સ્વાસ્થ્ય સુધા: કાચી કેરીમાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો…

-શ્રીલેખા યાજ્ઞિક
ઉનાળો શરૂ થાય તેની સાથે કાચી કેરીની માગ વધી જતી હોય છે. ફળોના રાજા તરીકે કેરી પ્રત્યેક વ્યક્તિનું મનપસંદ ફળ મનાય છે. કેરીના વૃક્ષ ઉપર મોર (ફૂલ) ઊગે તેની સાથે વૃક્ષ ઉપર કેરીનો પાક કેટલો આવશે તેની અટકળો લગાવવામાં આવે છે. વૃક્ષ ઉપર લટકતી કાચી કેરીને તોડીને ખાવાની મજા કાંઈક હટકે જ હોય છે. શું આપને જાણ છે કે ભારતીય અથાણાંની માગ વિદેશમાં ઘણી છે. અથાણાંના નિકાસકારો સંપૂર્ણ કેરીની વાડીનો સોદો કરે છે. વાડીમાં પોતાના માણસો દ્વારા સારી ગુણવત્તાના મોટા પ્લાસ્ટિકના પીપ ગોઠવે છે. કેરીને વૃક્ષ ઉપરથી ઊતારીને બરાબર સાફ કર્યા બાદ વાડીમાં જ ટૂકડાં કરે છે. કેરી તથા અથાણાંનો મસાલો એક ઉપર એક ગોઠવી દે છે. ઉપરથી થોડું તેલ રેડીને સિલ પૅક કરીને ઉચ્ચ ગુણવત્તાની કાચી કેરીનું સ્વાદિષ્ટ અથાણું વિદેશમાં મોકલી આપે છેે. વિદેશની ધરતી ઉપર ઊતરે ત્યારે અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું હોય છે.
પાકી કેરીના બંધાણીની જેમ જ કાચી કેરીના સ્વાદના બંધાણી અનેક રસિયાઓ જોવા મળે છે. બજારમાં નાની અમથી કાચી કેરી આવે તેની કાગડોળે વાટ જોતાં હોય છે. માન્યું કે મોટાં શહેરોમાં તોતાપુરી કાચી કેરી બારેમાસ મળી રહે છે. તેમ છતાં મોસમી ફળ ખાવાનો આનંદ અનેરો હોય છે. લૂથી બચવા કાચી કેરી ખાવાની ટેવ બાળપણથી પ્રત્યેક વ્યક્તિમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે કેરીની તાસીર શરીરને ઠંડક પહોંચાડે છે. વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ગરમીના દિવસોમાં આગવો સ્વાદ તથા સોડમ ધરાવતી કાચી કેરીનો ઉપયોગ વિવિધ પ્રકારે કરવામાં આવે છે. કાચી કેરીની વાત નીકળી છે ત્યારે તેને સૌથી સરળ રીતે ખાવાની રીત તોે આપ સર્વેને ખબર જ હશે. કુણી કુણી કાચી કેરીની પાતળી ચિપ્સ કરી લેવી. તેની ઉપર મીઠું-મરચું છાંટીને ખાવાનો આનંદ જરા હટકે હોય છે. કાચી કેરી અનેક બીમારીથી બચાવે છે. તેનું મુખ્ય કારણ છે તેમાં પોષક તત્ત્વો પર્યાપ્ત માત્રામાં સમાયેલાં હોય છે. જેવા કે વિટામિન એ, વિટામિન સી, કૅલ્શ્યિમ, આયર્ન, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ. ગરમીમાં કાચી કેરીનું સેવન વિવિધ રીતે કરી શકાય છે. કોઈ કેરીનું શરબત(આમ પન્ના), કેરીની ચટણી, કેરીનું કચુંબર, કેરીનું અથાણું વગેરે બનાવે છે. કાચી કેરીનો ઉપયોગ દાળ-શાકને સ્વાદિષ્ટ બનાવવા કરી શકાય છે. કેરીના સ્વાદની વાત કરીએ તો લાડવા કેરીમાં ખટાશ વધુ હોય છે. રાજાપુરી કેરી મીઠાશ ધરાવતી ગણાય છે.
