તરોતાઝા

મોજની ખોજ : સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે

સુભાષ ઠાકર

‘સુભાષ અંકલ, પરીક્ષામાં પાસ થવા માટે 35 જોઈએ ને મારે 33 આવ્યા, બે માર્ક માટે લબડી ગયો, આ જુઓ’ ચંબુ એનું પ્રગતિ પત્રક બતાવતાં બોલ્યો.

‘એ ડફોળ ડોટ કોમ, દરેક વિષયમાં 35 જોઈએ ને તારું આ સાત વિષયનું ટોટલ 33 છે, ને તારો બાપ કઈ કમાણી ઉપર મંડી પડ્યો છે કે મારો ચંબુ સ્કૂલમાં હમેશાં પ્રથમ રહ્યો છે.’

‘અરે અંકલ..’ ચંબુ બોલ્યો ‘રાજા હરિશ્ર્ચંદ્ર, ગાંધીજી પછી સત્યના કોઈ આગ્રહી હોય તો મારા બાપુ ચંપકલાલ. એ સાચા છે, હું પહેલો નંબર જ લાવું છું. પણ દોડવામાં. ભણવામાં નઇ.. દોડમાં સૌથી આગળ..’

‘પણ એમાં શુ વળે?’

‘અરે એમાં જ વળે, બાકી ભણવામાં જેને જોયા જ નથી, જેની સાથે દૂર સુધી સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી તે હિટલર ક્રૂર હતો, તૈમુર લંગડો હતો (કેમ જાણે આપણે ઘોડી આપવાની હોય) નેપોલિયન બટકો હતો (ઊંચાઈ વધારવાની દવા આપવાની હોય), મોહમ્મદ તઘલખે દાંત ઉપર કબર ચણાવેલી, પ્રતાપે ઘાસના રોટલા ખાધેલા, શાહજહાંએ મુમતાઝ માટે તાજમહાલ બંધાવ્યો, (અત્યારે જીવતો હોત તો વન રૂૂમ કિચન ન લઈ શકત) પણ એ બાંધનાર કડિયા, સુથાર કે મજૂરને કોણ યાદ કરે છે? દાદા ગુજરી જાય તો બે પાંચ વર્ષમાં ભુલાઈ જાય, પણ પેલા શિવાજી કે ગાંધીને યાદ રાખવાના, અંકલ આ બધું યાદ રાખીને કરવાનું શું? અરે, કોઈ બિલ્ડિંગ બનતું હોય ને કોઈના માથા પર ઉપર પથ્થર પડે તો કોઈ ભાભો ભઈએ નોંધ નથી લેતો ને પેલા ન્યૂટનના માથા પર સફરજન પડ્યું તો ગુરુત્વાકર્ષણની શોધ કરી ને મોટા વૈજ્ઞાનિક. એટલે ભણવાનું માંડી વાળી મેં દોડવીર બનવાનું નક્કી કર્યું છે…’

‘પણ એ દોડ માટે પણ પ્રૅક્ટિસ તો કરવી પડી હશે ને?’

‘ના પ્રૅક્ટિસ કરવી ન પડી. ખોટું શું કામ બોલું, કોઈવાર કૂતરું મારી પાછળ પડતું ને મારી દોડની ગતિ વધતી ગઈ ને બાપુ પણ મંડી પડેલા બેટા, દોડની સ્પર્ધામાં મારે તારો પહેલો નંબર જોવો છે.’ મેં તો કીધું ‘બાપુ, જવા દો સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે’ છતાં એક દિવસ બાપુની ઇચ્છા પૂરી કરવા એક અનોખી દોડની સ્પર્ધામાં પહેલો આવ્યો ને ઈનામમાં શું મળ્યું ખબર છે? વડાપાંઉ..’ ચંબુ બોલ્યો
‘વડાપાંઉ?’ હું ચમક્યો.

‘એમ ચમકો નઇ’ ખરું ચમકવાનું તો હવે આવશે એ હરીફાઈમાં ચાર સ્પર્ધકોએ ભાગ લીધેલો. હું, એક વડાપાંઉની લારીવાળો, હવાલદાર અને ઇન્સ્પેકટર..’

‘વાઉ ઇન્ટરેસ્ટિંગ.’ મને વાતમાં રસ પડ્યો.

