તંદુરસ્તી-મનદુરસ્તીઃ સમાધિના અભ્યાસથી ચિત્તમાં નવા સંસ્કાર જાગૃત થાય છે…

ભાણદેવ
‘પ્રત્યયોના વિરામનો અભ્યાસ જેની પહેલા કરવામાં આવ્યો છે અને જેમાં હજુ સંસ્કારો શેષ રહ્યા છે, તેવા સમાધિ સ્વરૂપને ‘અન્ય’ કહેવામાં આવે છે.
આ વ્યાખ્યામાં ‘અન્ય’ સમાધિ વિશે ત્રણ લક્ષણો સૂચિત કરવામાં આવ્યાં છે.
(I) પૂર્વના સમાધિ સ્વરૂપોમાં પ્રત્યયોની હસ્તિ રહે છે. અહીં પ્રત્યયો પણ વિરામ પામે છે.
(II) સંપ્રજ્ઞાત સમાધિમાંથી ‘અન્ય’માં જવા માટે પર્યાપ્ત પ્રમાણમાં પ્રત્યયોના વિરામનો અભ્યાસ કરવામાં આવે તે આવશ્યક છે.
(III) સમાધિના આ સ્વરૂપમાં પણ સંસ્કારો બાકી રહે છે. આ સમાધિ નિર્બીજ સમાધિ કે કૈવલ્ય નથી. અહીં પ્રત્યયોનો વિરામ છે, પરંતુ સંસ્કારોનો ક્ષય હજુ બાકી છે.
(2) નિર્બીજ સમાધિ:
માનવચિત્તમાં અનેક પ્રકારના સંસ્કારો હોય છે. સમાધિના અભ્યાસથી ચિત્તમાં નવા સંસ્કારો ઉદિત થાય છે. આ સમાધિજન્ય સંસ્કારો અન્ય સંસ્કારોનો પ્રતિબંધ કરે છે.
तज्ज: संस्कारोडन्य संस्कार प्रतिबन्धी | – यो. सू.; १-५०
અહીં યોગજન્ય સંસ્કારો ભોગજન્ય સંસ્કારોનો પ્રતિબંધ કરે છે. સાધક સમાધિમાંથી પાછો આવે છે, ત્યારે નવો પ્રકાશ, નવું જ્ઞાન લઈને આવે છે. સમાધિનો આ અનુભવ સાધકના ચિત્ત પર રૂપાંતરકારી અસર ઉપજાવે છે.
આ અસર તે જ तज्ज: संस्कार છે. જો સમાધિના અનુભવો સાધકના જીવનને બદલી ન નાખે તો તે સમાધિ ખરી સમાધિ નથી. સમાધિના વારંવારના અભ્યાસથી જન્મેલા આ યોગ જ સંસ્કારો: માયિક ભોગજન્ય સંસ્કારોને ભૂંસી નાખે છે. પરિણામે સાધકનું ચિત્ત સંસ્કારોથી મુક્ત થવા માંડે છે.
તેથી પણ આગળ વધીને માયિક સંસ્કારોથી મુક્ત થયેલું ચિત્ત સમાધિજન્ય સંસ્કારોથી પણ મુક્ત થાય, તેનો પણ નિરોધ થાય ત્યારે નિર્બીદ સમાધિ ઘટે છે.
નિર્બીજ સમાધિના સ્વરૂપ વિશે પતંજલિ કહે છે –
तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीज समाधि:| यो. सू.; १-५१
‘તેના (સમાધિજન્ય સંસ્કારો)ના પણ નિરોધથી સર્વનિરોધ થતાં નિર્બીજ સમાધિ સિદ્ધ થાય છે.’
ચિત્તવૃત્તિના નિરોધની અને સંસ્કારોના ક્ષયની યાત્રા અહીં પૂરી થાય છે, છતાં અધ્યાત્મયાત્રાનો અહીં અંત નથી. અધ્યાત્મયાત્રા અનંતની યાત્રા છે. તેનો કદી અંત આવતો નથી. અધ્યાત્મ-હિમાલયની યાત્રામાં એક શિખર પર ચઢીએ ત્યારે અનેક નવાં શિખરો દૃષ્ટિગોચર થાય છે. કોઈકે ઠીક જ કહ્યું છે –
It starts but never ends.
‘તેનો (અધ્યાત્મયાત્રા)નો પ્રારંભ થાય છે, પરંતુ તેનો અંત કદી આવતો નથી.’
આ તો અનંતની યાત્રા છે. અનંતનો અંત કેવી રીતે લઈ શકાય?
(3) ધર્મમેઘ સમાધિ:
યોગસૂત્ર પ્રમાણે સમાધિના ઉચ્ચત્તમ સ્વરૂપને ધર્મમેઘ સમાધિ કહે છે.
प्रसंरण्यानेडप्यकुसीदस्य सर्वथा विवेकरण्यातेधर्ममेध: समाधि: | – यो. सू.; ४-२८
‘ઉચ્ચ પ્રકારના પ્રકૃતિ વિષયક જ્ઞાન પ્રત્યે પણ વિરક્તને નિરંતર વિવેકજ્ઞાનથી ધર્મમેઘ સમાધિ થાય છે.’
प्रकर्षेण सम्यक् आरण्याते इति प्रसंरण्यान: |
પ્રકૃત્તિના ગુહ્ય સ્વરૂપને આ જ્ઞાન સમ્યક્ અને ઉત્કૃષ્ટ રીતે સમજાવે છે. એટલે આ જ્ઞાન પ્રકૃત્તિ વિષયક ક્ષેત્રમાં સર્વોત્તમ છે. યોગસૂત્રના વિભૂતિપાદમાં પતંજલિ સ્પષ્ટ રીતે અને વિસ્તારથી સમજાવે છે કે સંયમની કળા દ્વારા યોગી પ્રકૃત્તિના ગહન રહસ્યો ખોલી શકે છે, અને ઈન્દ્રિય કે તર્કથી ન પામી શકાય તેવા ગુહ્ય જ્ઞાનને આ સંયમની કળાથી પામે છે.
