તરોતાઝા

મોજની ખોજ: સુખી કૌન સોનેકી ચેનવાલા કી ચેનસે સોનેવાલા?

-સુભાષ ઠાકર

હું ઓફિસથી જેવો ઘરે પહોંચ્યો ને બુલેટ ટ્રેનની ગતિએ ચંપા સડસડાટ ચાલુ જ થઈ ગઈ;

‘કેવા છો તમે, આવાં મા-બાપ વસાવાતા હશે આ તો તમારાં બા છે કે મારા ગયા જન્મના વેરી? હમણા મને કીધું ‘વહુબેટા, તમને પેટમાં મરચું લાગશે, પણ હવેથી ઘરના રસોડામાં દાળ-શાકમાં કાશ્મીરી મરચું બંધ ને હોટલમાં કાશ્મીરી પુલાવ ખાવાનો બંધ, સમજી? કાશ્મીરની ઘટના પછી એટલી તો દેશદાઝ હોવી જ જોઈએ. હમણાં હું જઉ છું કથામાં. મે કીધું ‘જુઓ બા, કથાનું માંડી વાળો ને તમે સીધેસીધી રસોઈ બનાવો મારે કીટી પાર્ટીમાં જવાનું છે એ પહેલાં મહિલા ગેરેજમાં એટલે કે બ્યુટી-પાર્લરમાં જવાનું છે’ તો બા બોલ્યાં ‘તમે બહારથી સુંદર થતાં પહેલાં અંદરથી સુંદર થતાં શીખો’ તો શું અંદરથી મેલી છું? ને રસોઈ ન થાય તો હું પાર્ટીમાં પહોંચું કઇ રીતે? મેં કીધું ‘બા કથામાં નઇ જાઓ તો પણ રામ તો વનવાસ જશે, સીતાનું અપહરણ પણ થશે ને રામ- રાવણનુ યુદ્ધ પણ ચોક્કસ થશે, પણ હું જો પાર્ટીમાં નઇ પહોંચું ને બધીઓ અહીં આવી પહોંચી તો લોચો… મેં બધીઓને કઇ દીધું છે કે બાને ઉપર ગયે છ મહિના થયા ને હવે તમને જીવતા જુવે તો હું કેવી ભોઠી પડું. ?! ને આ તમારા બાપુ, સાલુ રકતદાન ને કીર્તિદાન બે ભાઈ નથી એટલું સમજાવતાં અઢી કલ્લાક લાગ્યા તોયે ડાયરામાં જવાના ધખારા ઊપડયા.

આવા અજ્ઞાની જીવને ઘરમાં કેમ રખાય? પ્લીઝ, તમે મને આમાંથી મુક્ત કરો. અત્યારે અમદાવાદની ગરમી કરતાં મારા મગજની ગરમી વધુ છે..’

‘અરે સ્ટોપ ઈટ, તારી જીભમાં પોઝનું બટન છે કે નઇ? હજી તો ઘરમાં પગ મૂક્યો તો જરાક રિલેક્સ તો થવા દે’
‘ઓત્તારીની તો અમારે રિલેક્સ ન થવું હોય, હજી સોના વિશે ઘણું કહેવું છે,

પણ તમે રિલેક્સ થાઓ પછી કઉ ..હાશ, હવે હું થોડી રિલેક્સ થઈ! ’

આ પણ વાંચો…મોજની ખોજ : પુસ્તક વાંચ્યું પણ મસ્તકમાં ઉતર્યું?

‘જો બકા, લગ્ન પહેલાં તારા બાપુજીએ જા.ખ.માં તારી ઉંમર, વજન, હાઇટ, બીકોમ. બધુ લખ્યું, પણ જીભડી બાર ઇંચ લખવાનું કેમ ભૂલી ગયા? જો, હમણાં થાકી ગયો છું. આપણે રાત્રે ચર્ચા કરીએ.’

એ રાત્રે કીડીનો પણ પગરાવ સંભળાય એવી પરમ શાંતિ છવાઈ ચૂકી હતી. રાતના 11.30 વાગે ઘુવડ સિવાય કોઈ કશું જોઈ ન શકે એવો કાળો ડિબાંગ અંધકાર ચારે તરફ વ્યાપી ચૂક્યો હતો આ શરીર મારું, આ રૂપ મારું, આ નામ મારું, આ પરિવાર મારો, આ સંપત્તિ મારી, આ પ્રતિષ્ઠા મારી એ બધુ ઈશ્વરને હવાલે સાંપી દીધું.. પણ રાત્રે બે વાગે કૂકરની સિટી જેવા વાઈફના નસકોરાંનો અવાજ કાનમાં પ્રવેશ્યો. નસકોરાં સંગીતનું એવું વાદ્ય છે કે જે વગાડે છે એ સાંભળી શકતો નથી ને સાંભળે છે એ સહન કરી શકતો નથી ને ત્યાં અચાનક બાજુમાં સૂતેલી વાઈફે ઢસડાતા કબાટ જેવા અવાજે ઉપાડ્યું : ‘ઓ મેરે સોનારે સોનારે સોનારે, દેદુન્ગી જાન જુદા મત હોનારે’

