અગ્રગન્ધા કે અજમો દેખાવે નાનો અમથો છતાં છે ગુણોનો ભંડાર!

અગ્રગન્ધા કે અજમો દેખાવે નાનો અમથો છતાં છે ગુણોનો ભંડાર!

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

ભારતીય રસોડામાં હંમેશાં હાથવગાં રહેતાં અજમાની ગણના આયુર્વેદમાં ઔષધી તરીકે કરવામાં આવી છે. અજમો કઈ વાનગીમાં વાપરવો જોઈએ તેનું એક આખું રસોઈ કે પાકકલા શાસ્ત્ર છે. અજમો શિયાળામાં બનતાં સ્વાદિષ્ટ ઊંધિયામાં અચૂક ઉમેરવામાં આવે છે. ફરસી પૂરી, મસાલા ભાખરી, ચોખાનું ખીચું કે ભજિયાનું ખીરું બનાવતી વખતે અજમો હાથેથી મસળીને ઉમેરવાથી તે વધુ સ્વાદસભર બને છે. ગુવાર-કોળું હોય કે વાલોળ-રીંગણનું શાક હોય અજમાનો ઉપયોગ વઘારમાં અચૂક કરવામાં આવે છે.

ગુજરાતી ઘરોમાં રવિવારના બપોરના ભોજનમાં હલકી-ફૂલકી દાળ-ઢોળકી બનાવવામાં આવતી હોય છે. ઢોકળીના લોટમાં તથા દાળના વઘારમાં અજમાનો ઉપયોગ ખાસ કરવામાં આવતો હોય છે. તેથી જ તો આપણી દાળ-ઢોકળીનો સ્વાદ પૂરા વિશ્ર્વમાં ખ્યાતિ પામ્યો છે. ભાવનગરી ગાંઠીયા હોય કે તીખી સેવ અજમાનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે.

ટૂંકમાં કહીએ તો ચણાના લોટની વાનગી કે મેંદાની વાનગીમાં અજમાની હાજરી હોવી આવશ્યક ગણાય છે. જેમ કે સમોસાના બહારી પડમાં અજમો અચૂક ઉમેરવામાં આવે છે. અજમા માટે એવું કહેવાય છે કે ‘નાનું અમથું બીજ અનેક પ્રકારના અનાજને પચાવી શકે તેટલાં ગુણો ધરાવે છે.’

અજમાનો ઉપયોગ ભારતમાં હજારો વર્ષથી થતો આવ્યો છે. ભોજનની સાથે ઔષધી તરીકે તે ઘણો જ ઉપયોગી ગણાય છે. અજમાનો ઉપયોગ ફ્કત મસાલા તરીકે જ નહીં, પરંતુ ચૂર્ણ, કાઢો તથા તેલ બનાવીને કરી શકાય છે.એક સમયે દાદી-નાની શિશુ રડવા લાગે ત્યારે પેટ ઉપર અજમો લસોટીને લગાવવાનું કહેતાં હતાં.

વયસ્ક વ્યક્તિને ભારી ભોજન બાદ આફરો ચઢે કે પેટમાં ચૂંક આવે ત્યારે 1 ચમચી અજમો-ચપટી મીઠાં સાથે ફાંકી લેવાની સલાહ દેવામાં આવતી. શરદી-સળેખમ-કફ વગેરે સમસ્યામાં અજમાને શેકીને એક પોટલીમાં બાંધીને છાતી ઉપર હળવે હાથે શેક કરવામાં આવતો. પ્રસૂતિ બાદ માતાને માટે ખાસ તૈયાર થતાં મુખવાસમાં અજમો અચૂક ઉમેરવામાં આવતો હોય છે.

વળી માતા-શિશુની માલિશમાં ઉપયોગમાં લેવાતા તલના કે નાળિયેરના તેલમાં અજમો ભેળવીને ઉકાળ્યા બાદ તે તેલને ગાળી લેવામાં આવતું. જે બંને માટે અત્યંત લાભકારી ગણાતું. છાતીમાં બળતરાં, ગેસ, અપચાની સમસ્યામાં અજમો ઉકાળીને તેનું પાણી ધીમે ધીમે પીવાથી ત્વરિત આરામ મળે છે. હાલમાં ઉપરોક્ત નુસખા વિસરાતા જઈ રહ્યા છે. હા, ‘ગૂગલ દાદીમા’ને પૂછીને નવા જમાનાની માતા ક્યારેક ઉપરોક્ત પ્રયોગ અજમાવતી જોવા મળે છે ખરી!

અજમાને ભારતની વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં અજમોદિકા, દીપ્યા કે અગ્રગન્ધા, હિન્દીમાં અજવાઈન કે જબાયન, તમિળમાં ઓમુમ, તેલુગુમાં વામુ, મલયાલમમાં અજવાણ, મરાઠીમાં અજમા કે યાયવાન, બંગાળીમાં યમાની, નેપાળીમાં જ્વાનો કહેવામાં આવે છે.

