આરોગ્ય વીમા પૉલિસીની કંપની કેવા સંજોગોમાં બદલવી જોઈએ?

-નિશા સંઘવી
આરોગ્ય વીમો દરેક પરિવાર માટે જરૂરી છે એ વાતમાં કોઈ બેમત નથી. તબીબી સારવારના વધી રહેલા ખર્ચને અનુલક્ષીને પૂરતી રકમનો આરોગ્ય વીમો હોવો જોઈએ. આથી લોકો આરોગ્ય વીમાની પોલિસી ખરીદે છે, પરંતુ એ વીમો આપનારી કંપનીઓની પોલિસીઓ એટલે કે નીતિઓથી ઘણાને સંતોષ થતો નથી. આવી પરિસ્થિતિ વારેઘડીએ ઊભી થવા લાગી ત્યારે ભારતમાં વીમા ક્ષેત્રના નિયમન માટે સ્થપાયેલી સંસ્થા ‘ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા ‘ (ઇરડાઈ)એ વીમાધારકોને પોર્ટેબિલિટીની સુવિધા પૂરી પાડી છે. આ સુવિધાની મદદથી વીમાધારકો એક કંપનીની પોલિસી હેઠળના તમામ લાભને સુરક્ષિત રાખીને બીજી કંપનીની પોલિસી લઈ શકે છે. આજે આપણે આ સુવિધા વિશે વિગતવાર જાણીએ.
પોર્ટેબિલિટીમાં કયા લાભ જળવાઈ રહે છે?
પોલિસી પોર્ટ કરાવ્યા બાદ પણ પહેલાંની પોલિસીના પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝીસ માટેનો વેટિંગ પિરિયડનો ક્લેમ બોનસ જેવા અમુક લાભ જળવાઈ રહે છે. નવી પોલિસી આવે ત્યાર સુધીનો સમયગાળો પણ આવરી લેવાય એવો લાભ પણ મળતો હોય છે. જો કે, આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે પ્રીમિયમની ચુકવણીને લગતી બધી શરતનું પાલન થયું હોય, એટલે કે વચ્ચે બ્રેક આવ્યો ન હોય.
ક્યા સંજોગોમાં પોલિસી પોર્ટ કરાવવી પડે ?
*જૂની કંપનીની સેવાઓથી સંતોષ ન થવો:
વીમાધારકને ક્લેમના સેટલમેન્ટ બાબતે, કસ્ટમર સર્વિસીસ અથવા પારદર્શકતાને લઈને જૂની કંપનીથી સંતોષ ન થયો હોય ત્યારે પોર્ટિંગ કરાવવામાં આવે છે.
*વધુ સારાં ફીચર્સ:
ક્યારેક નવી કંપની વધુ કવરેજ, ઓછું પ્રીમિયમ, વધારે લાભ જેવાં વધુ સારાં ફીચર્સ આપતી હોય ત્યારે વીમાધારકને પોર્ટિંગ કરાવવાનું મન થઈ શકે છે. જૂની પોલિસીમાં રૂમ રેન્ટની મર્યાદા ઘણી ઓછી હોય અથવા ક્લેમ સેટલમેન્ટ વખતે અનેક પ્રકારે રકમ કાપી નાખવામાં આવતી હોય તો પણ વીમાધારકને અસંતોષ રહી શકે છે. પરિણામે, રૂમ રેન્ટની મર્યાદા ઊંચી હોય, ઓછા પૈસા કપાતા હોય, કો-પેની સિસ્ટમ ન હોય (પોતાના ખિસામાંથી ખર્ચ કરવો પડે એવી સિસ્ટમ ન હોય), વગેરે જેવાં ફીચર્સ ધરાવતી નવી પોલિસી લેવાનું માફક આવતું હોય છે.
