તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ : એ સામાન્ય તાવ મગજનો ખતરનાક મલેરિયા હોઈ શકે!

-રાજેશ યાજ્ઞિક

તાજેતરમાં આ 25 એપ્રિલે ‘વિશ્વએ મલેરિયા દિવસ’ ઉજવ્યો. તેનો ઉદ્દેશ્ય આ બીમારી અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેના રક્ષણાત્મક ઉપાયોની લોકોને સમજ આપવાનો રહ્યો છે.

મલેરિયા એક પરોપજીવી રોગ છે જે એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ એનોફિલિસ મચ્છર પ્લાઝમોડિયમ નામના પરોપજીવીનું વાહક છે. જ્યારે આ મચ્છર તમને કરડે છે, ત્યારે પરોપજીવી તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને લાલ રક્તકણોનો નાશ કરવાનું શરૂ કરે છે. આ એનોફિલિસ મચ્છર ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારોમાં જોવા મળે છે.

મલેરિયા ચાર પ્રકારના જોવા મળે છે.
પ્લાઝમોડિયમ વિવેક્સ (પી.વી.) – સૌથી વધુ પ્રચલિત
પ્લાઝમોડિયમ ઓવેલ (પી.ઓ.) – દુર્લભ પ્રકાર
પ્લાઝમોડિયમ મલેરિયા (પી.એમ) – દરેક જગ્યાએ જોવા મળતો નથી
પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ (પી.એફ.) – સૌથી ખતરનાક
આ ઉપરાંત પ્લાઝમોડિયમ નોલેસી એ તાજેતરમાં ઓળખાયો છે અને તે દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળે છે.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : તમે ચાલશો તો તમારું આરોગ્ય સારું એવું દોડશે !

આપણે ત્યાં ભારતમાં બે પ્રકારના મલેરિયા જોવા મળે છે: પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝમોડિયમ વિવેક્સ આ બંને પ્રકાર ખતરનાક છે. જોકે આજકાલ મલેરિયાની સારવાર એકદમ સરળ થઈ ગઈ છે, પરંતુ જો કોઈને પણ મલેરિયા થાય તો એણે ઘણા દિવસો સુધી તકલીફ સહન કરવી પડી શકે છે. આજે આપણે મલેરિયાની ખતરનાક અવસ્થા ગણાતા ‘મગજના મલેરિયા’ વિશે જાણીએ.

મગજ મલેરિયાને ‘સેરેબ્રલ મેલેરિયા’ પણ કહેવામાં આવે છે. આ મલેરિયાનું એક ગંભીર સ્વરૂપ છે, જે આપણા મગજ પર ખરાબ અસર કરે છે. જ્યારે મલેરિયાના પરોપજીવી આપણા મગજમાં નાની રક્ત વાહિનીઓને અવરોધે છે ત્યારે મગજમાં મલેરિયા થાય છે. એના કારણે આપણું મગજ ફૂલી જાય છે અને આપણને સ્ટ્રોક (મગજનો લકવે ) આવી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દી કોમામાં જઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. નાનાં બાળકોની ઇમ્યુનીટી નબળી હોવાના કારણે મગજના મલેરિયાનો ભોગ નાનાં બાળકો વધુ બને છે. આ જ કારણ છે કે બાળકો માટે આ બીમારી ખતરનાક ગણાય છે.

બ્રેન મલેરિયાનાં લક્ષણ
મગજના મલેરિયાનું સૌથી સામાન્ય લક્ષણ ભારે તાવ છે. જો તમને મગજનો મલેરિયા હોય, તો તમને માથાનો તીવ્ર દુખાવો થઈ શકે છે. મગજના મલેરિયાના કેટલાક કિસ્સામાં, હુમલા (સ્ટ્રોક) આવી શકે છે. મગજ પર સોજો પણ આવી શકે છે.

