દુબારા.. વાહ સુભાન-અલ્લાહ….’
`અબે એય સુભનલ્લા. શું થયુ?’ બાજુમાં સૂતેલા બાએ દુકાનનું શટર પરાણે ખૂલતું હોય એમ આંખોના પોપચાં અડધા ઉઘાડયાં:
`રાત્રે એક વાગે શું બબડો છો?’
`શીઇઇઇઇસ’ બાપુજીના બે હોઠ વચ્ચેથી બોડી સ્પ્રે છંટાતો હોય એવો સિસકારો નીકળ્યો :
`સંભળાય છે વ્હાલી તને સંભળાય છે? જો કોઈ મીઠા સંગીતના સૂર છેડી રહ્યું છે. તું આખો દિવસ જીભડીનો ઉપયોગ કરે છે તો ભગવાને તને સાંભળવા બે કાન પણ આપ્યા છે એનો ઉપયોગ કર..’
`અરે મેરે લલ્લુરામ, સૂઈ જાઓ છાનામાના ને સુવા દો. કોઈ સૂર-બુર છેડતું નથી ….આ તો બિલ્ડિંગમાં કૂતરાના રડવાનો અવાજ છે’
વાહ તો તો આનંદ-કમ-આશ્ચર્ય! શું રડે છે, યાર એની સાથે રડતાં એના સાથીદારો, સગાં વ્હાલાં સૂર પુરાવે ત્યારે કેવું સુંદર સંગીતમય વાતાવરણ ઊભું થાય છે શ્વાનના કંઠમાંથી નીકળતું એક વખતનું
વા’ ત્રણ વખતનું આઆઆ' પછી ખેચાતુ લાંબું
ઉઉઉ, જે તાલબધ્ધ રડે છે, વાહ દાદ આપવી જોઈએ દાદ..’
`અરે દાદ નઇ એને દૂધ પીવડાવવાની જરૂર છે. એ ભૂખે રડે છે. દૂધ પીધા પછી એનો સૂર ને તમારી દાદ તળિયે જતી રહેશે, સમજ્યા?’
`અપમાન, ઘોર અપમાન, સંગીતમય રૂદનનું ખતરનાક અપમાન ….નઇ સમજાય, તને નઇ સમજાય તુજે સૂરકી સમજ નહીં આઈ…અરે તારા પેલા ચવાયેલા 16 એમેએમના બગાસા ખાતા ડાયરાના હે જી રે.. કરતાં માથામાં વાગે એવા રાગડા કરતાં સાં છે.
સાંભળ સાંભળ એક પછી એક શ્વાનના સૂર…કેવા લયબધ્ધ’!
આ પણ વાંચો:મોજની ખોજ: સુખી કૌન સોનેકી ચેનવાલા કી ચેનસે સોનેવાલા?
`અરે મને કહો છો કાન સાંભળવા આપ્યા છે તો બુધ્ધિ પણ વાપરવા માટે આપી છે. સમજ્યા? આ કોયલથી કૂતરા સુધી કોઈ પણ પશુ-પંખી ધારે તોયે બીજો સૂર કાઢી શકતા નથી. ઈશ્વર જાણે આપણા બંનેનો સૂર ક્યારે મળશે?’
`આ તું મને કહે છે? એક સુંદર ગાયકની ઈજ્જતનો ફાલૂદો કરે છે? હું સૂર સર્જ્યા વગર પણ ગાઈ શકું એનું જ્ઞાન છે ને? પણ તારા જેવા અસુરને સૂરની શું સમજ પડે? હું જ્યારે બાથરૂમમાં ગાઉ છું ત્યારે રફી સાહેબ, મુકેશ, મન્નાડે કે મહેન્દ્ર કપૂર બધા ગાયકો પાણી કમ ચા…’
`બસ, હવે તમે ફેંકવાની હદ વટાવો છો’ બામાં ડાકુરાણી ગંગા પ્રવેશી:
`નથી માનતી? તારે સાંભળવુ છે? એટલું બોલી બાપુજી બાથરૂમમાં ગયા ને બાએ બહારથી કડી મારી દીધી, પૂરી દીધા.
મિત્રો, અહીં રહસ્ય એ છે કે હજી મારું આ દુનિયામાં આગમન થયું નહોતું…આગમન પછીની વાત આવતા મંગળવારે….શું કહો છો?