તરોતાઝા

મોજની ખોજઃ જે ગમ્યું એ ન મળ્યું તો જે મળ્યું એ તો ગમાડ!

સુભાષ ઠાકર

ચંબુડા, આટલી કડકડતી કાતિલ ઠંડીમાં ઠંડા પાણીથી નહાવા માટે જીગર જોઈએ’ જીગર નઈ ડોબા, બાથરૂમમાં ગીઝર જોઈએ’

અરે, જીગર કે ગીઝરને માર ગોળી હાચું તો શિયાળાની ઠંડીમાં તાપણું હૂંફ આપે એમ બીજી બાજુ જો જીવનમાં કોઈ આપણું બની હૂંફ આપે ને પ્રેમથી આપણી લાગણીઓનું જતન કરે તો જિંદગી જીવવામાં ટેસડો પડી જાય… ચંબુ, આજે હું પેટછૂટી નઈ પણ છાતીછૂટી વાત કરું તો અને ભૂતકાળના હૃદયના ઊંડાણનો ઘા બહાર કાઢું તો એક જમાનામાં મારા હૈયામાં પ્રેમની મહેફિલ જામેલી..થોડા વખત તોઆ નઈ ને આ પણ નઈ’ કરતાં કરતાં ઉંમર વધતી ગઈ છેવટે હાથીને મણ ને કીડીને કણ મળે એમ મને પણ કોઈ મળી રહેશે એ આશામાં હૈયામાં રોજ 749 રોમેન્ટિક ઊભરા ઉભરાતા… દૂધની જેમ ઉભરાતા ને બેસી જતા.

સારા પાત્રની શોધમાં `આવાઝ દે કહાં હૈ’ કરતાં કરતાં આપણે તો હમણાં નીકળી પડીએ પણ લાંબા સમય સુધી કોઈ જરા પણ આવાઝ ન દે તો આપણી દુનિયા જવાંને બદલે વૃદ્ધ થઇ જાય. છેવટે હું મૂંઝાયો. ચંબુ, મને થયું સાલુ આ તો લકઝરીની રાહ જોવામાં સાદી બસ પણ જતી રહેશે ને છેવટે છકડામાં બેસવાનો વારો આવશે કે શું?.’

પછી શું થયું?’ ચંબુએ પૂછ્યું થાય શું? અંતે પેલા અર્જુને જેમ ઝાડ પર માત્ર પંખીની આંખ વિંધી હતી એમ મારી નજરે હેમુને વિંધવાનું નક્કી કર્યું. હેમુ મારાથી સ્કૂલમાં એક વરહ પાછળ.’

હેમુ? એ વળી કોણ?’ અરે ટોપા, હેમુ એટલે હેમામાલીની… હાચું કઉ તો જેમ ફ્રીઝના આઈસ ક્યુબમાં બરફ ચોટયો હોય એમ હેમાનું નામ હૈયામાં ચોટી ગયું. જેમ દૂધમાં મલાઈનું સ્થાન ને શરીરમાં આત્માનું સ્થાન હોય એમ મારા હૃદયમાં હેમુનું નામ ને સ્થાન કોતરાઈ ગયું. 50 ટકા તો નક્કી થઇ ગયું મતલબ મારી હા હતી બાકીના 50માં એની હાની રાહ જોવાની..એ માટે મેં ભગવાન-માતાજીને પકડ્યા માતાજીને હાથ જોડી કીધું `હે…મા, હેમા મારી થશે ને મારા થકી જો એનો ચૂડી ચાંદલો અખંડ રહેશે તો હું તને ચૂડી અને ચાંદલો ચડાવીશ.

તારા મંદિરે પાછા પગે ચાલતા આવવાની બાધા રાખીશ, ને તું મંદિરમાંથી બહાર આવીશ તો ઊંચી એડીના ચંપલ અપાવીશ’ પછી ઊપડ્યો હનુમાનજી પાસે `હે બજરંગબલી, યુ નો કે મારું દિલ તાંબા પિત્તળ કે લોખંડનું નથી પણ મેઈડ ઇન ચાઈનાનું છે ગમે ત્યારે બટકાઈ જાય અને તું જાણે છે કે આ જગતમાં એક જ ચીજ એવી છે જે તૂટે તો પણ અવાજ નથી આવતો અને એ છે દિલ,

હે હનુમંત તું જો હેમા સાથે મારા દિલનો મેળ કરાવી આપીશ તો બે ડબા તેલના અને બે ડબા સિંદૂરના, ચાર લંગોટનું કાપડ, બજારમાં આઉટ ઓફ સ્ટોક હોવા છતાં સ્પેશ્યલ ઓર્ડરથી બે મોટી ગદા બનાવીને ધરાવીશ’ પછી તો વારાફરતી બાધાઓનો ઢગલો કર્યો રામને ધનુષ્ય, કૃષ્ણને સુદર્શનચક્ર, ને શંકરને ત્રિશૂલ ધરાવાની બાધા રાખી, હેમાને મેળવવાની લાલચે બધી લાલચ બધા ભગવાનોને આપી. કોઈ ભગવાનોને લેંઘા-ઝભ્ભા કે પેન્ટ-શર્ટમાં જોયા નથી એટલે એવી લાલચો માથે પડે પછી ભગવાન બગડે ને મારું કામ બગડે.’

