સ્વાદસભર વાલમાં સમાયેલાં છે અનેક પોષક ગુણ… | મુંબઈ સમાચાર
તરોતાઝા

સ્વાદસભર વાલમાં સમાયેલાં છે અનેક પોષક ગુણ…

  • સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

આજનાં ડિજિટલ યુગમાં આપણે બધા જ મોબાઈલમાં મસ્ત બની ગયા છીએ. સમયસર મોબાઈલની બેટરી ચાર્જ કરવી જ પડે છે. તે માટે યોગ્ય પ્રકારનું ચાર્જર હોવું આવશ્યક છે. ક્ચારેક એવું બને કે ચાર્જર આપણી સાથે ના હોય તો આપણે આકુળ-વ્યાકુળ બની જઈએ.

એવો ભય સતાવ્યા કરે કે થોડીવારમાં મોબાઈલ બંધ પડી જશે. તેવું જ આપણા શરીરનું છે. યોગ્ય સમયે, ઋતુ પ્રમાણે, ભૂમિ તથા પ્રકૃતિની સાથે સમન્વય સાધે તેવો આહાર લેવો આવશ્યક છે. જો આમ કરવામાં ના આવે તો શરીર નાની-મોટી બીમારીનું ઘર બનતાં વાર ના લાગે. તેથી જ પ્રત્યેક દેશની-રાજ્યની ઋતુને ધ્યાનમાં રાખીને આહાર અપનાવવો જોઈએ. જે લાંબેગાળે શરીરને માટે અત્યંત લાભકારી બની રહે છે. જાપાનીઝ, ઈટાલિયન કે કોરિયન વાનગીની મજા જે તે દેશમાં લેવી જોઈએ. તે જ પ્રમાણે ભારતમાં રહીને ભારતીય વાનગીનો આસ્વાદ માણતાં રહેવાથી આહાર-વિચાર-આચારને તંદુરસ્ત બનાવી શકાય છે. તેથી જ આજે આપણે આજે એક વિસરાતા મખમલી કઠોળ તરીકે ઓળખાતા `સફેદ વાલ’ની વાત કરવાના છીએ. તેનો યોગ્ય રીતે આહારમાં ઉપયોગ કરવો આવશ્યક છે. અન્યથા તે પેટમાં ગેસ કરી શકે છે.

ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગણેશજીને નૈવેદ્ય ધરાવવા માટે ઘઉંના લોટમાં ગોળની સાથે શુદ્ધ ઘી ભેળવીને લાડુ બનાવવામાં આવે છે. લાડુ દેખાવમાં અત્યંત આકર્ષક તેવા ગોળાકાર બેઠા ઘાટના હોય છે. કેટલાંક લાડુ શોખીનો ખાંડના લાડુ પણ બનાવતા હોય છે. વળી લાડુ ખાવાની ખાસ સ્પર્ધા બ્રાહ્મણો દ્વારા યોજવામાં આવે છે. જેમાં નાના-મોટા, સ્ત્રી-પુરુષો ઉત્સાહથી ભાગ લેતાં હોય છે.

લાડુનું ભોજન પીરસાતું હોય તો ક્યો બ્રાહ્મણ અલગ રહી શકે! પ્રત્યેક વર્ષે `લાડુ-સ્પર્ધા’ને ઉત્તમ પ્રતિસાદ મળે છે. પ્રત્યેક ઘરમાં લાડુની સાથે સફેદ વાલ, બટાકાનું રસાવાળું ખટ્ટમધુરુ શાક ખાસ બનાવવામાં આવે છે. જે શુદ્ધ ઘીમાં બનેલાં લાડુને પચવામાં મદદ કરે છે. તેથી જ લાડુ સાથે વાલ બનાવવાનો રિવાજ આપણે ત્યાં જોવા મળે છે. લગ્ન પ્રસંગમાં વાલનું શાક અચૂક બને છે. સફેદ વાલમાં સ્વાસ્થ્યવર્ધક અનેક પોષક ગુણો સમાયેલાં હોય છે. દેખાવમાં આકર્ષક સફેદ વાલના દીવાના અનેક સ્વાદરસિયા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં પણ વાલને વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે રસાવાળા વાલ, ફણગાવેલાં વાલની આમટી, વાલની ઉસળ કે વાલની પેટિસ વગેરે ગણાવી શકાય.