હું ચમક્યો કહેવાય છે કે દીવાલને પણ કાન હોય છે તેથી દીવાલને પણ પહેલીવાર આવું સાંભળી આઘાત લાગ્યો.

બે-ચાર મોટાં કહી શકાય એવાં પોપડા ખરી પડ્યા, છતાં અમારું સદભાગ્ય કે બચી ગયા નઇતર થોડીવાર પછી અમે જ ખરી પડ્યા હોત ને સમાજ અમારી લાશ કાઢવાની તૈયારી કરતો હોત.. મેં ઓશિકાના કવરનો મુખ પર હળવો પ્રહાર કર્યો ને સફાળી બેઠી થઈ ગઈ ને મેં પૂછ્યું :

‘પ્રિયે શું થયું? કેમ અચાનક આમ ..’

‘અરે , તમે તો મને જિંદગીમાં ક્યારેય પ્લાસ્ટિકનાં ઘરેણાં પણ નથી અપાવ્યાં પણ આજે સપનામાં સોનાનાં ઘરેણાં આખા શરીર પર પહેરી ગાવા લાગી ‘ઓ મેરે સોનારે… તમારે સપનામાં પણ સુખી થવા નથી દેવી, પણ માઇન્ડ વેલ, તમે ચાલુ સપનાએ મને જગાડવાનું અધમ પાપ કર્યું છે પણ મારા સોનાના સપના તોડનારને માતાજી માફ નઇ કરે જાઓ, હું તમને શરાપ આપું છું.’

આ પણ વાંચો…મોજની ખોજ : આમ આદમીકા આમ

‘પણ હું ક્યાં શરાબ પીવું છું?’મે કીધું
‘અરે શરાબ નઇ- શરાપ આપું છું તમે સપનામાં પણ સૂઈ નઇ શકો, તમારી ઊંઘો ખરાબ થશે.’

‘અરે થઈ જ ગઈ છે, તેરી સોનેકી જિદને મેરા રાતકા સોના હરામ કર દિયા હૈ’ એટલું બોલી અડધી રાતે હું કોફીનો કપ હાથમાં લઈ દીવાલ તરફ જોઈ રહ્યો હતો.

ને આંખના આંસુને લૂછી રહ્યો હતો ત્યાં એણે પૂછ્યું :

‘શું થયું, ડિયર? કેમ અડધી રાત્રે આમ..’

ગંભીર મુખમુદ્રા ધારણ કરી હું બોલ્યો :

‘યાદ છે તને વર્ષો પહેલા તું અઢારની ને હું વીસનો હતો..ને તારા જજ બાપુજી મારા લમણા પર બંદૂક મૂકી બોલેલા ‘કાં તું મારી દીકરી સાથે લગ્ન કર અથવા ચૌદ વર્ષ જેલમાં જવા તૈયાર થઈ જા.’

ભાવવિભોર થઈ એ બોલી : ‘બધુ બરાબર યાદ છે એ થોડું ભૂલાય પણ એનું આજે શું છે?’

‘આજે હું છૂટી ગયો હોત’(સમજાયું?)’ આટલું બોલતા આંસુનું બીજું ટીપું ખરી પડ્યું.

‘પણ તું બંધનમાંથી ન છૂટી શકી, પણ ડાર્લિંગ તું જે સોનાના બંધનમાં, ધનના બંધનમાં, મોહના બંધનમાં બંધાઈ છે એમાંથી ક્યારે છૂટીશ? યાદ રાખ જબ તક ગલેમેં ચેન તબ તલક મન બેચેન. સોનાને વળગી ‘ઓ મેરે સોનારે .. દેદુન્ગી જાન જુદા મત હોનારે’ ગાય છે એના કરતાં સોનાનો મોહ છોડી ઈશ્વર આગળ ‘ન માગું સોના-ચાંદી, ન માગું હીરા-મોતી યે મેરે કિસ કામકે’ ગાઇશ તો ક્યારેય દુ:ખી થવાનો વારો જ ન આવે. હવે તું જ વિચાર સુખી કોન? સોનેકી ચેનવાલા કી ચૈનસે સોનેવાલા?’
શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button