અજમાના સ્વાસ્થ્યવર્ધક ગુણો:
શ્વાસન સંબંધિત સમસ્યામાં ગુણકારી: અજમામાં ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-બેક્ટેરિયલ તથા ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. અજમામાં કાર્વાકોલ નામક તેલ હોય છે. અજમાનો કાઢો પીવાથી ગળામાં કફ ભરાઈ ગયો હોય તે બહાર નીકળે છે. તેથી શ્ર્વસન સંબંધિત તકલીફમાં અજમાનો ઉપયોગ અક્સીર ગણાય છે. 1 ચમચી અજમાને 2 ગ્લાસ પાણીમાં ઉકાળી લેવો. ત્યારબાદ તે પાણીમાં 1 નાની ચમચી લીંબુનો રસ ભેળવવો સ્વાદાનુસાર સંચળ ભેળવીને ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી શ્વાસન સંબંધિત તકીલફમાં રાહત મળે છે.

પાચનશક્તિને સુધારવામાં ગુણકારી: અજમાને આયુર્વેદમાં પાચનશક્તિને મજબૂત બનાવતી ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. ભોજન બાદ અજમો ફાંકી લેવાથી પાચન ઝડપથી થવા લાગે છે. અપચાની તકલીફથી છુટકારો મેળવી શકાય છે.
તંદુરસ્ત દાંત માટે લાભકારી: અજમામાં થાયમોલ નામક ઍન્ટિ-બેક્ટેરિયલ ગુણ છે જે મોં તથા દાંતના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. અજમો ફાંકી જવાથી કે અજમાનું પાણી નિયમિત પીવાથી મોંમાં કે દાંતની વચ્ચે રહેલાં જીવાણુ વધતાં અટકે છે. અજમામાં ઍન્ટિ-કૈરોજેનિક ગુણ સમાયેલાં છે.

હૃદય માટે લાભકારી: અજમામાં પોટેશિયમ, ફૉલિક એસિડ, ફાઈબર સમાયેલું છે. જે હૃદયની તંદુરસ્તી માટે લાભકારી ગણાય છે. ફૉલિક એસિડ વિટામિન બીનો એક પ્રકાર ગણાય છે. જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. વળી કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવામાં લાભકારી: સામાન્ય રીતે અનેક વખત વય વધવાની સાથે સાંધામા કળતરની ફરિયાદ વડીલો કરતાં હોય છે. આવા સમયે અજમાનો ઉપયોગ કરવો લાભકારી બની રહેશે. અજમાનું વિવિધ રીતે સેવન કરવાથી સાંધામાં થતાં કળતરમાં રાહત મેળવી શકાય છે.

ઊંઘ ન આવવાની તકલીફમાં ગુણકારી: આજકાલ માનસિક તણાવને કારણે વ્યક્તિ અનિંદ્રાની તકલીફ વારંવાર અનુભવતી હોય છે. જે ખરાબ પાચનનો સંકેત આપે છે. અજમામાં થાઈમોલ કમ્પાઉન્ડ સમાયેલું છે. જે પેટમાંથી ગેસ બહાર કાઢીને એસિડની સમતુલા જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી ઊંઘ ન આવતી હોય તેવા સંજોગોમાં અજમો ફાંકવો કે અજમાનો કાઢો બનાવીને પીવાથી ગહેરી નિંદર આવશે.

વજનને ઘટાડવામાં ગુણકારી: મોટાપો આજના યુગની મોટી સમસ્યા ગણાય છે. મોટાપાથી બચવું હોય તેમણે ઘરેલુ નુસખા અચૂક અપનાવવા જોઈએ. જેમાં અજમાનો ઉપાય કારગર કહેવાય છે. ભોજન બાદ અજમાનું સેવન કરવાથી પાચન સંબંધિત પ્રત્યેક તકલીફમાં રાહત મળે છે. પાચનક્રિયા સુધરવાથી શરીરમાં જમા થયેલી ચરબી ફટાફટ ઘટવા લાગે છે. ભૂખને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. અજમાનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. અજમાનો કાઢો બનાવીને નિયમિત પીવાથી ગેસ-અપચો-આફરા જેવી તકલીફથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

અજમાનો કાઢો બનાવવાની રીત
કાઢાના મિશ્રણની સામગ્રી: 250 ગ્રામ અજમો, 4 લીંબુનો રસ, સ્વાદાનુસાર સંચળ 3 ગ્લાસ પાણી (4 વ્યક્તિ માટે)
બનાવવાની રીત: સૌ પ્રથમ અજમો બરાબર સાફ કરી લેવો. એક મોટી થાળીમાં અજમો લેવો. તેમાં 4 લીંબુનો રસ કાઢીને ભેળવી દેવો. સ્વાદાનુસાર સંચળ ભેળવવું. લીંબુનો રસ અજમામાં ભળી જાય ત્યાં સુધી થોડી થોડી વારે ભેળવવું. પંખા નીચે અથવા સૂર્યપ્રકાશમાં અજમાની થાળી રાખવી જેથી અજમો બરાબર સૂકાઈ જાય. બરાબર સૂકાઈ જાય ત્યારબાદ તેનો મિક્સરમાં પીસી લેવું. મિશ્રણને કાચની બોટલમાં ભરી લેવું. મિશ્રણ 2-3 માસ સુધી વાપરી શકાય છે.

કાઢો બનાવવા માટે: 4 ગ્લાસ પાણીને ગરમ કરવા મૂકવું. પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવો. પાણીમાં અજમાનું તૈયાર કરેલું મિશ્રણ 3 ચમચી ભેળવવું. બરાબર ભેળવીને 4 ગ્લાસમાં કાઢીને ગરમાગરમ કાઢો વરસાદી મોસમમાં ધીમે ધીમે પીવો. સ્વાસ્થ્યની સાથે શરીરમાં તાજગી અનુભવાશે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button