તરોતાઝા

મોજની ખોજ : અરે, મૌનને પણ ક્યારેક બોલવા દો…

  • સુભાષ ઠાકર

હું નઇ હોઉ તો આ પરિવાર, સમાજ, જગતનું શું થશે એવા ભ્રમમાં જીવતા માણસની જેમ હું નહીં હોઉ તો આ શરીરનુ શું થશે એવુ વિચારી શરીરનાં બધાં જ અંગો ‘ઈશ્વર માટે સૌથી મોટું કોણ?’ એ વિષય પર પાર્લામેન્ટના પ્રધાનોની જેમ મંદિરમાં જ લડી પડ્યા. બધા અંગના અહંકાર ટકરાયા એમાં સૌ પહેલા હાથ બોલ્યા :

‘અલ્યા બધા સાંભળો, મંદિરમાં ઈશ્વરે હાથ જોડી વંદન-નમસ્કાર કરવાનો અધિકાર અમને આપ્યો છે એટલે
ઈશ્વર માટે સૌથી મોટા અમે…’

‘હાયલા.. એય ટોપા, તારું ઠેકાણે તો છે ને?’ પગની છટકી:

‘તને જ નઇ પણ આ બધા અંગની ટોળકીને મંદિર સુધી ખેચી લાવે છે કોણ? અમે બંને પગ. અને અહી મંદિરમાં આવી ભલે બંને હાથ જોડી નમસ્કાર કરો તો પણ દુનિયા પગે લાગ્યો એમ જ બોલે છે… કોઈ બોલ્યું કે હાથે લાગ્યો? યુઝ કોમનસેન્સ. એ અમારા માટે ઈશ્વરની લાગણી છે એટલે મોટા અમે બંને પગ..સો સિમ્પલ.’

‘એય સો સિમ્પલની સગલી, બિલકુલ ચૂપ અહીં આવી ઈશ્વરના દર્શન કરે છે કોણ? હું. અરે આ માણસે ત્રણ વાર ‘આંખે’ ફિલ્મ બનાવી, પણ એક પણ વાર ‘નાક’ કે ‘કાન’ બનાવી? અરે, માણસો ‘તેરી આંખોકે સિવા દુનિયામેં રખ્ખા ક્યા હૈ’ ગાય છે પણ આ નાક-કાન ગમે તેટલા સુંદર હોય તોય કોઈ ભાભોભાઈ એ ગાતો નથી તેરે નાક કે કાન કે સિવા દુનિયામેં… સી ધ વેલ્યૂ એટલે ઈશ્વરની નજરે સૌથી મોટી અમે’ આંખો બોલી
‘અરે એક મિનિટ, સાંભળો બધા આ ઈશ્વરને ધરાવેલો પ્રસાદ ખાય છે કોણ? હું’ જીભ બોલી :

‘એની પ્રાર્થના કોણ ગાય છે? હું. એટલે સૌથી મો…’

‘એ જીભડી, ખોટી ટે ટે નઇ કરવાની. પ્રાર્થના સાંભળે છે કોણ? ઈશ્વર? ના. અમે. મંદિરમાં પ્રાર્થના ને બહાર નીકળી બધાની નિંદા. કૂથલી..ઈશ્વર બોલતા નથી એટલે… કેમ હવે તારી બોલતી બોલતી બંધ થઈ ગઇ?!’ કાન તો ભડક્યા
‘અલી ડોંબી’ નાક ઉવાચ : ‘વાસી પ્રસાદ તારા સુધી ન પહોંચે એનું ધ્યાન કોણ રાખે છે? હું. પણ તે જિંદગીમાં કોઈ દિવસ મારો આભાર માન્યો? ના… અને નાક વગરના માણસની ઇજ્જત પણ નથી. અરે , હું ઉચ્છવાસ ન છોડું તો ઈશ્વર શ્વાસ પણ ન આપે આખા જીવતરના શ્વાસ મારા દ્વારા જ લેવાય છે. હવે બોલો બધા… મોટું કોણ?’

