તરોતાઝા

આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર

  • સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

મોટા ભાગનાં બાળક પોતાને થતી તકલીફ વિશે સ્પષ્ટ જણાવી શકતું નથી એટલે એના ઉછેર વખતે એના સ્વાસ્થ્યની ખબર રાખવી એ માતા-પિતા અને એમાંય ખાસ કરીને એની માતાએ રાખવાની હોય છે, કારણ કે પોતાના બાળકને એની મા જ વધુ સારી રીતે સમજી શકે છે..

ગત અઠવાડિયે આપણે બાળકના સ્વાસ્થય વિશે પ્રારંભિક વાત કરી હતી. આ વખતે જાણીએ બાળકને પજવતા એના રોગ વિશે અને એના ઉપચાર વિશે…

બાળકોનો વિકાસ :

1.) પાલકની ભાજીનો રસ મધમાં મેળવી રોજ પિવડાવવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે.

2.) પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં 2-3 વાર પાવાથી બાળકો નિરોગી અને બળવાન બને છે.

3.) તુલસીના પાનનો રસ 5થી 10 ટીપાં પાણીમાં નાખીને રોજ પિવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે.

4.) શુદ્ધ ઘીમાં બનાવેલો શીરો ખવડાવવાથી શરીર પુષ્ટ થાય છે.

5.) 70 ગ્રામ ગળોનો રસ, 30 ગ્રામ જેઠીમધનો ઉકાળો અને 50 ગ્રામ સાકરનું સિરપ આ ત્રણેય અલગ અલગ રોજ 1-2 ચમચી બાળકને આપવું.

6.) પેટનાં દુ:ખાવામાં 1 ચમચી સૂવાદાણાનું પાણી પિવડાવવું.

7.) નાગરવેલના પાનનો રસ કે આદુંના રસમાં મધ મેળવીને ચટાડવાથી અપચો દૂર થાય છે.

આ પણ વાંચો: ફેમિલી ફ્લોટર પ્લાનની કવરેજની રકમ ક્યારે વધારવી?

કબજિયાત વખતે…

1-2 ચમચી તાંદળજાનો રસ પિવડાવવો.

દિવેલ અડધી ચમચી અને મધ અડધી ચમચી ભેગું કરીને પિવડાવવું.

1થી 2 ગ્રામ ગરમાળાને ગરમ પાણીમાં મેળવીને પિવડાવવાથી કબજિયાત મટે છે.

ઝાડા-ઊલટી વખતે…

દૂધ પિવડાવતા પહેલાં ટામેટાનો રસ 1 ચમચી પાવાથી, બાળકોને થતી દૂધની ઊલટી મટે છે.

1થી 2 ગ્રામ ખસખસ વાટીને 10 ગ્રામ દહીંમાં મેળવીને બાળકને આપવાથી ઝાડાની તકલીફ ઓછી થાય છે.

પેટના કૃમિ પજવે ત્યારે…

ગરમ પાણી સાથે 1-2 ચમચી કારેલાના પાનનો રસ પિવડાવવો.

10 મિ.લી. લીમડાના પાનનો રસ, 10 ગ્રામ મધમાં મેળવીને 5-6 દિવસ પિવડાવવો.

બાળકને નિયમિત રીતે સવાર-સાંજ 2-2 ચમચી દાડમનો રસ થોડું સંચળ નાખીને પિવડાવવો.

સવારે ખાલી પેટે 5 ગ્રામ ગોળ ખવડાવીને તેની 5 મિનિટ પછી બાળકને વાવડિગનું 2 ગ્રામ ચૂર્ણ 2 કાળા મરીના ચૂર્ણમાં મેળવીને ખવડાવવાથી પેટના કૃમિમાં લાભ થાય છે. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવો તથા એક અઠવાડિયું બંધ કરીને જરૂર પડે તો ફરી શરૂ કરવો.

અડધો ગ્રામ પીસેલો અજમો અને એટલો જ ગોળ મેળવી ગોળીઓ બનાવીને દિવસમાં 3 વાર ખવડાવવાથી લાભ થાય છે.

છાશમાં વાવડિગનું ચૂર્ણ નાખી પિવડાવવું.

મોંની ગરમી:

ત્રિફળા અને જેઠી મધના ચૂર્ણના ઠંડા પાણીથી કોગળા કરાવવા.

1 ચમચી ગુલકંદ રોજ સવાર-સાંજ ખવડાવવું.

દિવસમાં 2-3 વાર મોંમાં ગ્લિસરિનમાં બોળેલી રૂની પીંછી ફેરવવી.

મોંમાંથી લાળ નીકળવી…

કદનું વધુ પ્રમાણ અને પેટમાં કીડા હોવાને કારણે બાળકના મોંમાંથી લાળ નીકળતી હોય છે. માટે બાળકને દૂધ, દહીં, મીઠી ચીજો, કેળાં, ચીકુ, આઇસક્રીમ, ચોકલેટ વગેરે ન ખવડાવવા.