- પ્રીમિયમમાં વૃદ્ધિ:
જૂની કંપનીએ એટલી જ વીમાની રકમ માટે પ્રીમિયમમાં વધારો કરી દીધો હોય ત્યારે પણ લોકોને પોર્ટિંગ કરાવવાની જરૂર જણાતી હોય છે. - હોસ્પિટલના નેટવર્ક બાબતે અસંતોષ:
નવી કંપની જૂની કરતાં વધુ હોસ્પિટલોનું નેટવર્ક ધરાવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીમાધારકને પોર્ટિંગ કરાવવા જેવું લાગે.
પોર્ટેબિલિટી સંબંધે ‘ઇરડાઇ’ની માર્ગદર્શિકા
પોર્ટિંગની પ્રક્રિયાને પારદર્શક તથા વીમાધારક માટે લાભદાયક રાખવાની દૃષ્ટિએ ‘ઇરડાઇ’એ કેટલાક નિયમો ઘડ્યા છે:
*પોલિસીનું નવીનીકરણ કરાવવાનું આવે ત્યારે જ એનું પોર્ટિંગ કરાવી શકાય.
- પોલિસીના નવીનીકરણની તારીખના ઓછામાં ઓછા 45દિવસ પહેલાં નવી કંપનીમાં પોર્ટિંગ માટે અરજી કરવામાં આવવી જોઈએ.
- પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝીસ માટેના વેઇટિંગ પીરિયડ જેવા કન્ટિન્યુઇટીના લાભ અકબંધ રહેવા જોઈએ.
- ફક્ત વ્યક્તિગત અને પારિવારિક ફ્લોટર પોલિસીનું પોર્ટિંગ કરાવી શકાય છે.
- કોઈ પણ જનરલ ઇન્સ્યોરન્સ કે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં પોર્ટિંગ કરાવી શકાય છે.
પોર્ટેબિલિટી માટેની શું હોય છે પાત્રતા ?
પોલિસીમાં દરેક પ્રીમિયમ ચૂકવાયું હોવું જોઈએ અર્થાત્ એ ચાલુ હોવી જોઈએ.
પોલિસીના નવીનીકરણની તારીખના ઓછામાં ઓછા 45દિવસ પહેલાં પોર્ટિંગ માટે અરજી કરવામાં આવેલી હોવી જોઈએ.
નવી કંપની માગે એ બધા જ દસ્તાવેજો સમયસર આપેલા હોવા જોઈએ.
વીમાધારકે આરોગ્યની સ્થિતિને લગતી કોઈ પણ માહિતી છુપાવી હોવી જોઈએ નહીં.
આ પણ વાંચો… ‘નો યોર પોલિસી’ ડોક્યુમેન્ટ શું છે ? એ છે આરોગ્ય વીમા પોલિસીને સમજવા માટે અગત્યનો દસ્તાવેજ
આરોગ્ય વીમાના પોર્ટિંગની પ્રક્રિયા
1) નવી કંપની અને એના પ્લાન બાબતે તપાસ કરીને પોતાના માટે યોગ્ય પસંદગી કરવી.
2) નવી કંપનીમાં આવશ્યક દસ્તાવેજો સાથે અરજી કરવી. પોર્ટેબિલિટીના ફોર્મમાં હાલની પોલિસી અને આરોગ્યને લગતી માહિતી ભરવી.
3) વીમાધારકની જૂની પોલિસીને લગતી માહિતી માટે નવી કંપની ‘ઇરડાઇ’ના પોર્ટલ મારફતે જૂની કંપનીનો સંપર્ક કરશે.
4) નવી કંપની વીમાધારકને વીમો આપવાને લગતી આવશ્યક માહિતી અર્થાત્ એની રિસ્ક પ્રોફાઇલની ચકાસણી કરશે. એના આધારે પોલિસી આપવી કે નહીં આપવી એનો નિર્ણય લેશે. અમુક સંજોગોમાં અમુક ફેરફારો સાથેની પોલિસી આપવામાં આવે એવું પણ બની શકે છે.
