પ્લોટ 16 - પ્રકરણ -1
તરોતાઝા

પ્લોટ 16 – પ્રકરણ -1

શહેરમાં આવેલી આ વનરાજી દિવસે જેટલી રળિયામણી લાગે રાતે એટલી જ બિહામણી. રસ્તાની બન્ને બાજુ અંધકાર હતો. અંધારાનો અજગર કાર સાથે જ તેને ઓહિયાં કરી જશે એવા ખયાલથી ભયનું લખલખું તેના શરીરમાંથી
પસાર થઈ ગયું અને…

યોગેશ સી. પટેલ

‘હે ભગવાન! શૉર્ટ કટના ચક્કરમાં નરકના માર્ગ પર આવી ગયો!’

કાર ડ્રાઈવ કરનારા સોહમ મામતોરાની નજર અંધારિયા રસ્તા પર હતી, પણ મગજમાં દોડતા વિચિત્ર અને ડરામણા વિચારોને કારણે તેનું ધ્યાન વારંવાર ભટકી રહ્યું હતું. કાર ચલાવવામાં તે એકાગ્રતા જાળવી શકતો નહોતો.

પત્ની જિજ્ઞાની સૂચના તેને યાદ આવી ગઈ: ‘થોડું મોડું થશે તો ચાલશે, પણ જેવીએલઆરથી આવજો!’

સોહમ જાણતો હતો કે પત્નીની આ સૂચનામાં ભારોભાર ચિંતા હતી, પણ ઘરે પહોંચવાની ઉતાવળમાં તેણે પત્નીની વાતને અવગણી હતી.

અંધેરી નજીકના મરોલ પરિસરમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ મિત્રના ખબરઅંતર જાણવા ગયેલા સોહમને ખાસ્સું મોડું થઈ ગયું હતું. જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ (જેવીએલઆર) પરના ટ્રાફિકની સ્થિતિ જાણવા તેણે ગૂગલ મેપમાં નજર કરી. મેટ્રો ટ્રેન માટેના પિલર પર ગર્ડર ગોઠવવાના કામને કારણે ભારે ટ્રાફિકજામ હોવાનું મેપમાં દર્શાવાયું હતું. એટલે સોહમે મનમાં ભય છતાં આરે કૉલોનીના માર્ગે જવાની હિંમત કરી હતી અને એ વાતની જાણ પત્નીને કરવાનું જાણીજોઈને તેણે ટાળ્યું હતું.

સોહમની કાર આરેના જંગલમાં દિનકર રાવ દેસાઈ રોડ પર પિકનિક પૉઈન્ટથી આગળ વધી રહી હતી. ગાઢ જંગલમાંથી ગોરેગામ તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પહોંચવા માટેનો આ એકમાત્ર મુખ્ય માર્ગ.

સોહમે કાંડાઘડિયાળમાં જોયું: ‘બાર વાગીને ચાલીસ મિનિટ…’

જંગલમાં છૂટાં ફરતાં હિંસક પ્રાણીઓ અને રાતના સમયે દેખાતાં ભૂત-પિશાચની વાતો સોહમને યાદ આવવા લાગી.

‘ગીચ જંગલ વચ્ચેના સૂમસામ માર્ગ પર એકલી ફરતી સફેદ સાડીવાળી સ્ત્રી… વાહન રોકી લિફ્ટ માગે… પછી એકાએક ગાયબ! ક્યારેક બાળકના રડવાનો અવાજ પણ સંભળાય…’ વિચાર માત્રથી ઍરકન્ડિશન્ડ કારમાં પણ તેના કપાળ પર પ્રસ્વેદનાં બિંદુ ફૂટી નીકળ્યાં. હાથ આછા ભીના થવા લાગ્યા અને ડરથી પગ ધ્રુજારી અનુભવવા લાગ્યા. એક્સિલરેટર પરના પગે સાથ આપવાનું બંધ કર્યું હોય તેમ સોહમ કારની ગતિ વધારી શકતો નહોતો. તેણે સ્ટિયરિંગ પરની પકડ વધુ મજબૂત કરી.

કારમાં હવે તેને ગૂંગળામણનો અનુભવ થવા લાગ્યો. મન બીજે વાળવા પત્નીને ફોન કરવાનું વિચાર્યું. કાર ડ્રાઈવ કરતાં કરતાં કૉલ કરવા માટે તેણે મોબાઈલ હાથમાં લીધો, પણ નેટવર્ક નહોતું.

‘જંગલ પરિસરમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા હોવા સ્વાભાવિક છે.’ તેણે વિચાર્યું.

