મોજની ખોજ: ઈશ્ર્વરે ઉછીના આપેલા દેહને કાલે ઈકોતેર પૂરા…

- સુભાષ ઠાકર
‘અલ્યા ભાઈ, કબૂલ કે ઉપરવાળાની મરજી વગર નીચેવાળોઉપર જઈ શકતો નથી પણ ઉપરવાળો એની મરજીથી આપણને ફટ કરતો નીચે ધકેલી દે. વાત કરવી છે ઠે..ઠ 3 ડિસેમ્બર -1954ની. પૃથ્વી પર મારો પ્રવેશ… એ દિવસે મેં પ્રભુને કરગરી કીધું :
‘ના પ્રભુ ના મારે તને છોડી નીચે જવું નથી. મારો કોઈ ગુનો? કોઈ વાંક? કોઈ દોષ? આ તો તારી દાદાગીરી કેવાય. તારી સાથે છું તો વાંધો શું છે?’
પણ એણે તો માટીમાંથી મારું રમકડું ઘડીને તૈયાર જ રાખેલું બસ, હવે આયુષ્યની ચાવી આપી છોડે એટલી જ વાર પછી સરરરસટ કરતા નીચે છતાં મેં વળી છેલ્લીવારની ગૂગલી ફેંકી :
‘સાંભળ પ્રભુ મને આ સંસારમાં કાયાના-માયાના ડખામાં નઈ પાડ. જેને જોયા જ નથી એવા સાવ અજાણ્યા લોકો ને અજાણ્યા મુલકમાં નઈ મોકલ. યુ નો કે મા-બાપથી માંડી કેટલાયને હવે પોતાના કરવામાં કેટલી મજૂરી કરવી પડશે? ડર છે કદાચ એ લોકો મારી માત્ર પથારી જ નઈ પણ ઓશિકા-ઓઢવાના સાથે આખો પલંગ ફેરવી કાઢશે. સોરી, પ્રભુ હમણાં મને નીચે જવાના કોઈ અભરખા નથી’
‘અરે, અભરખા નથી એટલે? કેટલી મહેનત કરી તને માટીમાંથી ઘડ્યો છે ને મારે અહીંનું પણ જોવાનું કે નઈ.
અહીં પણ કેટલી ગીર્દી કરવાની? જો આ નીચેથી ઉપર લાવેલાની થપ્પી. અને હું ક્યાં તને કાયમ માટે મોકલું છું, આ તો થોડો ટાઇમ હવાફેર કરવા. જગતને જોવા-માણવા. ફોર એ ચેન્જ. જેવો તારો શ્વાસનો ક્વોટા પૂરો થયો કે તને લેવા હું યમરાજને મોકલીશ એટલે પાછો ઉપર.
અરે તને ખબર પણ નઈ પડે ને 80-85 તો ફટ કરતા ચપટીમાં પૂરા થઇ જશે ને એમાંય જો એક્સિડન્ટ-બેક્સિડન્ટ થયો અથવા બીમારીમાં ખોટો ડોક્ટર પકડાયો તો વહેલા પણ ઉપર આવી જવાય. બરાબર? અને નીચે તને તકલીફ નઈ પડે એ જવાબદારી મારી, બસ. તારે એટલું યાદ રાખવાનું કે નીચે છે ત્યાં સુધી તારા મા-બાપ એ જ તારા ઈશ્વર.સમજ્યો? ચાલ બકા બેસ્ટ લક ફોર યોર ન્યુ જર્ની.’
-ને એક પિતા પોતાની દીકરીને મંડપમાંથી વિદાય કરતો હોય એમ સજળ નયને પ્રભુએ મને ઉપરથી વિદાય કર્યો..
નીચે ટપકવાની સાથે ‘પહોંચી ગયો પ્રભુ’નો કરી દીધો મેસેજ..મારા પરિવારમાં મારી કાગડોળે રાહ જોવાતી હતી.. હું જન્મ્યો પણ રડતો ન્હોતો એટલે બસસ્ટોપ પર બસની રાહ જોતા હોય એમ મારા સગા મારા રડવાની રાહ જોતા ટેન્શનમાં મને ઘેરી વળેલા,મેં તરનુંમમાં ભે..એ..એ..એ કરતો જેવો ભેકડો તાણ્યો ને બધા હસ્યા.
એ વખતે હું મૂર્ખો એ ન સમજ્યો કે આ નાટક જીવનભર ચાલતું રહેશે કે હું જયારેજ્યારે રડીશ ત્યારે લોકો હસવાના.બરાબર?
