તંદુરસ્તી-મનદુરસ્તી: મનોચિકિત્સા માટે યોગનો વિનિયોગ માન્ય ને આવકાર્ય છે

-ભાણદેવ
(ગતાંકઠથી ચાલુ)
શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે અને પ્રાપ્તિ માટે યોગનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. લોકો વ્યાપક પ્રમાણમાં એમ માની રહ્યા છે કે શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ ઉત્તમ પદ્ધતિ છે.
કોઈ વ્યક્તિ શારીરિક સ્વાસ્થ્યની જાળવણી કે પ્રાપ્તિ માટે આસન, પ્રાણાયામ કે યૌગિક શોધનકર્મોનો ઉપયોગ કરે તો તેમાં કાંઈ ખોટું નથી અને વળી આ સર્વ યૌગિક ક્રિયાઓના અભ્યાસ દ્વારા શારીરિક સ્વાસ્થ્યની જાળવણી કે પ્રાપ્તિ થઈ શકે તેમ છે, તે પણ સાચું જ છે.
આ બધું છતાં એ હકીકત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે યોગ મૂલત: શારીરિક શિક્ષણની પદ્ધતિ નથી. યૌગિક ક્રિયાઓ શરીરને નિરોગી અને બળવાન બનાવવા માટે શોધાઈ નથી. શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તો યૌગિક ક્રિયાઓના અભ્યાસની આડપેદાશ છે, ધ્યેય નથી. ખાંડના કારખાનામાં ખાંડ બને છે અને સાથે સાથે મોલાસિશ પણ બને છે. ખાંડ મુખ્ય પેદાશ છે અને મોલસિશ આડપેદાશ છે. ખાંડના કારખાનાની રચના ખાંડ માટે થાય છે, મોલાસિશ માટે નહિ. તેમ યોગવિદ્યા આધ્યાત્મિક વિકાસ માટે છે, શારીરિક શિક્ષણ માટે નહિ.
આ પણ વાંચો:તંદુરસ્તી-મનદુરસ્તી: સ્વાસ્થ્યની જાળવણી માટે યોગનો પણ વ્યાપક ઉપયોગ થાય છે
આ ઉપરાંત એ પણ સમજી લેવું જોઈએ કે શારીરિક શિક્ષણની દૃષ્ટિથી યૌગિક ક્રિયાઓનો અભ્યાસ કરનારના અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાભ્યાસ કરનારના લક્ષ્ય, પદ્ધતિ અને અભ્યાસનાં સ્વરૂપ ભિન્ન ભિન્ન રહેવાનાં. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ સમજવું જોઈએ કે શારીરિક સ્વાસ્થ્યની યૌગિક ધારણા અને તદ્વિષયક સામાન્ય ધારણા ઘણી ભિન્ન ભિન્ન છે. યોગી અને પહેલવાન, બંને શરીરને તૈયાર કરે છે, પરંતુ પહેલવાન શરીરને કુસ્તી માટે તૈયાર કરે છે અને યોગી શરીરને સમાધિ માટે તૈયાર કરે છે.
(3) યોગ મનોચિકિત્સા પદ્ધતિ નથી:
તાણ (STRESS), અનિદ્રા, વાઈ-અપસ્માર (EPILEPSY), મનોદબાણ, કૃતિદબાણ, વિષાદ (DEPRESSION), વૈફ્લ્ય (FRUSTRASION ), વિકૃતચિંતા (ANXIETY), વિકૃતભીતિ (PHOBIA)) આદિ માનસિક બીમારીઓનાં નિવારણ માટે યોગાભ્યાસ ઉપકારક થઈ શકે તેમ છે, પરંતુ તે માટે ઘણા અભ્યાસ, સંશોધન, અનુભવ અને વિચારણાની આવશ્યકતા છે. યોગવિદ્યા ઘણી પ્રાચીન વિદ્યા હોવા છતાં આ ક્ષેત્રમાં યોગનું પ્રદાન હજુ પ્રારંભિક ગણાય તેવું છે.
મનોચિકિત્સા માટે યોગનો વિનિયોગ માન્ય અને આવકાર્ય છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે યોગ મૂલત: મનોચિકિત્સા પદ્ધતિ નથી. યોગની ક્રિયાઓ શરીર કે મનની ચિકિત્સા માટે શોધવામાં આવી નથી. સર્વ માનસિક બીમારીઓની ચિકિત્સા યોગ દ્વારા થઈ શકે એવો દાવો તો ન જ થઈ શકે. યોગ મૂલત: અધ્યાત્મવિદ્યા છે. યોગમાં સમગ્ર માનવજીવનનો વિચાર થયો છે. જીવનના એક ભાગરૂપે મન પણ છે તેથી મન અને મનના સ્વરૂપનો વિચાર પણ યોગમાં થાય છે, તે સ્વાભાવિક છે. આ દૃષ્ટિકોણથી વિચારતાં એટલું પણ સમજી શકાય તેમ છે કે મનના સ્વાસ્થ્યની જાળવણી અને પ્રાપ્તિ માટે યોગાભ્યાસ સહાયભૂત થઈ શકે તેમ છે. કેટલીક માનસિક બીમારીઓનાં નિવારણમાં યૌગિક ક્રિયાઓનો વિનિયોગ ઉપકારક બની શકે તેમ છે, આથી વિશેષ દાવો યોગાચાર્યોએ કે યોગચિકિત્સકોએ કરવો ન જોઈએ.