તેણે બે વાર મોબાઈલ પર નજર ફેરવી. ‘આ સાલું નેટવર્ક…’ બબડી ગુસ્સામાં ફોન બાજુની સીટ પર ફેંક્યો અને ખુલ્લી હવામાં શ્ર્વાસ લેવા દરવાજાનો કાચ નીચે કર્યો. કાર હવે પમ્પ હાઉસ પસાર કરી ચૂકી હતી.

‘શહેરમાં આવેલી આ વનરાજી દિવસે જેટલી રળિયામણી લાગે રાતે એટલી જ બિહામણી.’ સોહમની નજર કાર બહારના દૃશ્ય પર હતી.

રસ્તાની બન્ને બાજુ અંધકાર છવાયેલો હતો. કંઈ પણ સ્પષ્ટ જોવું મુશ્કેલ હતું. અંધારાનો અજગર કાર સાથે જ તેને ઓહિયાં કરી જશે, એવા ખયાલથી ભયનું લખલખું તેના શરીરમાંથી પસાર થયું અને બ્રેક પરના પગનું દબાણ વધ્યું. એકાએક બ્રેક મારવાને કારણે ટાયર ઘસાવાનો અવાજ આવ્યો. આ અવાજ તેને સ્ત્રીની ચીસ જેવો લાગ્યો… અચાનક હૃદયના ધબકારા વધવા લાગ્યા અને શ્ર્વાસની ગતિ વધી. તેણે તરત ગિયર બદલીને એક્સિલરેટર દબાવ્યું. ઝાટકા સાથે કાર આગળ વધી.

આગળ રસ્તા પર એકલદોકલ વાહન પસાર થતાં હતાં. સોહમે કારના રિઅર વ્યૂ મિરરમાં જોયું. પાછળ એકેય વાહન નહોતું. તેણે કારની સ્પીડ વધારવાનો પ્રયાસ કરવા ફરી ગિયર બદલ્યું.
કાર આરેના યુનિટ-16 નજીક પહોંચી ત્યારે એકાએક મોબાઈલ રણક્યો. નેટવર્કની રેન્જમાં આવતાં ફોન કનેક્ટ થયો હતો. ધ્રૂજતા હાથે સોહમે મોબાઈલ હાથમાં લીધો. કૉલ જિજ્ઞાએ કર્યો હતો. કૉલ રિસીવ કરતી વખતે સોહમે સામે જોતાં જ કારની આગળ એક પડછાયો દેખાયો.

ચોંકી ઊઠેલા સોહમના મોંમાંથી શબ્દો સરી પડ્યા: ‘એએએ… કોણ છે?’ ભયથી કાંપતાં તે બોલી ઊઠ્યો: ‘ભૂભૂભૂત…’

હવે આંખો પહોળી થવાની સાથે સોહમ જાણે શ્ર્વાસ લેવાનું ચૂક્યો. ભયના માર્યા એક્સિલરેટર પરનો પગ પૂરી તાકાતથી દબાયો એટલે કાર બેફામ બની. એ જ ઘડીએ હાથમાંથી છટકીને પગ પાસે પટકાયેલો મોબાઈલ બંધ થઈ ગયો અને સોહમે કાર પરનો કાબૂ ગુમાવવા માંડ્યો. ડરથી હાથ-પગ-મગજ વચ્ચેનું કો-ઑર્ડિનેશન જાણે તૂટ્યું. વનીચા પાડા ક્રોસ રોડની આગળ જઈ કાર મુખ્ય રસ્તા પરથી નીચે ઊતરીને ઝાડીઝાંખરાં વચ્ચે ઘૂસી. પાછળ કોઈ વાહન ન હોવાથી આ ઘટનાને જોનારું અને પોલીસને જાણ કરનારું પણ કોઈ નહોતું…


‘દારૂ ઢીંચીને કાર ચલાવતો હશે… અરે, ના… ના… ભૂત જોયું હશે એટલે ડરથી મરી ગયો… ભટકતો આત્મા એનો જીવ લઈ ગયો… આ કંઈ પહેલો શિકાર નથી… આવું વારેઘડીએ બને છે… કલેજું કઠણ ન હોય તો રાતે જંગલથી પસાર શું કામ થાય છે આ લોકો?’

આરેમાં કોઈ ઘટના બને કે કોઈનું અકાળે મૃત્યુ થાય તો રહેવાસીઓમાં સૌપ્રથમ આવી જ ચર્ચાઓ ફૂટી નીકળે. મોબાઈલ પર વાત કરતી વખતે પત્ની જિજ્ઞાને સોહમના અસ્પષ્ટ શબ્દો સંભળાયા પછી કૉલ કટ થઈ ગયો હતો. બેચેન જિજ્ઞાએ પછી સોહમના મોબાઈલ પર વારંવાર કૉલ કર્યા હતા, પરંતુ નેટવર્કની સમસ્યાને કારણે સંપર્ક થઈ શક્યો નહોતો.

