તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : બ્રહ્મચર્ય એટલે આચાર ને વિચારમાં સર્વ ઈન્દ્રિયોનો સંયમ

-ભાણદેવ

હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ સાધવો કેવી રીતે? નિરોધ સાધવા માટેનો સાધનપથ શું છે? તે માટેનો કોઈ માર્ગ યોગ સૂચવે છે? હા, યોગ પાસે તે ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થિત સાધનમાર્ગ છે. આ સાધનપથ છે – અષ્ટાંગયોગ.

  1. રાજયોગ સાધનપથ – અષ્ટાંગયોગ:
    યોગને પોતાનું તત્ત્વજ્ઞાન છે; યોગને પોતાનું મનોવિજ્ઞાન છે. આ બધું છતાં યોગ મૂલત: સાધનમાર્ગ છે, સાધનપદ્ધતિ છે.

તત્ત્વજ્ઞાન, તાત્ત્વિક વિવેચનને અંતે જીવનના હેતુ તરીકે ‘કૈવલ્ય’ સૂચવે છે. સાધનમાર્ગ કૈવલ્ય સુધી પહોંચવાનો પથ બતાવે છે. હવે આપણે અહીં રાજયોગનો સાધનપથ સમજવા પ્રયત્ન કરીએ છીએ.
રાજયોગના સાધનપથને આઠ અંગો છે, તેથી તેને અષ્ટાંગયોગ કહેવામાં આવે છે.

यमनियमासनप्राणायाम प्रत्याहार धारणाध्यान समाधयोडष्टावड्गामि | – योगसूत्र; २-२९
‘યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ – યોગનાં આ આઠ અંગો છે.’

પ્રત્યેક સાધનમાર્ગમાં, તે તે સાધનમાર્ગનાં અંગો કે તબક્કાઓ હોય છે. રાજયોગની સાધનપદ્ધતિનાં આ આઠ અંગો છે. રાજયોગરૂપી યોગમૂર્તિનાં આ આઠ અંગો છે.

હવે આપણે રાજયોગના આ આઠ અંગોને ક્રમપુર:સર સમજવાનો પ્રયત્ન કરીએ.

(1) યમ:
अहिंसासत्यस्तेय ब्रह्मचर्यापरिग्रहायमा: | – योगसूत्र; २-३०
‘અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આ પાંચ યમ છે.’

ૄ અહિંસા: મન, વાણી કે કર્મથી કોઈ જીવને દુ:ખ ન દેવું, તે અહિંસાનું સ્વરૂપ છે. અન્યને દુ:ખ દેનાર વ્યક્તિના ચિત્તની શાંતિ જોખમાય છે અને તેનાથી સામાજિક જીવન પણ ક્લુષિત થાય છે. તેથી યોગસાધના કરનાર સાધકે હિંસાથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો: ‘રાજયોગ’ એટલે શું…? ‘યોગ’ એટલે શું…?

ૄ સત્ય: સત્ય જીવનનું કેન્દ્રસ્થ સ્વરૂપ છે. અધ્યાત્મ આખરે તો જીવનના અંતિમ સત્યની શોધ છે. અસત્યના માર્ગે સત્યને પામી શકાય નહિ. યોગસાધકે મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરવું જોઈએ.

ૄ અસ્તેય: અસ્તેય એટલે ચોરી ન કરવી. જે પોતાનું નથી તેને પોતાનું બનાવવું તે ચોરી છે. માત્ર ધનને જ નહિ પરંતુ અધિકાર, વિચારો, યશ, માન વગેરેને પણ અસ્તેય લાગુ પડે છે.
માનસિક શુદ્ધિ અને સામાજિક સુખાકારી, બંને દૃષ્ટિએ અસ્તેયનું મૂલ્ય છે.

ૄ બ્રહ્મચર્ય: બ્રહ્મચર્ય એટલે આચાર અને વિચારમાં સર્વ ઈન્દ્રિયોનો સંયમ.

