તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એટલે વિશિષ્ટપદ્ધતિથી કરવામાં આવતી પૂરક, કુંભક ને રેચકની ક્રિયા

-ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
પ્રાણાયામના અભ્યાસથી ચિત્તની જ્ઞાનવૃત્તિ પર ચડેલાં આવરણો નષ્ટ થાય છે, જ્ઞાનની કળા ખીલે છે અને ધારણા આદિ અંતરંગ અભ્યાસ માટે મનની યોગ્યતાનું નિર્માણ થાય છે.
અહીં કુંભકનો ઉલ્લેખ હોવા છતાં સમગ્ર પ્રક્રિયામાં કુંભક સાથે પૂરક અને રેચક પણ હોવાના જ. એટલે પ્રાણાયામ પૂરક, રેચક અને કુંભકની પ્રક્રિયા છે, તેમ સમજી શકાય એમ છે. વળી વર્ણન અહીં શ્ર્વાસની પરિભાષામાં કરેલ હોવા છતાં પ્રાણાયામનો પ્રારંભ શ્ર્વાસથી થાય છે, પણ ખરેખર પ્રાણાયામ પ્રાણનો સંયમ છે, એટલું જ નહિ; પરંતુ પૂરક, રેચક અને કુંભક વિશિષ્ટ પદ્ધતિથી કરવામાં આવે ત્યારે જ આ હેતુ સિદ્ધ થાય છે.
આમ રાજયોગની દૃષ્ટિથી પ્રાણાયામની વ્યાખ્યા આ પ્રમાણે થશે-
‘પ્રાણાયામ એટલે પ્રાણસંયમના હેતુ માટે, વિશિષ્ટ પદ્ધતિથી કરવામાં આવતી પૂરક, કુંભક અને રેચકની ક્રિયા.’
પ્રાણાયામ જેટલી મહત્ત્વપૂર્ણ સાધના છે, તેટલી જ તે જોખમી પણ છે અને તેથી ગુરુગમ્ય છે.
(5) પ્રત્યાહાર:
પ્રત્યાહાર વિશે યોગસૂત્રકાર બે સૂત્રો આપે છે:
स्वविषयासम्प्रयोगे चित्तस्वरुपनुकार इवेन्द्रियाणां प्रत्याहार:| – योगसूत्र; २-५४
‘ઈન્દ્રિયો પોતાના વિષયોમાંથી પાછી હઠીને ચિત્તસ્વરૂપ આકાર ધારણ કરે, તે પ્રત્યાહાર છે.’
तत: परमा वश्यतेन्दियाणाम् | – योगसूत्र; २-५५
‘તેનાથી ઈન્દ્રિયો પર પરમ સંયમ સિદ્ધ થાય છે.’
જ્યાં સુધી સાધકનું ચિત્ત બાહ્ય જગતના વિષયોમાં રમમાણ હોય છે, ત્યાં સુધી તે અધ્યાત્મપથપર પ્રગતિકરી શકતો નથી. આપણા ચિત્તનો વિષયો સાથેનો સંપર્ક ઈન્દ્રિયો દ્વારા થાય છે. ઈન્દ્રિયો સાધારણત: વિષયોન્મુખી હોય છે. જ્યારે આ સાધારણ પ્રક્રિયા ઊલટી બને એટલે કે ઈન્દ્રિયો વિષયોન્મુખી મટીને ચિત્તસ્વરૂપાકાર ધારણ કરે ત્યારે પ્રત્યાહાર સિદ્ધ થાય છે અને સાધક માટે ધારણા, ધ્યાન આદિ અંતરંગયોગની સાધના માટેનો માર્ગ મોકળો થાય છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી : બ્રહ્મચર્ય એટલે આચાર ને વિચારમાં સર્વ ઈન્દ્રિયોનો સંયમ
પ્રત્યાહારને સામાન્યત: બિહરંગયોગમાં ગણવામાં આવે છે, પરંતુ વસ્તુત: તે અંતરંગયોગના પ્રવેશદ્વાર સમાન છે.
