આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?

-ડૉ. હર્ષા છાડવા
આધુનિક પણ ઘાતક સમસ્યા એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ એ આખરે શું છે? લોહીમાં સાકર હોય તેને ડાયાબિટીસ કહીએ? કયા લેવલ પર શુગર હોય, કેટલી હોય એ કેવી રીતે નક્કી કરવું એક તથ્ય મળતું નથી. સાકર આપણા શરીરની એનર્જી કરન્સી છે. જેમ આપણે નોકરી ધંધો કરીએ અને પૈસા કમાવીએ અને આપણી વિભિન્ન જરૂરિયાતો પૂરી કરીએ તેવી જ રીતે આપણે ખોરાક ખાઈએ અને આંતરડું એને પચાવી ગ્લુકોઝ પેદા કરે.
લોહીમાં તેનું શોષણ કરે અને લોહી દ્વારા તેને બધા અવયવોમાં પહોંચાડે તેને એનર્જી કરન્સી કહેવાય. આપણા બધા જ અવયવ મગજ, મસલ્સ, હાડકા વગેરે કામ કરતા રહે. આ એનર્જી કરન્સી એટલે ગ્લુકોઝ બહુ જરૂરી છે. પણ સતત વધી જતા ખરાબ અસર પેદા કરે છે. માથાથી લઈને પગ સુધી આની ખરાબ અસર થાય છે. અંદરનાં અવયવો વધુ જોખમાય છે.
સવાલ એ છે કે શુગર લેવલ કેવી રીતે નક્કી કરવું. સવાર-સાંજ શુગરનું લેવલ ઉપર-નીચે થયા કરે છે. કોઈ એક માપ રહેતું નથી. આને નક્કી કરવા માટે ભૂખ્યા પેટની કે જમ્યા પછીની શુગરથી નક્કી નથી થઈ શકતું તો એચ.બી.એ.1 સી. (Hba1c)નો રિપોર્ટ કરાવવું યોગ્ય છે.
આ રિપોર્ટથી છેલ્લા ત્રણ મહિનાની એવરેજ શુગરનું પ્રમાણ ચોક્કસ રીતે ખબર પડે છે. આ ટેસ્ટનો મતલબ છે કે ગ્લાઈકેટેડ હિમોગ્લોબિન ટેસ્ટ. આ એક રક્ત પરીક્ષણ છે. જે લોહીમાં હિમોગ્લોબિન (લાલ કણમાં જોવામાં આવતું એક પ્રોટીન છે જે ઓક્સિજનનું વહન કરે)થી જોડાયેલું ગ્લુકોઝની માત્રાનું માપ. જ્યારે લોહીમાં સાકરનું સ્તર અધિક હોય તો તે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે, જેને કારણે ગ્લાઈકેટેડ હિમોગ્લોબિન (Hba1c બને છે.
સામાન્ય રીતે આનું સ્તર 4 ટકા થી 5 ટકા હોવું જોઈએ. 5.7 ટકા થી 6.4 ટકા એટલે પ્રિડાયાબેટીક 6.5થી વધુ ને વધુ હોય તો ડાયાબિટીસનું પ્રમાણ લોહીમાં વધુ છે તેમ દર્શાવે છે. આ રિપોર્ટથી ચોક્કસ નિદાન થાય છે. ડાયાબિટીસ એ શું છે. ડાયાબિટીસ એટલે લોહીમાં સાકરનું સ્તર અધિક થવું તે. અને જ્યારે શરીર પર્યાપ્ત પ્રમાણમાં ઈન્સ્યુલિન બનતું નથી. ઈન્સ્યુલિન એક હાર્મોન છે જે ગ્લુકોઝનું ઊર્જામાં બદલાવાનું કામ કરે છે જે પેન્ક્રિયાઝમાં (અગ્નાશય) બને છે. પેન્ક્રિયાઝમાં બીટા સેલ છે જેને (લૈગેરહેન્સ ઓફ આઈલેટ્સ નામની કોશિકાના સમૂહ) પેન્ક્રિયાઝના બીટા સેલમાં સુગરનો સંગ્રહ થાય છે
(એટલે કે તેમાં સ્ટોર થાય છે) જ્યારે રિફાઈન્ડ તેલ વનસ્પતિ ઘીનો ખાદ્ય-પદાર્થ બનાવવામાં ઉપયોગ થાય. ત્યારે શરીરમાં તીવ્ર એસિડ પેદા થાય આ એસિડ લોહીમાં જાય ત્યાં પણ બળતર પેદા કરે. લોહીનો પી.એચ (માનક) એસીડીક થાય ત્યારે બીટા સેલમાં બળતરા થાય તે બળી જાય કે ગ્લુકોઝ સંગ્રહ કરવાની ક્ષમતા ખોઈ નાખે ત્યારે સાકર (ગ્લુકોઝ) લોહીમાં અધિક થઈ જાય ઈન્સ્યુલિન તેને લઈ જવામાં ઓછું પડે ત્યારે ડાયાબિટીસ થાય છે.
