તરોતાઝા

મોજની ખોજ : પુસ્તક વાંચ્યું પણ મસ્તકમાં ઉતર્યું?

-સુભાષ ઠાકર

‘આ જોયો, આ મારા ઢગાની ચોપડીઓનો ઢગલો?’ ઇલાને કબાટનાં પુસ્તકો બતાવતા સરોજ બોલી. ‘વાઆઆઆઉઉઉ..’ અંધેરીથી બોરીવલી જેવડું ‘વાઉ’ ઇલાના કંઠમાંથી સરી પડ્યું. લોકલ ટ્રેનની ભીડમાં ચપોચપ ચીપકીને ઊભેલા પ્રવાસીઓની જેમ ચોપડીઓની થપ્પી જોતાં જ ઇલાની આંખની કીકીઓ અડધા સેન્ટિમીટર જેટલી પહોળી થઈ ગઈ : ‘ઓહ માય ગોડ, સરોજ આટલી બધી ચોપડીઓ તારા વરે લખી ક્યારે? ગ્રેટ’

‘હે અજ્ઞાની જીવ, આ બધી ‘મુડદેકી જાન ખતરેમે’ પુસ્તકની જ 297 નકલ છે. ગયા અઠવાડિયે પુસ્તકદિનના દિવસે આ પુસ્તકનું લોકાર્પણ હતું, પણ એ પહેલાં મે સુભાષને ચેતવ્યો : ‘સુભુ, તું ઘરનો હિસાબ બરાબર લખી શક્તો નથી ને પુસ્તક બહાર પાડવાના ધખરા ક્યાંથી ઊપડ્યા? યે પુસ્તક કા બિહામણા મુખપૃષ્ઠ દેખકે બચ્ચે લોગ ડર જાયેંગે ઓર વાંચક લોગ ગભરા જાયેંગે, ઐસા અખતરા કરકે ખુદકી જાન ખતરેમે મત ડાલો. ચોપડીકા ઐસા નામસે અપની ઈજ્જતકા ધજાગરા ઉડેગા, લોકો ભલે કહેતા કે ‘સાચો મિત્ર પુસ્તક’ પણ આપણો તો એ દુશ્મન બની જશે. એ દિવસે આ પુસ્તકની 300 પ્રતમાંથી ત્રણ નકલ ત્રણ મિત્રને ભેટીને ભેટ આપી. આ ત્રણમાંથી એકને વાંચતાં વાંચતાં અટેક આવ્યો, બીજાએ આત્મહત્યા કરી ને ત્રીજાએ દેશ છોડી દીધો.

હવે આ પુસ્તક કોણ લે? મેં એમ પણ કીધું અક્ષર ખરાબ છે તો ડોક્ટર બનો પણ માને કોણ? મને કહે છે ‘ચિંતા ન કર સૂરુ, દરેક નિષ્ફળતા એક સફળતાનું પગથિયું છે. જીવનમાં એક મહાન લેખકની પત્ની બનવાનું સૌભાગ્ય તારા જેવી દરેક નારીના નસીબમાં નથી લખ્યું. ઇતિહાસ મારી નોંધ લેશે ત્યારે તું મારા જ્ઞાનની કદર કરીશ? અરે ઈશ્વરને જ્યારે લાગ્યું કે હું ઘરે ઘરે પહોંચી નઇ વળું એટલે માનું સર્જન કર્યું એમ મને લાગ્યું કે મારા અંતરમાં પ્રગટેલું જ્ઞાન હું ઘરે ઘરે પહોંચાડી નઇ શકું એટલે આ ‘મોજની ખોજ’ પુસ્તકનું પણ સર્જન કર્યું, વ્હાલી, મારા અંતરમાં પ્રગટ થયેલા કેવળજ્ઞાનને હું લોકો સુધી ન પહોંચાડું તો મારી જણનારી લાજે. અરે વિધાતા જેવી વિધાતા દરેકના નસીબ લખે પણ પોતે પોતાનું એક પણ પુસ્તક પ્રગટ કરી
શકી? જ્યારે લોકોના ચહેરા પર હાસ્યની હેલી વરસે એટલે મેં..મોજની ખોજ…’ ‘ખબરદાર, જો હવે એક શબ્દ આગળ બોલ્યા તો’ મારી છટકી : ‘સાલું, ઘરમાં છ-છ દિવસ સુધી પાસબુક જડતી નથી ને ‘મોજની ખોજ’ કરવા નીકળી પડ્યા… હાસ્ય કોને કહેવાય એ જાણવું હોય તો પહેલા લેખક રાહુલ ગાંધી લિખિત ‘દુલ્હા બિકતા હૈ’ અને કેજરીવાલની ‘ભટકતી આત્મા’ અથવા બાબા રામદેવની ‘ચટ્ટાઇ કહાં બિછાઉ?’ ને ‘યમથી પ્રાણાયમ સુધી’ વાંચો તો ખબર પડે.’
-તો એ બોલ્યા : ‘તને ખબર છે કે મારા બે પુસ્તક ‘આપણું કઈક કરોને’ અને ‘બાપરે! હવે શું થશે?’ તો મિત્ર ચંબુએ પચ્ચીસ મિનિટમાં તો બંને પૂરાં પણ કરી નાખ્યા..