યોગ અને ભોગ, બંને પરસ્પર વિરોધી બાબતો છે. ભોગમાં રાચતાં-રાચતાં યોગ ન થઈ શકે.

ૄ અપરિગ્રહ એટલે સંગ્રહવૃત્તિનો ત્યાગ:

અપરિગ્રહને માત્ર સ્થૂળ અર્થમાં જ લેવાનું પર્યાપ્ત નથી. સાધકનું મનોવલણ પણ તે સ્વરૂપનું હોય તે આવશ્યક છે.

(2) નિયમ: शौचसंतोषतप:स्वाध्यायेश्वर प्रणिधानानि नियमा: | – योगसूत्र; २-३२
‘શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્ર્વરપ્રણિધાન’ – આ પાંચ નિયમો છે.

ૄ શૌચ: શૌચ એટલે પવિત્રતા. યોગમાં આંતર-બ્રાહ્ય, બંને સ્વરૂપના શૌચને આવશ્યક ગણ્યા છે.

ૄ સંતોષ: પ્રાપ્ત સંયોગોમાં સ્વસ્થ અને પ્રસન્ન રહેવું, તે સંતોષનું સ્વરૂપ છે. નવી નવી પ્રાપ્તિ માટે દોડાદોડી કરનાર યોગ ન સાધી શકે.

ૄ તપ: તપ એટલે તિતિક્ષાયુક્ત, સંયમી અને સાધનપરાયણ જીવનપદ્ધતિ, તપનાં અનેક સ્વરૂપો છે.

ૄ સ્વાધ્યાય: સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનું વિધિવત્ અધ્યયન.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : યોગ એટલે કર્મોમાં કુશળતા

ૄ ઈશ્ર્વર પ્રણિધાન:
ઈશ્ર્વર પ્રણિધાનના બે અર્થ છે.

ઈશ્ર્વર પ્રણિધાન એટલે પૂજા, યજ્ઞ આદિ દ્વારા પરમાત્માનું યજન કરવું તે.

ઈશ્ર્વર પ્રણિધાન એટલે ઈશ્ર્વરને સમર્પણ.

બંને અર્થો વચ્ચે કોઈ વિરોધ નથી. પ્રથમ અર્થ ઈશ્ર્વર પ્રણિધાનનું પ્રારંભિક સ્વરૂપ છે અને દ્વિતીય અર્થ ઈશ્ર્વર પ્રણિધાનનું આત્યંતિક સ્વરૂપ છે, વિકસિત સ્વરૂપ છે.

(3) આસન: આસન વિશે ભગવાન પતંજલિ ત્રણ સૂત્રો આપે છે:

स्थिरसुखमासनम् -योगसूत्र; २-४६
‘(શરીરની) સુખપૂર્વકની સ્થિર અવસ્થાને આસન કહે છે.’

  • प्रयत्नशैथिल्यानन्तसमापतिभ्याम् | -योगसूत्र; २-४७
    ‘પ્રયતનશૈથિલ્ય (effortlessness) અર્થાત્ પ્રયત્ન ઘટાડવાથી અને અનંત પર ધ્યાન કરવાથી તે (આસન) સિદ્ધ થાય છે.’
  • ततो द्वन्द्वानभिघात: -योगसूत्र; २-४८

“તેના (અર્થાત્ આસનના) અભ્યાસથી દ્વન્દ્વપના આઘાતથી પર થવાય છે.”

પ્રથમ સૂત્રમાં આસનની વ્યાખ્યા, બીજામાં આસન સિદ્ધ કરવાની યુક્તિ અને ત્રીજામાં આસનના અભ્યાસની ફલશ્રુતિ બતાવવામાં આવેલ છે.

આસન દરમિયાન સાધક એવી વિશિષ્ટ સુખપૂર્ણ અવસ્થામાં બેસે છે કે જેમાં પ્રાણાયામ, જપ, ધ્યાન આદિનો અભ્યાસ કરવામાં વિશેષ અનુકૂળતા રહે છે.

