મોજની ખોજઃ ધનતેરસ તો આવશે-જશે, પણ ધનની તરસ નઈ જાય…!

સુભાષ ઠાકર
ભગવાન-માતાજીની પાંચ સુપરહિટ જોડીઓમાં લક્ષ્મીનારાયણનું નામ મોખરામાં ગણાય. એટલે વિચાર્યું કે સવારે લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈ દર્શન કરીએ ને પ્રભુ કઈ ધન-બન આપે તો દિવાળી સુધરી જાય એટલે બંદા ઉપડ્યા મંદિરે… મંદિરે પહોંચ્યો તો પાણીમાંથી જળબિલાડી મોઢું બહાર કાઢે એમ પડદામાંથી પૂજારી મોઢું બહાર કાઢી બોલ્યો:
‘બોલો કોનું કામ છે?’
‘કોનું એટલે? આ મંદિર છે તો પોલીસ કે ડોકટરનું તો કામ નઈ
હોયને?’
‘ઓહ… યુ મીન તમે ભગવાન વિષ્ણુના દર્શન કરવા આવ્યા છો?’
‘તો શું હું આરતી વખતે પાર્ટ ટાઇમ ઘંટ વગાડવાની નોકરીનું ફોર્મ ભરવા આવ્યો છું? ચલ, જલદી દર્શન કરાવો’
‘સી..ઈ..ઈ..ઈ ધીરે..ધીરે’ પૂજારીએ સિસકારો કર્યો :
‘કાલે ભગવાનોની મીંટિગમાં વિષ્ણુ ભગવાનને થયું ને ઉજાગરો હોવાથી હમણાં સૂઈ ગયા છે.’
‘અરે વોટ ડુ યુ મીન સૂઈ ગયા છે? અરે, બ્રહ્મા થોડીવાર સર્જન અટકાવી શકે ને મહેશ વિસર્જન અટકાવી શકે, પણ 24 કલાક સૃષ્ટિ ચલાવવાવાળો ભગવાન વિષ્ણુ સૂઈ જાય તો આપણે કાયમ માટે સૂઈ જવું પડે. સમજ્યા?’
‘હું તો સમજ્યો પણ અત્યારે તો ક્યારે સુવાડવા કે જગાડવા એ ટ્રસ્ટીઓ પર આધાર છે ને હું કાચી ઉઘમાંથી જગાડું તો પ્રભુ સાથે માંડ માંડ બાંધેલા સંબંધોની પથારી ફરી જાય. સાંજે આવો.’
‘અરે, તારી પથારી, ગાદલાં કે પલંગ ભલે ફરી જાય પણ દર્શન તો હમણાં જ કરવા પડશે’ મારી જબાન પર માનાર્થેને બદલે ‘તુકાર’ આવી ગયો. થોડી રકઝક પછી ધનવાન ધનજી શેઠ પણ દર્શન માટે આવ્યા ત્યારે પૂજારીએ સેઈમ જવાબ આપ્યો કે ‘સોરી, પ્રભુ સૂઈ ગયા છે’ ત્યાં તો શેઠે તો 500ની કડકડતી બતાવી:
‘બોલ હવે?’
‘હે..હે..હે..હે એ તો જાગે, એવું થોડું હોય કે સૂઈ ગેયેલો ન જાગે.’
એટલું બોલતા પૂજારીએ 500ની પોતાના તરફ સરકાવી દીધી.
આ દૃશ્યથી મારી નસનસમાં ખુન્નસ ઉપાડ્યું ને ભડક્યો:
‘ભ્રષ્ટાચાર કરો છો? લાંચ લો છો? તું તો રાજકારણી છે કે પૂજારી?’
‘કોને કીધું?’
‘કોને કીધું શું? મને કીધું વિષ્ણુ ભગવાન સૂઈ ગયા છે, ને પેલાએ કડકડતી 500ની આપી એટલે…’
‘અરે માથાકૂટ નઈ ….લક્ષ્મીજી આવે તો વિષ્ણુ ભગવાન પણ જાગી જાય, સમજયા? તમે આપ્યા હોત તો તમને પણ..’
‘અરે, પણ પ્રભુને જગાડવા જેટલી લક્ષ્મી તો મારી પાસે હોવી જોઈએ ને? એ પૂજારી બકા, આ શેઠની સાથે મને પણ દર્શન કરાવી દેને. પ્લીઝ, માય હમ્બલ રિક્વેસ્ટ..’
‘ઓકે જાઓ અંદર… હું આવું થોડી વારમાં.’
એટલું બોલી પૂજારી નીકળી ગયો, શેઠ પણ દાનપેટીમાં દસની નોટ ને માંગણીઓનું મોટું લીસ્ટ મૂકી નીકળી ગયા, હું બેઠો બેઠો વિચારવા લાગ્યો કે મૂર્તિમાંથી ઈશ્વર બોલતો હોત તો?’
ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો:
‘લે આ બોલ્યો હવે તું બોલ. આપણે બે જ જણા છીએ’
હું ચમક્યો ‘પ્રભુ, ત..ત..તમે? પણ આપના ચહેરા પર અશાંતિ દેખાય છે. એની પ્રોબ્લેમ? મે આઈ હેલ્પ યુ? અને ક્યાં ગયા મિસીસ નારાયણ આઈ મીન લક્ષ્મીજી?’
આ પણ વાંચો…મોજની ખોજ : અલ્યા ભાઈ, કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જન્મ જ લેશે?
‘લક્ષ્મીજી?’ પ્રભુ થોડા ઢીલા અવાજે બોલ્યા. ‘એ તો કોઈના પાકીટમાં -કોઈના ખિસ્સામાં-કોઈ શેઠની તિજોરીમાં, બેન્કના લોકરમાં વિચરે છે….એ ક્યાં મારી સાથે હોય છે. મારી ક્યાં વેલ્યૂ જ છે? ક્યારેક તો થાય હું ભગવાન બન્યો શું કામ?’
‘મગજ ગુમાવ્યા વગર માંડીને વાત કરો… પ્રભુ., શું થયું?…’
‘થાય શું? આ મારું બેટું કેવું કોઈના પરિવારમાં દીકરી જન્મે તો હરખપદુડો થઈ બોલશે ‘લક્ષ્મીજી પધાર્યા..લક્ષ્મી અવતરી’ પણ કોઈ માઈનો લાલ કે લાલી દીકરાની જન્મની વધામણીમાં બોલ્યા કે વિષ્ણુજી પધાર્યા કે નારાયણ અવતર્યા? ના જ બોલો! આવો ભેદભાવ? આવો અન્યાય? હાડોહાડ લાગી ન આવે?.
બધા ધનતેરસે વોટ્સેપમાં એઠો વરસાદ વરસાવશે કે ‘આપના ઘરમાં લક્ષ્મીનો વાસ હો’ તો મારે શું અનાથાશ્રમમાં રહેવા જવાનું? ભૂલી ગયો કે કે આઈ એમ હસબંડ ઓફ લક્ષ્મી… હું લક્ષ્મીનો પતિ પરમેશ્વર છું! આટલાં વર્ષોમાં ચોપડા પૂજનમાં કોઈ લખતું જ નથી કે ‘લક્ષ્મી સાથે વિષ્ણુનો પણ વાસ હજો..!’
‘વાય?’ વિષ્ણુ ભગવાને હૈયાવરાળ કાઢી ‘એવું ન બોલો પ્રભુ, પેલા ધનજી શેઠે દર્શનના 500 આપ્યા એ લક્ષ્મી જ કહેવાય ને.’
‘એ 500 આપીને 50 લાખ માગે છે એનું શું?’
‘અરે સ્વામી, એને ધન કહેવાય લક્ષ્મી નઈ. ને નીધન થાય ત્યાં સુધી ધન ભેગું કર્યા કરશે. એને ખબર નથી કે ધનથી પ્રતિષ્ઠા ખરીદાય-લાગણીઓ નઇ.’
અચાનક પાછળ છૂપાયેલાં લક્ષ્મી પ્રગટ થઈને ઉવાચ :
‘ને નાથ એ તો માગે એને બિચારાને એમ છે કે માતાજી-ભગવાન પાસે બધુ જ હોય ને આપે જ.’
‘અરે, આપવાની ક્યાં ના છે પણ આ ભૂખડી બારસ ફૂલ આપીને બગીચો માગે છે, એના હાડકા જ હરામના નથી હોતા એનું હૃદય પણ હરામનું જ હોય છે. જો બકા, આવા લોકો માટે ધનતેરસ આવશે-જશે પણ ધન-તરસ નઈ જાય’
‘સમજી ગયો, પ્રભુ ચાલો હું નીકળું’ મેં રજા માગી ‘કેમ? ઉતાવળ છે? આવ્યો છે તો થોડો રોકાઈ જા.’
‘ના પ્રભુ ફરી આવીશ, સાચું કઉ તો દીવાળી સુધારવા હું પણ તારી પાસે માગવા આવેલો, પણ હું જે માગું એ તમારી પાસે ન હોય તો કારણ વગર આપણા સંબધો ખરાબ થઈ જાય એટલે.’
‘એક વાત કઉ? તું માગવા આવે છે એના કરતાં એકવાર માત્ર મળવા આવ તને જિંદગીભર માગવાની જરૂર નઈ પડવા દઉં.’
હવે બોલો, મંદિરે માગવા જવું છે કે મળવા?
શું કહો છો?