મોજની ખોજ : બોલો, શું બનવું છે… યોગી કે ઉપયોગી?

-સુભાષ ઠાકર
આમ તો મરવાનો અનુભવ નથી એટલે બીક લાગી કેમ કે કાચી ઊંઘમાં હતો ત્યાં ટપકી પડેલા એક ઘરડા ભાભાનો ‘ફોન’ આવેલો: ‘અલ્યા બધા આવી જાઓ ઉપર સુખ જ સુખ ને આનંદ છે. હું 95 વર્ષે ઉપર આવ્યો ત્યારે ખબર પડી કે પેલા બાબાના પ્રાણાયામ ને યોગના ચક્કરમાં પડીને આડેધડ શરીરને વળાંકો આપી વધુ ખેંચ્યું એના કરતાં અહીં સ્વર્ગની રોનક ને અપ્સરાના ડાન્સ જોયા ત્યારે થયું કે સાલું, સાચું સુખ તો અહીં જ છે.
બાય ગોડ! નીચે કરતાં વધુ જલસા તો ઉપર છે. માત્ર બ્યુટીફુલ નઇ, પણ હેન્ડસમ ડાન્સ પણ છે ને મૂળ તો અહી નથી શરીરની કે મનની ચિંતા, નથી આર્થિક ભીડ, નથી શ્વાસ લેવા જેટલી તકલીફ કે નથી બીપી કે ડાયાબિટીસનો ડર….અરે ટોપાઓ, અહીં નથી સમાજ હેરાન કરશે એની બીક કે નથી સગાં-સંબંધીઓની નિંદા કે કૂથલીનો ડર કે નથી કોઈ ઉઘરાણીવાળાનો ભય…. આટલું બધુ સુખ છે, પૃથ્વી છોડીને આવી જાઓ અહીં.. બોલો, આવો છો ને?’ મેં ઊંઘમાં જ ફોન કાપી નાખ્યો.
જવાય? ના ભાઈ, ના…. આપણે અહીં છીએ ત્યાં સુધી તો પાંચ ઇન્દ્રિયોનો ખેલ આપણને જીવન જીવવા મજબૂર કરે છે. સાચું કેજો, આપણા બધાના મૂળ હવાતિયાં વધુ મેળવવા ને વધુ જીવવા સિવાય શું છે? આ શરીરને અને મનને વળગેલા બંધન બંધ ન થાય ને મરણ ન આવે એ માટે કેટલા ધમપછાડા… એલોપથી, હોમિયોપથી નેચરોપથીની… કેટલી મેથી મારીએ છીએ. મેડિસિન કે મેડિટેશન, યોગ કે આસન. હા, એ કબૂલ કે આ બધાથી મૃત્યુ થોડું પાછું ઠેલાય ખરું, પણ અટકે તો નહિં જ, વધુ જીવીને શું મેળવવું છે? ને મેળવીને શું કરવું છે? અરે, સમજણ વગરનું જીવન જીવીએ તોયે શું ને મરીએ તોયે શું?
મને પણ બધાની જેમ અંદરથી વધુ જીવવાની ચળ ઊપડી એટલે.. યોગ- ડેના દિવસે મેં ટી.વી.માં રામદેવબાબાની શિબિર ચાલુ કરી. શરૂઆતમાં ચોમાસામાં હાઇ-વે પર ખાડા પડ્યા હોય એવો ખાડો બાબાએ પેટમાં દેખાડ્યો પછી નેતાના મરણ પછી તિરંગો અડધી કાઠીએ ફરકતો હોય એમ પેટ સરસર ફરક્યું …
‘બાબા, ઢીંચણ સ્પર્શ’ એક સ્થૂળ બૈરી શિબિરમાં ઊભી થઈને બોલી:
‘મૈ બહોત જાડી હું ઓર મેરા 120 કિલોકા મોટા પેટ આડા આતા હૈ દસ સાલસે મેરા ખુદકા ચરણ નહિં દેખા ઇસકે કારણ વધુ વાંકી વળકે ચરણ સ્પર્શ નહિ કર સકતી, સોરી, ઢીંચણ સ્પર્શસે ચલાલો. આપકા શિબિર એટેન્ડ કર કે ચાર દિનકે બાદ આજ ફાયદા હુઆ. હમારે ઘરમેં તીન લોગ થે. મૈ મેરે પતિ ઓર મેરી સાંસ.. અબ હમ દો હૈ, મૈ ઓર મેરે પતિ’
આ પણ વાંચો…મોજની ખોજ: સ્મશાનમાં મરેલાને બળતા જોયા, પણ અહીં તો બળીને મરતા જોયા…
‘કયું? સાંસ કભી મર ગઈ?’ બાબાએ પૂછ્યું ‘જી મરી નહીં, આપને કલ પ્રાણાયમ શિખાતે વક્ત કહા થા, સાંસકો જોરસે બહાર નિકાલો, સાંસ જા નહિ રહી થી ફીર પાડોશીકી મદદ લે કે….. આપકો યાદ કરકે જોરસે ધક્કા મારકે સાંસ કો બહાર નિકાલા ઔર…’ મેં તો ઊભા થઈ તુર્તજ ટી.વી. બંધ કરી દીધું. રખેને મારી ચંપા સાંભળે ને અમલમાં મૂકે તો હું તો બા વગરનો થઈ જઉ ને?