આ પણ વાંચો…મોજની ખોજ : આમ આદમીકા આમ

‘અરે પૂરાં કરી નાખ્યાં એટલે ફાડી નાખ્યાં!. તમારા પુસ્તક કરતાં પસ્તીનાં પૈસા વધુ આવે છે. જુઓ, અક્ષર સુધાર્યા વગર અક્ષરજ્ઞાન દેવા નીકળી પડ્યા છો તો અક્ષરવાસી થતાં વાર નઇ લાગે, સમજ્યા?’ તો મને એ કહે : ‘આ તું બોલી? અપમાન, ઘોર અપમાન, આ મારી કોલમ અને કલમનું જ નઇ પણ સમગ્ર સાહિત્ય જગતનું ખતરનાક અપમાન છે, મને પ્રોત્સાહન આપવાને બદલે મારી હિંમતને તોડી ન નાખ. હિંમતે મર્દા તો મદદે ખુદા’ ‘અરે ખુદા ક્યારેક ખુડદા કાઢી નાખશે ખબર પણ નઇ પડે, હું તમારી હિંમતને તોડીશ નઇ તો લોકો તમને તોડી નાખશે પછી રિપેર ક્યાં કરાવશો, સમજો જરા..’ મેં કીધું

‘ભ્રષ્ટ તદ્દન ભ્રષ્ટ વિચાર. આવા અક્ષમ્ય અને અભદ્ર વિચારો?. અરે, મારા દિમાગમાં જન્મેલા ને નીકળેલા જ્ઞાની વિચારો, મારા કરકલમથી લખાયેલા શબ્દો, ને લોકોના ચર્મચક્ષુ દ્વારા વંચાઈ લોકહૃદયમાં પ્રવેશે ત્યારે તારો આ ક્રોધ અસ્થાને છે. તારાથી..’ ‘હા..હા.હા મારાથી સહન નથી થતું. નાઉ બંધ કરો આ બધું તમારી અંદર ભદ્રંભદ્રનો આત્મા પ્રવેશ્યો છે કે શું? મને તો આત્મહત્યા કરવાનું મન થાય છે ’ ‘તો કરવાની. કારણકે શરીર, મન, આત્મા ને વિચાર બધુ તારું છે. હું ન રોકી શકું, પણ ગીતામાં લખ્યું છે કે આત્મા અમર છે તો એની હત્યા કેમ થાય? જેને અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, શસ્ત્રો છેદી ન શકે, પવન સૂકવી ન શકે .. તું જે કરીશ એ દેહહત્યા હશે. આત્મા તો સીમકાર્ડ છે અને દેહ એ મોબાઈલ છે મોબાઈલ બદલાય તો પણ સીમ કાર્ડ તો એનું એજ રહે છે. તું મને ધમકી આપીને ડરાવ નઇ.’

આ પણ વાંચો…મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!

‘હે પરમાત્મા, આ પ્રેતાત્મા આગળ વધે એ પહેલાં તું તારા આત્મા વિશેના ગીતાના શબ્દો પાછા ખેચી લે’ એ મનમાં આવું કંઈક બોલી પછી ટેબલફેનની જેમ મારી તરફ વળી બોલી : ‘હે મારા માલવપતિ મુંજપતિ, આપના પરમ જ્ઞાન બદલ આપનો આભાર, પણ તમારી ભાષા મારા પ્રાણ હરી લઇ હરી પાસે મોકલશે પ્રાણનાથ.’ ‘જો આ દેહનો રચયતા ઈશ્વર છે ને દેહત્યાગ કરીએ એ ઈશ્વરનું અપમાન છે. તું વિચાર કે તારો પતિ જયાં જાય ત્યાં કેટલું માન મળે છે. એનો ગર્વ હોવો જોઈએ.’ ‘અરે, જ્યાં જાઓ ત્યાં માન મળે એ મહત્ત્વનું નથી પણ જ્યાંથી જાઓ શું ત્યાં તમારી કેટલી ખોટ વર્તાય છે એ મહત્ત્વનું છે. સમજ્યા? બાકી પુસ્તકના ઢગલા કરશો પણ મસ્તક સુધી ન પહોંચે અને ચોપડીમાંથી ખોપરીમાં ન ઊતરે તો લખાણ શું કામનું.? એક સારું પુસ્તક માણસને પસ્તી થતો બચાવે છે.’ શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button