મારું પોતાનું અર્થતંત્રઃ SIPને બનાવો Sincere Investment Plan

ગૌરવ મશરૂવાળા
ટેલિવિઝન પરના મારા લાઇવ શોની વાત છે. પુણેથી રોશન નામની વ્યક્તિનો ફોન આવ્યો. એમણે પૂછ્યું કે દર મહિનાની 5,000 રૂપિયાની SIP ચાલુ રાખવી કે બંધ કરી દેવી. એમણે પોતાના કયા નાણાકીય લક્ષ્ય માટે SIP ચાલુ કરાવી હતી એવું મેં પૂછ્યું ત્યારે તેમણે કોઈ ચોક્કસ જવાબ આપ્યો નહીં.
મોટાભાગે આવું જ બનતું હોય છે. આપણે SIPએટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ચાલુ કરાવીએ ત્યારે તેને કોઈ નાણાકીય લક્ષ્ય સાથે સાંકળતા નથી. આવું થવાને લીધે SIPના લાભ મર્યાદિત પ્રમાણમાં મળે છે.
નિયમિતપણે રોકાણ કરવું એ સારી આદત છે અને એ જ અર્થમાં કહી શકાય કે SIPકરાવવાનો નિર્ણય સારો કહેવાય. આમ છતાં, જ્યારે SIPને કોઈ નાણાકીય લક્ષ્ય સાથે સાંકળવામાં આવે નહીં ત્યારે તેનો લાભ મર્યાદિત હોય છે અને સાંકળવામાં આવે ત્યારે લાભ વધારે મળે છે.
આપણે જોયું છે કે દરેક વ્યક્તિના જીવનમાં વિવિધ પ્રકારનાં નાણાકીય લક્ષ્યો હોય છે. તે દરેકની પ્રાપ્તિ માટે નિયમિતપણે રોકાણ કરવું જોઈએ.
આપણી પરસેવાની કમાણી નાણાકીય લક્ષ્યોના આધારે રોકવામાં આવી હોય તો રોકાણને દિશા પ્રાપ્ત થાય છે. કોઈ પણ દિશા વગરનું કામ અધૂરું કહેવાય. ક્યારેક એવી ચિંતા પણ જન્મે છે કે આપણે દર મહિને રોકેલી રકમ યોગ્ય દિશામાં વધી રહી છે કે કેમ.
આ મુદ્દો ઉદાહરણ સાથે સમજીએ. એક કિસ્સામાં SIP ઈક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં કરાઈ છે. ઈક્વિટી ફંડ સ્ટોક માર્કેટમાં રોકાણ કરતાં હોય છે. આ SIP કોઈ નાણાકીય લક્ષ્ય સાથે સંકળાયેલી નથી. અચાનક સ્ટોક માર્કેટ પડવા લાગે છે. ચારેબાજુથી પ્રતિકૂળ સમાચાર આવે છે. રોકાણકારો ભયભીત થઈ જાય છે.
બધી ઝટ ચેનલો પર લાલ આંકડા દેખાવા લાગે છે. આવું ચારથી પાંચ મહિના સુધી ચાલે છે. આવા સમયે જો કોઈ SIP રિન્યુ કરાવવાનો વખત આવે તો શક્ય છે કે રોકાણકાર ભયના માર્યા એ રિન્યુ કરાવે નહીં અને રિન્યુ કરવાનો નિર્ણય થોડો વખત મોકૂફ રાખે.
બીજી બાજુ, બીજો એક રોકાણકાર દર મહિનાની SIP ધરાવે છે. તેનું નાણાકીય લક્ષ્ય દસ વર્ષ પછી આવનારી નિવૃત્તિ માટે નાણાં એકઠાં કરવાનું છે. આવી સ્થિતિમાં એ માણસ શેરબજારમાં થોડા વખત માટે આવેલા ઘટાડાથી ચિંતિત નહીં થાય.
શક્ય છે કે ઊલટાનું એ રાજી થશે, કારણ કે સ્ટોક માર્કેટ પડે ત્યારે એ મને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનાં વધારે યુનિટ મળે છે. આ રીતે મળેલાં વધારે યુનિટને કારણે પછી જ્યારે રોકાણ છૂટું કરવામાં આવે ત્યારે વધુ લાભ મળે છે.
આથી જ કહેવાનું કે SIPહંમેશાં નિશ્ચિત નાણાકીય લક્ષ્ય સાથે શરૂ કરવી. ખરું પૂછો તો દરેક SIPને તેના નાણાકીય લક્ષ્યને અનુરૂપ નામ આપી દેવું. દા.ત. જો SIPદીકરી પૂજાના ઉચ્ચ શિક્ષણ માટે હોય તો તેને પૂજા હાયર એજ્યુકેશન SIPએવું નામ આપી શકાય.
આધેડ વયના મારા ક્લાયન્ટ રમેશભાઈએ મને એક દિવસ કહ્યું, `પૂજા હાયર એજ્યુકેશન SIPથી મારી પત્ની ખુશ છે. દર મહિને એ મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટ જુએ છે અને તેનું પરફોર્મન્સ ચેક કરે છે. એક દિવસ એણે કહ્યું કે એ મહિનાના ખર્ચમાંથી ત્રણેક હજાર રૂપિયા બચાવીને નાની દીકરી રિચા માટે પણ SIP ચાલુ કરાવવા ઈચ્છે છે.’
ઘણા પરિવારોમાં રમેશભાઈના ઘર જેવા દાખલા બનતા હોય છે. નાણાકીય લક્ષ્યો સાથેની SIPને કારણે પરિવારો રોકાણ પ્રત્યે સમર્પિત થાય છે અને તેમાં બધા સહભાગી થાય છે. તેને લીધે રોકાણમાં શિસ્ત આવે છે.
આ દૃષ્ટિએ તમારી SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan) નહીં, પણ સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Specific Investment Plan) હોવી જોઈએ. જો ખંતપૂર્વક કરવામાં આવે તો એ ખુદ Sincere Investment Plan બની જાય છે અને તેનું લક્ષ્ય સરસ રીતે પરિપૂર્ણ થાય ત્યારે એ My Superb Investment Plan બની જાય છે.
આ પણ વાંચો…My LOAN એટલે My Lost Opprtunity on Asset Nourishment