5) ‘ઇરડાઇ’ના નિયમ મુજબ નવી કંપનીએ પોલિસી આપવા બાબતે કોઈ પણ નિર્ણય પંદર દિવસની અંદર વીમાધારકને જણાવવાનો હોય છે.
ક્યા કયા દસ્તાવેજો જરૂરી છે?
*જૂની પોલિસી અને અગાઉનાં બે વર્ષની પોલિસીની નકલ
*પોર્ટેબિલિટી રિક્વેસ્ટ ફોર્મ
- નવી કંપનીનું પ્રપોઝલ ફોર્મ
*કેવાયસી દસ્તાવેજો: ઓળખ અને સરનામાનો પુરાવો
*જરૂરત પ્રમાણેના મેડિકલ રેકર્ડ્સ
પોર્ટેબિલિટીના લાભ
પોલિસી પોર્ટ કરાવ્યા બાદ પણ વેઇટિંગ પીરિયડને લગતો લાભ યથાવત્ રહે છે. ઉપરાંત, નવી કંપની પાસેથી વધુ સારી સેવાઓ મળવાની શક્યતા રહે છે. વીમાધારકે જાતે પસંદગી કરી હોવાથી એમણે પોતાને માફક આવે એવી પોલિસી પસંદ કરી હોય છે. પોર્ટિંગ માટે કોઈ ફી ચૂકવવી પડતી નથી એ પણ એક મોટો લાભ છે.
પોર્ટિંગ કરાવતી વખતે ખાસ ધ્યાનમાં શું રાખવુ?
- તમે પોર્ટિંગ માટે અરજી કરો એટલે નવી કંપની તમને પોલિસી આપી જ દેશે એવું જરૂરી નથી. એ તમારા રિસ્ક પ્રોફાઇલને જોઈને અરજી નકારી પણ શકે છે.
- જો વીમાધારકે વધુ રકમનો વીમો માગ્યો હોય તો જૂની પોલિસીની તુલનાએ જેટલી રકમ વધારે હોય એટલી રકમના ક્લેમ માટે વેઇટિંગ પીરિયડ લાગુ પડી શકે છે.
- પોર્ટિંગ કરાવતાં પહેલાં નવી કંપનીનું હોસ્પિટલનું નેટવર્ક, એના કો-પેમેન્ટને લગતા નિયમો, રૂમ રેન્ટ કે બીજા ખર્ચ બાબતેની મર્યાદાઓ, પોલિસી હેઠળનાં એક્સક્લુઝન્સ, વગેરેની પણ જાણકારી મેળવી લેવી જોઈએ.
- ક્લેમને લગતી માહિતીની યોગ્ય જાળવણી કરવી અને સમયસર રિન્યુઅલ કરાવવું, જેથી નવી કંપનીને પોલિસી આપવામાં કોઈ વાંધો ન હોય.
ટૂંકમાં
વીમાધારકે એક વખત પોલિસી લઈને પસ્તાવું પડે એવી સ્થિતિથી બચવા માટે પોર્ટિંગની સુવિધા ઉપયોગી થાય છે. પહેલાંની કંપનીની સેવાઓ અપૂરતી હોવાની સ્થિતિમાં વીમાધારક પોર્ટિંગ કરાવીને પોતાને યોગ્ય લાગે એવી રીતે પોર્ટિંગ કરાવી શકે છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : ગરમીમાં રાહતદાયક છે શેરડીનો રસ
‘ઇરડાઇ’એ પોર્ટિંગની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનાવી છે. પોર્ટિંગ કરાવતાં પહેલાં પોતાની આરોગ્ય વીમા પાસેથી રખાયેલી અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા કરી લેવી અને પછી અલગ અલગ પ્લાન સાથે તુલના કરી લેવી. ત્યાર બાદ યોગ્ય કાર્યપ્રક્રિયા અપનાવીને પોર્ટિંગ માટે અરજી કરવી. હા, ‘બકરું કાઢતાં ઊંટ પેસી જાય નહીં’ એ વાતનું ખાસ ધ્યાન રાખવું.