રિફાઈન્ડ તેલ વનસ્પતિ ઘી, માર્ગરીન, મટનટેલો (પ્રાણીની ચરબીનું તેલ) સ્પ્રેડ, સફેદબટર, પાર્શીઅલી હાઈડ્રોજનેટ ઘી જે બધા દસથી બાર પ્રકારના કેમિકલથી તૈયાર થાય છે. જે શરીરમાં જતાં એસિડનું પ્રમાણ વધારી દે છે જલન અને બળતરા થાય છે જેના કારણે ડાયાબિટીસ થાઈરોઈડ, હાર્ટબર્ન અલ્સર જેવી બીમારીઓ અને પછી જાતજાતના કેન્સર થાય છે.
વાચકમિત્રો તમે તમારું તેલ તપાસો જો રિફાઈન્ડ છે તો તેનો ઉપયોગ તરત બંધ કરો વધુ પ્રમાણમાં છે તો દિવાળીમાં દીવા બાળી પૂરું કરી નાખજો.
ખાવામાં વપરાશ ન કરતાં બહારની ખાદ્ય-સામગ્રીના પેકેટ તપાસો તેના પર રિફાઈન્ડ ઓઈલ લખેલું છે તો તેના વપરાશ ન કરતાં. બેકરી પ્રોડક્ટ્સ બધા જ વનસ્પતિ ઘી (નકલી ઘી)માં જ બને છે જે ડાયાબિટીસનું મોટું કારણ છે. આઈસક્રીમના લેબલ તપાસો તેના પર કોઈપણ ઓઈલ લખેલું છે.
બહારના ખાખરા બધા જ વનસ્પતિ ઘી અને રિફાઈન્ડ તેલથી જ બને છે. ખાખરા લોકો વધુ વાપરે છે ડાયટના નામથી પણ ખરેખર તે ખાવા લાયક નથી. શુદ્ધ ઘીમાં બનતી મીઠાઈઓ પણ શુદ્ધ ઘીથી નથી બનતી તેમાં પણ રિફાઈન્ડ તેલ અને વનસ્પતિ ઘી વપરાય છે.
સૌની લાડલી પાણીપૂરીની પૂરીઓ પણ રિફાઈન્ડ તેલમાં બને છે. હોમમેડ ગોળવાળા બિસ્કીટ, ટોસ, ખારી પણ માર્ગરીન (નકલી બટર)થી જ બને છે. સાબુ પણ ખરાબ તેલથી જ બને છે જે ચામડી દ્વારા શરીરને ખરાબ કરે છે. બહારના અથાણા બધા જ રિફાઈન્ડ તેલ ક્યારે ખરાબ થતું નથી. કારણ તે કેમિકલ નાખીને બને છે. આજ આધુનિક યુગની મોટી સમસ્યા એટલે રિફાઈન્ડ તેલ છે. બહારના નાસ્તા બધા જ રિફાઈન્ડ તેલમાં જ બને કારણ તેની સેલ્ફ લાઈફ વધુ છે.
આ બધુ જાણ્યા પછી તમને ખબર પડશે કે શા માટે ડાયાબિટીસ અને અન્ય બીમારીઓ થાય છે કેટલો સુધાર કરવો એ આપણા હાથમાં છે. તહેવારોની મોસમ છે. મીઠાઈ અને ફરસાણ બહારથી જ આવશે. તેમ જ તહેવાર ઉજવવા પણ હોટલમાં જ જવાના. ગમે તેટલી દવાઓ લ્યો એલોપથી, આયુર્વેદિક, હોમીયાપથી કે કોઈ હકીમના નુસખા જ્યાં સુધી ખાવામાં સુધાર નહીં થાય ત્યાં સુધી ડાયાબિટીસ કે અન્ય બીમારી રહેવાની જ છે.
