તરોતાઝા

આરોગ્ય પ્લસ: આયુર્વેદિક દિનચર્યા

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ગયા અઠવાડિયે આપણે આયુર્વેદિક દિનચર્યાના કેટલા પાસા વિષેશ વાત જાણી… હવે આગળ
શરીરની માલિશ શિયાળામાં અઠવાડિયામાં 1 થી 2 વાર તેલથી માલિશ કરવાથી શરીર સ્ફૂર્તિલું તથા ચમકીલું રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ત્રણેય પ્રકૃતિવાળાએ આ મુજબના તેલનો ઉપયોગ કરવો.

વાત: તલનું તેલ
પિત્ત: નારિયેળ અથવા સૂર્યમુખીનું તેલ
કફ: સરસવ અથવા મકાઈનું તેલ

ફાયદા:
વાયુ અને કફને હરનાર છે.

ચામડીને સુંવાળી અને સ્વચ્છ રાખે છે. તેમ જ ચામડીના છિદ્રોને પારદર્શક રાખે છે.

આ પણ વાંચો…આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર

લોહીના પરિભ્રમણમાં અને નિદ્રામાં ખૂબ જ ફાયદાકારક છે.

શરીરને પુષ્ટ કરે છે.

શારીરિક શ્રમ
શરીર નિભાવવા માટે આહારની જેટલી જરૂર છે તેટલી જ શારીરિક શ્રમની પણ આવશ્યકતા છે. તેમાં પણ હેમંત અને શિશિર ઋતુમાં વ્યાયામ વિશેષ કરવો જોઈએ. કાયમી આરોગ્ય દવાઓ લેવાથી પ્રાપ્ત નથી થતું, પરંતુ વ્યાયામ કરવાથી પ્રાપ્ત થાય છે. સવારના સમયમાં શરીરમાં કફનું પ્રમાણ મુખ્ય હોવાથી આ સમયે પ્રાણાયામ, યોગ વગેરે કસરતો કરવાથી શરીરમાં આળસ, સુસ્તી વગેરે દૂર થાય છે. વ્યાયામનો નિયમ એ છે કે, શરીરમાં જેટલું બળ હોય તેનાથી 50% શ્રમ કરવો.

કઈ પ્રકૃતિવાળા માટે કયો વ્યાયામ અને પ્રાણાયામ શ્રેષ્ઠ?

સ્નાનક્રિયા
સ્નાન કરવાથી શરીરમાં બળ અને ઓજ વધે, ચામડી પર રહેલા બેક્ટેરિયાઓ નાશ પામે છે. સ્નાન માત્ર દેહશુદ્ધિ માટે નથી, પરંતુ મનની શુદ્ધિ માટે પણ છે. કોઈ પણ પવિત્ર કાર્ય સ્નાન કર્યા વિના કરવું તે શાસ્ત્રોક્ત રીતે યોગ્ય નથી.

  • ‘ઠંડા પાણીના સ્નાનથી શરીરમાં જે ઊર્જા આવે છે તે ગરમ પાણીના સ્નાનથી આવતી નથી માટે ઠંડા પાણીથી સ્નાન કરવું ઉત્તમ છે. તેમ છતાં પોતાની પ્રકૃતિ અને ઋતુના આધારે ફેરફાર કરી શકાય છે.

