તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: કાંગ કે કંગનીના સ્વાસ્થ્યવર્ધક લાભ

-શ્રીલેખા યાજ્ઞિક

શ્રી અન્ન ભારતીયોમાં આજે ઘણાજ હોંશથી ખવાય છે. શ્રી અન્નમાં મોટા અનાજનો સમાવેશ થાય છે. જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જેવાં કે જુવાર, બાજરી, નાચણી, મકાઈ, કોદરી, જવ, મોરૈયો, રાજગરો તથા કાંગની ગણના તેમાં થાય છે. અંગ્રેજીમાં કહેવાતા ‘ફૉક્સટેલ મિલેટ’માં કાંગનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન દ્વારા વર્ષ 2023ને ‘મિલેટ વર્ષ’ તરીકે ઊજવવામાં આવ્યું હતું. કાંગને હિન્દીમાં ‘કંગની’ કહેવામાં આવે છે. વિવિધ રાજ્યોની અલગઅલગ ભાષામાં કાંગનું નામ જોઈએ. તેલુગુમાં કોરાલુ, તમિળમાં થીનાઈ, મલયાલમમાં થીના, સંસ્કૃતમાં પ્રિયાંગુ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડમાં કાંગનો ઉપયોગ કરીને વિવિધ પારંપારિક વાનગીઓ બનાવવામાં આવે છે. તેને ‘ચીની બાજરા’ તરીકે ઓળખવામાં આવે છે. કાંગનો સમાવેશ ધરતી પરના સૌથી જૂના આખા અનાજમાં થાય છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ મિલેટ સ્ટડી દ્વારા પ્રાથમિક ધોરણે આપવામાં આવેલી જાણકારી મુજબ કાંગની ખેતી આંધ્ર પ્રદેશ, કર્ણાટકા, તેલંગાના, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશની સાથે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં થતી જોવા મળે છે. મોટાં શહેરોમાં કરિયાણાની દુકાનમાં કાંગ સરળતાથી મળી જાય છે. પક્ષીઓને કાંગ અત્યંત પ્રિય છે. તમિળ સાહિત્યમાં ભગવાન મુરૂગા તથા તેમની અર્ધાંગિની વાલી સાથે કાંગની કથા જોડાયેલી મળે છે.

સૌ પ્રથમ કાંગની ખેતી ચીનની ખ્યાતનામ પીળી નદી ‘હ્વાંગ હો’ના કિનારે થતી જોવા મળી હતી. દેખાવે નાની અમથી કાંગ મસાલામાં વપરાતી પીળી રાઈ જેવી હોય છે.

પોષક તત્ત્વોનાં ખજાનાની સાથે કાંગ હૃદય તથા પાચનતંત્રને મજબૂત બનાવવા માટે ઉપયોગી શ્રીઅન્ન કહેવાય છે. કાંગનો ઉપયોગ કરીને બનતી વાનગીમાં રોટલી, ખીર, ભાત, ઈડલી, દલિયા તથા મીઠાઈ વગેરે આવે છે. કાંગની ખીર સામે ચોખાની ખીર આપને ફિક્કી લાગે તેવી સ્વાદિષ્ટ બને છે.

તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો સમાયેલાં છે. તેનો રંગ પીળાશ પડતો હોય છે. સ્વાદમાં હલકો મીઠો-તેમજ થોડો કડવાશ ધરાવતો હોય છે. તેનો ઉપયોગ ઘઉં-ચોખા કે જુવાર-બાજરીના લોટમાં ભેળવીને પણ કરી શકાય છે.

કાંગમાં વિવિધ પ્રકારનાં પોષક તત્ત્વો તથા ખનીજ તત્ત્વોનો સમાવેશ થાય છે. જેવા કે મેગ્નેશ્યિમ, ફાઈબર, આર્યન, ફોસ્ફરસ, કૈરોટિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કૅલ્શ્યિમ, રાઈબોફ્લેવિન, થિયામિન. બાળકો તથા ગર્ભવતી મહિલા માટે તેનો આહારમાં સમાવેશ ગુણકારી ગણાય છે. પાચનશક્તિ મજબૂત બનાવવા માટે ફાયદાકારક ગણાય છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : ગરમીમાં રાહતદાયક છે શેરડીનો રસ

હાડકાં મજબૂત બનાવે છે: કાંગમાં કૅલ્શ્યિમની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવા માટે કૅલ્શ્યિમથી સમૃદ્ધ આહાર લેવાની સલાહ નિષ્ણાત આહાર-તજજ્ઞો દ્વારા આપવામાં આવે છે. દાંતની તંદુરસ્તી માટે કાંગનો ઉપયોગ લાભકારક ગણાય છે.

જ્ઞાનતંતુને મજબૂત બનાવવામાં લાભકારી (નર્વસ સિસ્ટમ): આહાર તજજ્ઞો કાંગનો ઉપયોગ આહારમાં વારંવાર કરવો જોઈએ તેમ ભારપૂર્વક જણાવે છે. જેથી મગજ સંબંધિત બીમારીથી બચી શકાય છે. કાંગનો ઉપયોગ આહારમાં નિયમિત કરવાથી મગજ સાથે જોડાયેલી બીમારી જેવી કે અલઝાઈમર કે પાર્કિન્સનથી રાહત મેળવી શકાય છે. એવી માહિતી મળે છે કે 100 ગ્રામ બાફેલાં મિલેટમાં વિટામિન બી-1ની માત્રા 0.59 મિલિગ્રામની આસપાસ જોવા મળે છે.

