તરોતાઝા

મારું પોતાનું અર્થતંત્રઃ પૈસા ને લક્ષ્મી વચ્ચેનો તફાવત…

ગૌરવ મશરૂવાળા

મા લક્ષ્મીના ઉપાસક હોવું અને પૈસાદાર હોવું એ બન્નેમાં ફરક છે. લક્ષ્મીદેવી પોતાની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે પૈસો વ્યાધિ નોતરે છે.

લક્ષ્મીના ઉપાસક હોવું એ તો ગર્વ લેવા જેવી વાત છે. સાત્ત્વિક રીતે કમાયેલી સંપત્તિ મા લક્ષ્મીનું સ્વરૂપ છે. જાત મહેનતથી કમાયેલો પૈસો સાત્ત્વિક છે. મજૂર રાત્રે શાંતિથી ગાઢ નિદ્રા લઈ શકે છે કેમ કે પૈસા કમાવા માટે એણે પોતાનો પરસેવો પાડ્યો છે.

પૈસા આપણે મહેનત ઉપરાંત ઈમાનદારીથી કમાયા હોય તે પણ એટલું જ મહત્ત્વ છે. જો પૈસા કમાવા માટે આપણે કુદરતના કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમાંથી શાંતિ નહીં મળે. દાણચોર, અંધારીઆલમના ડોન કે ભ્રષ્ટ રાજકારણી પાસે પૈસો હશે પણ માનસિક શાંતિ નહીં હોય. તેઓ જાણતા હોય છે કે તેમણે કાયદા તોડ્યા છે અને તંત્રમાં છીંડા પાડ્યાં છે. તેમને સતત પકડાઈ જવાનો ડર હોય છે. તેઓ માનસિક શાંતિનો અનુભવ કરી શકતાં નથી તેનું કારણ આ જ.

કરચોરી કરીને કે અધિકારીઓને લાંચ આપીને એકઠો કરેલો પૈસો જીવનમાં અશાંતિ પેદા કરે છે. એ જ રીતે, કાવાદાવા કરીને પૈસા કમાવવા, કોઈને ડરાવવા-ધમકાવવા, બીજાઓના મનમાં અદેખાઈ જગાડવા પૈસાનો દેખાડો કરવો, કોઈનું અપમાન કરવું- આ સઘળું મનમાં ખલેલ પેદા કરે છે.

સાદી દવાથી ઈલાજ થઈ શકતો હોવા છતાં ડૉક્ટર દર્દીને ભરમાવીને એની મોંઘીદાટ સર્જરી કરે તે ગેરરીતિનું ઉદાહરણ છે. મેં વચ્ચે એવાં કિસ્સા સાંભળ્યા હતા જેમાં ટ્રાવેલ એજન્ટો પ્રવાસની તારીખ સાવ પાસે આવી જાય ત્યાં સુધી લોકાના પાસપોર્ટ દબાવી રાખીને એમની પાસેથી પૈસા પડાવવાની યુક્તિ અજમાવતા હોય છે. મેં એવુંય સાંભળ્યું છે કે અમુક એકાઉન્ટિંગ કન્સલ્ટન્ટ પોતાના ક્લાયન્ટને એવું કહીને ડરાવતા હોય છે કે જો તમે ઈન્કમ ટૅક્સ અધિકારીને પૈસા નહીં ખવડાવો તો તમારા ઘર પર દરોડા પડશે. આવો પૈસો માનસિક શાંતિ આપી શકતો નથી.

પાછલા દરવાજેથી અંદર પ્રવેશતો પૈસો ઘરમાં તામસિક માહોલ ખડો કરી દે છે. તામસિક તાસીર ધરાવતો પૈસો આધિ, વ્યાધિ અને ઉપાધિને આમંત્રણ આપે છે. હાથપગ હલાવ્યા વગર માત્ર ઊંધાચત્તા કામ કરીને કમાયેલું નાણું માણસને ઐયાશ બનાવી દે છે. ઐયાશી લાંબા ગાળે માણસને શારીરિક અને માનસિક સ્તરે નુકસાન પહોંચાડે છે. આવાં ઘરોમાં કલહ-કંકાસ થતાં રહે છે અને સમાજ સામે નીચાજોણું થાય છે.

આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવી ભૂમિ પર જન્મ્યા છીએ જ્યાં ઋષિમુનીઓએ સહસ્ત્રાબ્દીઓ પહેલાં પોતાની દીર્ઘદૃષ્ટિથી આજની પરિસ્થિતિની કલ્પના કરી લીધી હતી. તેથી તેમણે શાસ્ત્રો રચીને આપણને પૈસો અને શુદ્ધ સંપત્તિ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. શુદ્ધ સંપત્તિને લક્ષ્મી દેવીનો દરજ્જો આપવામાં આવ્યો અને આપણને એનો આદર કરતાં શીખવવામાં આવ્યું.

લક્ષ્મીના ઉપાસક હોવું એ તો ગર્વની વાત છે. જો માણસ પૈસાદાર બની ગયો હોય, પણ પૈસાનો આદર કરતાં નહીં શીખ્યો હોય તો તે સ્થિતિ ચિંતાજનક ગણવી જોઈએ.
નોંધ: સાત્ત્વિક, રાજસિક અને માનસિક મનની જુદીજુદી અવસ્થાઓ છે. સમતા ધરાવતી માનસિક અવસ્થા સાત્ત્વિક ગણાય. રાજસિક એટલે મનની એવી સ્થિતિ જેમાં ટૂંકા ગાળા માટે તાજગી કે પ્રસન્નતા અનુભવાતી હોય. તામસિક એટલે મનની ઉદાસીન અવસ્થા. ભગવદ્ગીતાના સત્તરમા અને અઢારમા અધ્યાયમાં આ ત્રણેય માનસિક અવસ્થાઓની લાક્ષણિકતાઓ વિશે વિસ્તૃતપણે વર્ણન કરવામાં આવ્યું છે. આ અવસ્થાઓ આપણા ગુણ પ્રદર્શિત કરે છે.

સત્ત્વ: શુદ્ધ અને સ્થિર મન માણસને સુખ અને જ્ઞાન તરફ દોરી જાય છે.
રજસ: રાજસિક મન સંબંધો અને બંધન ઝંખે છે. આવું મન માણસને આ લાગણીઓ સંતોષાય તેવાં પગલાં ભરાવે છે. આખરે વ્યક્તિએ તેનાં પરિણામો ભોગવવા પડે છે.

તમસ: તમસ એટલે અંધકાર. તામસિક મન નીરસ અને ઉદાસીન હોય છે, જેની અભિવ્યક્તિ બેદરકારી, નિષ્ક્રિયતા, આળસ અને નિદ્રાનાં સ્વરૂપમાં થાય છે.

સત્ત્વ પ્રભાવશાળી હોય તો માણસ પ્રસન્નતા અનુભવે, તેનું વ્યક્તિત્વ ગુણોથી શોભી ઊઠે અને એ જ્ઞાનસંપન્ન બને. રજસ પ્રભાવશાળી હોય તો માણસ વધારે પડતો સક્રિય રહે. મહત્ત્વાકાંક્ષાઓ તેમ જ ઈચ્છાઓની પાછળ દોડયા કરે અને આખરે આ બધાના પરિણામે ઉદ્ભવતી વેદના ભોગવે. મન પર જ્યારે તમસનું પ્રભુત્વ હોય ત્યારે માણસ આળસુ, પ્રમાદી અને અજ્ઞાની બને, સાચા-ખોટા વચ્ચેનો ભેદ પારખી ન શકે. ગમગીન રહે, આશાનો લોપ થાય જેની પ્રતિક્રિયારૂપે એ ક્રૂરતા સુધ્ધાં આચરી બેસે.

આ પણ વાંચો…આપણું FII કોણ કહેવાય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button