આરોગ્ય એક્સપ્રેસ: તરસ લાગે ત્યારે પાણી પીવું એ પ્રકૃતિ છે, તરસ વિના પાણી પીવું એ…

-રાજેશ યાજ્ઞિક
ઉનાળો માથે ચડ્યો છે. ગરમી નવા રેકોર્ડ બનાવી રહી છે. સ્વાભાવિકપણે આપણને તરસ પણ વધારે લાગે છે. નિષ્ણાતો જણાવે છે કે, તરસ એ શરીરની એક કુદરતી સંરક્ષણ પદ્ધતિ છે. આ તમારા શરીરનો સંકેત છે કે તમારા શરીરમાં પ્રવાહીનું સ્તર અસંતુલિત છે. આપણું શરીર ઘણા નાના કોષોથી બનેલું છે. દરેક કોષને યોગ્ય રીતે કાર્ય કરવા માટે (અંદર અને બહાર બંને રીતે) સંતુલિત માત્રામાં પ્રવાહીની જરૂર હોય છે.
જ્યારે કોષોની અંદર કરતાં બહાર ઓછું પ્રવાહી હોય ત્યારે તેની ભરપાઈ કરવા માટે દરેક કોષમાંથી પ્રવાહી ખેંચવામાં આવે છે.
પ્રવાહીનો અભાવ તમારા કોષોની મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાની ક્ષમતાને ઘટાડે છે. તેનાથી તમારા શરીરની એકંદર કામગીરીમાં ઘટાડો થવા લાગે છે. સદભાગ્યે, પ્રવાહી પીવાથી તમારા કોષો ફરી ભરાઈ જાય છે અને એ ફરીથી સામાન્ય રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે.
ગરમીની ઋતુમાં બહારના તાપમાનની સાથે શરીરની અંદરનું તાપમાન પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં, શરીરને સ્વસ્થ રાખવા સારા આહારની સાથે પૂરતું પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. પાણી દ્વારા જ આપણા શરીરમાં ખનિજ, વિટામિન્સ, એમિનો એસિડ અને ગ્લુકોઝ શોષાય છે. જો શરીરમાં પાણીની ઊણપ હોય તો સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક ખાવા છતાં તમારા શરીરને પોષક તત્ત્વો મળી શકશે નહીં. આ ઉપરાંત, પાણીની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા એ છે કે શરીરમાં હાજર ગંદકી અને ઝેરી પદાર્થો પેશાબના રૂપમાં દૂર કરવાની જવાબદારી એ નિભાવે છે.
નિષ્ણાતો ભલામણ કરે છે કે દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 2 લિટર એટલે કે લગભગ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : એ સામાન્ય તાવ મગજનો ખતરનાક મલેરિયા હોઈ શકે!
-અને શું તમે પણ પાણીની નિર્ધારિત માત્રા પૂરી કરવા માટે બળજબરીથી પાણી પીઓ છો? તો તો થોભો, વૈજ્ઞાનિકોએ તાજેતરમાં પીવાના પાણી સંબંધિત એક નવું સંશોધન કર્યું છે. સંશોધનમાં કેટલાક વ્યક્તિઓને તરસ ન લાગી હોય ત્યારે પણ પાણી પીવાનું સૂચન કરવામાં આવ્યું, જેથી એમનામાં કોઈ ફેરફાર થાય છે કે નહિ તે જોઈ શકાય. વૈજ્ઞાનિકોએ આ બધા સહભાગીઓ પર ‘ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ’ (એફએમઆરઆઈ) પરીક્ષણો કર્યા અને પાણી પીતી વખતે મગજની ગતિવિધિઓ થતી જોઈ.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ બળજબરીથી પાણી પીવે છે ત્યારે એના જમણા મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ વિસ્તાર અચાનક ઝડપથી સક્રિય થઈ જાય છે, જે સારી બાબત નથી. શરીરમાં પાણીની વધુ પડતી માત્રા ‘હાયપોનેટ્રેમિયા’નું કારણ બની શકે છે. હાયપોનેટ્રેમિયા એટલે એક એવી સમસ્યા છે, જેમાં વ્યક્તિના લોહીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય છે. તેથી એ મહત્ત્વનું છે કે તમે તરસ લાગે ત્યારે જ પાણી પીવો, કારણ કે શરીરને તરસ ત્યારે જ લાગે છે જ્યારે શરીરમાં પાણીની ઊણપ હોય અને શરીરને ખરેખર પાણીની જરૂર હોય. પાણીની જરૂરિયાત અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ હોય છે. કારણ કે તે તમારા શારીરિક શ્રમ અને હવામાન પર આધાર રાખે છે કે તમારે કેટલું પાણી પીવું જોઈએ.