એકચ્યુઅલી કાંદિવલીમાં કેટલાક માયકાંગલા જીવ જેમના ગાલમાં ગોબા પડી ગયા હોય એ જોઈ મારો જીવ બળી જતો ને બાબાની ફી બધાને પોષાય નઇ એટલે મેં મારા ઘરે બધાને પોષાય એવી ફી રાખી ક્લાસ ચાલુ કર્યા. મહિનાના ફક્ત 50 રૂપિયા ને એ પણ સરળ હપ્તેથી,…..’
આ પણ વાંચો…મોજની ખોજ: ધોળિયો હોય કે કાળિયો… બધાના લોહીનો રંગ લાલ!
પહેલે જ દિવસે મેં શીર્ષાસન શિખવાડ્યું માથું નીચે ને પગ ઉપર. ને અચાનક બધા ધડાધડ પડ્યા પણ છેલ્લે ગણ્યા તો નવમાંથી સાત જ શિષ્ય. મારા બે શિષ્ય અચાનક ગુમ. પછી ગુરખો કહેવા આવ્યો ત્યારે ખબર પડી કે બે શિષ્ય બારી પાસે શીર્ષાસન કરતાં કરતાં નીચે ગુલાંટ ખાઈ ગયા હતા..મેં ગુરખાને ખિજાઈને પૂછ્યું ‘એ લોકોએ બૂમ ન પાડી?’
‘અરે વો નીચે ગીરનેકે બાદ ‘ઓ.. બા.. ઓ.. મા.. ઓ બા…મા’ ઐસે ચિલ્લાને લગે મૈંને સોચા વો અભી ભી અમેરિકાકા પ્રમુખકો યાદ કરતે હૈ.’ મને સમજાઈ ગયું કે આ ગુરખો તો છે પણ સાથે મૂરખો પણ છે.
એમાં એક મારા તાજા શિષ્ય ચંબુના હાથપગ ભાંગી ગયા હું ને ચંપા ખબર કાઢવા ગયા ‘કેવી રીતે ભાંગી ગયા?’ મે પૂછ્યું ‘તમારે કારણે’. ચંબુ બોલ્યો ‘તમે કીધેલું પદ્માસન વાળી યોગાસન કરવા, મેં સાત વાગે પદ્માસન ચાલુ કર્યું ત્યારે ભાન ન રહ્યું કે એ વખતે હું સ્કૂટર ચલાવતો હતો જેના પર હું રોજ બેસતો એ સ્કૂટર જાણે વેર લેવું હોય તેમ ધડ કરતું મારી પર સૂઈ ગયું.’
પછી મારી ચંપાએ ચંબુના હાથના પ્લાસ્ટર પર હાથ ફેરવ્યો ત્યારે ચંબુને એમ કે ‘કેમ લાગે છે?’ એમ પૂછશે પણ પાટા પર હાથ ફેરવી ‘આ કઇ મિલનું કપડું હશે?’ એમ પૂછ્યું ત્યારે મને અને ચંબુને બહુ આઘાત લાગેલો. જો કે એ પછી બીજા જ દિવસે મારા યોગના ક્લાસ બંધ કર્યા ને પેપરમાં જાહેર ખબર આપી યોગ માટેની ચટ્ટાઇ અડધી કિંમતે વેચવાની છે.. માત્ર એક કલાક વાપરેલી છે ને એ પણ સેલ્ફી માટે..
આ પણ વાંચો…મોજની ખોજ : સા-રે-ગ-મ આ ગયા તો સારે ગમ દૂર હો ગયા
મિત્રો, બાબા ભલે સવારે ઊંડા શ્વાસ લેવાનું કહેતા હોય પણ બાબા એ ભૂલી ગયા કે આપણે શ્વાસ લેતા જ નથી શ્વાસ આપણને લે છે. શ્વાસ લેવા- છોડવાનું આપણા હાથમાં હોત તો મોત દરવાજે ટકોરા મારે કે યમરાજ દ્વાર પર બેઠા હોય આપણે મરીએ જ નહિં. શરીર આપણુ છે એ ભ્રમ છે એ ઉપરવાળાએ ભાડે આપ્યું છે એને જરૂર પડશે ને બોલાવશે તો યોગ-આસન કશું જ બચાવી નઇ શકે. હવે તમે નક્કી કરો યોગી બનવું છે કે ઉપયોગી?. શું કહો છો?