આ જ્ઞાન પ્રકૃત્તિના ક્ષેત્રમાં ઉચ્ચત્તમ છે. પરંતુ આ પુરુષનું જ્ઞાન અર્થાત્ આત્મજ્ઞાન નથી; તેથી સાચો આધ્યાત્મિક પુરુષ તેનાથી પણ વિરક્ત થાય તે આવશ્યક છે. આવા જ્ઞાન પ્રત્યેની આસક્તિ પણ આધ્યાત્મિક વિકાસમાં બાધારૂપ બની શકે.
આવા રહસ્યપૂર્ણ જ્ઞાન-પ્રસંખ્યાન પ્રત્યે પણ અકુસીદ-વિરક્ત રહેનારને સર્વથા વિવેકખ્યાતિ એટલે કે નિરંતર પ્રકાશમાન વિવેકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિવેકજ્ઞાનના બળથી સાધક ધર્મમેઘ સમાધિ પામે છે.
प्रकर्षेण योगधर्मम् मेहति वर्षति इति धर्ममेध: |
‘યોગધર્મ જેમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ વરસે છે, તે ધર્મમેઘ સમાધિ છે.’
કૈવલ્યાવસ્થામાં પ્રવેશવાનું આ અંતિમ દ્વાર છે. આ સમાધિમાં યોગીની ચેતનામાં જ્ઞાન, આનંદ, શાંતિ, શક્તિ આદિ યોગધર્મોની વર્ષા થાય છે.
(4) કૈવલ્ય:
ધર્મમેઘ સમાધિથી ક્લેશ અને સંસ્કારોની આત્યંતિક નિવૃત્તિ થાય છે. આત્મા પ્રકૃતિના બંધનથી પૂર્ણત: મુક્ત થાય છે અને કેવળ પુરુષસ્વરૂપે પ્રકાશે છે. આ અવસ્થાને યૌગિક પરિભાષામાં ‘કૈવલ્ય’ કહે છે. યોગવિદ્યા પ્રમાણે આ કૈવલ્યવસ્થાને સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા ગણવામાં આવે છે. આને જ મોક્ષ કે આત્મપ્રાપ્તિ કહે છે.
કૈવલ્યાવસ્થા તે સમાધિની અવસ્થા નથી, પણ સ્વરૂપસ્થિતિ છે. કૈવલ્યાવસ્થાએ પહોંચનાર પુરુષ તે સ્થિતિમાંથી કદી ચ્યુત થતો નથી. જો ચ્યુત થાય તો તે કૈવલ્યાવસ્થા હતી જ નહિ એમ સમજવું. યૌગિક અધ્યાત્મવિદ્યા પ્રમાણે સમાધિ સતત રહેતી અવસ્થા નથી.
સાધક સમાધિના કોઈ સ્વરૂપમાં અમુક નિશ્ર્ચિત સમય સુધી રહે છે. સમાધિનો પ્રારંભ અને અંત હોય છે. તે આવે અને જાય તેવી અવસ્થા છે. કૈવલ્યાવસ્થામાં આવું નથી. કૈવલ્યાવસ્થા તો આધ્યાત્મિક વિકાસની અંતિમ પરિણતિ છે. કૈવલ્યાવસ્થા એવી સર્વોચ્ચ અવસ્થા છે, જેમાંથી ચ્યુત થવાનું હોય જ નહિ.
આ અવસ્થામાં પુરુષ પ્રકૃતિના કોઈ પણ પ્રભાવ હેઠળ રહેતો નથી. પ્રકૃતિનો દર્શન કર્મ પૂરો થાય છે.
रड्गस्य दर्शयित्वा निर्वतते नर्तकी तथा नृत्यम |
पुरुषस्य तथाडडत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृति: ॥
- सांरण्यकारिका; ५९ ‘જેવી રીતે નર્તકી પોતાનું નૃત્ય રંગભૂમિ પર પ્રદર્શિત કરીને નિવૃત્ત થાય છે, તેવી રીતે પ્રકૃતિ પણ પુરુષની સમક્ષ પોતાને પ્રગટ કરીને નિવૃત્ત થાય છે.’
યોગસૂત્રના અંતે ભગવાન પતંજલિ કૈવલ્યાવસ્થાનું વર્ણન આ રીતે કરે છે
पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरुप प्रतिष्ठा वा चितिशक्तिरिति | – यो. सू.; ३-३४
‘પુરુષાર્થશૂન્ય થયેલા ગુણોનું પોતાના કારણમાં વિલીન થવું અથવા ચિતિશક્તિ-પુરુષનું પોતાના સ્વરૂપમાં અવસ્થિત થવું તે કૈવલ્ય છે.’
પ્રકૃતિના અપસર્ગ ક્રમે પાછા ફરતાં ફરતાં એવી અવસ્થા આવે છે કે ત્રિગુણાત્મક પ્રકૃત્તિ પુરુષાર્થશૂન્ય બની જાય છે. હવે પ્રકૃતિના ગુણોને પુરુષ માટે કશું કરવાનું રહેતું નથી. એટલે ગુણોનો પ્રતિપ્રસવ થાય છે. પુરુષ સામેથી પ્રકૃતિનો પથારો સમેટાઈ જાય છે. (ક્રમશ:)
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી: શું છે સમાપત્તિ?