વસિયતનામું બનાવતી વખતે આવી ભૂલો અચૂક ટાળવી…

ફાઈનાન્સના ફંડા – મિતાલી મહેતા
આ દસ્તાવેજ ઘણો મહત્ત્વનો છે. આ વિશે આપણે આ કોલમમાં પ્રારંભિક વાતો કરી છે. જોકે, વીલ તૈયાર કરતી વખતે કોઈ ભૂલ ન થાય એ જોવું-જાણવું જરૂરી છે. આવી અમુક સામાન્ય ભૂલો વિશે અહીં જાણીએ, જેમકે…
સામાન્ય રીતે લોકો પોતાની ઍસેટ્સ કોને વહેંચવી એના વિશે લખતા હોય છે, પરંતુ પોતાની પાસે કુલ કેટલી ઍસેટ્સ છે એના વિશે ફોડ પાડીને કંઈ લખતા નથી. વાસ્તવમાં અલગ અલગ પ્રકારની કઈ ઍસેટ પોતાની પાસે છે એ લખવું જરૂરી છે.
ઉદાહરણ તરીકે, સોનું; લખ્યું હોય તો સોનું કેટલા ગ્રામ છે એ લખવું જોઈએ, જમીન’ લખ્યું હોય તો જમીન ક્યાં છે અને કેટલા ક્ષેત્રફળની છે એ, પણ જણાવવું જરૂરી છે. જો `શેર’ હોય તો વસિયતનામું બનાવતી વખતે કઈ કંપનીના કેટલા શેર છે એ લખવું જોઈએ, વગેરે.
જેમને મિલકત આપવાની છે એ વ્યક્તિ સગીર વયની હોય તો એના માટે વાલી (ગાર્ડિયન)ની નિમણૂક કરવી જરૂરી છે.ગાર્ડિયન નહીં નીમવાની ભૂલ પણ ઘણા લોકો કરતા હોય છે.
નવું વસિયતનામું બનાવતી વખતે અગાઉ જેટલાં પણ વસિયતનામાં બનાવ્યાં હોય તો એ રદ કરવાને લગતી જાહેરાત લોકો કરતા નથી. એમ તો, વસિયતનામું જે છેલ્લે બનાવાયું હોય એ જ લાગુ પડે છે, પરંતુ નવું વસિયતનામું બનાવતી વખતે સલામતી ખાતર ડિક્લેરેશન કરી લેવું જોઈએ કે `અગાઉનાં તમામ વસિયતનામાં રદબાતલ કરવામાં આવે છે.
આ જ રીતે, ઍસેટ્સમાં થતા ફેરફારની નોંધ કરાતી નથી. અમુક ઍસેટ્સમાં સમયાંતરે વધ-ઘટ થતી હોય છે. આથી વસિયતનામામાં એ ફેરફારોની પણ નોંધ કરી લેવાની તકેદારી લેવાવી જોઈએ.
હવે એ જાણીએ કે `પ્રોબેટ’ એટલે શું?
વસિયતનામાનું પ્રોબેટ એટલે અદાલતે આપેલું વસિયતનામાની સચ્ચાઈનું પ્રમાણપત્ર. વસિયતનામાના અમલની પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રોબેટ જરૂરી હોય છે. મિલકતની યાદી તથા વસિયતનામાની નકલ સાથે અદાલતમાં અરજી કરીને પ્રોબેટ મેળવી શકાય છે. ટેસ્ટેટરે વ્યક્ત કરેલી ઈચ્છા અનુસાર મિલકતની વહેંચણી કરવા માટેની વિનંતી એમાં કરવાની હોય છે.
અદાલત પ્રોબેટ આપે એટલે કે વસિયતનામાને પ્રમાણિત કરે ત્યારે એક્ઝિક્યુટરે વસિયતનામાનો અમલ કરવા માટે આવશ્યક પગલાં ભરવાનાં હોય છે.
અહીં જણાવવું રહ્યું કે પ્રોબેટ દર વખતે જરૂરી હોતી નથી. જ્યારે સ્થાવર મિલકતની વહેંચણી કરવાની હોય અથવા ઘણું ઊંચું મૂલ્ય ધરાવતી ઍસેટની વહેંચણી કરવાની હોય ત્યારે પ્રોબેટનું મહત્ત્વ વધી જાય છે, કારણ કે તેના આધારે જ ટાઇટલના માલિકનું નામ બદલવામાં આવે છે અને ભવિષ્યમાં કોઈ વાદ-વિવાદ ઊભો થાય નહીં એ સુનિશ્ચિત કરી શકાય છે. પ્રોબેટ મારફતે ઍસેટ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે વારસદારોને હકપૂર્વક ટાઇટલ મળી જાય છે.
