તરોતાઝા

મોજની ખોજ : આમ આદમીકા આમ

-સુભાષ ઠાકર

હું હાંફળો ફાંફળો ને હાંફતો હાંફતો દુકાનેથી ઘેર જલ્દી ગયો તો
તુર્ત જ સરોજ ચમકી :

‘કેમ આજે આટલા જલ્દી? હડકાયું કૂતરું પાછળ પડ્યું કે ઉઘરાણીવાળાને જોઈ ગયા? આમ હાર્મોનિયમના ધમણની જેમ કેમ હાંફો છો? શું થયું?’

‘શું થયું? તારો ગુંડાવાળો વોટ્સએપ જોયો કે તુર્તજ ભાગ્યો, પણ સાલુ તને કેવી રીતે ખબર પડી કે માર્કેટમાં ગુંડા આવ્યા છે?’

‘ગુંડા?.. અરે બાપરે.. મેરે ગંગારામ, એ તો અથાણાની સિઝન છે એટલે વોટસએપ કર્યો કે વળતાં થોડા ગુંદા લેતા આવો, ગુંડા નઇ!’

‘મારી ગગી, પ્લીઝ તું ગુજરાતીમાં મેસજ કરતાં શીખી જા, તારા લીધે મેે બધાને કીધું કે બજારમાં ૠઞગઉઅ આવ્યા છે અડધો કલાકમાં
ફટાફટ આખું બજાર બંધ. હવે કાલે એ બધા મારી વાટ લગાડી દેશે’

‘બફાઈ ગયું નઇ? સોરી સુભુ, હવે કાલે કેરી લેવા જઈએ ત્યારે હું સાથે જ આવીશ.. નો માથાકૂટ’

બીજા દિવસે અમારી કેરીખરીદ સવારી બજારમાં નીકળી ને જૂના ઓળખીતા ભૈયાને જોઈ સરોજ બોલી :

આ પણ વાંચો: મોજની ખોજ : એપ્રિલફુલ… એપ્રિલફુલ… હું મર્યો જ નથી!

‘કૈસે હૈ ભૈયાજી, ઓળખી હમકો? હર સાલ તુમસે કેરી ખરીદકે ખટાતી હું વો સરોજ, મુજે વો ખૂણેકે લાસ્ટમેં ટોપલા પડ્યા હૈ ઉસમેસે સબકો જરા ચખાડો’

‘યે લંગડા હૈ બજારમે બહોત ચલતા હૈ’ ભૈયાએ એક એક ચીરી બધાને ચખાડી.

‘કમાલ હૈ લંગડા હૈ ફિર ભી ચલતા હૈ, ઓર યે ..’

‘યે વલસાડ હૈ’ ભૈયો બોલ્યો
‘વલસાડ? અરે, એ મુંબઈકા કાંદિવલી પરા હૈ, વલસાડ ઇધર કિધરસે?’

‘અરે મેરી ભાભીજી, યે સબ આમ કા નામ હૈ વલસાડ,

હાફૂસ,પાયરી કેશર,બનારસ,રત્નાગિરિ…’

‘સુભુ’ મારી બાજુ ફરીને સરોજ બોલી :

‘આ લોકો કાંદિવલીમાં થાણાની કેરી કેમ વેચે છે?’

‘તું ભગા ન કર એ અથાણાની કેરી છે. પણ ટોપલાની પાછળ ‘અ’ ઢંકાઈ ગયો છે..

‘દેખો ભૈયાજી’ મેં કીધું ‘કેરી મીઠી હોની ચાહીએ ગયા સાલ આપને જો દીયા થા બહોત ખટ્ટા થા ફીર ભી તુમ્હારી ભાભી તુમકો ખટાનેકો જ બોલતી હૈ’
‘અરે સાહબ, ગયા સાલ ભાભીજી ખુદ બોલી થી હમકો કચ્ચા યાને ખાટા ખાનેકો મન કરતાં હૈ, મૈંને સોચા આપકે યહાં અચ્છે દિન
આનેવાલે હૈ ઓર ખુશ ખબર મિલેગી આપકો તો રાજી હોના ચાહીએ કી યે ઉમ્રમે ભી…’

આ પણ વાંચો: મોજની ખોજ : સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે

‘અરે ચૂપ ટોપા વો જમાના યાદ મત દિલાઓ અભી અચ્છે દિન, મહિના કી સાલ કુછ નહીં આયેગા, અભી સબ જેશ્રીકૃષ્ણ ..સમજા?’

