My NPA એટલે શું?

ગૌરવ મશરૂવાળા
‘અમને અમારી દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે પચાસ લાખ રૂપિયાની જરૂર છે. તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે અને હવે તેની ફી ભરવાની છે. શું તમે અમને અમારા નાણાકીય આયોજનમાં મદદ કરશો?’ મારા એક વાચકે જમશેદપુરથી આ પ્રશ્ર્ન પૂછ્યો હતો. એમણે પોતાનાં રોકાણોની વિગતો પણ મોકલાવી હતી. એમનાં બધાં રોકાણોનું કુલ મૂલ્ય આશરે પાંચ કરોડ રૂપિયા થતું હતું. ઘરનું મૂલ્ય એમાં સામેલ ન હતું.
જમશેદપુર જેવા એમના મોટા ઘરની કિંમત ઘણી સારી આવે એમ હતું. કમનસીબે, એમનાં મોટાભાગનાં રોકાણો જમીન તથા બીજું ઘર, વેરહાઉસની જગ્યા, વગેરે પ્રકારની રિયલ એસ્ટેટમાં હતાં. બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ, ઈક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એ બધું મળીને આશરે 25 લાખ રૂપિયાનું મૂલ્ય હતું.
દીકરીને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે આવશ્યક નાણાં મેળવવા એમની પાસે બે વિકલ્પ હતા. એક, એજ્યુકેશન લોન લેવી અને બે, પોતાની કોઈ પણ એક રિયલ એસ્ટેટ વેચી દેવી. એમની નાનામાં નાની રિયલ એસ્ટેટનું બજારમૂલ્ય 25 લાખ રૂપિયા હતું. આથી એ વેચીને રકમ મેળવવાનો વિકલ્પ તેમની પાસે હતો.
જો એ રિયલ એસ્ટેટ વેચે તો તેમણે એ સોદા પર દલાલી ચૂકવવી પડે તથા કેપિટલ ગેન ટેક્સ ભરવો પડે અને બીજા આકસ્મિક ખર્ચ કરવા પડે એમ હતું. જો એ એજ્યુકેશન લોન લે તો તેના પર વ્યાજ ચૂકવવું પડે એમ હતું.
આમ તો આ પરિવાર પાસે સંપત્તિ ઘણી હોવા છતાં જરૂર પડ્યે કામ આવે એટલાં પ્રવાહિતા ધરાવતાં રોકાણો ન હતાં. આવું બનવાનું કારણ એ હતું કે એમનાં રોકાણો એમનાં નાણાકીય લક્ષ્યોની સાથે સાંકળવામાં આવ્યાં ન હતાં. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મેં ઘણાય વાંચકો, ટીવી શોના દર્શકો, નવા ક્લાયન્ટો, વગેરેને આવી સ્થિતિમાં જોયા છે.
નોંધનીય છે કે કરબચત માટેનાં રોકાણોમાં લોક-ઇન પીરિયડ હોય છે. એ સમયગાળો ત્રણ વર્ષથી લઈને નિવૃત્તિની ઉંમર સુધીનાં વર્ષો જેટલો હોઈ શકે છે.
રોહિત અને શ્રદ્ધાનો કિસ્સો પણ કંઈક આવો જ હતો. એમની ઉંમર 30-35 વર્ષ વચ્ચેની હશે. એ ઘરની ખરીદીનું ડાઉન પેમેન્ટ આપવાનું વિચારી રહ્યાં હતાં. એમની પાસે પૂરતું ભંડોળ હતું, પરંતુ એ બધું કરબચતનાં સાધનોમાં રોકાયેલું હતું. એમની નોકરીની સામે કોઈ જોખમ ન હતું તેથી એમણે ઊંચી રકમની હોમ લોન લીધી.
એમનાં કરબચતનાં રોકાણો પાક્યાં ત્યારે તેની પાકેલી રકમમાંથી તેમણે લોનના હિસ્સાઓનું પ્રી-પેમેન્ટ કરી દીધું. જો કે, આ વિકલ્પ અપનાવવામાં એમણે ઉછીનાં લીધેલાં નાણાં પર વ્યાજ ચૂકવવું પડ્યું. જો એમણે પહેલેથી યોગ્ય આયોજન કર્યું હોત તો એ ખર્ચ ટાળી શકાયો હોત.
મેં એવા પણ અનેક કિસ્સા જોયા છે, જેમાં એક બાજુ ફિક્સ્ડ ડિપોઝિટ પર આઠ ટકાના દરે વ્યાજ મળતું હોય અને બીજી બાજુ, એ જ માણસની હોમ લોન પર નવ ટકાના દરે વ્યાજ ચૂકવાતું હોય. ખરી રીતે તો એમણે ફિક્સ્ડ ડિપોઝિટ વટાવીને હોમ લોનનો એટલો હિસ્સો ચૂકતે કરી દેવો જોઈએ.
કયું રોકાણ વધારે અને ઝડપથી વળતર આપી શકશે એવો કોઈનો પ્રશ્ર્ન આવે ત્યારે હું સામો સવાલ પૂછું છું, ‘સાઇકલ અને ઍરોપ્લેન એ બન્નેમાંથી કયું વાહન વધારે ઉંચું અને ઝડપથી જશે? સ્વાભાવિક છે, જવાબ ઍરોપ્લેન હોય. પછી હું બીજો સવાલ પૂછતો હોઉં છું, ‘મારે એક કિલોમીટર દૂર જવું છે, કઈ ફ્લાઇટ સારી પડશે?!’
મેં જોયું છે કે મોટાભાગે લોકો કોઈ પણ ધ્યેય વગર જ રોકાણો કરતા હોય છે. આવાં રોકાણો તેમના માટે નોન પરફોર્મિંગ ઍસેટ્સ (NPA) જેવાં બનતાં જાય છે. રોકાણોની યાદીમાં તેમનું સ્થાન તો હોય, પણ તે વધુ કામનાં હોતાં નથી.
આ પણ વાંચો…મારું પોતાનું અર્થતંત્રઃ SIPને બનાવો Sincere Investment Plan