‘જુઓ, આખી વાત સમજાવું તમે તો જાણો છો અંકલ, કે ‘મોંઘવારીએ દાનમાં આપેલી ગરીબાઈ નામની બાઈ’ અમારે ત્યાં વર્ષોથી ધામાં નાખીને બેઠી છે, અમારા માટે ઝૂંપડીમાં ખાવા માટે ગમ ને પીવા માટે આંસુ સિવાય ક્યાં કંઈ બચ્યું છે? અમને બીજી કોઈ ટેવ નહોતી, પણ ભૂખ્યા રહેવાની ટેવ વર્ષોથી પડેલી. આમાં એક રાત્રે માત્ર ઉધરસ ને બગાસાં ખાઈને સૂતેલા, પણ એમાં પેટ થોડું ભરાય એથી બીજા દિવસે કકડીને ભૂખ લાગેલી. બાપુજીએ વારસામાં ને સંસ્કારમાં દોડવાનું શિખવાડેલું એથી સવારે વડાપાંઉની લારીએ પહોંચી ગયો. પાસે પૈસા ન હતા એટલે ખરીદી કરવા જેવો ગંદો વિચાર તો આવે જ નઈ એટલે લારીમાંથી બિલાડી ઉંદરને ડોકથી પકડે એમ વડાપાંઉ હાથમાં પકડ્યું પછી કૂતરાને જોઈ બિલાડી ભાગે એમ દોડ્યો.. લારીવાળો ચોર.. ચોર.. પકડો ..પકડો ની બૂમ સાથે મારી પાછળ પાછળ, એની પાછળ હપ્તા ખાવાવાળો હવાલદાર, હવાલદારને દોડતો જોઈ ઇન્સ્પેકટર એની પાછળ.. હવે વડાપાંઉ મેં ચોરેલું એટલે હું તો પહેલો જ આવું ને, પણ ભૂખ્યા પેટે હું પકડાઈ ગયો. હું બધાને કરગર્યો, લારીવાળાને મારી ચોરી દેખાઈ, પણ પેટની ભૂખ ન દેખાઈ, કબૂલ કે પેટ ઉપર ફાટેલા પહેરણનું આવરણ હતું એટલે ભૂખ ન દેખાય, પણ આંખમાં ચોમાસું પણ ન દેખાયું…’

આ પણ વાંચો…વિશેષઃ યાદ રાખો… શિષ્ટાચારથી આવે છે પર્સનાલિટીમાં નિખાર…

‘કંઇ નઈ, તને વડાપાંઉ ખાવા મળ્યું ને?’ મેં કીધું.

રડમસ અવાજે ચંબુ બોલ્યો: ‘ના અંકલ ખાલી જોવા જ મળ્યું.. ગરીબનું નસીબ પણ ગરીબ જ નીકળ્યું.’

‘કેમ’?

‘એમાં એવું થયું કે હવાલદારના હાથમાંનો દંડો મેં ખાધો ને મારા હાથનું વડાપાંઉ એણે ખાધું. પછી મને કહે હું તારી જેમ ચોરીને ભાગી ન શકું ઇજ્જત જાય, બાકી તારા જેવા બે-ચાર પકડાય એટલે અમારું પેટ ભરાઈ જાય.. અને અંકલ, એક વાત કઉં? મૂળ તો આખાયે જગતની દોડ બે-ત્રણ વડાપાંઉથી વધારે નથી, છતાં આખું જગત દોડે છે, કોઈ મકાન પાછળ, કોઈ ધન-સાધન પાછળ, કોઈ પ્રતિષ્ઠા પાછળ, કોઈ પરમાત્મા પાછળ, હું કોઈની પાછળ કોઈ મારી પાછળ, પેલો પેલાની પાછળ, ગરીબ રોટલો મેળવવા દોડે ને અમીર પકવાન પચાવવા દોડે.. છતાં મોટી કોમેડી થઈ ગઈ, હવે ખરેખર ચમકશો.’

‘કેમ?’ મેં પૂછ્યું.

‘કેમ કે પેલો વડાપાંઉની લારીવાળો મારી પાછળ દોડ્યો એમાં એની લારીનાં બધાં વડાપાંઉ ચોરાઈ ગયાં. એક વડાપાંઉ બચાવવામાં આખી લારીનાં વડાપાંઉ ગુમાવવા પડ્યા એના કરતાં ન દોડ્યો હોત તો!’

શું કહો છો?

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી: મનોચિકિત્સા માટે યોગનો વિનિયોગ માન્ય ને આવકાર્ય છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button