ત્વરિત શક્તિ પ્રદાન કરે છે : સાત્ત્વિક ભોજન શરીરમાં ત્વરિત શક્તિ પ્રદાન કરે છે. જ્યારે જંક ફૂડ સ્વાદને સંતોષે છે. લાંબેગાળે શરીરને બીમારીની લપેટમાં ફસાવે છે. તેથી જ જંકફૂડને નકારીને સાત્ત્વિક આહાર તરફ લોકો પાછા ફર્યા છે. કાંગમાં આયર્ન, ફોસ્ફરસ, ડાયેટરી ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી વ્યક્તિ અશક્તિ અનુભવતી હોય કે માંદગીમાં હોય ત્યારે કાંગનો આહારમાં મર્યાદિત માત્રામાં ઉપયોગ આવશ્યક તેમજ લાભકારક ગણાય છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : કાંગમાં ડાયેટરી ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તેથી જ તેની ગણના કૉમ્પલેક્ષ કાર્બ્સમાં કરવામાં આવે છે. કૉમ્પલેક્ષ કાર્બ્સનું પાચન થતાં થોડો સમય લાગે છે. તેથી વધેલાં વજનને ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન : એક રિપોર્ટ પ્રમાણે કાંગનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે આહારનો એક શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવ્યો છે. કેમ કે કાંગમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ, ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-કૅન્સર અનાજમાં થાય છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિન દ્વારા કરવામાં આવેલાં સંશોધન મુજબ કાંગમાં સ્માર્ટ કાર્બોહાઈડ્રેટ હોય છે. તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો છે. ડાયાબિટીસના દર્દી તેનું સેવન કરે તો બ્લડશુગર નોર્મલ રાખવામાં મદદ મળે છે.

આ પણ વાંચો… સ્વાસ્થ્ય સુધા: શિયાળાનું જાદુઈ પીણું-કાંજી સ્વાસ્થ્યને ટકાટક બનાવવામાં લાભકારી…

પાચનતંત્ર સુધારવામાં ઉપયોગી : સતત બહારનું ભોજન આરોગવાથી કે ભોજન કસમયે લેવાથી વ્યક્તિનું પાચનતંત્ર નબળું પડી જાય છે. અનેક વખત એસિડીટી, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર વગેરેનો વ્યક્તિ શિકાર બની જતી હોય છે.

કાંગની અંદર કૅલ્શ્યિમ, આયર્ન તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તેથી જ પ્રત્યેક આહારમાં વિવિધતા લાવવા મિલેટનો ઉપયોગ કરવો જેાઈએ. શ્રી અન્નનો આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી, પાચનતંત્રને લગતી વિવિધ તકલીફથી રાહત મેળવી શકાય છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

ગર્ભાવસ્થામાં લાભકારક : ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને અનેક સમસ્યામાંથી પસાર થવું પડે છે. સગર્ભાવસ્થા દરમિયાન નારીને કબજિયાતની તકલીફ સતત સતાવતી રહે છે. કાંગમાં મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે તેથી જ તેનું સેવન કરવાથી વ્યક્તિ ઍનિમિયાની તકલીફ તથા અપચામાં રાહત મેળવી શકે છે.

ભારતીય ખાદ્ય સંરક્ષણ તથા માનક પ્રાધિકરણ (ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઈન્ડિયા) દ્વારા થોડા સમય પહેલાં કાંગની ખીર બનાવવાની રીત જાહેર કરવામાં આવી હતી. એફએસએસએઆઈ દ્વારા ખાસ ભાર મૂકીને જણાવવામાં આવ્યું હતું કે ચોખાની કે સેવની ખીરને બદલે પોષક તત્ત્વોથી ભરપૂર કાંગની ખીર વારંવાર બનાવવી જોઈએ.

કાંગની ખીર
સામગ્રી : 1 વાટકી કાંગ, અડધી વાટકી ખડી સાકર, 1 ચમચી ગુલાબજળ, 2 નંગ એલચી પાઉડર, 2 ચમચી સૂકા મેવાની કતરણ (બદામ-પિસ્તા-કાજુ), શેકવા માટે ઘી, 2 કપ દૂધ, 1 મોટી ચમચી મિલ્કમૅડ.

બનાવવાની રીત: સૌ પ્રથમ કાંગને બરાબર સાફ કરી લેવી. હવે પ્રેશર કૂકરમાં ઘી મૂકવું. ઘી ગરમ થાય ત્યારબાદ કાંગ ઉમેરીને શેકી લેવી. તેમાં એલચી પાઉડર ભેળવીને શેકવું. થોડો સોનેરી રંગ પકડે તેટલું શેકવું. ત્યારબાદ મિશ્રણમાં 1 કપ ગરમ પાણી ભેળવીને હલાવી લેવું. 1 સિટી વાગે તેટલો સમય ગરમ કરવું. એક અન્ય નાની કડાઈમાં 1 વાટકી પાણી લેવું તેમાં અડધી વાટકી ખડી સાકર ને ભેળવવી. થોડું ઉકળવા લાગે ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ તથા કાંગ ભેળવવી. ધીમી આંચ ઉપર 5 મિનિટ પકાવવું.1 મોટી ચમચી સ્વાદ માટે મિલ્કમૅડ ઉમેરવું. મિશ્રણ ઠંડું પડે એટલી તેમાં ગુલાબજળ ભેળવવું. સૂકા મેવાની કતરણથી સજાવીને ગરમા-ગરમ સ્વાદિષ્ટ કાંગ પીરસવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button