પ્રકૃતિ પ્રમાણે સ્નાન માટે કયું પાણી શ્રેષ્ઠ

શિયાળોઉનાળોચોમાસુ
વાતહૂંફાળુંઠંડુંઠંડું
પિત્તઠંડુંઠંડુંઠંડું
કફઠંડુંઠંડુંહૂંફાળું
  • જમ્યા પહેલાં સ્નાન કરવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, પરંતુ જમ્યા પછી તરત જ સ્નાન કરવાથી જઠરાગ્નિ મંદ થાય છે.
  • સ્નાનની શરૂઆતમાં પ્રથમ પગને પાણીથી પલાળી ધીરે-ધીરે પેટ, માથું આદિક અંગોને ક્રમશ: પલાળવા.
  • માથે કદી ગરમ પાણી નાખવું નહીં, કેમ જે, તેનાથી આંખનું આયુષ્ય ઘટે છે.
  • સ્નાન કર્યા બાદ ભગવદ્પૂજા, આરતી, દેવસેવા આદિ કરવું.
  • સવારનો નાસ્તો : વાયુ અને પિત્ત પ્રકૃતિવાળા સવારમાં નાસ્તો લઈ શકે છે. કફ પ્રકૃતિવાળા માટે સવારનો નાસ્તો હિતકર નથી. કેમ કે, સવારનો સમય કફપ્રધાન હોવાથી નાસ્તો કરવાથી કફની માત્રા વધી જાય છે.
  • બપોરનું ભોજન : બપોરનો સમય પિત્તપ્રધાન હોવાથી જઠરાગ્નિ ખૂબ જ પ્રદિપ્ત હોય છે. માટે 12થી 1ની વચ્ચે બપોરનું ભોજન લઈ લેવું.
  • સાંજનું ભોજન : સાંજે જઠરાગ્નિ મંદ હોવાથી ખૂબ જ હળવું ભોજન લેવું. સાંજે 6થી 8ની વચ્ચે ભોજન લઈ લેવું. જેથી પાચન થઈ જતા રાત્રે ઘાટી ઊંઘ આવી શકે.
  • રાત્રિ વિશ્રામ: રાત્રે વ્યાવહારિક વિચારો કે મોડે સુધી ટી.વી. જોવાની આદત ન પાડતાં ભગવત્સ્મરણ કે ધ્યાન કરતાં-કરતાં 10.30 સુધીમાં સૂઈ જવું.

આધ્યાત્મિક દિનચર્યા :

અત્યાર સુધી આપણે શારીરિક દિનચર્યા કેવી હોવી જોઈએ, તે વિશે જાણ્યું,પરંતુ તે દિનચર્યામાં જ્યાં સુધી ભગવાનનો સમાવેશ થતો નથી ત્યાં સુધી તે આદર્શ દિનચર્યા ન કહેવાય. ભગવાન આપણાથી અલગ થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા જ નથી તો ભગવાનને આપણા જીવનમાંથી અલગ કેવી રીતે પાડી શકાય?

આ પણ વાંચો…આરોગ્ય પ્લસ: કેવી છે પથરીની પળોજણ ….

-અને એટલે જ દિનચર્યા એવી હોવી જોઈએ કે, દરેક ક્રિયા ભગવાનની સ્મૃતિ સહિત, કેવળ ભગવાનને અર્થે અને તેમની આજ્ઞા પ્રમાણે જ થાય. માટે ખાવું-પીવું, સૂવું-જાગવું, ઊઠવું-બેસવું વગેરે જે કાંઈ ક્રિયા કરીએ, તેમાં પરમ કૃપાળુ શ્રીહરિ જ મુખ્ય હોવા જોઈએ. જે ભગવાન સર્વથા અને સદૈવ આપણું હિત કરવા જ તત્પર હોય છે, તેમને આપણે કેવી રીતે વિસરી શકીએ!

ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે,
‘હે કુંતીપુત્ર! તું ભોજન, યજ્ઞ, દાન અને તપ આદિ જે કાંઈ કર્મ કરે છે, તે બધું મને અર્પણ કર…’

આમ, ભગવાન માટે જીવનારા સંસારમાં રહેવા છતાં પણ સંસારમાં નહીં, પરંતુ ભગવાનમાં રહેતા હોય છે. આ રીતે જેના જીવનમાં ભગવાન વણાયેલા હોય છે એ ચોવીસે કલાક સહજ રીતે આનંદ અને ભક્તિમય વિતાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button