‘શું છે? શેનો વિવાદ ચાલે છે?’ દરમાંથી ઉંદર ડોકી બહાર કાઢે એમ અખરોટના ફાડિયા જેવા મગજે ખોપરીમાંથી ફટ્ટ કરતી ડોકી બહાર કાઢી ‘આ ઈશ્વરદર્શન માટેનો વિચાર તો હું આપું છું સમજ્યા? પણ મેં કોઈ દિવસ બહાર આવી દેખાડો કર્યો? અહંકાર કર્યો? અરે, શરીર તો સૌથી નજીકનું મિત્ર છે આમ લડશો તો શરીર ટકશે કેમ? ને આપણું શરીર કઇ ભારતની પ્રજા નથી કે બધુ સહન કરે… હવે ધ્યાનથી સાંભળો… આ આખા શરીરમાં કામ કોણ નથી કરતું એ શોધો’ મગજનો હુકમ છૂટયો ને સંશોધનના અંતે મગજે શેઠને રિપોર્ટ આપ્યો : ‘શેઠ , આ પેટ કઇ કામ કરતું દેખાતું નથી’ ‘ઠીક છે જે કામ ન કરે એને પગાર ન મળે એમ પેટને ભોજન આપવાનું બંધ કરો’ મગજે ઓર્ડર છોડ્યો ‘હા હા બંધ કરો તો જ એની સાન ઠેકાણે આવશે’ બધા અંગોનો એક જ સૂર…

બીજા દિવસથી પેટે ખાવાનું બંધ કર્યું, ને સ્વમાની પેટે માગ્યું પણ નઇ… પણ જેમ જેમ સમય જતો ગયો એમ એમ બધા જ અંગ વગર મગજે વિચારે ચડયા ‘આ મારું બેટુ કેવું? પેટને ખાવાનું ન મળે એમાં આપણે કેમ નબળા પડતાં ગયા? પેટ જાદુગર છે? ’
થોડા વખત પછી બધાએ પેટને પૂછ્યું : ‘ભાઈ પેટ, સાલું સમજાતુ નથી કે તને ખાવાનું ન મળે એમાં અમે કેમ નબળા પડતા જઈએ છીએ?’

‘સાંભળો, વ્હાલા’ પેટ બોલ્યું : ‘તમે બધા હુંસાતુંસીમાં એ ભૂલી જ ગયા કે તમે બધા મારા પર નભો છો, અરે તમારા બોસ મગજને પણ વિચાર કરવાની શક્તિ હું આપું છું. તમે નગુણા એ ભૂલી ગયા કે હું ભોજન પચાવી, લોહી બનાવી તમને
બધાને કામ કરવાની શક્તિ પૂરી પાડું છું. આ માણસ જાણે છે કે ભોજનમાંથી લોહી બને છે પણ હજી સુધી લોહી બનાવવાનું મશીન શોધી શક્યો નથી. અરે વ્હાલા, લોહી બનાવવા મારી અંદર બેઠેલા હોજરી અને આંતરડાને કેટલી મજૂરી કરવી પડે છે એ તો રામબાણ વાગ્યા હોય એ જાણે, એ જાદુની માત્ર મને જ ખબર છે. છતાં મેં કોઈ દિવસ અભિમાન કર્યું?. યાદ રાખો…

કેટલાંક કાર્યોની નોંધ જાતે ન લેવાય. લોકો લે. આપણે નઇ, આપણુ કામ બોલવું જોઈએ.. અને ઈશ્વર માટે મોટું કોણ? સાચું કઉ? ઈશ્વર સામે મોટા થવાના ધખારામાં તમે બધા એ જ ભૂલી ગયા કે ઈશ્વર જ આપણા બધા કરતાં મોટો છે… એ છે તો આપણે બધા છીએ…અને તમે…’

આપણ વાંચો:  ફાઈનાન્સના ફંડા : બિહેવિયરલ ફાઇનાન્સમાં અવેઇલેબિલિટી બાયસ એટલે શું?

‘વાહ વાહ, કયા બાત હૈ સોરી બકા, તું તો જોરદાર
બુદ્ધિશાળી નીકળ્યું આ વાત અમને કોઈને યાદ જ ન
આવી, બોલો પેટ દેવકી જય’ના નારા સાથે બધા અંગોએ
મળીને પેટને પારણા કરાવ્યા ને બધા અંગ પાછા પોતપોતાને કામે લાગી ગયા.

શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button