મોજની ખોજઃ માણસ માણસાઈ ચૂકે, પણ કાગડો કાગડાઈ ચૂકે…?

- સુભાષ ઠાકર
`કેમ ભાઈ ચંપક, તું તારી જાતને બહુ મોટો કાગડો સમજે છે? માણસમાંથી કાગડા બન્યા એટલે સંબંધો ભૂલી જવાના? આ શ્રાદ્ધપક્ષ પૂરો થવા આવ્યો પણ કોઈના છાપરા કે અગાસી પર તું દેખાયો જ નઈ, બોલ, ક્યારે આવે છે મારા છાપરા પર કાગવાસ ખાવા? દીકરાને મોબાઈલ કરું કે તારો ચંપકકાકો પણ મારી જેમ કાગડો જ બન્યો છે ને એ આપણા જ છાપરા પર આજ ખીરપૂરી ખાવા આવશે’ ચંબુએ કાગડાને શ્રાદ્ધમાં ચંપકને કાગવાસનું આમંત્રણ આપ્યું.
`આમંત્રણ માટે આભાર, પણ નઈ અવાય,,, હજી ઘણા કાગવાસના આમંત્રણ પેન્ડિંગ છે. બે શ્રાદ્ધમાં ખીર-પૂરી ખાધા ને લુઝ ચરક થઇ ગયેલા, છતાં તારા દીકરાને તો પૂછ મારું આવવું ગમશે?’ ચંપકે પૂછયું.
`જો, કલ હો ન હો અક્કલ હોની જરૂરી હૈ, અરે ટોપા …આપણે માણસ હતા ત્યારે ઓળખાતા કે આ દાદા-દાદી, બા-બાપુજી આ પાડોશી આ મિત્ર …આ દુશ્મન હવે તો આપણા બધાના હાઈટ-બોડી કદ-કલર રૂપ બધુ સરખુ તો એ તંબુરામાંથી ઓળખશે? કાગડા એટલે કાગડા. આ તો એ બહાને કા-કા કરી બીજા થોડા જાતભાઈઓ સાથે ખીરપૂરીની મહેફિલ ઉજવીએ…’
પણ દીકરો તારી ભાષા સમજશે?'
કેમ ન સમજે? ગમે તેમ તોય એનો બાપ છું.’બાપ? બા-પ-રે' ચંપક બોલ્યો
અરે, તું માણસ હતો ત્યારે પણ ન્હોતો સમજતો એ હવે શું સમજવાનો? મને યાદ છે એ વખતે તારો દીકરો રૂપિયાના સિક્કા જેવડી પૂરી ને પાણીવાળું દૂધ ભેગું કરી કાગવાસ જેટલું જ આપતો ને હજી પણ એટલું જ આપે છે પણ હવે ફાયદો એ કે બે ઈંચની હોજરી ફટ્ટ કરતી ભરાઈ જાય ને તું મને ફોર્સ ન કર, મને ડાયાબિટીસ છે ને તારો દીકરો સાકરવાળી ખીર પીવરાવશે પછી સુગર વધી જાય, માણસ હતા ત્યારે ડોકટર મળતા હવે કાગડાના ડોકટર ક્યાં શોધવા?’
`હવે બે-ત્રણ ટીપાં ખીર પીવાથી કઈ સુગર વધી ન જાય સમજ્યો?’ ને જો બકા, આ શ્રાદ્ધની શ્રદ્ધાના પંદર દિવસના જલસા પછી તો ખાલી ખાલી અગાસી, ખાલી ખાલી ધાબા, ખાલી ખાલી છાપરા, ખાલી પાળ..સમજ્યો? શ્રાદ્ધ પુરા ને સાથે શ્રદ્ધા પણ પૂરી. પછી તું છાપરા પર બેસી ગમે તેટલા ભૂખના બરાડા પાડીશ તો પણ કોઈ કાકોય તારું કા..કા નઈ સાંભળે. સમજ્યો?’
ચંબુ, આ ઈશ્વર શ્રાદ્ધનું પંદરથી થોડા વધુ દિવસનું એક્સટેન્સન ન આપી શકે?'