પ્રત્યાહાર દ્વારા ઈન્દ્રિયો પર સાચો સંયમ સિદ્ધ થાય છે.
પ્રાણાયામ, જપ આદિના અભ્યાસથી સાધકની વૃત્તિ અંદર વળવા માંડે છે તથા વૃત્તિને અંદર વાળવાનો અભ્યાસ કરતાં કરતાં પ્રત્યાહાર વિકસે છે અને આંતરિક આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. આ અનુભવ વિકસતાં પ્રત્યાહાર સિદ્ધ થાય છે.
(6) ધારણા :
देशबन्धश्चित्तस्य धारणा | – योगसूत्र; ३-१
‘ધારણા એટલે ચિત્તનું કોઈ એક નિશ્ર્ચિત વિષય પર એકાગ્ર થવું.’
આગળ વર્ણવેલાં પ્રથમ પાંચ અંગોને બહિરંગયોગ ગણવામાં આવે છે. બહિરંગયોગના અભ્યાસથી તૈયાર થયેલા સાધક હવે અંતરંગયોગના અભ્યાસમાં પ્રવેશે છે. ધારણા અંતરંગયોગનું પ્રથમ સોપાન છે.
ધારણામાં સાધક કોઈ એક વિષય પર મન એકાગ્ર કરે છે. અન્ય વિષયોનો ઈનકાર કરતાં જ્યારે સાધક પોતાના ઈષ્ટ વિષય પર પોતાના ચિત્તને સંયમિત કરે છે, ત્યારે ધારણા સિદ્ધ થાય છે.
આ વિષયો પાંચ પ્રકારના હોય છે:
- બાહ્ય – ઈષ્ટદેવની મૂર્તિ, ચિત્ર વગેરે
- સ્વશરીર – નાસાગ્ર, ભૂમધ્ય વગેરે
- ચક્ર – અનાહત, આજ્ઞા વગેરે
- મનોમય – ઈષ્ટદેવનું મનોમય સ્વરૂપ
- આંતરિક અનુભૂતિ – નાદશ્રવણ, જ્યોતિદર્શન વગેરે
(7) ધ્યાન:
तत्र प्रत्ययैकतानता ध्यानम् | – योगसूत्र; ३-२
‘ત્યાં (ધ્યાન માટે પસંદ કરેલ વિષયમાં) પ્રત્યયની એકતાનતા એટલે ધ્યાન’
ચિત્તની સામાન્ય અવસ્થામાં ચિત્તના પ્રત્યય ભિન્ન ભિન્ન વિષયો પરત્વે સતત બદલાતા રહે છે. ધારણામાં સાધક કોઈ એક વિષય પર એકાગ્રતા કરે છે. આમ છતાં ધારણામાં હજુ પ્રત્યયની એકતાનતા નથી. ધારણામાં અન્ય વિષયના પ્રત્યયનો સદંતર અભાવ નથી. જોકે ધારણામાં સાધક સામાન્ય મન:સ્થિતિની જેમ અન્ય વિક્ષેપોમાં ઘસડાતો નથી. સાધક પોતાના વિષય તરફની એકાગ્રતા જાળવી શકે છે અને અન્ય વિષયના પ્રત્યયને ટાળવામાં સક્ષમ બને છે અને વિક્ષેપો હોવા છતાં તેમાં ખેંચાતો નથી.
જ્યારે આ અન્ય વિષયના પ્રત્યયોનો સદંતર અભાવ થાય અને પોતાના ઈષ્ટ વિષય તરફ પ્રત્યયની એકતાનતા સિદ્ધ થાય ત્યારે તે અવસ્થાને ધ્યાન કહે છે.