કેવી રીતે બચવું?
આ માટે કેટલાક સરળ પણ મહત્ત્વપૂર્ણ પગલાં છે, જેમ કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, સાંજે સંપૂર્ણ કપડાં પહેરવા, ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું અને સ્વચ્છતા જાળવવી. ઉપરાંત ઘરની અંદર પણ ખૂણેખાંચરે મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની તકેદારી ખાસ લેવી. બાળકને તાવ આવે તો થોડા વધુ સતર્ક રહો, કારણ કે એની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જો બાળકને તાવની સાથે મૂંઝવણ, સુસ્તી અથવા વારંવાર ઊલટી જેવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.
ખુલ્લી ત્વચા ઉપર મચ્છર વિરોધી ક્રીમ લગાવવું એ પણ એક સારો ઉપાય છે. ઉપરાંત જંતુનાશક સારવારવાળી મચ્છરદાની પણ મળે છે. તેનો ઉપયોગ ખૂબ અસરકારક છે. ઘરના દરવાજા અને બારીઓ ઉપર પણ મચ્છર વિરોધી જાળીઓ લગાવી રાખવી જોઈએ.

યાદ રાખો, જો મગજના મલેરિયાનું સમયસર નિદાન થાય તો જીવન બચાવી શકાય છે. મલેરિયાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે ડોકટરો સામાન્ય રીતે મલેરિયા વિરોધી દવાઓની ભલામણ કરે છે માટે મુસાફરી કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે. આમ અસરકારક વ્યવસ્થાપન અને મજબૂત દેખરેખ માટે મલેરિયાનું વહેલું નિદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

રક્ત પરીક્ષણ
ડોકટરો સામાન્ય રીતે મલેરિયા પરોપજીવીઓનાં ચિહ્નો તપાસવા માટે રક્ત પરીક્ષણોનો ઉપયોગ કરે છે. એક ઝડપી નિદાન રક્ત પરીક્ષણ (રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ) જે મલેરિયા પરોપજીવી દ્વારા મુક્ત થતા પ્રોટીનને શોધી કાઢે છે. (આ પરીક્ષણ માટે રક્ત નમૂના અને ચોક્કસ રસાયણો ટેસ્ટ કાર્ડ પર મૂકવામાં આવે છે અને લગભગ 20 મિનિટ પછી, જો વ્યક્તિને મલેરિયા હોય તો કાર્ડ પર વિશિષ્ટ પટ્ટાઓ દેખાય છે).

જોકે, કેટલીક વાર ઓછી ઘનતાવાળા ચેપ શોધી શકતા નથી, તેથી પુષ્ટિ માટે અને પરોપજીવી ઘનતા નક્કી કરવા માટે માઇક્રોસ્કોપી જરૂરી છે. ઝડપી ડાયગ્નોસ્ટિક રક્ત પરીક્ષણ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ મલેરિયાને માઇક્રોસ્કોપિક તપાસ જેટલી અસરકારક રીતે શોધી શકે છે, પરંતુ તે અન્ય પ્લાઝમોડિયમ પ્રજાતિઓને શોધવા માટે પૂરતું વિશ્વસનીય નથી અને એક કરતાં વધુ પ્રકારના મલેરિયાથી સંક્રમિત લોકોને એક સાથે ઓળખતું નથી. આ જ કારણ છે કે જો ઉપલબ્ધ હોય તો, ઝડપી નિદાન પરીક્ષણ અને રક્તની સૂક્ષ્મ તપાસ બંને કરવી જોઈએ.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : ઊંચી એડીના સેન્ડલ્સનો શોખ છે? જાણી લો તેની આડઅસર

મોટાભાગના લોકો મલેરિયાની સારવાર શરૂ કર્યા પછી 24 થી 48 કલાકમાં બહેતર થાય છે, પરંતુ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમથી થતા મલેરિયા સાથેનો તાવ 5 દિવસ સુધી ટકી શકે છે. તીવ્ર મલેરિયાની સારવાર માટે, દવાની પસંદગી, વ્યક્તિની લાક્ષણિકતાઓ, પ્લાઝમોડિયમની ચેપગ્રસ્ત પ્રજાતિઓ, પરોપજીવી પ્રતિકારની શક્યતા પર આધારિત છે.
મલેરિયા સંભવિત રીતે જીવલેણ છે તેથી લોકોની તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. આવા મોટાભાગના કેસની સારવાર મોં દ્વારા દવાથી કરી શકાય છે. જે લોકો તેને મોં દ્વારા લઈ શકતા નથી, તેમને દવા આર્ટેસુનેટ નસમાં આપી શકાય છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button