ચટપટી કાચી કેરીના સ્વાસ્થ્ય લાભ
નિર્જલીકરણ (ડિહાઈડ્રેશન)થી બચાવે છે : ગરમીમાં પરસેવા દ્વારા તથા વાતાવરણમાં ગરમાવાને કારણે વારંવાર પાણી પીતા રહેવાનું મન થયા કરે છે. કાચી કેરીનો ઉપયોગ વિવિધ રીતે ઉનાળામાં ખાસ કરવામાં આવે છે. કાચી કેરીમાં સોડિયમ ક્લૉરાઈડ તથા આયર્નની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. તેથી કાચી કેરીનું સેવન ઉનાળામાં કરવાથી શરીરમાં પાણીની ઊણપ થતાં અટકે છે. અનેક વખત ગરમીને કારણે વ્યક્તિને ઊલટી ઉબકા આવવા લાગે છે. આવા સંજોગોમાં કાચી કેરી ઉપયોગી બને છે. કાચી કેરીનું શરબત બહાર જતી વખતે સાથે લઈ જવું ઉત્તમ વિકલ્પ ગણાય છે. પાચન તંત્રને સુધારે છે : કાચી કેરીમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે. તેથી તેના સેવન બાદ કબજિયાત, અપચો જેવી તકલીફથી રાહત મેળવી શકાય છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા: કાંગ કે કંગનીના સ્વાસ્થ્યવર્ધક લાભ
રોગપ્રતિકારક શક્તિ વધારે છે : કાચી કેરીમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તેથી તેનું સેવન કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉનાળુ રોગોના ચેપથી બચી શકાય છે. એવું પણ કહેવાય છે કે કાચી કેરીનું નિયમિત સેવન કરવાથી હાર્મોનલ સિસ્ટિમમાં સુધારો થતો જોવા મળે છે.
હૃદયની તંદુરસ્તી જાળવવામાં લાભકારી : કાચી કેરીમાં ભરપૂર માત્રામાં પોટેશ્યિમ સમાયેલું હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કાચી કેરીમાં નિયાસિન નામક ખનીજ હોય છે. જેને કારણે હૃદય સંબંધિત બીમારીથી બચાવી શરીરમાં હેલ્થી કૉલેસ્ટ્રોલની માત્રાને વધારે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ, વિટામિન બી-2 તથા ફાઈબરનું પ્રમાણ સારી માત્રામાં હોય છે. જે હાર્ટ ઍટેક, ડાયાબિટીસ તથા સ્ટ્રોકના ખતરાને ઘટાડવામાં મદદ કરે છે.
ગરમીમાં લૂથી બચાવે છે : ગરમીમાં કાચી કેરીનું સેવન લૂથી રાહત મેળવવા માટે લાભકારક ગણાય છે. કાચી કેરીનું વિવિધ રીતે ગરમીમાં સેવન કરવું જ જોઈએ. જેમ કે કાચી કેરીનો બાફલો, કાચી કેરીની ચટણી કે પછી કાંદા-કેરીનું કચુંબર બનાવીને ખાસ ખાવું જોઈએ.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : જલેબી જેવો જ દેખાવ ધરાવતું શ્રેષ્ઠ ફળ જંગલ જલેબી
ત્વચા માટે ગુણકારી : કાચી કેરીમાં વિટામિન સી તથા વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. વિટામિન એ સ્વસ્થ ત્વચા જાળવી રાખવામાં ઉપયોગી બને છે. કોશિકાના ઉત્પાદનમાં તથા તેના સમારકામમાં ઉપયોગી બને છે. કેરીના નિયમિત સેવન થકી વ્યક્તિની ત્વચા કોમળ બની જાય છે. કેમ કે શરીરને પૂરતું પોષણ મળી રહે છે.
