તરોતાઝા
આરોગ્ય પ્લસ : ત્રિદોષ જાણવાની આ છે કેટલીક રીત

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ગયા અઠવાડિયે આપણે જાણ્યું કે વાત -પિત્ત-કફ શું છે. માનવ શરીર પૃથ્વી- જળ -તેજ -વાયુ અને આકાશ એવાં પાંચ તત્ત્વથી બન્યું છે. આમાં ત્રણ મુખ્ય તત્ત્વ છે. વાયુ તે વાત છે. અગ્નિ તે પિત્ત છે અને જળ તે કફ છે.
હવે આ ત્રિદોષ કઈ રીતે ઓળખી શકાય એની વાત જાણીએ
નાડીપરીક્ષા
નાડીપરીક્ષણનાં સૂચન:
- નાડી હંમેશાં સવારના સમયે જમ્યા પહેલાં જોવી શ્રેષ્ઠ છે. નહીંતર જમ્યા બાદ ત્રણથી ચાર કલાક પછી જોવી.
- પુરુષના જમણા હાથની અને સ્ત્રીના ડાબા હાથની નાડી જોવી.
- દર્દીના અંગૂઠાના મૂળ પાસેથી ધમની ઉપર અનુક્રમે તર્જની, મધ્યમા અને અનામિકા આ ત્રણ આંગળીઓ રાખી નાડીની ચાલ તપાસવી.
- તેમાં તર્જની વાતદોષ, મધ્યમા પિત્તદોષ અને અનામિકા કફદોષની માત્રા જણાવે છે.
ત્રણેય દોષોમાં નાડીપરીક્ષણ
વાતપ્રકોપ | પિત્તપ્રકોપ | કફપ્રકોપ | |
ગતિ | સર્પ જેવી ઝડપી ચાલનારી | દેડકાની જેમ કૂદી ચાલનારી | હંસ જેવી મંદ ચાલવાળી |
લક્ષણો | દબાણથી અનુભવાતી નથી | ધબકારા સાથે આંગળી ઊંચી-નીચી થાય છે. | ઊંડી અને નિયમિત |
ધબકારા | 80-95 | 70-80 | 50-60 |
તાપમાન | ઠંડું | ગરમ | ઠંડું અથવા ઉષ્ણ |
આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર
ભિન્ન-ભિન્ન પરિસ્થિતિઓમાં નાડીનાં લક્ષણ
- સ્વસ્થ વ્યક્તિની નાડી સ્થિર (યોગ્ય ગતિથી ચાલનારી) હોય છે.
- જેમાં બે દોષો મિશ્ર હોય તેની નાડી બે આંગળીની વચ્ચે અનુભવાય છે. જેમ કે, વાયુ-પિત્ત મિશ્ર દોષની નાડી તર્જની તથા મધ્યમાની વચ્ચે, પિત્ત અને કફની નાડી મધ્યમા અને અનામિકા વચ્ચે જણાય છે.
- તાવમાં નાડી ગરમ અને વેગવાન હોય છે.
- કામ -ક્રોધ જેવા આવેશોમાં નાડી ખૂબ જ વેગવાન હોય છે.
- ચિંતાશીલ અને ભયભીતની નાડી મંદ અને ધીમી હોય છે.
- મૃત્યુ અવસ્થામાં નાડી ધીમે-ધીમે અને અટકાતી-અટકાતી ચાલે છે.
- નાડીપરીક્ષણની સાચી રીત
જે હાથની નાડી જોવાની હોય તે હાથના અંગૂઠાના મૂળમાં ક્રમશ: તર્જની, મધ્યમા અને અનામિકા આંગળી રાખવી
મૂત્રપરીક્ષા - ત્રણેય દોષની સમતા સમયે સ્વસ્થ મૂત્રનાં લક્ષણ:
- 1) સ્વચ્છ પાણી જેવા રંગનું દુર્ગંધ રહિત હોય
- 2) માપસરની માત્રામાં અર્થાત્ દિવસમાં સરેરાશ 1.5 લીટર પેશાબ થાય.
- 3) પીડારહિત અને અટક્યા વિના થાય.
વાત, પિત્ત અને કફના પ્રકોપ સમયે મૂત્રનાં લક્ષણ
વાતપ્રકોપ | પિત્તપ્રકોપ | કફપ્રકોપ | |
રંગ | શ્યામ કે કાળું | પીળું કે લીલાશવાળું | સફેદ કે પીળું |
સ્પર્શ | ચીકણો | ગરમ | ઠંડો |
ઘનતા | ઓછી | મધ્યમ | વધારે |
માત્રા | ઓછી | મધ્યમ | વધુ |
વધુ અસંતુલિત અવસ્થામા | પેશાબ કરતી વખતે દુ:ખે | મૂત્રપિંડમાં સોજો, મૂત્રમાં એસિડનીં ગંધ | પેશાબ અટકતો આવે |
નોંધ:
- શરૂઆતના ને અંતના થોડા થોડા મૂત્રને બાકાત કરી વચ્ચેના મૂત્રનું પરીક્ષણ કરવું.
- ત્રણેય દોષના પ્રકોપ સમયે મૂત્રનો રંગ વધુ કાળો હોય છે. તેમજ જો મૂત્રનો રંગ લીલો, મરુન કે વધુ સફેદ હોય તો તે વધુ રોગ સૂચવે છે.
મળપરીક્ષા
વાતપ્રકોપ | પિત્તપ્રકોપ | કફપ્રકોપ | |
રંગ | શ્યામ | પીળો કે લીલાશ પડતો | સફેદ |
રૂપ | કઠણ, સૂકો અને ફીણવાળો | ઢીલો, ગંધયુક્ત અને ગરમ | ચીકાશવાળો, સ્નિગ્ધ અને ઠંડો |
તંદુરસ્ત સ્થિતિમાં મળ પાણીમાં તરે છે અને જો મળ પાણીમાં ડૂબે તો શરીરની અપચો, અર્જીણ વગેરે રોગયુક્ત અસ્વસ્થતા સૂચવે છે.