અલ્યા ઠાકર, આટલાં વર્ષોમાં તું તારું એકાઉન્ટ ટેલી ન કરી શક્યો તો ભગવાન કે માતાજી તંબુરામાંથી કરે, એને ઠેકો લીધો છે? જો, ઈશ્વર તો જીવ આપે જીવન તો આપણે બનાવવું પડે, એ તક આપે તકદીર બનાવવું પડે.’ અરે તકદીરમાં તકલીફ વેઠી પણ હું તો હેમાને મારી થવા સમજાવી દેત પણ ધરમ વચ્ચે આવ્યો.’
`આમાં ધરમ ક્યાંથી આવ્યો?’

અરે ડોબા, ધરમ એટલે ધર્મેન્દ્ર, મેં એને મોબાઈલમાં ધમકી આપીદેખ ધરમા, અગર મેરે ઓર હેમાકે બીચમેં કે આજુબાજુ જરા ભી ફરકા તો તું જિસ કુત્તેકા ખૂન પીનેકી બાત કરતા હૈ ઉસકો હી કાટકે…’

અરે કોન બહેનજી બોલ રહી હો?’ ધર્મેન્દ્ર સામે છેડેથી બોલ્યો બાપરે તારી જાતનાં ધરમા હું તને કયા એન્ગલથી બેન લાગ્યો, ખોખારો ખાધો પણ ઠંડીમાં હું ને મારો અવાજ બન્ને ઠુંઠવાઈ ગયેલા. પછી ધર્મેન્દ્રને રૂબરૂ જોયો. બા.પ..રે ક્યાં ધર્મેન્દ્ર ને હું અમોલ પાલેકર એટલે મેં જ એની આજુબાજુ ફરકવાનું પણ માંડી વાળ્યું, કારણકે એની શક્તિ કરતાં મારી અશક્તિમાં વધુ વિશ્વાસ હતો મને થયું કે મારો સંઘ કાશીએ નઈ પહોંચે.’

ચંબુ, આજે હું ગઈ ગુજરી ભૂલી જઈ વર્ષો પછી ધર્મેન્દ્ર પાસે ગયો…અરે આઓ ઠાકુર આઓ, બોલો કૈસે આના હુઆ?’
`સોરી ધર્મેન્દ્રભાઈ, આપની તબિયત જોવા આવેલો, પ્રભુએ અમારી પ્રાર્થના સાંભળી ને આપ ઉપર જાનેસે બચ ગયે’

અગર મૌસી ઓર બસંતી દોનો ખુશ રહેતી હૈ ઈસલીયે મૈને મરના ભી કેન્સલ કિયા. બોલો’ પાજી, આજ એક રહસ્યકી બાત બોલુ વો જમાનેમેં મુજે હેમા બહુત ગમતી ને ઉસકો મનસે બહુ પ્રેમ કરતા પણ નસીબમાં નઈ…’

જો બકા ડોન્ટ ફિલ બેડ પણ આપણે પ્રેમમાં નઈ પડવાનું પ્રેમ આપણામાં પડવો જોઈએ. એક વાત સમજી લે જીવનમાં જે ગમતું હોય એ ન મળે તો જે મળ્યું એ ગમાડતાં આવડવું જોઈએ.’ યે બાત સહી હૈ પાજી હેમાભાભીને મુજે મોબાઈલપે બતાયા `ઠાકર, ધરમ (ધર્મેન્દ્ર)કો સંભાલના વો મેરા પહેલાં ધરમ હૈ..’

આજે હું ગઈ ગુજરી ભૂલી ગયો પણ પ્રેમ એટલે પ્રેમ. એટલે મેં હેમાને મળવાનું તો નક્કી કર્યું ને મારા હૃદયમાંથી અવાજ નીકળ્યોહેમા, આવું છું ચોક્કસ આવું છું.’ત્યાં તો મારાવાળીએ ઊંઘમાંથી ઉઠાડ્યો `ઉઠો હવે માતાજીનું સપનું આવ્યું કે ઊંઘમાં હે..મા હે..મા બબડતા હતા?’ મારે હા પાડ્યા વગર છૂટકો ન્હોતો…’ શું કહો છો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button