વજન ઘટાડવામાં લાભકારી : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા બહાર પાડવામાં આવેલાં એક રિપોર્ટ મુજબ પાકી કેરીનું અતિ સેવન વજન વધારી દે છે જ્યારે કાચી કેરીનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. કેમ કે કાચી કેરીમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જેને કારણે કેરીના સેવન બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વળી વ્યક્તિ કાચી કેરીનું સેવન ર્ક્યા બાદ તૃપ્ત બની જાય છે. અન્ય વસ્તુ વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પાકી કેરીમાં શર્કરાની માત્રા વધી જાય છે. તેથી વધુ પડતી પાકી કેરીનું સેવન વ્યક્તિના વજનને વધારવામાં જવાબદાર ગણાય છે.
ગર્ભાવસ્થામાં ગુણકારી : ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ. કાચી કેરીમાં ફૉલેટ પર્યાપ્ત માત્રામાં હોય છે. વળી ગર્ભાવસ્થામાં વિટામિન બી-9 તથા ફૉલેટ સ્વાસ્થ્ય માટે ઘણું જ આવશ્યક છે. કેમ કે તે નવજાત શિશુમાં ન્યૂરલ્સ ટ્યૂબ દોષને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
ડાયાબિટીસમાં ગુણકારી: એવી માન્યતા છે કે કાચી કેરીનું સેવન કરવાથી ડાયાબિટીસની વ્યાધિથી બચી શકાય છે. કાચી કેરીનું સેવન લૉ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી ઍન્ટિ-ઓક્સિડન્ટના લાભ શરીરને મળી રહે છે. જેથી લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રીત રાખવામાં મદદ મળે છે.
કૅલ્શિયમની જરૂરિયાત પૂર્ણ કરે છે : કાચી કેરીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. કેરીમાં કૅલ્શિયમની માત્રા ભરપૂર હોય છે. જે હાડકાંને સ્વસ્થ તથા મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેથી જ કેરીનું પ્રમાણભાન રાખીને સેવન કરવાથી હાડકાં સંબંધિત સમસ્યા જેવી કે બરડ બનવાથી રાહત મેળવી શકાય છે. મુંબઈ જેવા શહેરના ભેજવાળા વાતાવરણમાં કાચી કેરીનું સેવન હાડકાંમાં કળતર કરી શકે છે. તેથી સ્વયંના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રમાણભાન સાથે સેવન કરવું.
કાચી કેરીના શરબતની રીત :
4 નંગ કાચી કેરી, 750 ગ્રામ ખાંડ અથવા 500 ગ્રામ ગોળનો ભૂકો, ચપટી કેસર, 5 નંગ એલચીનો ભૂકો, જરૂર મુજબ સંચળ પાઉડર, 1 નાની વાટકી ફૂદીનાના પાન, 1 નાની ચમચી શેકેલાં જીરાનો પાઉડર,1 મોટો ટૂકડો આદું, 1 નંગ લીંબુનો રસ, 1 ચમચી દૂધ.
બનાવવાની રીત : સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને બાફી લેવી. હવે ગોટલા કાઢીને માવો અલગ કરવો. હવે મિક્સરમાં માવાની અંદર ફૂદીનાના પાન, આદુંનો ટૂકડો, શેકેલા જીરાનો પાઉડર, સંચળ વગેરે મિક્સ કરીને વાટી લેવું. ગોળથી શરબત બનાવતાં હોવ તો ગોળની અંદર કેરીનો માવો ભેળવીને એક ઊભરો લેવો. એક વાસણમાં 750 ગ્રામ ખાંડની અંદર ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને ગરમ કરવા મૂકવું. ખાંડ ઓગળવા લાગે ત્યાં સુધી બરાબર હલાવતા રહેવું. ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી દૂધ ઉમેરવું. થોડીવારમાં ખાંડના પાણીની ઉપર મેલ તરી આવશે. તેને બહાર કાઢી લેવો. એક તારની ચાસણી બનાવવી. તેમાં કેસર, એલચીનો ભૂકો તથા કેરીનો માવો ઉમેરી બરાબર હલાવી લેેવું. ઠંડું થાય ત્યારબાદ 1 લીંબુનો રસ ઉમેરી દેવો. સ્વાદિષ્ટ કેરીનું શરબત ગ્લાસમાં 3 ચમચી લેવું બાકી બરફ તથા પાણી ઉમેરીને ગટગટાવી જવું.