તરોતાઝા

ગાંઠને સરળતાથી આમ ઓગાળો

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

માનવીય શરીર એ અદ્ભુત રહસ્ય છે. આપણું શરીર યાત્રા જે રથ પર સવાર થઈને ચાલે છે તેની અંદરની વિશિષ્ટતા આજ પણ અચંબિત કરે છે. માનવ શરીરમાં લગભગ સૌ ટ્રિલિયનથી પણ વધુ કોશિકાઓ છે. સાંઈઠ હજારથી એક લાખ માઈલ લાંબી રક્તવાહિકાઓ છે. સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત હાડકાં છે. આંતરિક અવયવનું કામ એ અકલ્પનીય છે. આ માનવીય શરીરનું કારખાનું અદ્ભુત છે. માનવીય શરીરમાં રોગની ઉત્પત્તિનું કારણ માનવી જ છે. મહેનત અને સમજમાં ઘણાં દોષોને કારણે જ શરીર રોગગ્રસ્ત થાય છે. શારીરિક શ્રમનો અભાવ, ખાનપાન કેમિકલયુક્ત બનવાના કારણે શરીરમાં પ્રોટીનનું પાચન કે મેટાબોલીઝમમાં ખામી આવતા ઘણીવાર શરીરમાં આંતરિક કે બાહ્ય ગાંઠોનો ઉદ્ભવ થાય છે. સામાન્ય ગાંઠો નુકસાન નથી કરતી પણ તેમાં મવાદ કે રસી કે દુ:ખાવાવાળી ગાંઠો કોઈ મોટા રોગની ઉત્પત્તિ જણાવે છે. જે આપણી ચિંતાનું
કારણ છે.

ત્વચાની નીચેની ગાંઠો દુ:ખાવા રહિત હોય છે. જે શરીરના ગરદન, છાતી, પીઠ, પગ, હાથ પર વધુ જોવા મળે છે. જે લિપોમા છે. સામાન્ય ઈલાજથી તે ઓગળી જાય છે. વધુ દુ:ખાવા કે મવાદ કે રસી ભરેલી ગાંઠોનું પરીક્ષણ જરૂરી બને છે. આનો ઈલાજ થોડી સંભાળથી ઠીક થઈ શકે છે. બેદરકારીને કારણે થાય છે ડાયાબિટીસ, લિવરની ખરાબી, કોલેસ્ટ્રોલમાં પણ ઘણીવાર ગાંઠો થાય છે. વધુ ચરબી જમા થાય ત્યારે ઘણીવાર તે ડીપોન્ડીટ થઈ જાય છે.

ગાંઠો ઘણાં પ્રકારની હોય છે. ચરબીની ગાંઠ, સંક્રમણથી થતી ગાંઠ, સિસ્ટ, ત્વચાની ટયૂમર હર્નિયા, મસ્સાની ગાંઠ, કેન્સરની ગાંઠ થાય છે. ગાંઠ કે ટયૂમર ખૂબ જ નાની હોય છે. આસપાસ સોજા વધુ હોય છે. ગાંઠની આસપાસ ત્વચાનો રંગ બદલાઈ જાય છે. ગાંઠો બનવાનાં કારણો અલગ અલગ હોય છે. સાકરનો વધુ પડતો ઉપયોગ, રીફાઈન્ડ તેલ, બેકરી પ્રોડક્ટસ, પીપર, ચોકલેટ, બિસ્કીટનો ઉપયોગ જે લોકો વધુ કરી રહ્યા છે. કેમિકલયુક્ત ખાદ્ય-પદાર્થ, આઈસક્રીમ જે લગભગ કેમિકલથી જ બને છે. વધુ પડતા સોડાના ઉપયોગના કારણોથી ગાંઠ બને છે. અખાદ્ય-પદાર્થોનું શરીરમાં મોટાબોલીઝમ થતું તે ચરબી રૂપે શરીરમાં જમા થઈ જાય છે. જે જગ્યાએ જમા થઈ જાય ત્યાં ગાંઠોનું સ્વરૂપ લે છે.

આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી: તડકામાં સૂકવેલા ખાદ્ય-પદાર્થનો વૈભવ

ગાંઠોનો ઈલાજ કરવો સરળ છે. ચિકિત્સકની સલાહથી કરવો હિતાવહ છે. કયા પ્રકારની ગાંઠ છે અને તેના પરનો કયો ઈલાજ કરવો તે જાણવું જરૂરી છે. નાની ગાંઠોનો ઈલાજ ખાણીપીણીના સુધારથી જ સારી થઈ જાય છે. ગાંઠને ઓગાળવાની વનસ્પતિનો આપણી પાસે ભંડાર છે.