એક્સટેન્સનની ક્યાં માંડે છે, ચંપક. મોટો લોચો એવો પડ્યો છે કે આ પંદર દિવસના જલસા પણ બંધ થઇ જશે…
બધા પંખીઓએ ભેગા મળી ભગવાન પાસે આપણી વિરુદ્ધ ફરિયાદ કરી છે.’
`કઈ બાબતમાં? આપણે ક્યાં કોઈનું કઈ બગાડ્યુ છે?’
અરે એ બધાની દલીલ છે કે ભાદરવાના પંદર દિવસ કાગવાસના છે તો બાકીના કોઈ મહિનાઓમાં પણ ચકલીવાસ,પોપટવાસ કે કબૂતરવાસ કેમ નઈ? અમારો શું દોષ? અમારામાં પણ માણસને પૂર્વજો દેખાય એવું કઈ કરો પ્રભુ.' ચંબુ બોલ્યો
હા યાર, પોઈન્ટ ટુ બી નોટેડ. પ્રભુ શું બોલ્યા?’
શું બોલે? હાથ ઊંચા કરી દીધા ને કહી દીધુ
હું ઈશ્વર છું કઈ માણસ નથી ને વિષય એની શ્રદ્ધાનો છે. એને ગાયમાં પણ 33 કરોડ દેવતા દેખાય છે. કોને ગણ્યા? કેવી રીતે સમાયા? ને નામ શું? મને જ નથી ખબર. અચ્છા, એક કામ કરો હું તમને NOC લખી આપું છું કે તમે બીજા પંખીઓ કાગવાસ ખાશો તો પણ કોઈ કાગડો ના નઈ પાડે’ પછી આપણી ફેવર કરતા પ્રભુ બોલ્યા : `માણસની માણસાઈ મરી પરવારી છે પણ કાગડાની કાગડાઈ નઈ..ચંપક, તું આવ યાર મારો દીકરો ધ્યાન રાખીને વાસ…’
માય ફૂટ... ધ્યાન રાખીને? અલ્યા, ધ્યાન રાખ્યું હોત તો તું હજી માણસ જ હોત' ચંપક ભડક્યો :
અને મને ખબર છે કે મર્યા પહેલાના છેલ્લા બે વર્ષથી તો તું વૃદ્ધાશ્રમમાં હતો. અરે, એ બાળક હતો ત્યારે તમે કેટલા પ્રેમથી લાડથી ખવડાવતા, એ ન જમે તો તમારી આંખમાં પાણી ભરાતા પછી મરતા પહેલાં પણ પાણી ભરાયા કારણકે પછી એ જમાડતો ન્હોતો.’
અરે, હોય એ તો આ મોંઘવારીમાં બિચારાએ પોપટ, બિલાડી ને કૂતરા પાળ્યાં છે એનું ધ્યાન નઈ રાખવાનુ?'
એકઝેટલી… બધાને પાળે છે પણ જન્મદાતાને જ ન પાળી શકે? યાદ છે એક વાર તારાથી ભૂખ સહન ન થઇ ને તું દૂધ પી ગયો ત્યારે દીકરો કેવો ભડકેલો કે બાપુજી, તમે મારા કૂતરા-બિલાડીનું દૂધ પી ગયા? શરમ કે અક્કલ જેવું છે કે નઈ? અરે, જરા ભૂખ્યા રહ્યા હોત તો મરી ન જાત’ ને પછી તને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમમાં અને મને ખાતરી છે કે હજી તેં મૂળ વાત તો કીધી જ નઈ હોય’
કઈ વાત?'
એ જ કે એ તારો સગો દીકરો નથી, પણ તમે એને અનાથાશ્રમમાંથી લઇ આવ્યા છો. આવા દીકરાની ખીરપૂરી તો શું ખીચડીયે ન પચે એના કરતાં ચાલ, મારા છાપરે, પણ હા તને ત્યાં ખીરપૂરી નઈ મળે ત્યાં મારો દીકરો મને ડુંગળીના ભજિયાનો કાગવાસ નાખશે..ફાવશે? ભાવશે?’
`વાહ વાહ ક્યા બાત હૈ’ ને કા..કા ના આનંદ સાથે ચંપક-ચંબુ બન્ને ઊડી ગયા ફરરર….
શું કહો છો?
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ યોગાભ્યાસનું ધ્યેય આધ્યાત્મિક વિકાસ છે