તરોતાઝા

મોજની ખોજ: જીવવું પડે છે અહીં દરેકે, એકબીજાને ટેકેટેકે

-સુભાષ ઠાકર

‘વિધાતા… વિધુ બેટા’ બ્રહ્માજીએ બૂમ મારી ને બાજુના ખંડમાંથી વિધાતા આવી.

‘જો, આજના ક્વોટાના માણસોના રમકડાં ઘડાઈ ગયા છે.. મારું આજનું કામ પૂરું. હવે એના નસીબ લખવાનું કામ તારું. બરાબર?’

‘સોરી બાપુ, તમારે શરીરના જેટલા પૂતળાં બનાવવા હોય એટલાં બનાવ્યા કરો, પણ હવે હું એમનાં નસીબ લખવામાંથી રાજીનામું આપું છું. જય હિન્દ, જય ગુજરાત,…’

‘અરે બાપરે! તું અચાનક આમ રાજીનામું આપે ને આ ડફોળો પોતપોતાનું તકદીર જાતે જ લખતા થઈ જાય તો સૃષ્ટિની શું હાલત થાય એ ખબર પડે છે? હવે તારી જગ્યાએ હું કોને મૂકું? જાણું છું આટઆટલા માણસોના અલગ અલગ તકદીર લખવામાં તકલીફ પડે, પણ તારા સિવાય આ અનુભવ કોઈને નથી કોઈને અમીર તો કોઈને ભિખારી તું જ બનાવે એમાંય કેટલું ભેજું દોડાવવું પડે’ બ્રહ્મા બોલ્યા.

‘અઘરું છે બાપુ, અને પણ જેને આપણી કદર જ નથી એના લેખ હું શું કામ લખું?’

‘કેમ? કેમ? કેમ? કેમ?’

‘બાપુ, એમ ચાર વાર કેમ પૂછી મારા મગજની મેથી ન મારો, સાલું આટઆટલી મહેનત કરી તમે માટીમાંથી માણસ બનાવો એમાં જીવ મૂકો, આયુષ્યની ચાવી આપી નીચે મોકલો પછી આપનીજ આજ્ઞાથી હું એની જિંદગીના લેખ લખી એનું ભાવિ નક્કી કરું, છતાં આપણા બંનેના મંદિર જ નઇ.. અરે બાપુ, બીજા ભગવાનોની સરખામણીમાં નથી આપ એટલા પૂજાતા કે નથી મારી કોઈ જગ્યાએ નાનકડી દેરી. આ તમારા જ ઘડેલા માણસોની ભૂલ નથી?’ વિધાતા ભડકી.

આ પણ વાંચો…મોજની ખોજ : એપ્રિલફુલ… એપ્રિલફુલ… હું મર્યો જ નથી!

‘અરે બેટા, આટલી નાનકડી ભૂલ યાદ રાખી તું મોટી ભૂલ કરે છે.’

‘અરે વાહ આ નાનકડી ભૂલ છે?’ વિધુ વધુ ભડકી :

‘અરે પોઈન્ટ ટુ બી નોટેડ તો એ છે કે જે વિષ્ણુ લાલન પાલન કરે એમનાં મંદિર બાંધે, પૂજે એ કબૂલ: પણ મહેશ ઉર્ફે શંકર જે સંહાર કરે છે એના પણ કેટલાં મંદિરો? આ તે કેવો અન્યાય?તમે પૃથ્વી પર મોકલો ને .. હું નસીબ લખું તેનું એક પણ મંદિર નઇ ને જે ઉપાડી લે એના ઢગલાબંધ મંદિર..આ સરાસર અ-ન્યાય છે. વેરી બેડ…’

‘ઓહ,એટલે મૂળ તને તારું મંદિર બનાવવાની ને પૂજાવાની ભૂખ છે, પણ જો બેટા, આવું બધુ મન પર ન લેવાય, તબિયત બગડે…’

