તરોતાઝા

ગરમીમાં અળાઈથી પરેશાન?

આ રહ્યા એના ઘરગથ્થુ ઉપાય

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક

દાદીમાનું વૈદું એ નાનીનાની પરેશાનીઓમાં કામ આવતા સાવ સસ્તા, સરળ અને હાથવગા ઉપાય હોય છે.

ઉનાળામાં ઉષ્ણતાનો પારો ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યો છે ત્યારે ગરમીમાં પરેશાન કરતી અળાઈઓ માટે પણ આવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો કામ આવી શકે છે.
આવો, જાણીએ શું છે એ ઉપાય

મુલતાની માટી
અળાઈઓ પેદા કરતી ગરમીથી છુટકારો મેળવવાનો એક ખૂબ જ જૂનો અને અનુભવી ઉપાય છે મુલતાની માટીનો ઉપયોગ. મુલતાની માટી ઠંડી છે અને ગરમીને શોષવાનું કામ કરે છે. આના ઉપયોગથી તમે અળાઈઓથી રાહત મેળવી શકો છો.

મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને જ્યાં અળાઈઓ થઇ હોય તે ત્વચા પર 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ લો. અચૂક રાહત મળશે. જોકે, ઘણાને મુલતાની માટી સદતી નથી. એમણે આ પ્રયોગ કરવો નહીં.

એલોવેરા
અળાઈઓ ઉપર એલોવેરા પણ સારી અસર દર્શાવે છે. તેના હિલિંગ અને સુથિંગ સાજું કરતા અને સાતા આપનારા ગુણો ત્વચા માટે સારા સાબિત થાય છે.

એલોવેરાના પાનમાંથી તાજો એલોવેરા પલ્પ કાઢો. તેને અળાઈઓ ઉપર 15 થી 20 મિનિટ માટે લગાવો અને પછી તેને ધોઈ લો. તમને રાહતનો અનુભવ થશે.

આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : સૌંદર્ય નિખારતાં ઉત્પાદન: તમારા આરોગ્ય માટે કેટલાં ખતરનાક?

કાકડી
કાકડીની ગણતરી નેચરલ કુલન્ટમાં (ઠંડક આપે ) થાય છે. જો કાચી કાકડીને અળાઈઓ પર લગાવવામાં આવે તો તે શરીરને રાહત આપે છે અને અળાઈની સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે. તમે કાકડીને કાપીને અળાઈઓ પર લગાવી શકો છો. આનાથી શરીરને હાઇડ્રેશન-ભીનાશ પણ મળે છે.

બરફ રાખો તમારી આસપાસ
શરીરને ઠંડો સેક આપવાથી પણ ગરમીની ફોલ્લીઓમાંથી રાહત મળી શકે છે. ઠંડા સેક માટે ફોલ્લીઓ પર બરફ લગાવી શકાય છે. બરફ ગરમીની ફોલ્લીઓને ઠંડક આપે છે અને ફોલ્લીઓને ઘટાડવામાં મદદ કરશે. અળાઈઓ થઇ હોય ત્યારે, ખૂબ ઠંડા પાણીથી સ્નાન કરવું પણ સારું છે. તમે સ્વચ્છ સુતરાઉ કાપડના રૂમાલમાં બરફ મૂકીને તેનાથી સેક પણ કરી શકો છો.

ઓટમીલનો ઉપયોગ
ઓટમીલ (જવ) પાણીમાં નાખીને નહાવાથી બળતરા ઓછી થાય છે અને આથી ગરમીના ચકામા કે અળાઈઓ પણ મટે છે. આ માટે ઓટમીલને કપડામાં બાંધી લો અને આ કપડાને થોડીવાર પાણીમાં પલાળી રાખો. જો પાણીનો રંગ બદલાવા લાગે તો આ પાણીને અળાઈઓ પર થોડી વાર લગાવીને રાખો અને તેનાથી સ્નાન કરો. તમે હળવાશ અનુભવવા લાગશો.

આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી: તડકામાં સૂકવેલા ખાદ્ય-પદાર્થનો વૈભવ

લીમડાનાં પાન
‘નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન’ દ્વારા પ્રકાશિત અભ્યાસ અનુસાર, લીમડામાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ- ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. આ તમામ ગુણધર્મો ત્વચા પર ખંજવાળ અને ચેપમાં અસરકારક માનવામાં આવે છે. લીમડાના પાનને પીસીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. આ સિવાય લીમડાના પાનને હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને તેને 30 થી 40 મિનિટ સુધી રહેવા દો, પછી તે પાણીને તમારી અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. તમે થોડી બળતરા અનુભવી શકો છો, પરંતુ તે ખૂબ જ ઝડપથી રાહત આપશે. બાળકોની ત્વચા પર લીમડાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

ગરમીની ઋતુ દરમિયાન આટલું ધ્યાન રાખો
દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો. જ્યારે પણ તમે વ્યાયામ કરો અથવા વોક પર જાઓ, ત્યારે જો તમને પરસેવો થતો હોય તો નહાવાનું ભૂલશો નહીં. સ્નાન કર્યા પછી ત્વચાને સારી રીતે સુકાવો. જો ત્વચા ભીની રહે, તો ત્વચા પર જળવાયેલા ભેજને કારણે ફોલ્લીઓ થવાનું જોખમ રહેલું છે. અળાઈઓ સામાન્ય રીતે અંડરઆર્મ્સ અને ગરદન-પીઠ પર જોવાં મળે. એ ચામડીના ફોલ્ડ્સને અથવા જ્યાં ખૂબ પરસેવો થતો હોય તેવા શરીરના ભાગને અસર કરે છે. આ સ્થિતિથી બચવા માટે ઉનાળામાં ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. ચુસ્ત અને કૃત્રિમ કપડાં પહેરશો નહીં, કારણ કે તે ત્વચામાંથી પરસેવો શોષી શકતા નથી. જો ત્વચા પર લાંબા સમય સુધી પરસેવો જામતો રહે તો તેનાથી ગરમીમાં ફોલ્લીઓ અને ખંજવાળ આવવા લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button