આજની યુવા પેઢી સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સતર્ક બનતી જોવા મળી રહી છે. વળી ભારતની વિસરાતી વાનગીઓ પાછી ભાણામાં સ્થાન મેળવે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં વાલનું ઉત્પાદન મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના રાયગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થતું જોવા મળે છે.

વાલનો કિલોનો ભાવ આશરે 93-100 રૂપિયાની આસપાસ જોવા મળે છે. ભારતીય વાલની નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. વર્ષ 2030 સુધીમાં વાલનું વિશ્વમાં બજાર 4.3 ટકાથી વધુ આગળ વધે તેવી શક્યતા છે. આમ તો એવું જાણવા મળે છે કે વાલની ખેતી વિશ્વમાં 1000 વર્ષથી થાય છે. જેમાં સફેદ વાલનો સમાવેશ થાય છે. વાલમાં ફાઈબર તથા પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તેને પોષક તત્ત્વોનું પાવર હાઉસ ગણવામાં આવે છે. વળી અન્ય પોષક ગુણો જેવા કે ફૉલેટ, મેગ્નેશ્યિમ, વિટામિન બી-6 વગેરેનો સમાવેશ થાય છે.

પ્રોટીનથી ભરપૂર : સફેદ વાલમાં પ્રોટીનની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે માસપેશીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વળી તેમાં એમિનો એસિડની માત્રા હોય છે. જે પ્રોટીનના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વળી અનેક શારીરિક પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમ કે માંસપેશીનું નિર્માણ, પોષક તત્ત્વ પરિવહન, હાર્મોન ઉત્પાદનનો સમાવેશ કરી શકાય. શાકાહારી ભોજન કરતી વ્યક્તિ માટે સફેદ વાલ પ્રોટીનનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

ફાઈબરથી ભરપૂર : વાલમાં ફાઈબરની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. ફાઈબરની ઉચ્ચ માત્રા ખોરાકને સારી રીતે પચવામાં મદદ કરે છે. પાચનક્રિયા મજબૂત બનવાની સાથે મળ ત્યાગની સમસ્યાથી ચિંતિત વ્યક્તિને રાહત અપાવે છે.

હાડકાં મજબૂત બનાવે છે : સફેદ વાલમાં પ્રોટીનની સાથે કૅલ્શ્યિમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે આહારમાં નિયમિત સમાવેશ કરવાથી હાડકાં બરડ બનતાં અટકે છે. હાડકાં સંબંધિત અન્ય વ્યાધિથી શરીરના વિવિધ અંગોને બચાવવાં હોય તો વાલનું સેવન સ્વાસ્થ્યવર્ધક ગણાય છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી : વાલમાં પ્રોટીન-ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે વાલની કોઈપણ વાનગીનું સેવન ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેને કારણે વ્યક્તિ અકારણ વધુ ભોજન કરવાથી બચી શકે છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે પ્રેોટીન-ફાઈબરથી ભરપૂર આહારનું સેવન કરવાથી વ્યક્તિ પોતાના વજન ઉપર સરળતાથી નિયંત્રણ મેળવી શકે છે. પાચનક્રિયામાં સુધારો થવાની સાથે મસલ માસ ઈન્ડેકસમાં સુધારો થઈ શકે છે.