આદું અને તુલસીનો રસ મધમાં મેળવીને પિવડાવવો.

1 ગ્રામ કાળા મરી કે તજનું ચૂર્ણ મધમાં મેળવીને ચટાડવું.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ : બાળરોગની કક્કો બારાખડી જાણી લો

શરદી ખાંસી થાય ત્યારે…

2-2 મિ.લી. આદું અને તુલસીનો રસ 5 ગ્રામ મધ સાથે આપવાથી લાભ થાય છે.

1 ગ્રામ સૂંઠનો પાવડર દૂધ અથવા પાણીમાં પિવડાવવાથી કફ નીકળી જાય છે.

હળદરવાળા ગરમ દૂધમાં સહેજ મીઠું ને ગોળ નાખીને પિવડાવવું.

બાળકની છાતી કફથી ભરાઇ ગઇ હોય તો તુલસી અને અરડૂસીનાં પાનનો રસ મધમાં મેળવી 2-3 વાર પિવડાવવો તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે.

તોતડાપણું…

1-2 ગ્રામ સૂકા આંબળાના ચૂર્ણને ગાયના ઘીમાં મેળવીને ચટાડવાથી થોડા જ દિવસોમાં તોતડાપણું દૂર થાય છે.

ધાણાં અને ગરમાળાના ગોળનો ઉકાળો કરી રોજ બાળકને કોગળાં કરાવવાથી તોતડાપણું મટશે.

1-2 ગ્રામ કાળા મરીનું ચૂર્ણ માખણમાં મેળવીને રોજ સવાર-સાંજ ચટાડવું.

માથાનો દુ:ખાવો હેરાન કરે ત્યારે…

 દિવેલને સહેજ ગરમ કરીને 1-1 ટીપું નાકમાં નાખવું.

સ્મરણશક્તિ વધારવા…

 બ્રાહ્મીચૂર્ણ કે સિરપ દૂધમાં મેળવીને રોજ સવાર-સાંજ 2 મહિના સુધી આપવું.

 રોજ સવારે 1-2 ગ્રામ આમળાનું ચૂર્ણ આપવું.

 10થી 20 મિ.લી. તુલસીના પાનનો રસ મધમાં મેળવીને રોજ સવારે પિવડાવવો.

ઊંઘ ન આવે ત્યારે…

બાળક રડતું બંધ ન થાય તો પાણીમાં જાયફળ ઘસીને તેના કપાળ પર લગાવવાથી બાળક શાંતિથી સૂઇ જશે.

અશ્વગંધા પાવડર દૂધમાં મેળવીને પિવડાવવો.

નેત્રરોગ વખતે…

 5 ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ, 100 મિ.લી. પાણીમાં 3 કલાકથી વધુ સમય સુધી પલાળીને પછી થોડું ઉકાળવું; ઠંડું થાય પછી જાડા કપડાથી ગાળીને આંખમાં નાખવું. તેનાથી સમસ્ત નેત્રરોગમાં લાભ થાય છે.

દાંત જલદી આવવાના ઉપાય

બાળકોનાં પેઢાં પર મધ અને સિંધવ મીઠું મેળવીને નરમાશથી ઘસવાથી તેમને સહેલાઇથી દાંત આવે છે.

તુલસીના પાનનો રસ મધમાં મેળવીને બાળકના પેઢાં પર ઘસવાથી તેને કોઇપણ તકલીફ વિના દાંત આવી જાય છે.

જેઠીમધનું ચૂર્ણ તથા નમક મિશ્ર કરી પેઢાં પર ઘસવાથી દાંત જલદી ઊગી જાય છે.

ગ્લુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નિચોવી 2-2 ચમચી દિવસમાં 4 વખત પાવાથી બાળકના શરૂઆતના દાંત ખૂબ જ સરળતાથી આવે છે.

ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે.

1-2 ચમચી જેટલું ચૂનાનું નીતર્યું પાણી દૂધમાં મેળવીને બાળકને રોજ પાવાથી દાંત જલદી ફૂટે છે.

શૈયામૂત્રની તકલીફ વખતે…

રાતે ઊંધમાં પથારી ભીની કરતાં  બાળકોને સૂતા પહેલાં ઠંડા પાણીથી હાથ-પગ ધોવડાવવા અને પેશાબ કરીને સૂવડાવવા.

સૂંઠ, મરી, પીપર, ઇલાયચી અને સિંધવ મીઠાનું 1-1 ગ્રામ મિશ્રણ 5થી 10 ગ્રામ મધ સાથે રોજ આપવું.

 કાળા તલ અને ખસખસ સમાન માત્રામાં મેળવીને રોજ 1-1 ચમચી ચાવીને ખવડાવીને પાણી પિવડાવવાથી લાભ થાય છે.

 કાળા તલ અને અજમો બાળકને સૂતા પહેલાં ખવરાવવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button