પછી ફોરેનવાળા કે ડૉક્ટરો છાતી ઠોકીને કહેશે કે ભારત એ ડાયાબિટીસનું કેપિટલ છે તેમની દવાઓ લ્યો તેમના ખિસ્સા ભરો. લોકો ડાયાબિટીસ થોડા થોડા સમયના અંતરે તપાસતા હોય છે તેથી લેબોરેટરીવાળાના ખિસ્સા ભરાય. ફક્ત રિપોર્ટ કરવાથી કશો ફાયદો થતો નથી. ગ્રાહકનું ટેન્શન વધે છે. જાણ્યા પછી ઉપચારથી ફાયદા થાય. મારી લગભગ પચ્ચીસથી છવ્વીસ વર્ષની પ્રેક્ટિસમાં મેં જોયું કે આહારની શુદ્ધતાથી જ ડાયાબિટીસ લગભગ નીકળી જાય છે. લુધિયાનાનો આગમ નામનો યુવાનનું ડાયાબિટીસ (335) ત્રણસો પાત્રીસ હતું. દવા ચાલુ નહોતી કરી.
મારી પાસેથી શું ખાવું તે તેણે જાણ્યું તેણે બે મહિનામાં જ પોતાની શુગર (ડાયાબિટીસ) ઈઠોતેર (78) કરી નાખી. આવાં તો ઘણાય લોકો આવે છે જે દવાઓ ખાઈને શરીરને ખરાબ કરી નાખે છે. સમજાવ્યા પછી સુધારો કરે છે ત્યારે રાહત અનુભવે છે. આ કોઈ મુશ્કેલ કામ નથી. હજુ બજારમાં સારી ખાદ્ય-વસ્તુઓ મળે છે. શાકભાજી અને ફળોથી બજાર ઉભરાયેલી છે. ડાયાબિટીસને જલદીથી ઠેકાણે લાવવું જરૂરી છે.
જો ડાયાબિટીસ આગળ વધે છે ત્યારે હાર્ટના ઓપરેશન કિડની ડાયાલિસિસ, પગનું સડી જવું (ઘણીવાર પગ કાપવા પડે છે). શરીરમાં પાણી ભરાય છે (વોટર રીટેશન) આંખોની ઘણીય બીમારી થાય છે. જખ્મ રૂઝાતા નથી. આજથી સતર્ક બનો આ તહેવારોમાં બહારનું રિફાઈન્ડ તેલવાળું કે વનસ્પતિ ઘીવાળી કેક, બિસ્કીટ, નાનખટાઈ જેવી વસ્તુઓ ઘરમાં ના લાવો કે બહાર પણ ન ખાવો.
ડાયાબિટીસ વધારતી અન્ય ખાદ્ય વસ્તુ, શરબત, ડબ્બાપેક ડ્રિંક કે બોટલમાં મળતા ડ્રિંકથી બચવાની જરૂર કોશિશ કરો. ઘરના સાદા ભોજન કે ફિલ્ટર તેલમાં બનાવેલ ભોજનથી બીમારી નથી આવતી. કોઈના કહેવાથી ભરમાઈ ન જવું.
ડાયાબિટીસ ટેન્શનથી આવે છે કે વારસાગત છે ઘણાં કહે કે અનાજ વધુ ખાવાથી આવે છે. ઘણાં કહે છે કે અમે રહીએ છીએ ત્યાં વાતાવરણ પ્રદૂષિત છે કે હવા બરાબર નથી આ બધા વગર કારણના તર્ક છે. ઘણીવાર એવું બને પિતાને માતાને ડાયાબિટીસ હોય પણ કોઈપણ એમના સંતાનને નથી હોતું. કોઈપણ વાતથી ભરમાવું નહિ. પોતે જે ખાનપાન કરો છો તે જરા ઝીણવટથી જુઓ.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : થાઈરોઈડનું એક કારણ સેલેનિયમની ઓછપ…