સોહમ છેલ્લે ‘ભૂત…’ બોલ્યો હોવાનું જિજ્ઞાને ફોન પર સંભળાયું હતું એટલે તેને અણસાર આવી ગયો હતો કે સોહમ આરેના માર્ગે નીકળ્યો હશે… પણ કૉલ કટ થયા પછી તેણે ફરી ફોન કેમ ન કર્યો? શું થયું હશે? કોઈ મુસીબતમાં તો નથી ફસાયોને? એવા બિહામણા વિચારો તેના મનમાં આવતા હતા. વિચારોની ગડમથલમાં જિજ્ઞાએ થોડો સમય ઉચાટ જીવે વિતાવ્યો. આખરે ધીરજ ખૂટતાં તેણે પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી મદદ માગી હતી.

પોલીસ ક્ધટ્રોલ રૂમમાંથી વાયરલેસ મશીન પર મેસેજ ફરવા લાગ્યો, પણ પોલીસ કોઈ ઍક્શન લે તે પહેલાં આછા ઉજાસમાં પણ એક બાઈકસવારની નજર ઝાડીઝાંખરાં વચ્ચે ફસાયેલી કાર પર પડી અને તેણે પોલીસને જાણ કરી હતી.

મેસેજ મળતાં જ સબ-ઈન્સ્પેક્ટર બંડગરના નેતૃત્વમાં આરે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હંમેશ મુજબ લાશ મળ્યાની વાત ફેલાતાં ગામવાસીઓ અને જંગલમાંથી પસાર થનારાઓ જમા થઈ ગયા અને ભૂત-પિશાચની ચર્ચા કરવા લાગ્યા હતા.

‘રાતનો સમય ભૂતોનો ગણાય… એ કાળમાં જંગલમાંથી પસાર શા માટે થવાનું? ભરજુવાનીમાં જ ભૂતે ભોગ લીધોે.’

ઘટનાસ્થળે એકઠા થયેલા ગામવાસીઓનાં આવાં વાક્યો સાંભળી આરે પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરનું મગજ છટક્યું. તેણે કોન્સ્ટેબલ નામદેવ દળવીને આદેશ આપ્યો: ‘દળવી, બધાને અહીંથી દૂર ખસેડ અને પંચનામાની તૈયારી કર.’
આરેના જંગલમાં કોઈ વ્યક્તિનું શબ મળે એટલે ત્યાંથી પસાર થનારા અને સ્થાનિક રહેવાસીઓમાં ભૂત-પિશાચની વાતો ચર્ચાવા લાગે. આરે પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ માટે આ નવાઈની વાત નહોતી, પણ મડદા નજીક ઊભા રહીને આવી ધડ-માથા વિનાની વાતો કરનારાઓનાં મોં બંધ થતાં નહોતાં એટલે બંડગરે નાછૂટકે આકરા બનવું પડ્યું.

‘ચ્યા માયલા એ… કાય તમાશા લાવલાય…’ લાકડી જમીન પર પછાડી દળવીએ કરડાકીભર્યા અવાજે કહ્યું: ‘નીકળો અહીંથી. કોઈ કામ નથી કે? પોલીસને તેમનું કામ કરવા દો!’

દળવીના બદલાયેલા હાવભાવ જોઈ લોકો વીખેરાવા લાગ્યા. આમ તો દળવી મૃદુભાષી હતો અને નાગરિકો સાથે હળીભળી જતો, પણ આવી સ્થિતિમાં સંજોગો અનુસાર વર્તનમાં બદલાવ જરૂરી હોય છે.

સામાન્ય પોલીસ કર્મચારીઓ કરતાં દળવી કદે પાતળો હતો, જેને કારણે શારીરિક બાંધા કરતાં તેની મૂછ જાડી દેખાતી હતી. તેની યાદશક્તિ ઘણી જ તેજ હતી.

અકસ્માતગ્રસ્ત કારમાંથી મળેલા દસ્તાવેજો પરથી મૃતદેહ સોહમ મામતોરાનો હોવાની ખાતરી થઈ એટલે પોલીસે તેની પત્ની જિજ્ઞાને માહિતી આપી હતી. જરૂરી કાર્યવાહી કરી શબ પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલી ટીમ પાછી પોલીસ સ્ટેશને પહોંચી.

‘ચ્યા માયલા… રવિવારી પન આરામ નાહીં!’ રજાના દિવસે ડ્યૂટી પર આવવું પડ્યું એની દળવીને દાઝ હતી.

