સવાલ અનેક છે- જવાબ અનેક છે, છતાં…

ગૌરવ મશરૂવાળા
પ્રેક્ટિસિંગ ફાઈનાન્શિયલ પ્લાનર તરીકે મારી સામે આવા સવાલો તો અસંખ્ય વાર આવતા હોય છે, જેમકે … મારી પાસે કેટલું ભંડોળ ભેગું થાય પછી હું નિવૃત્તિ લઈ શકું? ક્યું મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ છે? અર્થતંત્રની હાલની સ્થિતિ વિશે શું લાગે છે? અત્યારે ક્યાં રોકાણ કરવા જેવું છે? મારું વસિયતનામું એકદમ પરફેક્ટ હોય એ માટે શું કરવું?
આવા સવાલોના જવાબ આપવાનું ઘણું મુશ્કેલ હોય છે. આ દુનિયામાં એવો કોઈ ફાઈનાન્શિયલ પ્લાનર નથી, જે આ બધા સવાલોના સંતોષકારક જવાબ આપી શકે. બધા ફાઈનાન્શિયલ પ્લાનરો મનમાં જાણતા જ હોય છે કે છેવટે તો ધાર્યું ધણીનું થાય અર્થાત્ ઈશ્વરેચ્છા વગર કંઈ થતું નથી.
નાણાપ્રધાન કરવેરાને લગતા કાયદાઓમાં નાનો-અમથો પણ ફેરફાર કરે તો કરબચત માટે બનાવાયેલો આખો પોર્ટફોલિયો ખોરવાઈ જાય. આપણે ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ આપી દીધી હોય અને ભૂકંપ કે આતંકવાદી હુમલા જેવી કોઈ ઘટના બને તો આપણી આખી મૂડી ધોવાઈ જાય.
બે કિશોરીની મમ્મી દિવ્યાને રવિવારની એક બપોરે ફોન આવ્યો : તેના પતિ કાર અકસ્માતમાં અવસાન પામ્યા હતા. એ પરિવાર તેના બીજા જ સપ્તાહે વિદેશમાં ફરવા જવાનો હતો. બધું જ પ્લાન થઈ ગયું હતું. હોમ લોન પૂરેપૂરી ચૂકવી દેવાય એ માટે આ યુગલ છેલ્લાં પાંચ વર્ષમાં ક્યાંય ફરવા ગયાં ન હતાં. હજી પંદર દિવસ પહેલાં જ તેમણે છેલ્લો હપ્તો ચૂકવી દીધો હતો. હવે ઘર તેમનું પોતાનું થઈ ગયું હતું.
ગમે તેટલું સારું ફાઈનાન્શિયલ પ્લાનિંગ કર્યું હોય અને તેને સરસ રીતે અમલમાં મૂક્યું હોય, પરંતુ જીવનમાં અચાનક ઘણા ‘જો’ અને ‘તો’ આવતા હોય છે. છેવટે રામ રાખે તેમ રહેવું પડે…
અલબત્તે, અહીં એવું જરાય નથી કહેતો કે માણસે નાણાકીય આયોજન કરવું ન જોઈએ. આયોજન જરૂરી છે અને તેનો અમલ પણ ચોક્સાઈપૂર્વક કરવો જોઈએ અને સમયાંતરે તેની સમીક્ષા પણ કરવી જોઈએ, પરંતુ છેલ્લે બધું ભગવાન પર છોડી દેવું જોઈએ.
ભગવદ્ ગીતાના શ્ર્લોક ક્રમાંક 2.47માં કહેવાયું છે:
‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચનય
મા કર્મફલહેતુર્ભૂર્મો તે સંગોડ્સ્ત્વકર્મણિ ય’ 2.47 ય
અર્થ:-
‘તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, એનું ફળ કેવું મળે તેના પર તારો અધિકાર નથી એટલે ફળની અપેક્ષાએ કોઈ કર્મ ન કરવું. જો તું ફળ મેળવવાની અપેક્ષાથી કર્મ કરીશ તો કર્મમાં તારી આસક્તિ થશે.’
જીવનમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ આપણી શારીરિક સંપત્તિ એટલે કે આરોગ્ય છે. ત્યાર બાદ આવે છે સામાજિક સંપત્તિ એટલે કે આપણા પરિવારજનો, મિત્રો, સહયોગીઓ. પછી આવે છે ભાવનાત્મક સંપત્તિ અર્થાત્ આપણા મગજની અવસ્થા અને અંદરના તથા બહારના વિશ્ર્વ સાથેનું આપણું અનુસંધાન. ચોથી સંપત્તિ એટલે નાણાકિય સંપત્તિ. આ ચારેમાંથી જો એક પણ બરોબર નહીં હોય તો બાકીની ત્રણનો ઉપભોગ આનંદદાયક નહીં હોય.
શાસ્ત્રોમાં તો સંપત્તિની વ્યાખ્યા આપણે જાણીએ છીએ તેના કરતાં વધારે ગહન છે. ભગવાને આપણને એ આપી છે. આપણે એક જ પ્રકારની એટલે કે નાણાકિય સંપત્તિની પાછળ પડીને વિશાળતા ભૂલી જઈએ છીએ. આપણી જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરે ત્યારે આપણને ભગવાને આપેલી એ સંપત્તિનું મૂલ્ય સમજાય છે, મન પ્રસન્નતાનો અનુભવ કરે છે અને જીવનમાં શાંતિ છવાઈ જાય છે. આપણે કોઈ પર્વતમાળામાં કે સમુદ્રકિનારે ગયા હોઈએ ત્યારે તેની વિશાળતા સ્પર્શી જાય છે. એ ઘડીએ આપણામાં નમ્રતા જાગે છે અને સાથે જ મન શાંત થાય છે.
આ સાથે ‘મારું અર્થતંત્ર’ લેખમાળા અહીં પૂરી થાય છે. આપણા આયોજનમાં છેલ્લે પ્રભુએ ધારેલું જ મુખ્ય છે એવું સમજી જઈએ ત્યારે આપણું મન શાંત થાય છે. ઈશ્ર્વર જે કરે છે એ કોઈના હાથની વાત નથી. આથી જ કહેવાનું કે ઝીણવટભર્યું આયોજન કરો, પણ છેલ્લે તો તમારો My Plan My God’s Developed plan જ રહેશે.
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. એ સિવાય બીજું આપણે કંઈ કરી પણ શું શકીએ?
આ પણ વાંચો…MY AGM – My Annual Goal (Planning) Meeting….