(8) સમાધિ:
तदेवार्थमात्रनिर्भासं स्वरुपशून्यमिव समाधि: | – योगसूत्र; ३-३
‘તે જ (ધ્યાનની) અવસ્થામાં જ્યારે ધ્યેય માત્રનો જ ભાસ થાય અને પોતાનું ભાન શૂન્યવત્ બની જાય ત્યારે તે અવસ્થાને ‘સમાધિ’ કહે છે.’
ધ્યાનમાં સાધકની અન્યવિષયશૂન્યતા અને સ્વવિષય એકાગ્રતા સિદ્ધ થાય છે. પરંતુ આ અવસ્થામાં પણ સ્વકેન્દ્ર ચેતના (Self-conciousness)નો અભાવ નથી. આ સ્વકેન્દ્રી ચેતના જ વિષય-વિષયી Subject-Object|)ંના દ્વૈતનું કારણ છે. જ્યારે આ સ્વકેન્દ્રી ચેતના વિલીન થાય છે, ત્યારે સાધકનો સમાધિમાં પ્રવેશ થાય છે. આ જ હકીકત ‘સ્વરુપ શૂન્યમિવ’ શબ્દથી સૂચિત કરવામાં આવેલ છે.
સમાધિ અવસ્થા દરમિયાન ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં સાધક પોતાના સ્વરૂપમાં તદાકાર થાય છે. સમાધિનાં પણ અનેક સ્વરૂપો અને અવસ્થાઓ છે. યોગસૂત્રમાં ભગવાન પતંજલિએ વિશદ દર્શન આપ્યું છે.
આ પણ વાંચો… તંદુરસ્તી-મનદુરસ્તી: મનોચિકિત્સા માટે યોગનો વિનિયોગ માન્ય ને આવકાર્ય છે
યમ-નિયમના યથાર્થ પાલનથી સાધકનું જીવન પરિશુદ્ધ બને છે, અને ચિત્તના ક્લેશો નબળા પડે છે. આસન અને પ્રાણાયામના અભ્યાસથી શરીર આગળના અભ્યાસ માટે તૈયાર થાય છે અને પ્રાણના પ્રવાહો સમઅવસ્થામાં આવવા લાગે છે તથા પ્રકાશ આડેનાં આવરણો ક્ષીણ થવા લાગે છે. સરળ ભાષામાં કહીએ તો અંદર કશુંક ઊઘડવા માંડે છે. ત્યાર પછી પ્રત્યાહારના અભ્યાસથી ઈન્દ્રિયજય સિદ્ધ થાય છે. યોગના આ પાંચ અંગોને બહિરંગયોગનાં અંગો ગણવામાં આવે છે.
બહિરંગયોગના અભ્યાસથી સાધક અંતરંગયોગ માટે તૈયાર થાય છે. ત્યાર પછી ધારણામાં એક વિષય પર એકાગ્રતા, ધ્યાનમાં પ્રત્યયની એકતાનતા સધાય છે. આના જ પર્યાપ્ત અભ્યાસથી ચિત્તવૃત્તિઓના નિરોધની અવસ્થા સિદ્ધ થાય છે અને એ જ સમાધિ છે.
અષ્ટાંગયોગના આઠ અંગોનું સ્વરૂપ યોગમૂર્તિના આઠ અંગો જેવું છે. આગળનાં અંગોમાં પહોંચતા, પાછળના અંગો પગથિયાંની જેમ છોડી દેવાનાં નથી. જેમ કે ધ્યાનનો અભ્યાસ કરનાર સાધક યમ-નિયમ કે આસન – પ્રાણાયામનો અભ્યાસ છોડી દેશે, એવું નથી. તેમ જ યમ-નિયમનો અભ્યાસ પરિપૂર્ણ થયા પછી જ આસન – પ્રાણાયામનો અભ્યાસ થઈ શકે, એવું પણ નથી. આ અંગોમાં એક સ્વરૂપની ક્રમિકતા હોવા છતાં આ ક્રમિકતા પથ્થરના પગથિયાં જેવી નથી, પરંતુ સાધક જેમ જેમ વિકાસ પામતો જાય છે, તેમ તેમ આગળનાં અંગોનું ક્રમિક ઉમેરણ થતું જાય છે. એટલે આ આઠ અંગોને યોગમૂર્તિના આઠ અંગો ગણવામાં આવે છે.