ઍનિમિયાની તકલીફમાં ગુણકારી : વાલનું નિયમિત પ્રમાણભાન રાખીને સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ હોય તે દૂર કરી શકાય છે. કેમ કે વાલમાં આયર્નની માત્રા સમાયેલી હોય છે. જેને કારણે તેના સેવન બાદ શરીરમાં લોહીની ઊણપ દૂર કરવામાં મદદ મળી શકે છે. શરીરમાં રેડ સેલ્સની માત્રામાં વધારો થઈ શકે છે. શરીરમાં ખરાબ કૉલેસ્ટ્રોલની માત્રામાં નોંધપૂર્ણ ઘટાડો જોવા મળે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી : વાલનું સેવન હૃદયની તંદુરસ્તી માટે લાભકારક ગણવામાં આવે છે. કેમ કે વાલમાં પોટેશ્યિમ તથા મેગ્નેશ્યિમની માત્રા ભરપૂર હોવાને કારણે તેના સેવન બાદ ધમનીમાં લોહી સુચારૂ રીતે ફરવા લાગે છે. વળી વાલમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી લોહીમાં કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ : વાલમાં ભરપૂર માત્રામાં ઝિંક, કૉપર, વિટામિન બી -6 જેવાં પોષક તત્ત્વો શરીરમાં અંદરથી તાકાત બક્ષે છે. ઝિંકનું મુખ્ય કામ શરીરમાં થયેલ ઈજાને સમારવાનું છે. શરીરને સોજાથી બચાવે છે. શરદી ખાંસી જેવી સામાન્ય બીમારીમાં વાલનો ઉપયોગ ગુણકારી ગણાય છે.

વાલને ભોજનમાં લેવાની વિવિધ રીત : સફેદ વાલને 7-8 કલાક પાણીમાં પલાળ્યા બાદ પ્રેશરકુકરમાં 7-8 સિટી વગાડ્યા બાદ બરાબર પકાવીને ખાઈ શકાય. 7-8 કલાક પાણીમાં પલાળ્યા બાદ તેને ફણગાવ્યા બાદ તેનું સ્વાદિષ્ટ ઉસળ બનાવી શકાય. બાફેલાં વાલને વાટીને તેનો તાહિની સૉસ બનાવી શકાય છે. બાફેલાં વાલને થોડાં તેલમાં સાંતળીને સૂપમાં ભેળવીને ખાઈ શકાય છે. પલાળેલાં વાલને અધકચરાં વાટીને તેની ટિક્કી સ્વાદિષ્ટ
બને છે.

ખટ્ટ મધૂરું વાલનું શાક
સામગ્રી: 1 કપ રંગુની વાલ, 1 કપ કોથમીર, 2 મોટી ચમચી ગોળ, 1 નાની ચમચી આમલી, 1 નાની ચમચી અજમો, 1 નાની ચમચી લાલ મરચાંનો ભૂકો, 2 ચમચી ધાણાજીરું, 1 નાની ચમચી ચણાનો લોટ, 1 નાની ચમચી આખા ધાણા, ચપટી હિંગ, 1 ચમચી વાટેલાં આદું મરચાં, 1 નાની ચમચી ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું વઘાર માટે 1 ચમચી તેલ – 1 ચમચી ઘી.

બનાવવાની રીત : સૌ પ્રથમ રંગુની સફેદ વાલને 7-8 કલાક બરાબર ધોઈને પલાળી રાખવા. ત્યાર બાદ તેને બાફી લેવાં. હવે એક કડાઈમાં તેલ મૂકીને તેમાં અજમો -હિંગ ભેળવીને વઘાર તૈયાર કરવો. તેમાં 1 નાની ચમચી ચણાનો લોટ ધીમા તાપે શેકી લેવો. લોટ શેકાઈ જાય ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણાજીરું ભેળવીને તરત જ બાફેલાં વાલ ઉમેરીને બરાબર હલાવતાં રહેવું. ગોળ તથા આમલીનો માવો ભેળવવો. વાટેલાં આદું-મરચાં ભેળવવા. સ્વાદાનુસાર મીઠું ઉમેરવું. આખા ધાણા તથા 1 ચમચી શુદ્ધ ઘી ઉમેરીને થોડી વાર સિઝવવું. આંચ બંધ કરીને ગરમ મસાલો ઉપરથી ભભરાવીને કોથમીરથી સજાવીને ગરમાગરમ સ્વાદિષ્ટ વાલનું રસાવાળું શાક લાડુ-પુરી સાથે પીરસવું.

આપણ વાંચો:  રેડિયોલોજીમાં AI: ફાયદા ને જોખમ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button