પ્રવાહિતાના જોખમને આગોતરા ઓળખી લો

ગૌરવ મશરૂવાળા
‘કોઈ ઠીકઠાક કંપનીના શેર અત્યંત આકર્ષક ભાવે ખરીદવા એના કરતાં તો અત્યંત સારી કંપનીના શેર યોગ્ય ભાવે લેવાનું સારું..’ -વોરેન બફેટ
જૂન 2015માં મારા પર મધ્ય પ્રદેશના એક શહેરમાંથી ડૉ. શર્માનો ફોન આવ્યો હતો. એ અને એમનાં પત્ની શહેરના નામાંકિત મેડિકલ ડૉક્ટર હતાં. એમના 16 બેડના નર્સિંગ હોમમાં અદ્યતન ઉપકરણો વસાવેલાં હતાં. ધીકતી પ્રૅક્ટિસ હોવાથી વાર્ષિક આવક સાત અંકમાં આવતી હતી. એમણે પોતાની કુલ ઍસેટ્સનું મૂલ્ય 12 કરોડ રૂપિયા કરતાંં વધારે હોવાનું જણાવ્યું. આ સંપત્તિ એમનાં રહેવાનાં ઘર, નર્સિંગ હોમ તથા અંગત વપરાશની અન્ય ઍસેટ્સ ઉપરાંતની હતી. આમ, આપણે કહીએ છીએ એ અર્થમાં ‘એ સાધનસંપન્ન હતાં.’
આ પણ વાંચો:આરોગ્ય પ્લસ : ચક્કર કે મૂર્છા આવવી…
ડૉ. શર્માએ મારી પાસે એક સલાહ લેવા માટે ફોન કર્યો હતો. એમની નાની દીકરી સપ્ટેમ્બર 2015માં ઉચ્ચાભ્યાસ માટે અમેરિકા જવાની હતી. એના શિક્ષણ માટે 75 લાખ રૂપિયાની જરૂર હતી. એમની આવક અને સંપત્તિને જોતાં એમને એ વાતની ચિંતા હોવી જોઈતી ન હતી. આમ છતાં એમની સમસ્યા સંપત્તિના સ્વરૂપને સંબંધિત હતી. 12 કરોડ રૂપિયાની સંપત્તિમાંથી દસેક કરોડ રૂપિયા જમીન, ઑફિસની જગ્યા, ભોપાળ નજીકના વેરહાઉસ વગેરે જેવી રિયલ એસ્ટેટમાં રોકાયેલા હતા. બીજા દોઢ કરોડ રૂપિયા બોન્ડ અને અન્ય પ્રોડક્ટ્સમાં હતા, જેને લોક-ઇન લાગું હતું. આમ, માત્ર 50 લાખ રૂપિયા રોકડ કે તેને સમકક્ષ સ્વરૂપમાં હતા. ડૉ. શર્માએ મને સામેથી જ કહ્યું: ‘મારી પાસે બે વિકલ્પ છે. એક, હું એકાદ કરોડ રૂપિયાની રિયલ એસ્ટેટ વેચી નાખું અને બે, એજ્યુકેશન લોન લઈ લઉં.’
એ વિમાસણમાં હતા એ વાત સાચી. ડૉ. શર્મા તો ધનવાન હતા, પરંતુ એમના જેવી દ્વિધા સામાન્ય માણસોને પણ સતાવતી હોય છે. ઉદાહરણ તરીકે, પ્રિયેશ નામના સજ્જન આવક વેરામાંથી મુક્તિ મળે એ માટે છેલ્લાં ત્રણ વર્ષથી દર વર્ષે દોઢ-દોઢ લાખ રૂપિયાની પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ લેતા હતા. એમને ખબર હતી કે ઘર ખરીદતી વખતે ડાઉન પેમેન્ટ કરવા માટે પૈસાની જરૂર પડશે. આમ છતાં એમણે પાંચ વર્ષનો લોક-ઇન પીરિયડ ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાં રોક્યાં હતાં. એમણે મને જણાવ્યું: ‘જેવો માર્ચ મહિનો આવે કે મને યાદ આવે કે મારે કરબચત માટે રોકાણ કરવાનું છે. એવા સમયે પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી લેવાનો વિકલ્પ સૌથી સહેલો હોય છે.’
ઉપરોક્ત બન્ને કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે કે પ્રવાહિતા ધરાવતી પ્રોડક્ટ્સમાં રોકાણ કરવામાં આવ્યું નથી અથવા તો તેમાંનું રોકાણ અપૂરતું છે. જે રોકાણને સહેલાઈથી વટાવીને રોકડા મેળવી શકાય તેને ‘લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ’ અર્થાત્ ‘પ્રવાહિતા ધરાવતું રોકાણ’ કહેવાય. તેમાં કોઈ પણ પ્રકારનો લોક-ઇન પીરિયડ હોતો નથી. તેને વેચી દેવાનું કે વટાવી દેવાનું ઘણું સરળ હોય છે. રિયલ એસ્ટેટને વેચવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે અને તે વેચતી વખતે અમુક ખર્ચ પણ કરવો પડે છે, જેમ કે રિયલ એસ્ટેટના વેચાણ વખતે દલાલી ચૂકવવી પડે છે અને તે વેચાયા બાદ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ચૂકવવો પડે છે. રિયલ એસ્ટેટના સોદા થવામાં ઘણી રાહ જોવી પડતી હોય છે.
આ પણ વાંચો:સ્વાસ્થ્ય સુધા : ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી માલાબાર આમલી
બીજી બાજુ, જો શેર વેચવા હોય તો તેનો ખર્ચ પણ ઓછો હોય છે અને પૈસા તરત જ બૅન્ક અકાઉન્ટમાં જમા થઈ જાય છે. લોક-ઇન વગરની ફિક્સ્ડ ડિપોઝિટ પણ પ્રવાહિતા ધરાવતું રોકાણ છે. રોકાણ કરતી વખતે આપણે જોખમ અને વળતરના પરસ્પર સંબંધને ધ્યાનમાં રાખવો પડે છે. ઘણી વાર ઊંચું વળતર મેળવવા માટે નાણાં લોક-ઇન ધરાવતા સાધનમાં રોકવાં પડે છે. તાકીદે નાણાંની જરૂર પડે એવા વખતે આવું રોકાણ નિરર્થક પુરવાર થતું હોય છે. આથી નાણાંની આવશ્યકતા હોય ત્યારે તે મળી રહે એ વાતને લક્ષમાં રાખીને રોકાણ કરવાનું સલાહભર્યું છે.
આમ આવું રોકાણ મહત્તમ વળતર માટે નહીં, પરંતુ યથાયોગ્ય વળતર મળે એવી રીતે કરવું.