એ હકીકત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે યોગસૂત્રપ્રણિત રાજયોગમાં સમાધિ અવસ્થાને નહિ, પરંતુ ‘કૈવલ્ય’ને અંતિમ અવસ્થા ગણવામાં આવે છે.
- હઠયોગનો અને રાજયોગનો સંબંધ:
(1) હઠયોગ પ્રાણજય દ્વારા મનોજયનો માર્ગ છે અને રાજયોગ મનોજય દ્વારા પ્રાણાજયનો માર્ગ છે. હઠયોગ તીવ્ર સાધનપદ્ધતિ છે અને તેથી જ તે વધુ જોખમી છે. રાજયોગ સૌમ્ય સાધનમાર્ગ છે. બંને વચ્ચે કોઈ વિરોધ નથી. બંને પરસ્પર પૂરક બની શકે તેમ છે પરંતુ બંને એક જ સાધનમાર્ગ છે, એવું નથી.
(2) કુંડલિની શક્તિનું જાગરણ – આ હઠયોગની સાધનાની કેન્દ્રસ્થ બાબત છે. રાજયોગ અર્થાત્ પતંજલિ પ્રણિત અષ્ટાંગયોગમાં કુંડલિની જાગરણ તરફ લક્ષ્ય નથી. એ જાણવું રસપ્રદ થઈ પડશે કે યોગસૂત્રમાં ક્યાંય કુંડલિનીનો ઉલ્લેખ નથી, જ્યારે હઠયોગ પ્રદીપિકામાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.
આનો અર્થ એમ નથી કે કુંડલિની જાગરણની ઘટના માત્ર હઠયોગની સાધનાથી જ થઈ શકે. હઠયોગની તીવ્ર પ્રક્રિયા વિના રાજયોગના સૌમ્ય માર્ગનું અનુસરણ કરનારને પણ કુંડલિની જાગરણ થઈ શકે છે. એટલું જ નહિ, પરંતુ નામજપ કરનાર ભક્તને કે વિચારમાર્ગનું અનુસરણ કરનાર જ્ઞાનયોગીને પણ કુંડલિની જાગરણની ઘટના બની શકે છે, બને છે. આમ છતાં હઠયોગ અને રાજયોગના કુંડલિની વિશેના અભિગમમાં ફેર છે. હઠયોગની બધી સાધનાઓ કુંડલિનીના જાગરણ માટે આચરવામાં આવે છે અને રાજયોગના સાધકનું ધ્યાન કુંડલિનીજાગરણ તરફ નહિ, પણ ચિત્તવૃત્તિના નિરોધ તરફ છે.
(3) હઠયોગ અને રાજયોગ, બંનેમાં આસન અને પ્રાણાયામ છે અને સામાન્ય રીતે આ બંનેને જ યોગ ગણી લેવામાં આવે છે. પરિણામે બંને સાધનમાર્ગ એક જ છે, એમ માની લેવામાં આવે છે; પરંતુ આ માન્યતા બરાબર નથી.
બંનેમાં આસન અને પ્રાણાયામ સમાન અંગો હોવા છતાં બંનેમાં તેમનાં હેતુ અને સ્વરૂપ ભિન્ન ભિન્ન હોય છે. યોગસૂત્રમાં માત્ર ધ્યાનોપયોગી આસનોનો જ ઉલ્લેખ જોવા મળે છે, જયારે ‘હઠપ્રદીપિકા’ વગેરે હઠયોગના ગ્રંથોમાં કુંડલિની જાગરણમાં ઉપયોગી એવા તીવ્ર આસનોનું વર્ણન જોવા મળે છે. દૃષ્ટાંતત: હઠપ્રદીપિકાકાર મત્સ્યેન્દ્રાસનના વર્ણન પછી તેના અભ્યાસનું ફળકથન કરતાં કહે છે- अभ्यासत कुण्डलिनी प्रबोध: ।
‘(આ આસનના) અભ્યાસથી કુંડલિની જાગરણ થાય છે.’