પર્યાપ્ત સમયના અભ્યાસથી સાધક એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યારે તે આ અવસ્થામાં લાંબા સમય સુધી કષ્ટ કે શ્રમ વિના બેસી શકે છે. આસનસિદ્ધિની આ અવસ્થા સુધી પહોંચવા માટે અહીં સૂત્રકાર બે ઉપાયો બતાવે છે. પ્રયત્ન શૈથિલ્ય એટલે કે વિના આયાસે આસનમાં બેસવાનો અભ્યાસ અને અનંતસમાપત્તિ એટલે કે ચિત્તને શરીર પરથી હઠાવીને આકાશ જેવી અનંત વસ્તુ પર લગાડવું.

આસનના પર્યાપ્ત અભ્યાસથી સાધક સતત બાધા ઉપસ્થિત કરતાં શીતોષ્ણાદિ સંવેદનાઓ તથા ચંચળતા વગેરે વિઘ્નોથી મુક્ત થાય છે.

પતંજલિની આસનની વ્યાખ્યાથી એટલું સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે રાજયોગના આસનનું સ્વરૂપ હઠયોગના આસનના સ્વરૂપથી ભિન્ન છે. હઠયોગમાં અનેકવિધ કઠિન આસનોનો સમાવેશ થાય છે, જ્યારે અહીં રાજયોગમાં તો સિદ્ધાસન, પદ્માસન આદિ ધ્યાનોપયોગી આસનોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ હઠયોગ અને રાજયોગના આસનનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, તે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ.

(4) પ્રાણાયામ: ભગવાન પતંજલિ પ્રાણાયામ વિશે પાંચ સૂત્રો આપે છે:

  • तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिच्छिद: प्राणायाम:| – योगसूत्र; २-४९
    “તેમાં (આસનમાં) સ્થિત થઈને શ્ર્વાસ – પ્રશ્ર્વાસની ગતિમાં વિચ્છેદ એટલે પ્રાણાયામ.”
  • बाह्याभ्यन्तरस्तम्भवृत्ति देशकालसंख्याभि: परिदृक्ष्टो दीर्घसूक्ष्म:॥ – योगसूत्र; २-५०

“(પ્રાણાયામ) બાહ્ય, આંતર અને સ્તંભવૃત્તિ – એમ (ત્રણ પ્રકારના) દેશ, કાળ અને સંખ્યાથી જોવાયેલા, લાંબા કે ટૂંકા હોય છે.”

  • बाह्याभ्यन्तर विषयाक्षेपी चतुर्थं:| – योगसूत्र; २-५१
    “બાહ્ય અને આંતર્ વિષયનો ત્યાગ કરનાર ચોથા પ્રકારનો (પ્રાણાયમ) છે.”
  • तत: क्षीयते प्रकाशावरणम्| – योगसूत्र; २-५२
    “તેનાથી પ્રકાશના આવરણનો નાશ થાય છે.”
  • धारणासु च योग्यता मनस:| – योगसूत्र; २-५३
    “અને ધારણાઓમાં મનની યોગ્યતા થાય છે.”

પ્રથમ સૂત્રમાં પ્રાણાયામની વ્યાખ્યા, બીજા અને ત્રીજા સૂત્રમાં પ્રાણાયામના પ્રકારો તથા ચોથા અને પાંચમા સૂત્રમાં પ્રાણાયામના અભ્યાસન ફલશ્રુતિ આપવામાં આવી છે.

શ્ર્વાસની સતત વહેતી ગતિમાં વિચ્છેદ એટલેકે કુંભકને અહીં પ્રાણાયામ કહેવામાં આવેલ છે અને કુંભકના આંતર, બાહ્ય, સ્તભંવૃત્તિ અને કેવલ, એમ ચાર પ્રકારો આપવામાં આવ્યા છે.

પ્રાણાયામના અભ્યાસથી ચિત્તની જ્ઞાનવૃત્તિ પર ચડેલાં આવરણો નષ્ટ થાય છે, જ્ઞાનની કળા ખીલે છે અને ધારણા આદિ અંતરંગ અભ્યાસ માટે મનની યોગ્યતાનું નિર્માણ થાય છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button