જો પ્રોબેટની સામે કોઈ વાદ ઊભો કરવામાં આવે નહીં તો સમગ્ર પ્રક્રિયા છથી બાર મહિનામાં પૂરી થઈ જાય છે. જો કોઈ વાંધો વચકો ઊભો થાય તો આખી પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ બની જાય છે. પ્રોબેટ અદાલત મારફતે થતી હોવાથી એનો દસ્તાવેજ જાહેર બની જાય છે અને કોઈ પણ વ્યક્તિ સંબંધિત વસિયતનામું જોઈ
શકે છે.
વસિયતનામાનું રજિસ્ટે્રશન
અહીં ખાસ જણાવવાનું કે વસિયતનામાનું રજિસ્ટે્રશન ફરજિયાત નથી. ટેસ્ટેટર માટે એ વૈકલ્પિક માર્ગ છે. જો એનું રજિસ્ટે્રશન કરાવવામાં આવે તો એ પુરાવો સરકારી ચોપડે નોંધાઈ જાય છે અને એમાં કોઈ પણ ઘાલમેલ થઈ શકતી નથી.
અહીં એ પણ જણાવવાનું કે રજિસ્ટે્રશન કરાવ્યા પછી પણ ટેસ્ટેટર ધારે ત્યારે પોતાના વસિયતનામામાં ફેરફાર કરાવી શકે છે. જ્યારે એ નવું વસિયતનામું બનાવે ત્યારે અગાઉનાં બધાં વસિયતનામા આપોઆપ રદબાતલ થઈ જાય છે.
વસિયતનામું રજિસ્ટર કરાવતી વખતે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડતી નથી, ફક્ત રજિસ્ટે્રશન ફી ભરવાની હોય છે. પોતાના વસિયતનામાનું રજિસ્ટે્રશન કરાવવા જાતે સબ-રજિસ્ટ્રારના કાર્યાલયમાં જવું પડે છે.
વસિયતનામું રજિસ્ટર કરાવવાના ફાયદા
1) વસિયતનામું સાચું છે એ પુરવાર કરવા માટે રજિસ્ટે્રશન અત્યંત ઉપયોગી બાબત છે. રજિસ્ટર કરાવાયેલા
વસિયતનામાને પડકારવાનું ઘણું મુશ્કેલ હોય છે, કારણ કે ટેસ્ટેટરે પોતે સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં જઈને રજિસ્ટે્રશન કરાવેલું હોય છે. વસિયતનામું રજિસ્ટર કરાવાયેલું હોય તો એની ખરાઈ કરાવવા માટે સાક્ષીને બોલાવવાની પણ જરૂર પડતી નથી.
2) જો વસિયતનામાના મૂળ દસ્તાવેજમાં કોઈ ઘાલમેલ કરવામાં આવી હોય તો એને સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં ઉપલબ્ધ નકલ સાથે સરખાવી શકાય છે. આમ, કોઈ પણ ગરબડ થઈ હોય તો પકડાઈ જાય છે.
3) વસિયતનામાનો મૂળ દસ્તાવેજ ઘરમાંથી ક્યાંક ખોવાઈ ગયો હોય કે કોઈ કારણસર એનું અસ્તિત્વ ન હોય તો સબ-રજિસ્ટ્રારની ઑફિસમાંથી એની સર્ટિફાઇડ કોપી મેળવી શકાય છે.
4) લીઝહોલ્ડ પ્રોપર્ટી સંબંધે વસિયતનામું બનાવવામાં આવ્યું હોય તો પ્રોબેટ પ્રાપ્ત કરતાં પહેલાં મ્યુટેશન રજિસ્ટરમાં એન્ટ્રીમાં સુધારો કરાવવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.
અહીં એ પણ જણાવવું જરૂરી છે કે રજિસ્ટર્ડ વસિયતનામાની ચકાસણી બીજી કોઈ વ્યક્તિ કરી શકતી નથી. ટેસ્ટેટર પોતે જ એની પ્રમાણિત નકલ મેળવી શકે છે. એમના મૃત્યુ પછી એમના પરિવારના સભ્ય કે એક્ઝિક્યુટરની ઓળખની ખાતરી થયા બાદ એમને નકલ મળી શકે છે.
વસિયતનામાને પડકાર
વસિયતનામું દબાણ હેઠળ, દગાબાજીથી કે અનુચિત પ્રભાવ નાખીને અથવા ટેસ્ટામેન્ટરી કેપેસિટી કે આશય ન હોવા છતાં બનાવવામાં આવ્યું છે એવી શંકા હોય ત્યારે વસિયતનામાને અદાલતમાં પડકારી શકાય છે.
વસિયતનામાનું અયોગ્ય રીતે એક્ઝિક્યુશન થયું છે એવી શંકાના આધારે પણ પડકારી શકાય છે. ધારો કે, વસિયતનામા પર ઓછામાં ઓછા બે સાક્ષીની સહીની જરૂર હોય છે. જો એ ન હોય તો એને પડકારી શકાય છે.
વસિયતનામા વિશે આપણે આટલી અગત્યની વિગતવાર વાત કરી લીધા બાદ હવે આશા રાખીએ કે વાંચકો
સત્વરે પોતપોતાનું વસિયતનામું બનાવી લેશે.