જોખમ સમય પરિવર્તનનું પણ છે

ગૌરવ મશરૂવાળા
‘કાયમી ધોરણે એક જ પ્રકારની ઍસેટમાં રોકાણ કરવું કે પછી એક જ પ્રકારની પદ્ધતિએ રોકાણ કરવું એવો દુરાગ્રહ ક્યારેય સેવવો નહીં. ફ્લેક્સિબલ બનવાનો અને મન ખુલ્લું રાખીને તથા દરેક બાબતમાં સાવચેતી રાખીને કામ કરવાનો પ્રયાસ કરવો.’ – સર જોન ટેમ્પલ્ટન
શું તમને યાદ છે, ભારતમાં મોબાઇલ ફોન આવતાં પહેલાં પેજર આવ્યાં હતાં? પેજર પણ ભારતીયો માટે નવાઈની વાત હતાં, પરંતુ એ ટેક્નોલોજી ટૂંક સમયમાં કાળબાહ્ય (આઉટડેટેડ) થઈ ગઈ અને તેનું ઉત્પાદન કરતી કંપનીઓના શેરમાં રોકાણ કરનારાઓને મોટું નુકસાન થયું હતું .
ઉક્ત ઉદાહરણમાં ટેક્નોલોજી જ બદલાઈ ગઈ અને વખત જતાં તેનું સ્થાન બીજી ટેક્નોલોજીએ લઈ લીધું. જો કે, ઘણી વાર કંપનીઓ બિઝનેસનાં નવાં વલણોને અપનાવી શકતી નથી અને મુશ્કેલીમાં મુકાય જાય છે. કાર ઉદ્યોગમાં એમ્બેસેડર અને પ્રીમિયર પદ્મિની (જે ફિયાટ કાર તરીકે પ્રચલિત હતી)નું ઉત્પાદન કરતી કંપનીઓએ ગ્રાહકોની બદલાતી પસંદને ધ્યાનમાં નહીં લીધી અને ધીમેધીમે એ કાર બજારમાંથી અદૃશ્ય થવા લાગી. તેમનું ઉત્પાદન કરતી કંપનીઓ બદલાતા સમયને ઓળખવામાં થાપ ખાઈ ગઈ. એમ્બેસેડર કારનું ઉત્પાદન ‘હિન્દુસ્તાન મોટર્સ લિમિટેડ’ કરતી હતી. મને યાદ છે ત્યાં સુધી એ કંપની એક સમયે બ્લ્યુચિપ હતી અને સેન્સેક્સમાં તેનો સમાવેશ હતો. આજે કોઈ માણસ ભૂલથી પણ એ કંપનીના સ્ટોકમાં રોકાણ કરવાનો વિચાર નહીં કરે.
એક જમાનામાં ‘હિન્દુસ્તાન મશીન ટૂલ્સ’ એટલે કે HMT પણ કાંડા ઘડિયાળની સુપ્રસિદ્ધ કંપની હતી. બજારમાં તેનો મોટો હિસ્સો હતો, પરંતુ ટાઇટન કંપનીએ બિઝનેસમાં એવા ફેરફાર લાવ્યા પરિણામે ઇંખઝએ ઘડિયાળનું ઉત્પાદન બંધ કરી દેવું પડ્યું.
આ પણ વાંચો… શેર બજાર: લિવરેજિંગનાં જોખમને સમજી લો…
વખત જતાં કાળબાહ્ય થઈ ગયેલી વસ્તુઓનાં અઢળક ઉદાહરણ છે. અહીં મને મેટલની ટ્યૂબ પણ યાદ આવે છે. ટૂથપેસ્ટ, મલમ, વગેરે અનેક વસ્તુઓ મેટલ ટ્યૂબમાં મળતી. તેના સ્થાને લેમિનેટેડ ટ્યૂબ આવી ગઈ છે. મેટલ ટ્યૂબનું ઉત્પાદન કરતી કંપનીઓએ જો લેમિનેટેડ ટ્યૂબ બનાવવાનું શરૂ નહીં કર્યું હોય તો તે ક્યારનીય બિઝનેસની બહાર નીકળી ગઈ હશે.
પરિવર્તન ન અપનાવો તો માર્કેટમાંથી ફેંકાય જાવ. આવાં જ કારણોસર મોબાઈલ કંપની ‘નોકિયા’ અને ‘બ્લેક બેરી’એ એમની માર્કેટ ગુમાવી. કેમેરા અને રોલ્સ બનાવતી વિશ્વ વિખ્યાત કંપની ‘કોડાક’ પણ આજે ખોવાઈ ગઈ છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું કહેવાયું છે. આ વાત પ્રોડક્ટ્સ અને ઉદ્યોગોને પણ લાગુ પડે છે. રોકાણકારે પણ આ પરિવર્તનો સાથે તાલ મિલાવવો જરૂરી છે. ઈક્વિટી રોકાણની વાત કરીએ તો, જે કંપનીના શેર લીધા હોય તેને લગતી ઘટનાઓ અને બાબતો પર લક્ષ આપવું પડે છે. કોઈ કંપનીના બોન્ડ કે ડિબેન્ચરમાં પણ રોકાણ કર્યું હોય તો પણ આ બાબતે ધ્યાન આપવું જરૂરી બની રહે છે. તેનું કારણ એ કે જો કોઈ કારણવશ કંપની કાળબાહ્ય થઈ જાય તો બોન્ડ અને ડિબેન્ચરના ધારકોને પણ નાણાં ચૂકવવાનું મુશ્કેલ બની શકે છે.
આપણે બજારની અગ્રણી કંપનીમાં રોકાણ કર્યું હોય તો એવી ભાવના પણ હોય છે કે એ કંપની એટલું મોટું બજાર ધરાવે છે કે તેની સાથે કંઈ ખોટું થવું શક્ય નથી. જો કે, આપણે અહીં રોકાણના મૂળભૂત સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો જોઈએ. આપણું બધું એક્સપોઝર કોઈ એક સ્ક્રિપ કે ઉદ્યોગમાં ન હોવું જોઈએ. હંમેશાં અલગ અલગ ઉદ્યોગોની અલગ અલગ કંપનીઓના શેરમાં રોકાણ કરવું જોઈએ.
સમજુ રોકાણકાર આ જોખમ કદાચ જોઈ શકે છે, પરંતુ સારી રીતે ડાઇવર્સિફાય થયેલો પોર્ટફોલિયો રચવાનું કદાચ તેના માટે શક્ય ન હોય. આવી સ્થિતિમાં એ કાળબાહ્યતાના જોખમનો શિકાર બનવાની સ્થિતિમાં આવી જાય છે. આવી સ્થિતિમાં રોકાણના માધ્યમ તરીકે મ્યુચ્યુઅલ ફંડ આ પ્રકારના જોખમનો સામનો વધુ સારી રીતે કરી શકે છે.
આ પણ વાંચો… પ્રવાહિતાના જોખમને આગોતરા ઓળખી લો