આમ છતાં, ઘણાને વારંવાર તરસ લગતી હોય તેનું શું?
જો તમને પુષ્કળ પ્રવાહી પીધા પછી પણ સતત તરસ લાગે છે તો તમે તેને લગતી ‘પોલિડિપ્સિયા’ બીમારીથી પીડિત હોઈ શકો. ‘પોલિડિપ્સિયા’ એ વધુ પડતી તરસની તબીબી વ્યાખ્યા છે. વધુ પડતી તરસ તમારા શરીરમાં પ્રવાહીના નુકસાનની પ્રતિક્રિયા છે. તેની સાથે મોં સુકાવું (ઝેરોસ્ટોમિયા) અને વારંવાર પેશાબ કરવાની ઇચ્છા પણ થઈ શકે છે. જો તમને સતત તરસ લાગે અથવા પાણી પીધા પછી પણ તરસ ચાલુ રહે તો તમને ડાયાબિટીસ મેલીટસ અથવા ડાયાબિટીસ ઇન્સિપિડસ જેવી ગંભીર તકલીફ હોઈ શકે છે.
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : તમે ચાલશો તો તમારું આરોગ્ય સારું એવું દોડશે !
તરસ લાગવાનાં કારણ : તરસ લાગવા માટે મસાલેદાર અથવા ખારા ખોરાક ખાવા, વધુ પડતું કેફીન અથવા આલ્કોહોલ પીવું, કસરત કરવી અને પુષ્કળ પરસેવો થવો, તાવ, ઝાડા અને ઉલટી જેવાં લક્ષણ સાથે બીમાર હોવું, ગર્ભાવસ્થા અથવા ચોક્કસ પ્રિસ્ક્રિપ્શન દવાઓ જેવાં કારણો હોઈ શકે છે માટે પોતાની તરસનું પણ નિરીક્ષણ કરવું જોઈએ અને જરૂર પડ્યે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
એવું પણ બની શકે કે માત્ર પાણી પીવાથી તમને સંતોષ ન થતો હોય. ત્યારે કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જેવા છે, જેમકે…
જો તમને વારંવાર તરસ લાગે તો રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાનું બંધ કરો. તેના બદલે, ઘડામાંથી પાણી પીવો. ખૂબ ઠંડુ પાણી પીવાથી પણ વારંવાર તરસ લાગે છે. ઉપરાંત, તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો કે જે ખાવાથી તમને ઠંડકનો અનુભવ થાય અને દિવસભર તમારા શરીરમાં પાણીની કમી ન રહે.
કાકડી: કાકડીમાં વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ફાઇબર અને પાણીથી ભરપૂર કાકડી તમને કબજિયાતથી પણ બચાવે છે. ઉપરાંત, તેને ખાધા પછી, લાંબા સમય સુધી તરસ લાગતી નથી.
તરબૂચ: તરબૂચમાં 70 ટકાથી વધુ પાણી હોય છે. માત્ર પાણી જ નહીં, તેમાં વિટામિન સી, વિટામિન એ અને મેગ્નેશિયમ જેવા ઘણાં પોષક તત્ત્વો પણ હોય છે. તે ખાવાથી વજન વધતું નથી અને પેટ પણ ભરાય છે.
સંતરા: સંતરામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. તેમાં લગભગ 90% પાણી હોય છે એટલે જ્યારે પણ તમને ઉનાળામાં શરીરમાં પાણીની ઊણપ લાગે ત્યારે નારંગી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ
શકે છે.
ફુદીનો: ફુદીનાના પાનને પીસીને પાણીમાં ભેળવીને પીવો. આનાથી તમને ઠંડકનો અનુભવ પણ થાય છે અને તરસ પણ લાગતી નથી.
આ બધા ઉપરાંત, દહીંમાં થોડી લીલી એલચી મિક્સ કરીને ખાઓ. આના કારણે, તમને વારંવાર તરસ લાગશે નહીં. આ સિવાય પાણીમાં મધ મિક્સ કરો અને પછી તેનાથી કોગળા કરો. આ તમને વારંવાર તરસ લાગવાથી પણ બચાવે છે. વારંવાર તરસ લાગતી હોય તો તમારા મોંમાં લવિંગ મૂકીને ચૂસો. તેનાથી ખોટી તરસ નહીં લાગે.