આંકડો: આંકડાનાં કુમળા પાન ખાઈને ગાંઠ ઓગાળી શકાય છે. આંકડાનાં પાનથી સોજા ઓછા થાય અને ગાંઠ ઓગળે છે. પાચનને સુધારે છે. ડાયાબિટિસમાં પણ સારો ઈલાજ છે. આ પાન તીવ્ર છે જેથી આનો ઉપયોગ ધ્યાનથી કરવો કે ચિકિત્સકની સલાહથી કરવો. આંકડાનાં પાનની દાંડીમાંથી દૂધ નીકળે છે તેનાથી મસા ખરી જાય છે. બળતરા થાય છે માટે ધ્યાનથી ઈલાજ કરવો.

ચિત્રક: આ શક્તિશાળી ઔષધ છે. ચરબીની ગાંઠ ઓગળી જાય છે. સોજા દૂર કરે છે. રક્તને શુદ્ધ કરે છે. પેટની અગ્નિને પ્રબળ કરે છે. કોશિકાઓ મજબૂત કરે છે. ખીલની સમસ્યાને દૂર કરે છે.

મકોય: તાકતવર ઔષધિ છે. આંતરડા અને પેટમાં થતી ગાંઠ કે ચરબીની ગાંઠને ઓગાળે છે. શારીરિક કમજોરી, કાનની ગાંઠને ઓગાળે છે.

આ પણ વાંચો:આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર

વિજયક્ષાર: કોલેસ્ટ્રોલની ગાંઠોને ઓગાળે છે. નસોના બ્લોકેજ ખોલે છે. ચરબીને દૂર કરે છે. હાર્ટના મસલ્સ મજબૂત બનાવે છે.

કાલમેઘ: લીવરની ગાંઠો પર રામબાણ છે. રક્તશુદ્ધ કરે છે. ફેટી લીવર પર કામ કરે છે. વીર્યશક્તિ વધારે છે.

કાચું પૈપયું: પ્રોટીનની, કેન્સરની, ચરબીની ગાંઠ પર રામબાણ ઈલાજ છે. પાણી વગરનો શુદ્ધ રસ બેથી ત્રણ ચમચી લેવો જોઈએ. આ સુપર ફૂડ છે. કાચા પપૈયાનું શાક કે સંભારાને જમવામાં સ્થાન આપવું જોઈએ. સસ્તો અને રામબાણ ઈલાજ છે. ઘણીયે બીમારીથી દૂર રાખે છે. શરીરનું પ્રોટીન મજબૂત બનાવે છે તેમજ પ્રોટીનનું પાચન કરે છે.

વડના પાનનું દૂધ કે કાઢો પણ ગાંઠોને ઓગાળવાનું કામ કરે છે. ઑક્સિજન વધારી દે છે.

ગરમાળો: ચરબી ઓગાળવા માટે તેમજ આંતરડાંના શુદ્ધિકરણ માટે આના જેવો કોઈ ઉપાય નથી. ડાયાબિટીસ કે કબજિયાત માટે રામબાણ છે. ગરમીથી બચાવે છે.

કાચનાર: સૌથી પ્રથમ આ ઉપયોગ ગાંઠ તોડવામાં થવો જોઈએ. અતિ શક્તિશાળી છે.

આપણી પાસે આવી અનેક ઔષધિયો હાજર છે. ખાનપાનમાં સુધાર સાથે આ ઔષધનું સેવન કરવું જોઈએ. ખરાબ વ્યસનો, ચહા-કોફી, ચોકલેટ, અન્ય કેફીન પદાર્થો, સમય વગરનું ભોજન, શ્રમનો અભાવ. પાચન માટેની દવાઓ, સ્ત્રીઓ પીરિયડ માટેની દવાઓ, બજારૂ પાણીપુરી, હોટલનું ભોજન, કેમિકલયુક્ત આઈસક્રીમ કે ગોલા વગેરે આપણાં શરીરને હાનિ પહોંચાડે છે. સમય રહેતા સુધાર જરૂરી છે. દવાઓ નહિ, ગાંઠો પર લગાડવાની ઔષધિ પણ ઘણી છે. કેમિકલવાળી દવાઓનો ઉપયોગ ન કરવો. આપણી ઔષધિ એ પાવરફૂલ છે. આહારમાં વિટામિન-સીનો ઉપયોગ ગાંઠો બનતી રોકે છે. લીલા પાંદડાવાળી વનસ્પતિ ગાંઠો બનવા દેતી નથી. સિઝનની પાંદડાવાળી ભાજીનો ઉપયોગ વધારી દેવો. પાચનશક્તિ વધારવી. ઠંડા પાણીનો નેપકીન પેટ ઉપર રાખવો. આપણી સજાગતા જ રોગથી દૂર રાખે છે. ઔષધિના કાઢા બનાવીને પણ રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકાય છે. ચહા-કોફીની જગ્યા આ કાઢામાં મરી – એલચી – લવિંગના ઉપયોગથી કાઢા બનાવી લેવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button