‘આજે ડ્યૂટી પર?’ કોન્સ્ટેબલ સૂરજે લુચ્ચા હાસ્ય સાથે અમસ્તા દળવીને પ્રશ્ર્ન કર્યો.

‘અરે યાર! સાહેબ આવ્યા એટલે મારે આવવું પડ્યું!’

આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડનો ઑર્ડરલી અને વિશ્ર્વાસુ કોન્સ્ટેબલ હતો દળવી. કોઈ પણ ઘટના બને ત્યારે ગાયકવાડ સાથે દળવીએ પણ દોડી જવું પડતું. છેલ્લાં પાંચ વર્ષથી તેની ડ્યૂટી આરે પોલીસ સ્ટેશનમાં હતી એટલે આરેનાં લગભગ દરેક યુનિટના આગેવાનો તેને ઓળખતા. આરેના જંગલ પરિસરમાં અલગ અલગ ઠેકાણે લોકવસતિ છે. આ મહોલ્લા-ફળિયાને પાડા તરીકે ઓળખવામાં આવે છે.

‘ચાલ, ચા-નાસ્તો કરીએ.’ દળવી અને સૂરજ પોલીસ સ્ટેશનનાં પગથિયાં ઊતરી રસ્તાની સામેની દિશામાં આવેલા આરે સરીતાના સ્ટૉલ તરફ આગળ વધ્યા.

‘ન રજાનાં ઠેકાણાં કે ન તો સૂવા-ખાવાનાં… આ નોકરી હવે આફત લાગવા લાગી છે!’

રસ્તો ઓળંગતાં દળવીએ સૂરજ સામે બળાપો ઠાલવ્યો, પણ એ નહોતો જાણતો કે અણધારી મોટી આફત આસમાનથી આવવાની તૈયારીમાં હતી અને એ ઘટના પછી માત્ર આરે નહીં, દેશઆખો હચમચી ઊઠવાનો હતો…


વિલેપાર્લેના પવનહંસથી મુંબઈ દર્શન માટે ઊડેલું હેલિકૉપ્ટર દક્ષિણ મુંબઈના આકાશમાં આંટો મારીને ગોરાઈ બીચની દિશામાં જઈ રહ્યું હતું. હેલિકૉપ્ટર પવઈ નજીક પહોંચ્યું ત્યારે પાઈલટને તેમાં ખામી જણાઈ. એન્જિન યોગ્ય રીતે કામ કરતું ન હોવાનું પાઈલટને લાગ્યું. પાઈલટ અને હેલિકૉપ્ટરમાં હાજર ટેક્નિશિયનના પ્રયત્નો છતાં હેલિકૉપ્ટરમાં કોઈ સુધાર ન થયો.

આખરે પાઈલટે ઍર ટ્રાફિક ક્ધટ્રોલ (એટીસી)ને હેલિકૉપ્ટરની સ્થિતિ અંગે જાણ કરી મદદ માગી. ઍરપોર્ટ પર આવતાં વિમાનો કે હેલિકૉપ્ટરના ઉડ્ડયન અને ઉતરાણનું સંચાલન કરવું, તેમના વ્યવહારનું નિયમન કરવું અને કટોકટીના સમયે પૂરતી મદદ કરવાની કામગીરી આ એટીસીમાં હાજર અધિકારી-નિષ્ણાતો બજાવતા હોય છે.

એટીસીએ આપેલી સૂચનાનું પાલન કરવા છતાં હેલિકૉપ્ટરને કાબૂમાં રાખવું મુશ્કેલ બનવા લાગ્યું અને ગણતરીની સેક્ધડોમાં જ તે હાલકડોલક થવા લાગ્યું.

‘હેલિકૉપ્ટર કોઈ પણ ઘડીએ ક્રેશ થઈ શકે છે…’ પાઈલટે એટીસીના અધિકારીને માહિતી આપી: ‘હેલિપેડ સુધી પહોંચવું અશક્ય છે.’

શહેરી પરિસર પરથી પસાર થવું જોખમી હોવાથી પાઈલટે સમયસૂચકતા વાપરી હેલિકૉપ્ટરને જંગલ તરફ વાળવાનું મુનાસિબ માન્યું. પવઈને અડીને આવેલા આરે કૉલોનીના જંગલ પર હેલિકૉપ્ટર પહોંચ્યું ત્યાં સુધીમાં તો એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એટીસીના નિષ્ણાતો માર્ગદર્શન આપી શકે એમ નહોતા. ગીચ જંગલ પર પહોંચી હેલિકૉપ્ટર ચકરાવા લેવા માંડ્યું… પછી એકાએક સંતુલન ગુમાવી હેલિકૉપ્ટર આરેની વનરાજીમાં અદૃશ્ય થઈ ગયું…

        (ક્રમશ:)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button