ને ઢેન્ટેણન…. કરતો મારા રુદન સાથે શરૂ થયો મારી પાંચ ઇન્દ્રિયોનો ખેલ. શરીર બન્યું શ્વાસનો ખેલ, મન બનશે વિચારોનો ખેલ, બુદ્ધિ બનશે અહંકારનો ખેલ, ને આત્મા બનશે પરમાત્માનો ખેલ..
આ પણ વાંચો…મોજની ખોજઃ મનમાં ભરીને બહુ જીવ્યો હવે મન ભરીને જીવ…
આ બાજુ શરૂ થયો મારા ટચસ્ક્રીન શરીરના રમકડાને રમાડવાનો શુભારંભ. થોડા વખતમાં તો સગા-સ્નેહી હરખપદૂડા થઇ હરખ કરવા મારા માટે ડાયપર, ઝભલા ને રમકડા લઇ આવતા.મને ખબર હતી બે- ચાર દિવસ જેટલી નાજુક ઉમરમાં કોઈ ચોયણી-ઝભ્ભો કે શૂટ ન જ આપે.
પછી બધા ટોપાશંકરો જામ થઈ ગયેલી બાટલીનો બૂચ જોરથી ખેંચતા હોય એમ ‘હુ..લુ…લુ. ’બોલતા બોલતા મારી કોમળ દાઢી જોરથી ખેંચતા ગયા ને મને થયુ કે હવે પંદર સેકંડ જો વધુ હલાવશે તો દાઢીનો પાર્ટ છૂટો પડી તેના હાથમાં આવી જશે. પછી એ જ દાઢી પર હાથ મૂકી…‘બ..કુ..ડી..યા ,ચ..કુ..ડિ..યા ’ કરતો જાય ને સ્કૂટરના હેન્ડલ જેવા જાડા હાથે ઘડીયાળના લોલકની જેમ મારી ડોક ડાબે-જમણે ફેરવે. મને થયું આ ટોપો રમાડે છે કે રિપેરિંગ કરે છે. તેની હરકતોથી ને વાંદરા જેવા હાવભાવથી હું હસી પડતો ત્યારે તે બોલતો :
‘અરે જુઓ મારો દીકો કેવું હસે છે’ અરે એને કોણ સમજાવે કે ટોપા હું તારા પર હસુ છું કે આવડો મોટો ઢગો થઈને આવા ગાંડા શું કામ કાઢે છે. પછી ભવિષ્યમાં મને સર્કસનો ખેલાડી બનાવાનો હોય એમ હાથ-પગ ને માથું મરડી નાખતા.મને થયું આ બધુ છુટું ન પડી જાય. પછી જાતજાતની કોમેન્ટસ શરૂ થઇ ‘જોયું, ટેણિયો અસ્સલ દાદા જેવો જ લાગે છે’ આ તો મારી બોલતી બંધ હતી બાકી કઈ દેત કે ટોપા, દાદો જ છું એક વીક પહેલાં રિ-ડેવલોપમેંટ માટે પ્રભુએ ઉપર બોલાવેલો. કોઈ બોલ્યું કે ‘નાક તો પપ્પા જેવું જ છે તો બીજું કોઈ તુર્તજ બોલ્યું : ‘હા પણ હવે મોટો થઇ પપ્પાનું નાક જાળવે તો સારું. ને આંખ તો જુઓ અદ્દલ કાકા જેવી જ અને એની..બાય ગોડ, મારા હાથ-પગ કે પેટ-છાતી કોના જેવી છે એ તો કોઈ બોલ્યું જ નઈ. ત્યાં તો મારા અંગત બાપુજીના શરીરમાં બલરાજ સહાનીનો આત્મા પ્રવેશ્યો ને કોણીનું ઘોડિયું બનાવી ક્ધફયુઝ થઈને ગાવા લાગ્યા :
‘તુજે સુરજ કહું યા ચંદા, તુજે દીપ કહુ યા તારા’ મને થયું : ‘અલ્યા બાપુ, હું તો માણસ છું કે નક્ષત્ર?’
મારી વ્હાલી મંડળી, મૂળ લોચો હવે શરૂ થયો. મારા શરીરની ડિઝાઇન બનાવી નીચે તો મોકલ્યો પણ જે નામને છાતીએ વળગાડી આખી જિંદગી કાઢવાની હતી એ નામ તો હજી પાડ્યું જ નથી. તો હવે?
હવે એ નામના ડખા આવતે અઠવાડિયે. શું કહો છો?
આ પણ વાંચો…મોજની ખોજઃ જે ગમ્યું એ ન મળ્યું તો જે મળ્યું એ તો ગમાડ!