‘ભલે બગડતી ! હું તો કઉ છું તમે પણ માણસ ઘડવાનું બંધ કરો, તમે ઘડો છો એટલે મારે તકદીર લખવા પડે છે. આ તો ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’ છતાં તમારે ઘડવા હોય તો ઘડો માલ તમારો છે, પણ પણ તકદીર લખવાનું કામ શંકરને સોંપી દો. અરે હાં , શંકર પરથી યાદ આવ્યું, તમે માર્ક કર્યું? નીચે કોઈ ટપકી પડે તો એની નનામીને લઈ જાય છે સ્મશાનમાં શંકર પાસે તો પેલી લાશના કાનમાં ડાઘુઓ ‘શંકર બોલો ભઇ શંકર’ના બદલે ‘રામ બોલો ભઇ રામ’ની બૂમો પાડે. આમાં રામ ક્યાંથી આવ્યા? એ તો સારું છે કે જે પતી ગયો છે એ બોલી કે સાંભળી શકતો નથી નઇતર નનામીમાંથી ઊભો થઈ ને પૂછે ‘અલ્યા, ડાઘિયાઓ .. આઈ મીન ડાઘુઓ તમે મને રામ પાસે લઈ જાઓ છો કે શંકર પાસે? એ તો પહેલાં નક્કી કરો !’ વિધાતા મલકીને બોલી.

આ પણ વાંચો… મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!

‘કઇ વાંધો નઇ બેટા, જેવી જેની બુદ્ધિ ચાલ્યા કરે’ બ્રહ્મા બોલ્યા.

‘તંબુરામાંથી ચાલ્યા કરે? તમે એ વાંદરાઓને દારૂ પાઇ નિસરણી આપી તેમની ફેવર ન કરો, યુ નો? એ પોતાની જાતને જ બ્રહ્મા સમજે છે ‘અહમ બ્રહ્માસ્મી’, એમને સમજાવો કે તમે બ્રહ્મા નથી પણ ભ્રમમાં છે’ વિધાતા ભડકી.

‘પણ એ કેવી રીતે?’ બ્રહ્માનો પ્રશ્ન

‘એ સાંભળશો તો આસન પરથી હેઠા પડી જશો. સમજાવું. એ ટોપાઓ હથેળીનું તકદીર વાંચી શકતા નથી એટલે લેભાગુ જોશીઓને હથેળી બતાડ્યા કરે છે… ‘જુઓ, તો મારું ભાગ્ય શું કહે છે? ને એક ટોપો તો પોતાની જાતને ગાલિબ સમજે છે ને કોઈની ઉધાર શાયરી ઠોકઠોક કરે છે. ‘કોન કહેતે હૈ કી હથેલી કી રેખાઓમે તકદીર લિખી હૈ યહાં જિસકે હાથ નહિ હોતે ઉસકી ભી તકદીર લિખી હુઈ હૈ.’

‘પણ બેટા, એ ટોપાનુ ંનામ તેની ફઈએ નથી પાડ્યું કે નામ જ ટોપો છે?’ બ્રહ્માએ પૂછ્યું

‘છે ને બાપુ નામ છે સુભાષ ઠાકર, એના તકદીરમાં હાસ્ય કલાકાર કે લેખક બનવાનું મેં લખ્યું ને એ તો બીજાની શાયરી ઠપકારી મારી ઇજજતની પથારી ફેરવે છે. હજી તમે રજા આપો તો એના તકદિરની પથારી…’

‘ના બેટા, તારે બધાના તકદીર સારા જ લખવાના, પેલું કે છે ને કે ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.’

‘સોરી, બાપુ પણ એ શક્ય નથી એક દુ:ખી થાય તો જ બીજો સુખી થાય? કોઈના વસ્ત્ર ન ફાટે તો દરજી ક્યાંથી સુખી થાય? કોઈ બીમાર ન પડે તો ડોક્ટરનું શું થાય? કોઈ લડાઈ ઝઘડા ન કરે તો વકીલ ભૂખે મરે. એટલે બધા એક સાથે સુખી નોટ પોસિબલ. જીવવું પડે છે અહીં દરેકે એકબીજાને ટેકેટેકે.’

‘સમજી ગયો બેટા, હવે તું સમજ. હું બધાને હેન્ડસમ કે બ્યુટીફુલ ન બનાવી શકું ને તું પણ બધાના તકદીર સારા ન લખી શકે તો એ લોકો મંદિર કેવી રીતે બનાવે?’

‘એગ્રી પણ જેને સુંદર બનાવ્યા ને સારા તકદીર લખ્યા એ તો બનાવી શકે ને?’

‘હા પણ બેટા, પેલા કદરૂપા ને બદનસીબવાળા તોડી નાખે એની બીક તો હોય ને? એટલે તું પૂજાવાનો મોહ છોડ..’
હવે બ્રેકિંગ ન્યૂઝ એવા છે કે બ્રહ્યાજીના કહેવા પછી બહુ ઊંડું વિચાર્યા બાદ વિધાતાએ રાજીનામાનો વિચાર માંડી વાળ્યો છે. શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button