પ્રાણાયામનાં સ્વરૂપ અને હેતુમાં પણ આજ પ્રકારનો ભેદ છે.
પ્રાણાયામનાં સ્વરૂપ અને ફળકથન વિશે ભગવાન પતંજલિ કહે છે –
‘આસાનમાં સ્થિર થયા પછી શ્ર્વાસ – પ્રશ્ર્વાસની ગતિમાં વિચ્છેદ એટલે પ્રાણાયામ. આ પ્રાણાયામ ચાર પ્રકારના છે – બાહ્યકુંભક, આંતરકુંભક, સ્તંભવૃત્તિ અને કેવલ – કુંભક. પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશ આડેનાં આવરણો નષ્ટ થાય છે, અને ધારણા માટે મનની યોગ્યતાનું નિર્માણ થાય છે.’
હઠયોગના ગ્રંથોમાં પ્રાણાયામના વિવિધ સ્વરૂપો વિશે વર્ણન જોવા મળે છે. પ્રાણાયામના અભ્યાસના ફળ વિશે સ્વાત્મારામ સ્પષ્ટ લખે છે – कुम्भकात् कुंडलीबोध: |।
‘કુંભકથી કુંડલિનીનું જાગરણ થાય છે.’
હઠયોગ પ્રદીપિકાકાર સ્વાત્મારામ કુંભક અર્થાત્ પ્રાણાયામના અભ્યાસથી કુંડલિનીના જાગૃત થવાની વાત કહેછ છે. યોગસૂત્રકાર ભગવાન પતંજલિ કુંભક અર્થાત્ પ્રાણાયામ દ્વારા કુંડલિનીના જાગરણની વાત કહેતા નથી, પરંતુ ધારણા માટે ચિત્તની યોગ્યતાની વાત કહે છે. આ ભિન્નતા ખાસ નોંધનીય છે.
આટલાથી સ્પષ્ટ ખ્યાલ આવશે કે આસન અને પ્રાણાયામ વિશેના રાજયોગ અને હઠયોગના સ્વરૂપ અને હેતુમાં કેટલો તફાવત છે!
(4) એ વાત સાચી છે કે હઠપ્રદીપિકાના પ્રારંભમાં જ સ્વાત્મારામ કહે છે –
केवलं राजयोगाय हठविद्योपदिश्यते |
‘કેવળ રાજયોગ માટે હઠયોગનો ઉપદેશ કરું છું.’
આમ છતાં અહીં રાજયોગનો અર્થ પતંજલિપ્રણિત અષ્ટાંગયોગ નથી. અહીં રાજયોગ શબ્દનો અર્થ સમાધિ અવસ્થા છે. સ્વાત્મારામ ‘હઠપ્રદીપિકા’ના ચતુર્થ ઉપદેશમાં राजयोग: समाधिश्च उन्मनी च मनोन्मनी| । વગેરે શબ્દોની યાદી આપે છે અને તેજ શ્ર્લોકના અંતે चेत्येकवाचका:(આ બધા એક જ અર્થના વાચકો છે) એમ કહે છે. એટલે એમ કહી શકાય તેમ નથી કે હઠયોગની સાધના પતંજલિપ્રણિત રાજયોગની પૂર્વતૈયારી રૂપે છે અને હઠયોગમાંથી રાજયોગ (અષ્ટાંગયોગ)માં જવાય છે. સાચી વાત એ છે કે બંને સમાધિ તરફ દોરી જતી ભિન્ન ભિન્ન સાધનપદ્ધતિઓ છે.
(ક્રમશ:)