‘યે સબ પાયરી-બાયરી, હાફૂસ-ફાફૂસ, કેશર-બેશરકો માર ગોળી યે લાલ-પીલી-લીલીમેસે થોડા થોડા લેકે પેક કર દો ઓર ભાવ બોલો’

સરોજ બોલી
‘દેખો ભાભીજી મુઝે માલુમ હૈ કી યે સિઝનમે તુમ પરિવાર સે જ્યાદા રિલેસન મુજસે રખતી હો લેકિન યે બાર આમ બહોત મહેગા હૈ’

ભૈયો બોલ્યો
‘અરે મહેગા બહેગાકો ભી માર ગોળી, સંબંધ જૈસી કોઈ ચીજ હૈ કી નહી? અભી સબકો થોડા થોડા ચખાકે બાકીકા મસ્ત પેક કર દો’

વાઈફની મીઠી ભાષાથી ભૈયો કેરી કરતાં મીઠો થઈ ગયો. પછી 1400 રૂપિયા આપ્યા.

‘ઐસા મત કરો, મેરી વહાલી ભાભી, 1500મે તો હમકો ઘરમે
ગીરતા હૈ’ ભૈયો નારાજગીથી બોલ્યો.

‘તો ઘરકા એડ્રેસ દો હમ ઘરપે આયેંગે,બસ? ચલો ચલો અગલી સાલ..’ એટલું બોલી અમે નીકળી ગયા. ઘરે પહોંચી છોકરાઓને કહી
દીધું :

‘જુઓ છોકરાઓ, આજે રસ રોટલીનો પ્લાન હતો પણ ત્યાંતમે કેરીઓ ચાખી-ચાખીને પેટ ભર્યું છે એટલે ઘરે માત્ર રોટલી જ મળશે. તમારા માટે આજે રસ રોટલીનું જમણ પૂરું. સમજ્યા?’

પછી તો ચાર- પાંચ સિંહ એક હરણ પર તૂટી પડે એમ આખો પરિવાર કેરીઓ ઉપર તૂટી પડ્યો ને બે દિવસમાં તો બધુ સાફ..

ફરીને કેરીની ભૂખ ઊઘડી ને બીજા દિવસે હું એકલો બજારમાં કેરી લેવા નીકળ્યો પણ ભૈયાઓને અમારી મફતવૃત્તિનો ખ્યાલ આવી ગયો કે શું? બધા ભૈયા મંદ મંદ હસવા લાગ્યા..

મે હિંમતથી પૂછ્યું : ‘આ હાફૂસનું શું છે?

‘તમારે શેના માટે જોઈએ છે? ખાવા માટે કે સૂંઘવા માટે? ખાવા માટે મોંઘી પડશે.’

‘લટકાવવા માટે! ’ મારી પણ છટકી ‘અને આ પેક ખોંખામાં છે એ કેરી’

‘સાહેબ, એ પેક જ છે એ જોવાના પણ સો રૂપિયા પડશે. એના કરતાં આ સૂંઘવાની લઈ જાઓ, ઘરનાને, સગાને,પડોશીને સુંઘાડીને સાંજે પાછી આપી જજો, પણ ભાડું લાગશે.’

‘ભાડેથી કેરીઓ?’ હું સો ગ્રામ ચમક્યો
‘શું કરીએ, સાહેબ? ભાવ સાંભળી કોઈ લેતું જ નથી. ગ્રાહક દસ પંદર દુકાનેથી જરાક સૂંઘે તો જરાક ચાખે પણ ભડદું થઈ જાય ત્યાં સુધી કોઈ ખરીદતું નથી. એક આઇડિયા આપું? આ કેરીનાં ચિત્ર વાળું બોક્સ ફ્રીમાં લઈ જાઓ રસોડામાં એના ચિત્ર સામે જોઈને જમવાનું. રોટલી-દાળના બદલે રસમાં બોળી હોય એવું લાગશે ને વર્ષો સુધી ચાલશે ..આમ આદમીકા આમ ઐસે હી હોતે હૈ…અરે સાહેબ, એક વાત કઉ? ત્રણ મહિનામાં કેરી એની મીઠાશ મૂકીને જતી રહેશે, કારણકે એને પણ જ્ઞાન છે કે અમે મીઠો રસ નઇ આપીએ તો છેવટે બગડી જઈશું ને ભડદું બની જઈશું. એમ તમારું ધન ભડદું થઈ જાય એ પહેલાં પ્રેમનો, લાગણીઓનો રસ પીવરાવજો. એક વાત સમજજો નદીનું પાણી મીઠું છે કારણકે વહેતું છે બાકી તળાવનું પાણી બનાવશો તો એક દિવસ ગંધાઈ ઊઠશે.. ’

શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button