યોગની એક શાખા મનોચિકિત્સારૂપે વિકસે તો એમાં કશું ખોટું નથી, પરંતુ તે માટે પણ હજુ આપણે ઘણી મજલ કાપવી બાકી છે અને તે બને પછી પણ યોગ મનોચિકિત્સા છે, તેમ તો ન જ ગણવું જોઈએ. ત્યારે પણ માત્ર એટલું જ કહી શકાય કે યોગની એક શાખા મનોચિકિત્સા સ્વરૂપે વિકસી છે, પરંતુ યોગનું મૂળ થડ તો અધ્યાત્મવિદ્યાનું જ છે.
(4) યોગ સામર્થ્યપ્રાપ્તિની વિદ્યા નથી:
વાળ સાથે બાંધીને મોટર ખેંચી જવી, લોખંડના ખીલા ગળી જવા, તેજાબ પીવો, જમીનમાં દિવસો સુધી દટાઈ રહેવું, અસાધારણ માનસિક શક્તિઓ હોવી, લાંબા સમય સુધી શ્ર્વાસ રુંધી રાખવો, હૃદય બંધ કરી દેવું – આવા અનેક પ્રકારના પ્રયોગોનું જાહેરમાં પ્રદર્શન થાય છે અને આવી અસાધારણ શક્તિઓ યોગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે, એમ પણ કહેવામાં આવે છે. વસ્તુત: આવા પ્રયોગો સાથે યોગનો કોઈ સંબંધ નથી.
(5) યોગ અંગકસરતના ખેલ નથી:
હેરત પામી જવાય તેવા અંગકસરતના પ્રયોગો કરવામાં આવે અને પછી આવા પ્રયોગોને યોગના પ્રયોગો ગણાવવામાં આવે તો તેવો દાવો ગેરમાર્ગે દોરનારો છે. યોગ અંગ કસરતના પ્રયોગો નથી. યોગ સરકસ વિદ્યા નથી. તો તો સરકસના ખેલાડીઓને યોગીઓ ગણવા પડે. શરીરને અસાધારણ વળાંક આપી શકે તેને માટે ‘એકરોબેટ’ (ACROBAT) શબ્દનો પ્રયોગ થાય છે. અને શરીર દ્વારા વિશિષ્ટ પ્રકારના પ્રયોગો કરનાર માટે ‘પહેલવાન કે અખાડિયન GYMNAST)’ શબ્દનો પ્રયોગ થાય છે. આપણે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે આમાંના કોઈને યોગવિદ્યા સાથે કોઈ જ સંબંધ નથી.
(6) યોગ સિદ્ધિઓની પ્રાપ્તિ માટેની વિદ્યા નથી:
સામાન્ય માનવીના જીવનમાં સાધારણત: ન જોવામાં આવે અને જેને બુદ્ધિપૂર્વક ન સમજાવી શકાય તેવી અસાધારણ ચમત્કારિક શક્તિ માટે ‘સિદ્ધિ’ શબ્દનો પ્રયોગ થાય છે. દા.ત. સામાન્ય માનવી સાધારણ રીતે માઈલો દૂર બનતી ઘટનાને નરી આંખે જોઈ શકતો નથી, પરંતુ જ્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવી શક્તિ ધરાવે અને ખૂબ દૂર બનતી ઘટનાઓ જોઈ શકે ત્યારે તેને એક સિદ્ધિ ગણવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ચમત્કાર પણ કહેવામાં આવે છે. આ દૂરસ્થ ઘટનાના દર્શનની સિદ્ધિને ‘દૂરદર્શન’ની શક્તિ ગણવામાં આવે છે. આવી અનેકવિધ અસાધારણ શક્તિઓ અર્થાત્ સિદ્ધિઓ જોવામાં આવે છે.
આ પ્રકારની સિદ્ધિઓ વિશે વ્યવસ્થિત અભ્યાસ કરનાર શાને ગુહ્યવિદ્યા (OCCULTISM) કહેવામાં આવે છે. વિશ્ર્વના લગભગ બધાં જ દેશોમાં એક યા બીજા સ્વરૂપે આ પ્રકારની ગુહ્યવિદ્યાનું અસ્તિત્વ રહ્યું જ છે. ગુહ્યવિદ્યામાં ભિન્ન ભિન્ન સિદ્ધિઓના સ્વરૂપને સમજાવવાનો જ પ્રયત્ન કરવામાં આવતો નથી, પરંતુ આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેની સાધન પદ્ધતિઓનો પણ તેમાં વિચાર કરવામાં આવે છે.
આ પણ વાંચો:આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર
દૂરદર્શન, દૂરશ્રવણ, વિચારવાચન, ભવિષ્યકથન, ભૂતકથન આદિ સિદ્ધિઓ વિશે યોગસૂત્ર આદિ યૌગિકગ્રંથોમાં વર્ણન જોવા મળે છે. યોગાભ્યાસ કે અન્ય અધ્યાત્મ સાધનને પરિણામે સાધકના જીવનમાં કોઈ વાર આવી સિદ્ધિઓ પ્રગટે તેવું પણ બને છે. આ બધું છતાં યોગ સિદ્ધિઓની પ્રાપ્તિ માટેની વિદ્યા અર્થાત્ ગુહ્યવિદ્યા (OCCULTISM) નથી. આવી સિદ્ધિઓ યોગાભ્યાસ કે અધ્યાત્મવિકાસની આડપેદાશ રૂપે આવે કે ન પણ આવે. આવી સિદ્ધિઓ આધ્યાત્મિક વિકાસનું અનિવાર્ય અંગ કે અચૂક નિશાની પણ નથી. (ક્રમશ:)